ગૂગલ ફિટ આપણા ફોનમાંના વિવિધ સેન્સર્સ જેમ કે એક્સેલરોમીટર, સ્ટેપ કાઉન્ટર, સિગ્નિફિકન્ટ મોશન કાઉન્ટર તથા જીપીએસ આધારિત લોકેશન ટ્રેકિંગ વગેરેની મદદથી આપણાં પગલાં માપી શકે છે. આ એપનું અલ્ગોરિધમ એટલું સ્માર્ટ છે કે આપણે ચાલવાને બદલે સાઇકલ, બાઇક કે કારમાં ક્યાંય જઈ રહ્યા હોઈએ તો એપ ‘સમજી’ જાય છે કે આપણે ચાલી રહ્યા નથી અને આપણાં પગલાં ગણવાનાં નથી.
ફિટ એપ ઇન્ટરનેટ કનેક્શન વિના આપણાં પગલાંની ગણતરી રાખી શકે છે. તેમ જ, આપણે આ એપ ઓપન ન રાખી હોય ત્યારે પણ તે આપણાં ડગલાં ગણવાનું પોતાનું કામ કરતી રહે છે.
આ જ કારણે ફિટથી આપણા ફોનની બેટરી વધુ ખર્ચાય છે. જોકે સારી બેટરી ક્ષમતા ધરાવતા ફોનમાં આ એપથી કોઈ મુશ્કેલી સર્જાતી નથી. ઉપરાંત આપણે બેટરી બચાવવાના અન્ય ઉપાય કામે લગાડી શકીએ છીએ.
આપણા ફોનની સિસ્ટમ ધીમે ધીમે એટલી સ્માર્ટ થતી જાય છે કે તેમાંની વિવિધ એપ્સ બેટરી પર ખાસ્સી અસર કરતી હોય તો તેના વપરાશને મર્યાદિત કરી નાખે છે.
આ કારણે અથવા પોતે બેટરી ઓપ્ટિમાઇઝેશનના સેટિંગ્સમાં કોઈ ભૂલ કરી નાખીએ, તો તમારા ફોનમાં ગૂગલ ફિટ હોવા છતાં, તેમાં તમારાં પગલાંની ગણતરી ન થાય એવું બની શકે છે.
તેના ઉપાય તરીકે, ફોનના સેટિંગ્સમાં, બેટરી સેક્શનમાં ‘ઓપ્ટિમાઇઝેશન’ના વિકલ્પો શોધી જુઓ. દરેક ફોનમાં આ વ્યવસ્થાનાં નામ જુદાં જુદાં હોય છે, પણ આપણે માત્ર એટલી ખાતરી કરવાની છે કે બેટરી બચાવવા માટે ફિટનું સ્ટેપ ટ્રેકિંગ બંધ થઈ ગયું નથી.
