(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

લો બોલો, હવે પ્લે સ્ટોરની બનાવટી એપ!

હમણાં બહાર આવેલી વિગતો મુજબ, અસલી પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરેલી કેટલીક રેસિંગ ગેમ્સ, બનાવટી પ્લે સ્ટોર એપ ડાઉનલોડ કરવાનું સૂચવતી હતી અને પછી એડ્સ બતાવતી હતી.

આગળ શું વાંચશો?

  • બનાવટી એપ કેવી રીતે પારખશો?

  • બાળકો પર નિશાન

એન્ડ્રોઇડ ફોનમાં કોઈ પણ એપ ઇન્સ્ટોલ કરવી હોય ત્યારે આપણે ફોનમાં ગૂગલ પ્લે સ્ટોર એપ ઓપન કરીને આ કામ પતાવીએ છીએ. પ્લે સ્ટોર સિવાય અન્ય સ્ટોર્સ કે સાઇટ્સ પરથી પણ આપણે એપ ડાઉનલોડ કરી શકીએ, પરંતુ સામાન્ય રીતે નિષ્ણાતો એવું સૂચવતા હોય છે કે અન્ય અવિશ્વસનીય સ્રોતમાંથી એપ ડાઉનલોડ કરવાને બદલે માત્ર ભરોસાપાત્ર ગૂગલ પ્લે સ્ટોર પર જ વિશ્વાસ રાખવો.

પરંતુ હમણાં એક ધડાકો એવો થયો છે કે ગૂગલ પ્લે સ્ટોર પરનો આપણો વિશ્વાસ પણ ડગમગી જાય.

આપણે અવારનવાર વાંચીએ કે સાંભળીએ છીએ કે પ્લે સ્ટોરમાં બનાવટી એપ્સનું દૂષણ વધી રહ્યું છે અને ગૂગલના ધ્યાનમાં આવે ત્યારે તે આવી એપ્સની સાફ સફાઈ પણ કરે છે.

પરંતુ હવે પ્રકાશમાં આવેલી વાતો મુજબ હેકર્સે પ્લે સ્ટોર એપની જ બનાવટી એપ બનાવી લીધી હતી!

એન્ટિવાયરસ કંપની ક્વિક હીલ સિક્યોરિટી લેબને હમણાં ઓફિશિયલ ગૂગલ પ્લે સ્ટોરમાં એવી ૨૭ જોખમી એપ જોવા મળી, જે યૂઝર્સને બનાવટી ગૂગલ પ્લે સ્ટોર ઇન્સ્ટોલ કરવા માટે સૂચવતી હતી. ક્વિક હીલ સિક્યોરિટી લેબે ગયા મહિને આ વાત ગૂગલના ધ્યાન પર લાવતાં આ એપ્સ પ્લે સ્ટોર પરથી દૂર કરવામાં આવી છે. આ તમામ એપ્સ ફ્રી કાર રેસિંગ ગેમ્સ કેટેગરીમાં હતી.

આ આખી વાત શું છે અને તમારા ફોનમાં આવી કોઈ બનાવટી એપ ઘૂસી છે કે નહીં તે કેવી રીતે તપાસી શકાય તે આપણે જાણી લઇએ.

સમસ્યા શું હતી?

ઓફિશિયલ ગૂગલ પ્લે સ્ટોર પર પાર વગરની ફ્રી રેસિંગ ગેમ્સ જોવા મળે છે. આમાંથી કેટલીક એપ્સ એવી હતી જેને યૂઝર ડાઉનલોડ કરે તો એ એપ થોડા થોડા સમયે યૂઝરને એવું સૂચવતી હતી કે એ ગેમ રમવાનું ચાલુ રાખવા તેમણે ગૂગલ પ્લે સ્ટોર એપ ઇન્સ્ટોલ કરવાની જરૂર છે.


હકીકત એ છે કે કોઈ પણ એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં ગૂગલ પ્લે સ્ટોર એપ પહેલેથી ઇન્સ્ટોલ્ડ હોય જ છે અને તેને ફરીથી ઇન્સ્ટોલ કરવાની કોઈ જરૂર હોતી નથી. હા, એવું બની શકે કે અમુક ગેમ્સ ફોનમાં ચલાવવા માટે ‘ગૂગલ પ્લે ગેમ્સ એપ’ની જરૂર હોય (ધ્યાન આપશો, ગૂગલ પ્લે ગેમ્સ એપ – ગૂગલ પ્લે સ્ટોર નહીં). એવું પણ બની શકે કે કોઈ એપ આપણા ફોનમાં ગૂગલ પ્લે ગેમ્સ એપને અપડેટ કર્યા વિના ચાલી શકે તેમ ન હોય.

આવા કિસ્સામાં જે તે ગેમની એપ આપણને પ્લે ગેમ્સ એપ અપડેટ કરવાનું સૂચવે અને એ સૂચનાને ક્લિક કરતાં આપણને પ્લે સ્ટોરમાંની પ્લે ગેમ્સ એપના પેજ પર લઇ જવામાં આવે. પરંતુ ગૂગલ પ્લે ગેમ્સ અને પ્લે સ્ટોર બંને બિલકુલ અલગ એપ્સ છે.

આ વાતની તમામ યૂઝર્સને જાણકારી ન હોય એ સ્વાભાવિક છે. ઉપરાંત બાળકોમાં મોબાઇલમાં રેસિંગ ગેમ્સનો ક્રેઝ છે તેનો હેકર્સ ફાયદો ઉઠાવે છે.

જો કોઈ યૂઝર પ્લે સ્ટોર એપ ઇન્સ્ટોલ કરવાની આ સૂચના અવગણે તો તેને સતત પ્લે સ્ટોર એપ ઇન્સ્ટોલ કરવાની સૂચના બતાવવામાં આવે છે.

આ બનાવટી એપ અસલી હોવાનો ભ્રમ ઊભો કરવા અસલી ગૂગલ પ્લે સ્ટોરના આઇકનનો ઉપયોગ થાય છે. કોઈ પણ ભોગે રેસિંગ ગેમ્સ ચાલુ રાખવા ઇચ્છતા યૂઝર પ્લે સ્ટોર એપ ઇન્સ્ટોલ કરવાની સૂચના વાંચતા તેને ક્લિક કરી બેસે છે.

આથી આપણા ફોનમાં બનાવટી પ્લે સ્ટોર એપ ઇન્સ્ટોલ થાય છે. ઇન્સ્ટોલ થયા પછી થોડીક ક્ષણો માટે આપણે તેનો આઇકન જોઈ શકીએ છીએ પરંતુ પછી તે આપોઆપ ગાયબ થાય છે. આ એપ બેગ્રાઉન્ડમાં ચાલુ રહે છે અને આપણને વારંવાર જુદી જુદી એપ્સમાં પણ ફુલસ્ક્રીન એડ્સ બતાવ્યા કરે છે.

ફોનમાં જોવા મળતી ફૂલ સ્ક્રીન એડ્સ માટે એક જ ફોનમાંની બે પ્લે સ્ટોર એપ જવાબદાર હોઈ શકે છે. અસલી એપની સાઇઝ ઘણી વધુ હશે. તેને તમે ફોર્સ સ્ટોપ કરી શકો, પણ અનઇન્સ્ટોલ કરી શકશો નહીં. જ્યારે બનવાટી એપને અનઇન્સ્ટોલ કરી શકાશે.

બનાવટી એપ કેવી રીતે પારખશો?

તમારા ફોનમાં તમને આવી રીતે અણધારી જુદી જુદી એપ્સના ફુલસ્ક્રીન એડ જોવા મળી રહી હોય તો પહેલાં તો એ તપાસો કે તમારા ફોનમાં આવી કોઈ બનાવટી ગૂગલ પ્લે સ્ટોર એપ ઘૂસી છે?

એ માટે ફોનના સેટિંગ્સમાં એપ્સ કે એપ્સ મેનેજર સેકશનમાં જાઓ. અહીં તમામ એપ્સના લિસ્ટમાં તમને બે ગૂગલ પ્લે સ્ટોર એપ જોવા મળી શકે છે!

અસલી ગૂગલ પ્લે સ્ટોર એપ પર ક્લિક કરતાં તેને અનઇન્સ્ટોલ કરવાનો વિકલ્પ મળશે નહીં. આપણે તેને ડિસેબલ કે ફોર્સ સ્ટોપ કરી શકીએ, પરંતુ અનઇન્સ્ટોલ કરી શકીએ નહીં. જ્યારે બનાવટી એપ પર ક્લિક કરશો તો તેને અનઇન્સ્ટોલ કરવાનો વિકલ્પ મળશે.

જો તમને આવી બનાવટી પ્લે સ્ટોર જોવા મળે તો તેને તાબડતોબ અનઇન્સ્ટોલ કરો.

બાળકો પર નિશાન

હેકર્સ જુદી જુદી ઉંમરના લોકોને જુદી જુદી રીતે ટાર્ગેટ કરે છે. વડીલોની અપૂરતી ટેક સમજનો ગેરલાભ લેવા તેમને વોટ્સએપ એપ અપડેટ કરવાને નામે ફસાવવામાં આવે છે, તો બાળકોના ગેમ્સના ક્રેઝને ધ્યાનમાં રાખી તેમને ગેમ્સ એપથી નિશાન બનાવાય છે.

ગૂગલ પ્લે સ્ટોરમાં ઉપર મુજબની સંખ્યાબંધ રેસિંગ એપ્સમાં બનાવટી પ્લે સ્ટોરની લિંક ઉમેરીને આપણા ફોનમાં માલવેર ઘૂસાડવાનો કિમિયો કરવામાં આવ્યો હતો.

પ્લે સ્ટોર પરથી આ એપ્સ હવે દૂર કરાઈ છે, પણ ભવિષ્યમાં બીજી એપ્સમાં પણ આવી કોઈ રમત થઈ શકે છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!