રોજિંદી ફિટનેસ જાળવવામાં મદદરૂપ થતી ગૂગલ ‘ફિટ’ એપનો નજીકનો પરિચય.
આગળ શું વાંચશો?
- ગૂગલ ફિટ એપનાં મુખ્ય પાસાં સમજીએ
- ગૂગલ ફિટ એપનો ઉપયોગ શરૂ કરીએ
- દૈનિક પ્રવૃત્તિની નોંધ કેવી રીતે થશે?
- ગૂગલ ફિટ સાથે અન્ય એપ્સ કનેક્ટ કરી શકાય
- આપણાં લક્ષ્ય કેવાં હોવા જોઇએ?
- ફિટ એપની બેટરી પર કેવી અસર થાય છે?
આપણી જિંદગી સ્માર્ટફોનને કારણે વધુ ને વધુ બેઠાડુ થતી જાય છે, પણ તેની સામે આ જ સ્માર્ટફોન આપણને શારીરિક રીતે વધુ સક્રિય રહેવા માટે પ્રોત્સાહિત પણ કરી શકે છે!
તમે ફિટનેસના આગ્રહી હો તો તમારા સ્માર્ટફોનમાં ઉમેરવા માટે અલગ અલગ ઘણા બધા પ્રકારની ફિટનેસ એપ્સના વિકલ્પો મળે છે. કોઈ એપ આપણને નિયમિત રીતે ચાલવા માટે પ્રોત્સાહિત કરીને રોજે રોજ આપણે કેટલાં ડગલાં ચાલ્યા, કેટલું અંતર ચાલ્યા, એમ કરીને કેટલી કેલેરી બાળી વગેરે વિગતો ટ્રેક કરી આપે છે. તો કોઈ એપ આપણા રોજિંદા આહાર પર નજર રાખવામાં આપણને મદદ કરે છે.
કોઈ એપ આપણે નિશ્ચિત કરીએ એટલા સમય અંતરાલે આપણને પાણી પીવાનું યાદ અપાવે છે. ઘણી એપ સોશિયલ મીડિયાની ગરજ પણ સારે છે અને મિત્રો સાથે ફિટનેસ એક્ટિવિટી શેર કરવાની સગવડ આપે છે.
ઘણી એપ સ્માર્ટ વોચ જેવી ડિવાઇસની મદદથી બ્લડ પ્રેશર, હાર્ટ રેટ્સ, બ્લડ સુગર વગેરેના ટ્રેકિંગમાં પણ મદદ કરે છે.

અલગ અલગ નાની મોટી કંપનીની ફિટનેસ એપ્સ ઉપરાંત એપલ, સેમસંગ, એલજી, ગૂગલ વગેરે સ્માર્ટફોન કંપની પણ પોતપોતાની હેલ્થ એપ્સ આપે છે. આપણે ગૂગલની ફિટનેસ એપ ‘ગૂગલ ફિટ’નો નજીકનો પરિચય મેળવીએ. આ સરળ એપ એન્ડ્રોઇડ અને આઇઓએસ બંને પ્રકારના ફોનમાં ઇન્સ્ટોલ કરી શકાય છે.
ગૂગલ ફિટ એપનાં મુખ્ય પાસાં સમજીએ
એપનો હોમ સ્ક્રીન તદ્દન સરળ છે. તેમાં આપણાં પગલાં અને અન્ય શારીરિક પ્રવૃત્તિ મુજબ મૂવ પોઇન્ટ્સ અને હાર્ટ પોઇન્ટ્સની ગણતરી જોઈ શકાય છે.

એપનો ઉપયોગ શરૂ કર્યા પછી, આપણા રોજેરોજના તેમ જ અઠવાડિયા, મહિનાનાં પોઇન્ટ્સ જર્નલમાં જઈને જોઈ શકાશે.
એપનો ઉપયોગ શરૂ કરતી વખતે આપણે પોતાની પ્રાથમિક વિગતો આપી શકીએ છીએ. તેના આધારે વજન, કેલરી બર્નિંગ વગેરેનું ટ્રેકિંગ રાખી શકાય છે.
ગૂગલ ફિટ એપનો ઉપયોગ શરૂ કરીએ
તમારા સ્માર્ટફોનમાં ગૂગલ ફિટ ઇન્સ્ટોલ કરીને ઓપન કરશો એટલે તમારા ગૂગલ એકાઉન્ટથી સાઇન-ઇન કરવાનું કહેવામાં આવશે. તમે ઇચ્છો તો એપને તમારી જાતિ, જન્મ તારીખ, વજન અને ઊંચાઈ જણાવી શકો છો. અલબત્ત આમાંનું કશું ફરજિયાત નથી. આટલી વિગતો આપીને એપના હોમ સ્ક્રીન પર પહોંચતાં આપણને આપણી ગૂગલ પ્રોફાઇલ ઇમેજ સાથે ડાર્ક બ્લ્યૂ અને લીલા રંગનાં બે વર્તુળ જોવા મળે છે.
ડાર્ક બ્લુ વર્તુળ આપણી ‘મૂવ મિનિટ્સ’ દર્શાવે છે અને લીલું વર્તુળ ‘હાર્ટ પોઇન્ટ્સ’ દર્શાવે છે.
તેની નીચે જે તે દિવસે, જે તે ક્ષણ સુધીમાં આપણે કેટલાં પગલાં ચાલ્યા તે, કેટલી કેલરી બર્ન કરી તે અને કેટલા કિલોમીટર ચાલ્યા તે દર્શાવવામાં આવે છે.
તેની નીચે અઠવાડિયા દરમિયાન રોજે રોજ આપણે કેટલું ચાલ્યા તેનો ચાર્ટ દર્શાવવામાં આવે છે. દેખીતું છે કે ફિટ એપનો ઉપયોગ શરૂ કર્યા પછી આ ચાર્ટમાં વિગતો દેખાવાનું શરૂ થશે. તેની નીચે હાર્ટ રેટ અને વજનની વિગતો જોવા મળશે.
હોમ સ્ક્રીન
એપના હોમ સ્ક્રીન પર છેક નીચે હોમ, જર્નલ અને પ્રોફાઇલ એમ ત્રણ ટેબ જોવા મળે છે.
હોમ
ઉપર જોયું તેમ, હોમ સ્ક્રીન પર આપણી દૈનિક પ્રવૃ્ત્તિની વિગતો જોઈ શકાય છે.
જર્નલ
જર્નલ ટેબમાં આપણી અગાઉની પ્રવૃત્તિઓ જોઈ શકાય છે. ફિટ એપ આપણે ચાલીએ ત્યારે આપણાં સ્ટેપ્સની આપોઆપ ગણતરી કરી લે છે પણ એ સિવાયની વિવિધ શારીરિક પ્રવૃત્તિઓની નોંધ આપણે જાતે કરવી પડે છે. એ બધું જર્નલ ટેબમાં થઈ શકે છે.
પ્રોફાઇલ
પ્રોફાઇલ ટેબમાં આપણે આપણી વિગતો જોઇ શકીએ છીએ. ખાસ તો અહીં આપણે મૂવ મિનિટ્સ અને હાર્ટ પોઇન્ટ્સનાં દૈનિક લક્ષ્યો નક્કી કરી શકીએ છીએ.
એપના સેટિંગ્સમાં જઇને આપણે હાઇટ માટે સેન્ટિમીટર, વજન માટે કિલોગ્રામ, અંતર માટે કિલોમીટર વગેરે એકમ નક્કી કરી શકીએ છીએ. તથા અન્ય એપ્સને ગૂગલ ફિટ સાથે કનેક્ટ કરવી કે નહીં, આપણો ડેટા કેવી રીતે મેનેજ કરવો, એક્ટિવિટી ઓટોમેટિકલી ટ્રેક કરવી કે નહીં વગેરેનાં સેટિંગ્સ થઇ શકે છે.
દૈનિક પ્રવૃત્તિની નોંધ કેવી રીતે ઉમેરાશે
ફિટ એપ ફોનમાં ઇન્સ્ટોલ કર્યા પછી અને પ્રાથમિક વિગતોની નોંધ કર્યા પછી આમ તો આપણે કશું જ કરવાનું રહેતું નથી. બસ, દિવસ દરમિયાન થોડા થોડા સમયે ફિટ એપ ઓપન કરીને આજના દિવસમાં આપણે કેટલા સક્રિય રહ્યા તે જોતા રહેવાનું!
એ માટે એપના હોમ સ્ક્રીન પર સૌથી ઉપર આપેલા વર્તુળમાં તમારી જે તે દિવસની સક્રિયતાના આધારે મૂવ મિનિટ્સ અને હાર્ટ પોઇન્ટ્સની પ્રગતિ જોઈ શકાશે.

અત્યાર સુધી આ શબ્દો વારંવાર વાંચીને તમને એ બંને ખરેખર શું છે એ જાણવાની ઈચ્છા થાય તો જમણી તરફ આપેલા ઇન્ફર્મેશનના ‘આઇ’ આઇકન પર ક્લિક કરતાં એ માહિતી મળે છે (જે વિશે નીચે વધુ માહિતી આપી છે).
થોડા સમયથી ગૂગલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબલ્યુએચઓ) તથા અમેરિકન હાર્ટ એસોસિએશન (એએચએ) સાથે જોડાણ કરીને પોતાની એપને વધુ ઉપયોગી બનાવવાનો પ્રયાસ કર્યો છે.
સ્વાસ્થ્ય માટે શારીરિક સક્રિયતાનું મહત્ત્વ આપણે સૌ જાણીએ છીએ પરંતુ આવી સક્રિયતાની તીવ્રતા માપવી પણ જરૂરી છે. એ મુજબ ગૂગલ ફિટ એપમાં હવે મૂવ મિનિટ્સ અને હાર્ટ પોઇન્ટસ એમ બે રીતે આપણી સક્રિયતા માપવામાં આવે છે.
મોટા ભાગની ફિટનેસ એપ્સ આપણે કેટલાં ડગલાં ચાલ્યા કે કેટલો સમય વર્કઆઉટ કર્યું તેની નોંધ રાખે છે પણ એટલી સક્રિયતા આપણા સ્વાસ્થ્ય માટે કેટલી ઉપયોગી છે તે જાણવા માટે મૂવ મિનિટ્સ અને હાર્ટ પોઇન્ટ્સ મદદરૂપ થઈ શકે છે.
મૂવ મિનિટ્સ
દિવસ દરમિયાન આપણે જે કોઈ અલગ અલગ રીતે શારીરિક રીતે સક્રિય રહીએ એ બધું મૂવ મિનિટ્સમાં નોંધવામાં આવે છે.
દિવસ દરમિયાન આપણે ચાલીએ, દોડીએ, તરીએ કે યોગ કરીએ એ બધું જ ફિટ એપમાં મૂવ મિનિટ્સ તરીકે નોંધાય છે. ઉદાહરણ તરીકે આપણે ચાલવા જઇએ ત્યારે દરેક મિનિટ દીઠ ૩૦ કે વધુ ડગલાં ભરીએ તો આપણને એક મૂવ મિનિટ મળે છે.
હાર્ટ પોઇન્ટ્સ
મોટા ભાગની શારીરિક સક્રિયતાનું અંતિમ લક્ષ્ય આપણાંહૃદયને સ્વસ્થ રીતે ધબકતું રાખવાનું હોય છે. શારીરિક સક્રિયતા આપણા હૃદય અને મગજ બંનેને સ્વસ્થ રાખે છે. ફિટ એપમાં આપણને મધ્યમથી ભારે સ્તરની શારીરિક પ્રવૃત્તિમાં ગાળેલી દરેક મિનિટ માટે હાર્ટ પોઇન્ટ મળે છે.
જેમ કે જો આપણે પ્રમાણમાં ઝડપથી ચાલીએ અને દર મિનિટે ૧૦૦થી વધુ ડગલાં માંડીએ તો ફિટ એપ આપણને એક હાર્ટ પોઇન્ટ આપે છે.
જો વધુ તીવ્રતા સાથેની શારીરિક પ્રવૃત્તિ કરીએ જેમ કે જોગિંગ કરીએ કે એરોબિક્સ ડાન્સ ક્લાસમાં જોડાઇએ તો આવી વધુ તીવ્રતાવાળી પ્રવૃત્તિ માટે દર મિનિટ દીઠ આપણને બે હાર્ટ પોઇન્ટ મળે છે.
ગૂગલ ફિટ સાથે અન્ય એપ્સ કનેક્ટ કરી શકાય
તમે નિયમિત શારીરિક રીતે સક્રિય રહીને સ્વાસ્થ્ય સંભાળવા માગતા હો તો ગૂગલ ફિટનો ઉપર જણાવેલો ઉપયોગ તમારા માટે પૂરતો છે. પરંતુ તમે ઇચ્છો તો બીજી ફિટનેસ એપને ગૂગલ ફિટ સાથે કનેક્ટ કરી શકો છો.
ગૂગલ ફિટમાં તમે તમારું વજન નોંધ્યું હોય અને થોડા થોડા દિવસ કે મહિનાના અંતરે વજન કરાવીને તેમાં ઉમેરો તો વજનમાં થતી વધઘટનો ચાર્ટ તેમાં મળી શકે છે. એ માટે અન્ય કોઈ એપને ફિટ સાથે કનેક્ટ કરવાની જરૂર નથી.
પણ, ઘણી એપ આપણું બીપી કે સ્માર્ટવોચની મદદથી આપણા પલ્સ રેટ ટ્રેક કરી શકે છે. આવી એપને ગૂગલ ફિટ સાથે કનેક્ટ કરીએ તો તેમાંનો ડેટા ફિટમાં જોઈ શકાય છે, જેથી સ્વાસ્થ્ય સંબંધી બધી માહિતી એક એપમાં મળી શકે.
આ ઉપરાંત, સંખ્યાબંધ લાઇફ ઇન્સ્યોરન્સ અને મેડિક્લેઈમની સુવિધા આપતી કંપનીઝ હવે પોતાની ફિટનેસ એપ્સ રજૂ કરવા લાગી છે. વીમાધારકો આવી એપ ઇન્સ્ટોલ કરીને તેને ગૂગલ ફિટ સાથે કનેકટ કરે તો અને કંપનીએ નિશ્ચિત કરેલા માપદંડ મુજબ નિયમિત રીતે ચાલે તો વીમા કંપની તેના પ્રીમિયમમાં થોડું વળતર પણ ઓફર કરવા લાગી છે!
ગૂગલ ફિટ જેવી અન્ય કેટલીક એપ (જેમ કે ‘સ્ટેપસેટગો’ એપ આપણે જેટલું ચાલીએ તેના પ્રમાણમાં આપણને પોઇન્ટ્સ આપે છે, જેના બદલામાં આપણે ઇનામો જીતી શકીએ છીએ! આ એપ આખરે તો ગૂગલ એપના આધારે જ આપણાં સ્ટેપ્સ કાઉન્ટ કરે છે.
તમે અને પરિવારના અન્ય સભ્યો કે મિત્રો પોતપોતાના સ્માર્ટફોનમાં ગૂગલ ફિટ એપ ઇન્સ્ટોલ કરીને રોજ કોણે કેટલાં મૂવ પોઇન્ટ્સ અને હાર્ટપોઇન્ટ્સ મેળવ્યાં એની તંદુરસ્ત હરીફાઈ કરશો તો મજા પણ આવશે અને સારું સ્વાસ્થ્ય જળવાશે એ નક્કી!
આપણાં લક્ષ્ય કેવાં હોવા જોઇએ?


ફિટ એપમાં જણાવ્યા અનુસાર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દર અઠવાડિયે ઓછામાં ઓછી ૧૫૦ મિનિટના મધ્યમ વ્યાયામ અથવા ૭૫ મિનિટના વધુ તીવ્રતાવાળા વ્યાયામની ભલામણ કરે છે. ફિટ એપના મતે જો તમે દર અઠવાડિયે ઓછામાં ઓછા ૧૫૦ હાર્ટ પોઇન્ટ મેળવી શકો તો તમે આ ભલામણોનું પાલન કર્યું ગણાય.
ફિટ એપની બેટરી પર શી અસર થાય છે?
ગૂગલ ફિટ આપણા ફોનમાંના વિવિધ સેન્સર્સ જેમ કે એક્સેલરોમીટર, સ્ટેપ કાઉન્ટર, સિગ્નિફિકન્ટ મોશન કાઉન્ટર તથા જીપીએસ આધારિત લોકેશન ટ્રેકિંગ વગેરેની મદદથી આપણાં પગલાં માપી શકે છે.
આ એપનું અલ્ગોરિધમ એટલું સ્માર્ટ છે કે આપણે ચાલવાને બદલે સાઇકલ, બાઇક કે કારમાં ક્યાંય જઈ રહ્યા હોઈએ તો એપ ‘સમજી’ જાય છે કે આપણે ચાલી રહ્યા નથી અને આપણાં પગલાં ગણવાનાં નથી.
ફિટ એપ ઇન્ટરનેટ કનેક્શન વિના આપણાં પગલાંની ગણતરી રાખી શકે છે. તેમ જ, આપણે આ એપ ઓપન ન રાખી હોય ત્યારે પણ તે આપણાં ડગલાં ગણવાનું પોતાનું કામ કરતી રહે છે.
આ જ કારણે ફિટથી આપણા ફોનની બેટરી વધુ ખર્ચાય છે. જોકે સારી બેટરી ક્ષમતા ધરાવતા ફોનમાં આ એપથી કોઈ મુશ્કેલી સર્જાતી નથી. ઉપરાંત આપણે બેટરી બચાવવાના અન્ય ઉપાય કામે લગાડી શકીએ છીએ.
આપણા ફોનની સિસ્ટમ ધીમે ધીમે એટલી સ્માર્ટ થતી જાય છે કે તેમાંની વિવિધ એપ્સ બેટરી પર ખાસ્સી અસર કરતી હોય તો તેના વપરાશને મર્યાદિત કરી નાખે છે.
આ કારણે અથવા પોતે બેટરી ઓપ્ટિમાઇઝેશનના સેટિંગ્સમાં કોઈ ભૂલ કરી નાખીએ, તો તમારા ફોનમાં ગૂગલ ફિટ હોવા છતાં, તેમાં તમારાં પગલાંની ગણતરી ન થાય એવું બની શકે છે.
તેના ઉપાય તરીકે, ફોનના સેટિંગ્સમાં, બેટરી સેક્શનમાં ‘ઓપ્ટિમાઇઝેશન’ના વિકલ્પો શોધી જુઓ. દરેક ફોનમાં આ વ્યવસ્થાનાં નામ જુદાં જુદાં હોય છે, પણ આપણે માત્ર એટલી ખાતરી કરવાની છે કે બેટરી બચાવવા માટે ફિટનું સ્ટેપ ટ્રેકિંગ બંધ થઈ ગયું નથી.
તો આ થઈ, ગૂગલ ફિટના ઉપયોગની સ્ટેપ-બાય-સ્ટેપ માહિતી!
વિશ યુ એક્ટિવ, ફિટ એન્ડ હેલ્ધી લાઇફ!

