ટેક કંપની અને તેની સર્વિસીઝના ઉપયોગની દૃષ્ટિએ અત્યારે દુનિયા ઘણે અંશે બે ભાગમાં વહેંચાયેલી છે. ઓફિસમાં પીસી પર બહુ મોટા પ્રમાણમાં માઇક્રોસોફ્ટના પ્રોગ્રામ્સનો ઉપયોગ થાય છે, જ્યારે સ્માર્ટફોનમાં ગૂગલની સર્વિસીઝનો (આમાં એપલના ડિવાઇસ અને સર્વિસીઝનો ઉપયોગ કરતા લોકો હજી નોખા છે!). ગૂગલ અને માઇક્રોસોફ્ટ બંને તરફથી આ વાડાબંધી તોડવાના પ્રયાસો થઈ રહ્યા છે. ગૂગલ ડ્રાઇવમાં હવે આપણે એમએસ ઓફિસની ફાઇલ્સ સેવ કરી શકીએ છીએ તેમજ એડિટ પણ કરી શકીએ છીએ. બરાબર એ જ રીતે, માઇક્રોસોફ્ટ કંપની જીમેઇલ, ગૂગલ ડ્રાઇવ અને ગૂગલ કેલેન્ડર સર્વિસીઝને માઇક્રોસોફ્ટના આઉટલૂક.કોમ વેબ મેઇલ ક્લાયન્ટમાં ઉમેરવાની તૈયારીમાં છે. આમ થયા પછી આપણે પોતાના આઉટલૂક.કોમ એકાઉન્ટ સાથે ગૂગલ એકાઉન્ટને લિન્ક કરી શકીશું અને તેથી વેબ પર આઉટલૂક.કોમમાં જ આપણા જીમેઇલ, ડ્રાઇવ ડોક્યુમેન્ટ્સ તથા ગૂગલ કેલેન્ડરની વિગતો જોઈ શકાશે.
