મોબાઇલ માર્કેટમાં એક તરફ વધુ ને વધુ પાવરફૂલ મોબાઇલ લોન્ચ થઇ રહ્યા છે ત્યારે બીજી તરફ વિશ્વના વિકસિત દેશોમાં એક બહુ મોટો વર્ગ એવો પણ છે, જે હવે મોબાઇલ યુગમાં પ્રવેશી રહ્યો છે. આ વર્ગના લોકો શરૂઆતમાં પ્રમાણમાં ઘણા સસ્તા અને પરિણામે નબળાં સ્પેશિફિકેશનવાળા ફોન ખરીદે છે. છેલ્લા ઘણા સમયથી ગૂગલ કંપની આ પ્રકારના ફોનમાં પણ સરળતાથી ચાલી શકે તેવી વિવિધ એપ્સ રજૂ કરી રહી છે. આ સિલસિલો આગળ ધપાવતાં હમણાં તેણે તેની ફોટોઝ એપનું લાઇટ વર્ઝન ‘ગેલેરી ગો’ નામે રજૂ કર્યું છે.
આ એપ ફક્ત ૧૦ એમબીની છે અને તેમાં ઇમેજિસને એસડી કાર્ડમાં પણ સ્ટોર કરી શકાય છે.
આ એપમાં ગૂગલ ફોટોઝનાં ઘણાં ખરાં ફીચર્સ સમાવી લેવામાં આવ્યાં છે. આ એપ પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી આપણા ફોટો કલેકશનને આપોઆપ ઓર્ગેનાઇઝ કરે છે અને ફોટોઝને અલગ અલગ ઘણી રીતે સર્ચ કરી શકાય છે.
અલબત્ત આ એપ માત્ર એન્ડ્રોઇડ ૮.૧ ઓરિયો કે તેના પછીના વર્ઝનમાં ચાલશે.

