ઇન્ટરનેટ અને ડેટા ટેક્નોલોજીનો ઉપયોગ આપણને દેખાય છે એટલો સીમિત નથી. આખી દુનિયાના મહાસાગરોમાં ચોરીછૂપીથી માછીમારી કરતાં જહાજોને પકડી પાડવામાં પણ તે ઉપયોગી છે.
પશ્ર્ચિમમાં એશિયા -ઓસ્ટ્રેલિયા અને પૂર્વમાં અમેરિકા વચ્ચે પારાવાર ફેલાયેલા વિશ્વના સૌથી વિશાળ અને સૌથી ઊંડા મહાસાગર પ્રશાંત મહાસાગરની લગભગ વચ્ચોવચ્ચ કિરીબાટી નામનો એક ટચૂકડો દેશ આવેલો છે. દેશની વસતી માંડ ૧ લાખ ૧૦ હજાર જેટલી છે.
ટાપુ પર વસેલા આ દેશની આસપાસના વિસ્તારને યુનેસ્કોએ ‘ફિનિક્સ આઇલેન્ડ પ્રોટેક્ટેડ એરિયા’ તરીકે જાહેર કર્યો છે અને તે યુનેસ્કોની સૌથી વિશાળ વર્લ્ડ હેરિટેજ મરીન સાઇટ છે. આ આખો વિસ્તાર એક ખાસ પ્રકારની માછલી માટે બહુ ફળદ્રુપ મનાય છે. પરંતુ આ માછલીના સંરક્ષણ માટે કિરીબાટી ટાપુની આસપાસના વિસ્તારમાં માછીમારી પર સદંતર પ્રતિબંધ છે.
જૂન ૨૦૧૫માં એક માછીમારી જહાજ આ વિસ્તારમાં ફરતું હોવાનું નોંધાયું. તરત જ તેને અટકાવવા માટે કિરીબાટીની સરકારે દેશની રાજધાનીથી એક જહાજ રવાના કર્યું, જે ચાર દિવસની મુસાફરી પછી, આ પ્રતિબંધિત વિસ્તારમાં ચોરીછૂપીથી માછીમારી કરવા માટે ઘૂસેલા પેલા માછીમારી જહાજ સુધી પહોંચ્યું. એ જહાજના કેપ્ટને પોતે માછીમારી કરી રહ્યો હોવાનું સ્પષ્ટ નકારી દીધું. કેપ્ટનને હતું કે તેનું જહાજ માછીમારી કરી રહ્યું હોવાનો કિરીબાટી સરકાર પાસે કોઈ પુરાવો નહીં હોય અને તેની કંપની સામે કોર્ટ કેસ કરવાનું પણ આ ટચૂકડા દેશનું કોઈ ગજું નથી.
કિરીબાટી સરકારની બોટ કોઈ દલીલમાં ઉતર્યા વિના એ જહાજને પોતાના દેશ સુધી ખેંચી લાવી અને તેના કેપ્ટનને તેના જહાજની મૂવમેન્ટનું વિઝ્યુઅલાઇઝેશન બતાવવામાં આવ્યું.
માછીમારી માટેના પ્રતિબંધિત વિસ્તારમાં માછીમારી માટેની ચોક્કસ પેટર્ન સાથે પોતાના જહાજની મૂવમેન્ટનો પુરાવો કમ્પ્યુટરના સ્ક્રીન પર નજરોનજર જોયા પછી પેલા માછીમારી જહાજનો કેપ્ટન તરત જ પાણીમાં બેસી ગયો અને તેની કંપની કિરીબાટી સરકાર સાથે સમાધાન કરી લેવા તૈયાર થઇ ગઈ!
આગળ શું વાંચશો?
- મશીન લર્નિંગનો વિસ્તરતો ઉપયોગ
- માછીમારીના ટ્રેકિંગ માટે એક નવુું પ્લેટફોર્મ
ક્વિક નોટ્સ
- ડેટાનો જુદો ઉપયોગ
- માછીમારીનો નક્શો
મશીન લર્નિંગનો વિસ્તરતો ઉપયોગ
ઇન્ટરનેટ અને મશીન લર્નિંગનો ઉપયોગ કેટલો વિસ્તરી રહ્યો છે એ સમજવા માટે ઉપરનો કિસ્સો જરા લંબાણપૂર્વક ટાંક્યો છે.
હજી થોડા વર્ષ પહેલાં આવું શક્ય નહોતું. પૃથ્વીની સપાટીના ૭૧ ટકા ભાગ પર મહાસાગરો ફેલાયેલા છે જેમાંથી માંડ પાંચ ટકા જેટલા ભાગનો માણસ કંઈક તાગ મેળવી શક્યો છે.
૧.૪ અબજ ચોરસ માઇલ જેટલા અફાટ વિસ્તારમાં ફેલાયેલા મહાસાગરો પૃથ્વી પરનું જીવન ટકાવી રાખવામાં બહુમૂલ્ય ભૂમિકા ભજવે છે. કરોડો લોકોની આજીવિકા મહાસાગરો પર આધારિત છે. ત્રણેક અબજ જેટલા લોકો માટે ભોજન અને પોષણનો મુખ્ય આધાર સીફૂડ છે, જેના કારણે વિશ્વના અનાજ ભંડારો પરનું દબાણ ઓછું થાય છે.
પરંતુ જેમ પૃથ્વીની જમીન પર માણસે પર્યાવરણનું નિકંદન કાઢવામાં કોઈ કચાશ છોડી નથી એવું જ મહાસાગરોમાં ચાલી રહ્યું છે. મહાસાગરો અફાટ હોવાથી અહીં દેખરેખ રાખવી લગભગ અસંભવ છે. એથી બેરોકટોક બહુ મોટા પ્રમાણમાં માછીમારી થાય છે, પ્રતિબંધિત વિસ્તારોમાં પણ બેફામ માછીમારી થતી રહે છે. દર વર્ષે વિશ્વના મહાસાગરોમાંથી ગેરકાયદે માછીમારીથી ૨૩ અબજ ડોલરથી વધુ મૂલ્યના સીફૂડની ચોરી થાય છે. જેને કારણે વિશ્વસ્તરે વિવિધ પ્રકારની માછલીનું કુલ પ્રમાણ ગંભીર કટોકટીમાં આવી ગયું છે. અમુક ખાસ પ્રકારની માછલીની વસતી તો ૯૦ જેટલી ઘટી ગઈ છે!
મહાસાગરો એટલા વિશાળ છે કે હજી હમણાં સુધી આ નુકસાન કેટલું ગંભીર છે એનો તાગ મેળવવો જ મુશ્કેલ હતો, તેની સામે કંઈક પગલાં લેવાનો સવાલ તો પછી આવે છે.
૧૯૯૦ના દાયકાથી આ સ્થિતિ બદલાવાની શરૂઆત થઈ. એ સમયે વિશાળ જહાજો ઓટોમેટિક આઇડેન્ટિફિકેશન સિસ્ટમ (એઆઇએસ) તરીકે ઓળખાતી એક ટેકનોલોજીનો ઉપયોગ કરવા લાગ્યાં. દરિયો ખેડવા જતાં જહાજો માટે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (જીપીએસ) આધારિત આ ટેકનોલોજીથી જે તે જહાજ અને તેની આસપાસના અન્ય જહાજો, બંદરો વગેરેને એ જહાજના લોકેશનની જાણ રહે છે.
વર્ષ ૨૦૧૩ સુધીમાં યુએસ અને યુરોપિયન યુનિયને મોટા ભાગના કમર્શિયલ જહાજો માટે એઆઇએસ વ્યવસ્થા ફરજિયાત કરી દીધી (દેખીતું છે કે લશ્કરી જહાજો લોકેશન ટ્રેકિંગ માટે તેમની આગવી વ્યવસ્થા ધરાવે છે). દરિયાની સપાટી પર ફરી રહેલાં જહાજોના લોકેશનનો ડેટા સેટેલાઇટ મારફત પરત પૃથ્વી પર પહોંચે છે (જહાજોના સિગ્નલ્સ ઝીલવા માટે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પણ એક એન્ટેના હતું).
આ બધાનું પરિણામ એ આવ્યું કે થોડાં વર્ષ પહેલાં મધદરિયો ખેડી રહેલાં જહાજોનું કોઈ રીતે જાહેર ટ્રેકિંગ શક્ય નહોતું, તેમાંથી લગભગ અઢી લાખ જેટલા જહાજોની ગતિવિધિ મોનિટર થવા લાગી.
વર્ષ ૨૦૧૩માં આ સ્થિતિએ હજી વધુ એક વળાંક લીધો.
સેટેલાઇટ આધારિત એન્વાર્યનમેન્ટલ મોનિટરિંગ માટે સક્રિય ‘સ્કાયટ્રૂથ’ નામની એક સ્વૈચ્છિક સંસ્થાના અધિકારીઓ ગૂગલની એક કોન્ફરન્સમાં ભાગ લઈ રહ્યા હતા ત્યારે તેમણે ગૂગલના અધિકારીઓને વાતવાતમાં કહ્યું કે તેમની સંસ્થા જહાજોના એઆઇએસ ડેટાનો ઉપયોગ કરીને મહાસાગરોના સંરક્ષિત વિસ્તારોની દેખરેખ રાખવાનો પ્રયાસ કરી રહી હતી. અલબત્ત એ માટે જુદી જુદી વ્યક્તિ પોતે જહાજની મૂવમેન્ટના ડેટાનો અભ્યાસ કરીને એ જહાજ માછીમારી કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું કે કેમ તે નક્કી કરવા મથતા હતા.
ગૂગલને લાગ્યું કે જો એક માણસ નાના વિસ્તારના અપૂરતા ડેટા પરથી કંઈક સાર કાઢી શકતો હોય તો મશીન લર્નિંગને કામે લગાડવામાં આવે તો તો ચમત્કાર થઈ શકે!
માછીમારીના ટ્રેકિંગ માટે એક નવુું પ્લેટફોર્મ
સ્કાયટ્રૂથ, ગૂગલ અને પછી ‘ઓશિયાના’ નામની મહાસાગરોની સમર્પિત વિશ્વની અન્ય એક સૌથી મોટી સ્વૈચ્છિક સંસ્થાએ સાથે મળીને ગ્લોબલ ફિશિંગ વોચ નામનું એક પ્લેટફોર્મ વિકસાવ્યું (globalfishingwatch.org).
આ સિસ્ટમમાં સૌથી પહેલાં જહાજનો એઆઇએસ ડેટા મેળવવામાં આવ્યો. એટલે કે જે તે સમયે પૃથ્વી પર કયા અક્ષાંશ અને રેખાંશ પર આ જહાજ છે, તેની ઝડપ કેટલી છે, તેની દિશા કઈ છે અને તે કયા દેશનું, ક્યું જહાજ છે તે જાણવામાં આવે છે. એ પછી આવા હજારો જહાજોનો ડેટા સિસ્ટમમાં ફીડ કરવામાં આવ્યો, જેનો અભ્યાસ કરીને મશીન લર્નિંગ અલ્ગોરિધમ્સ માછીમારી કરતા જહાજની મૂવમેન્ટની ચોક્કસ પેટર્ન કેવી હોય છે તે જાણતાં શીખવા લાગ્યાં.
વિશાળ કાર્ગો લઇ જતાં મહાકાય ફ્રેઇટર્સ, ટગબોટ્સ, લાંબાં વિશાળ જહાજો, ટ્રોલર્સ વગેરે દરેક શીપની મૂવમેન્ટની એક ચોક્કસ પદ્ધતિ હોય છે. તેની ગતિ શી છે, તે કેટલી ઝડપથી પોતાની દિશા બદલે છે, તે કેટલાં ઊંડા પાણીમાં છે, તેની આસપાસ અન્ય કોઈ બોટ્સ છે કે કેમ, માછીમારી જહાજ તરીકેના વૈશ્વિક ડેટાબેઝમાં એ જહાજનું નામ સામેલ છે કે કેમ આ બધી બાબતોને આધારે નક્કી થઈ શકે છે કે એ જહાજ માછીમારી કરે છે કે કેમ.
આ બધાને આધારે ગૂગલની સિસ્ટમે એક ઇન્ટરએક્ટિવ પબ્લિક મેપ તૈયાર કર્યો છે જેનો વિશ્વનો કોઈ પણ દેશ બિલકુલ મફતમાં ઉપયોગ કરી શકે છે!
ગેરકાયદે ચોરી કરતાં જહાજોની ચોરી કઈ રીતે પકડાય છે?
અત્યાર સુધી પોતાની જળસીમાઓમાં માછીમારી કરતાં જહાજોનું મોનિટરિંગ કરવાની વ્યવસ્થા એટલી ખર્ચાળ હતી કે ઘણા ખરા દેશો એવી ઝંઝટમાં પડતા નહોતા પરિણામે દરિયાઈ જળસૃષ્ટિનું સંતુલન ચિંતાજનક હદે ખોરવાઈ રહ્યું હતું. હવે આ ડેટા મફતમાં ઉપલબ્ધ થયો હોવાથી ચિત્ર ધીમે ધીમે બદલાઈ રહ્યું છે.
આખી દુનિયામાં લગભગ ૨૯ લાખ જહાજો (પ્રમાણમાં મોટાં જહાજો) માછીમારી કરે છે અને તેમાંથી એઆઇએસ (જહાજની ઓળખ અને મૂવમેન્ટ જાહેર કરતી સિસ્ટમ) ધરાવતાં જહાજોનું પ્રમાણ બહુ ઓછું છે, પણ મધદરિયે સૌથી વધુ પ્રમાણમાં આ જ જહાજો માછીમારી કરે છે. સૌથી વધુ માછીમારી કરતાં લગભગ ૮૦ ટકા જહાજો એઆઇએસ અને તેના ડેટાના મશીન લર્નિંગ એનાલિસિસને કારણે મધદરિયે પણ ચોરી કરી શકતાં નથી, કેમ કે ઉપરવાલા સબ દેખ રહા હોતા હૈ!
જેમ દરેક સિમ કાર્ડનો એક ચોક્કસ ઇન્ટરનેશનલ મોબાઇલ સબસ્ક્રાઇબર આઇડેન્ટિટી (આઇએમએસઆઇ) નંબર હોય છે તેમ દરેક જહાજની ઓળખ માટે એક ચોક્કસ મેરિટાઇમ મોબાઇલ સર્વિસ આઇડેન્ટિટી (એમએમએસઆઇ) નંબર હોય છે.
પ્રતિબંધિત વિસ્તારોમાં માછીમારી કરવા માગતાં જહાજો પોતાની ચોરી છૂપાવવા કોઈ બનાવટી એમએમએસઆઇ નંબરનો ઉપયોગ કરે તો સિસ્ટમને એક જ નંબર માટે એકથી વધુ જગ્યાએથી ડેટા મળવા લાગે. મશીન લર્નિંગ અલ્ગોરિધમ્સ ડેટા પેટર્ન અને સેટેલાઇટ્સના લોકેશનનો તાળો મેળવીને આવી ચોરી પણ પકડી શકે છે.
જે જહાજો પોતાની એઆઇએસ સિસ્ટમ બંધ કરી દે અથવા રાતના સમયે માછીમારી કરે તેને, તેની અગાઉની પેટર્નને આધારે ટ્રેક કરવાનું પણ હવે શક્ય બન્યું છે!
દરેક દેશના દરિયાકિનારાથી સમુદ્રમાં ૨૦૦ નોટિકલ માઇલ સુધીનો વિસ્તાર જે તે દેશની જળસીમા ગણાય છે. જુદા જુદા દેશો પોતાની સીમામાં માછીમારી વિશેનો ડેટા (જે અત્યાર સુધી પબ્લિક ડેટા નહોતો તે) હવે ગ્લોબલ ફિશિંગ વોચની સિસ્ટમને આપવા લાગ્યા છે.
આપણે ઇન્ટરનેટને અમુક મર્યાદિત સ્વરૂપે જ ઓળખીએ છીએ, પણ તેની ટેક્નોલોજીનો ઉપયોગ હવે જુદાં જુદાં અનેક ક્ષેત્રોમાં વિવિધ રીતે વિસ્તરી રહ્યો છે, જે આપણા જીવનને બહેતર બનાવશે એવી આશા રાખી શકાય!
ક્વિક નોટ્સ
ડેટાનો જુદો ઉપયોગ
જાન્યુઆરી ૬, ૨૦૧૮ના દિવસે, એક લાખ ટન જેટલું ઝેરી ઓઇલ લઈ જતું, ઇરાનનું એક ટેન્કર બીજા જહાજ સાથે અથડાયું. ચીન, જાપાન અને દક્ષિણ કોરિયા વચ્ચેના મહાસાગરમાં આ ટક્કર થઈ અને બંને જહાજ ધડાકાભેર સળગી ઊઠ્યાં. ઓઇલ ટેન્કરમાંનું બધું ઝેરી ઓઇલ મહાસાગરમાં ફરી વળ્યું.

ગ્લોબલ ફિશિંગ વોચની સિસ્ટમથી જાણી શકાયું કે આ ઘટના પછી પણ અહીં ચીન દ્વારા માછીમારી ચાલુ રહી, આ માછલીઓ દૂષિત હોવાની પૂરી સંભાવના હતી.
દરિયામાં તેલ ફેલાતાં થોડો સમય માછીમારી પર પ્રતિબંધ મૂકાતો હોય છે, આ કિસ્સામાં એવું થયું નહોતું.
માછીમારીનો નક્શો
- આખી દુનિયાના મહાસાગરોમાં માછીમારી કરતાં મોટા ભાગનાં જહાજોની ગતિવિધિ આ નક્શા પર ટ્રેક કરી શકાય છે : https://globalfishingwatch.org/map

- કોઈ પણ વિસ્તાર કે નિશ્ચિત જહાજની ગતિવિધિ, જાન્યુઆરી ૧, ૨૦૧૨થી જે તે દિવસથી ત્રણ દિવસ પહેલાં સુધીના સમયગાળા માટે નકશા પર જોઈ શકાય છે.
- રાતના અંધારામાં, એઆઇએસ સિસ્ટમ બંધ કરીને ચોરીછૂપીથી માછીમારી કરતાં જહાજોને પણ તેમની લાઇટને આધારે સેટેલાઇટ્સ પકડી શકે છે.
- https://globalfishingwatch.org/our- પર જઈને આ નક્શાના ઉપયોગ વિશે તમે ઘણી વધુ માહિતી મેળવી શકશો.
- આ નક્શાનો મુખ્ય હેતુ મહાસાગરોમાં માછીમારી કરતાં જહાજોને ટ્રેક કરવાનો છે, પણ તમને દુનિયાના વિવિધ ખૂણે ફરતાં જહાજોની સ્થિતિ જાણવામાં રસ હોય તો www.myshiptracking.com જેવી સાઇટ તપાસી જુઓ.
‘સાયબરસફર’ના એપ્રિલ ૨૦૧૪ અંકમાં જેના વિશે જાણ્યું હતું તે, એર ટ્રાફિકને ટ્રેક કરતી એક સાઇટ વિશેનો આ લેખ તમને ગમશે : તમારા કમ્પ્યુટર/મોબાઈલને બનાવો રડાર

