(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ફેસએપનો વાઇરલ વિવાદ!

આપણા ફોટોગ્રાફ્સ ‘ચોરી લેતી’ ફેસએપની જેમ બધી એપ જોખમી બની શકે છે.

આગળ શું વાંચશો?

  • પહેલાં શું બન્યું?

  • પછી શું બન્યું?

  • હકીકત શું છે?

  • ફોટો એક્સેસ પરમિશનનો મુદ્દો શો છે?

  • ફેસએપની શરતોનો અંશઃ

ઘરડા થવું કોઈને ગમતું નથી, એ તો સૌ જાણે છે અને સૌના મનની વાત છે, પણ ઘરડા થયા પછી પોતે (અને સેલિબ્રિટીઝ!) કેવા લાગશે એ જાણવું સૌને ગમે છે એ ગયા મહિને જગજાહેર થઈ ગયું!

ગયા મહિને સોશિયલ મીડિયામાં અને પછી મેઇનસ્ટ્રીમ મીડિયામાં ફેસબુક જેવું જ નામ ધરાવતી એક એપ બહુ ગાજી – ફેસએપ. આ એપ બે વાર બહુ ગાજી, પહેલાં તેની ખાસિયતના મુદ્દે સોશિયલ મીડિયા અને મેઇનસ્ટ્રીમ મીડિયાએ તેને માથે ચઢાવી અને પછી થોડા જ સમયમાં, આ એપ બહુ જોખમી હોવાની વાત પણ જોરશોરથી ચાલી.

તમને યાદ હશે જ કે થોડાં વર્ષ પહેલાં, ચોક્સાઈથી કહીએ તો સપ્ટેમ્બર ૧૯૯૫માંં, ‘‘ગણપતિ દાદાએ દૂધ પીધું’’ એવી વાત એવી વંટોળ ગતિએ આખા જગતમાં ફરી વળી કે જુદાં જુદાં ગામ-શહેરોમાં લોકોએ ચમચીમાં દૂધ લઈને મંદિરો બહાર લાઈન લગાવી દીધી હતી.

એ સમયે, અત્યારે છે એટલાં ઝડપી ને વ્યાપક કમ્યુનિકેશનનાં સાધનો નહોતાં, ફેસબુક શરૂ થવાને જ આખા એક દાયકાની વાર હતી. તો વિચારો કે અત્યારના સમયમાં, અત્યારની ટેક્નોલોજી સાથે કોઈ વાતને વાયરલ થતાં કેટલી વાર લાગે?

કંઈક એ જ રીતે, આ ફેસએપ પણ વાયરલ થઈ.

પહેલાં શું બન્યું?

ફેસબુક અને સોશિયલ મીડિયા પર પર થોડા થોડા સમયે વિવિધ સેલિબ્રિટિઝ એકબીજાને કોઈ ચેલેન્જ આપતા હોય છે (બરફ ભરેલી બકેટથી નાહી બતાવો!) અને સેલિબ્રિટિઝ જે કરે એ તરત જ બાકીના લોકો માથે ચઢાવી લેતા હોય છે.

કોઈએ ફેસએપ પર પોતે વીસેક વર્ષ પછી કેવા લાગશે એ બતાવતી ઇમેજ તૈયાર કરી અને બીજાને એવું કરી બતાવવાની ‘ચેલેન્જ’ આપી. જોતજોતામાં ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ વગેરે પર આવા ફોટોગ્રાફ્સની ધમાધમ મચી ગઈ. એ સાથે જ, માંડ બે વર્ષ જૂની આ એપના યૂઝર્સની સંખ્યા પંદર કરોડના આંકને પાર કરી ગઈ!


પછી શું બન્યું?

પછી અચાનક કોઈએ ટવીટ કર્યું કે ‘‘ફેસએપથી ચેતજો! આ એપ તમારા બધા ફોટો પોતાના સર્વર પર અપલોડ કરી લે છે!’’ એ સાથે મેઇનસ્ટ્રીમ મીડિયામાં આ વાત નવેસરથી જોરશોરથી ચગી અને ફેસએપ પ્રાઇવસી માટે ખતરનાક હોવાની વાતો થવા લાગી.

ફેસએપ, ફોટોઝની એક્સેસ મળ્યા પછી ફોનમાંના તમામ ફોટો પોતાના સર્વર પર અપલોડ કરી લે છે એવો દાવો જોશુઆ નોઝી નામના એક સોફ્ટવેર ડેવલપરે કર્યો હતો. પછીથી અન્ય ડેવલપર્સ આ એપમાં ઊંડા ઊતર્યા અને એપ માત્ર યૂઝરે આપેલો એક જ ફોટોગ્રાફ પોતાના સર્વર પર અપલોડ કરતી હોવાનું તેમણે સાબિત કર્યંુ.

જોશુઆએ પોતાના બ્લોગ પર આ આખો કિસ્સો લખ્યો અને પોતે ઉતાવળમાં, કોઈ આધાર વિના ફેસએપ પર આરોપ મૂક્યો હોવાનું જણાવીને પોતાની ટ્વીટ ડિલીટ કરી. જોકે તેણે ફેસએપની ટર્મ એન્ડ કંડિશન્સ તરફ ધ્યાન દોરીને કહ્યું કે ફેસએપ ભલે બધા ફોટો અપલોડ ન કરતી હોય, પણ આપણે આપેલા ફોટો પર પૂરેપૂરો અધિકાર કરી લે છે એટલે આ એપ જોખમી તો છે જ.

હકીકત શું છે?

આ આખો એપિસોડ બતાવે છે આપણે ભલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જમાનામાં આવી ગયા, માનવજાતની પોતાની માનસિકતા હજી પણ જૂની પુરાણી જ રહી છે – ગાડરિયા પ્રવાહથી દોરવાઈ જવાની માનસિકતા!

આ આખી વાતની હકીકત એ છે કે, ફેસએપ એક એવી એપ છે, જેને આપણે પોતાનો ફોટોગ્રાફ આપીએ તો એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ની મદદથી, આપણે વીસેક વર્ષ પછી કેવાક લાગીશું તેનો ખાસ્સો વાસ્તવિક લાગે તેવો ચિતાર આપે છે. આ એપ આપણને ‘યુવાન’ પણ બનાવી શકે કે હાવભાવ કે હેરસ્ટાઇલ બદલી શકે છે.

આ એપને પહેલાં તેની ખાસિયતના મુદ્દે સોશિયલ મીડિયા ને મેઇનસ્ટ્રીમ મીડિયાએ માથે ચઢાવી, પછી થોડા જ સમયમાં, આ એપ બહુ જોખમી હોવાની વાત પણ જોરશોરથી ચાલી.

અગાઉ ફોટોશોપ એપના થોડા જાણકાર લોકો બે ફોટોગ્રાફ મર્જ કરીને બનાવી ફોટો તૈયાર કરતા હતા, આ એપ પાસે અસંખ્ય ફોટોઝનો ડેટાબેઝ અને નવી ટેક્નોલોજી છે. ફોટોગ્રાફીમાં એઆઇનો ઉપયોગ જબરો વધી ગયો છે એટલે આમાં કોઈ નવાઈ નથી. આવી બીજી પણ ઘણી એપ છે.

પણ ફેસએપની આખી વાત વધુ વિવાદાસ્પદ બની કારણ કે તે મૂળ રશિયન કંપની છે. અમેરિકામાં આવતા વર્ષના અંતે પ્રમુખપદની ચૂંટણી આવી રહી છે. ગઈ ચૂંટણીમાં રશિયાએ સોશિયલ મીડિયાની મદદથી અમેરિકન વોટર્સનાં દિમાગ ફેરવી નાખ્યાં હતાં એવો વિવાદ થયો હતો.

ફેસએપ વાઇરલ થતાં, લાખો અમેરિકન્સે પોતાના ચહેરાના ફોટોગ્રાફ ફેસએપ – એક રશિયન એપ – ને આપ્યા, જેને પગલે એક અમેરિકન સેનેટરે એફબીઆઇ દ્વારા આ પ્રકરણની તપાસની માગણી કરી નાખી. યાદ રહે, ફોટોગ્રાફ હવે ઘણી રીતે આપણી ડિજિટલ આઇડેન્ટિટી બની શકે છે. વિવાદ વકરતાં ફેસએપે સ્પષ્ટતા કરી છે કે…

  • તે માત્ર યૂઝરે અપલોડ કરેલો ફોટોગ્રાફ જ પોતાના સર્વર પર અપલોડ કરે છે, તેના ફોનમાંના બધા ફોટોગ્રાફ નહીં.
  • યૂઝરનો ફોટો માત્ર ૪૮ કલાક માટે પોતાના સર્વર પર રાખે છે.
  • તેનાં સર્વર રશિયામાં નહીં પણ અમેરિકન એમેઝોન અને ગૂગલનાં સર્વર્સમાં જ સચવાય છે.

ફેસએપનો બચાવ એવો છે કે તેની એપમાં કોઈ પણ વ્યક્તિ એકાઉન્ટ ખોલાવ્યા વિના કે યૂઝરનેમ આપ્યા વિના પણ ફોટો અપલોડ કરી શકે છે અને તેના ૯૦ ટકા યૂઝર્સ એમ જ કરે છે.

આ બધું સાચું હશે અને ફેસએપ, તે જેવી ચિતરાઈ ગઈ છે એવી, ખરાબ એપ નહીં હોય એવું માની લઈએ, પણ વાસ્તવમાં આપણે દરેકેદરેક એપને આટલી જ ચીવટપૂર્વક તપાસવાની જરૂર હોય છે. ફેસએપની ટર્મ એન્ડ કન્ડિશન્સ ઝીણવટપૂર્વક વાંચો તો સમજાય કે આપણા ફોટા બાબતે આપણે આ એપને કાંડાં કાપી આપીએ છીએ.

અન્ય એપ્સની શરતો પણ ઘણે અંશે આ જ પ્રકારની હોય છે!

ફોટો એક્સેસ પરમિશનનો મુદ્દો શો છે?

આ બાબતે માત્ર ફેસએપ નહીં, લગભગ બધી જ એપ શંકાના દાયરામાં આવે છે. ફોટોગ્રાફ સંબંધિત સગવડો આપતી લગભગ બધી એપને આપણે પોતાના ફોનની મીડિયા ફાઇલ્સ, સ્ટોરેજ એક્સેસ કરવાની મંજૂરી આપીએ છીએ, તે એપ બીજા ફોટોઝને નહીં જ અડતી હોય એવું માની શકાય નહીં.

બીજું, આવી બધી જ એપ, આપણા ફોટો પર ફોનમાં જ પ્રોસેસિંગ કરવાને બદલે, પોતાના સર્વરમાં લઈને પછી તેનું બીજું વર્ઝન આપણને ડાઉનલોડ કરવા આપે છે – મૂળ ફોટો તે ખરેખર ૪૮ કલાક પછી ડિલીટ કરે છે કે સાચવી રાખે છે કે થર્ડ પાર્ટીને વેચે છે તેની કોઈ સાબિત હોતી નથી.

ફેસએપની ટર્મ એન્ડ કન્ડિશન્સ ઝીણવટપૂર્વક વાંચો તો સમજાય કે આપણા ફોટા બાબતે આપણે આ એપને કાંડાં કાપી આપીએ છીએ.

એટલે ફક્ત ફેસએપથી નહીં, ફોનમાં ઇન્સ્ટોલ કરેલી તમામ એપથી સાવધ રહેવાની જરૂર હોય છે. આ વર્ષની શરૂઆતમાં ગૂગલે પોતાના પ્લે સ્ટોરમાંથી ફોટોગ્રાફ્સ બ્યુટીફાય કરવાના નામે ફોનમાં માલવેર ઘૂસાડતી ૨૯ એપ્સ ડિલીટ કરી હતી એ યાદ રાખવા જેવું છે (જુઓ ‘સાયબરસફર’નો મે ૨૦૧૯ અંક).

એટલે, ગાડરિયા પ્રવાહમાં દોરવાઈ જવાને બદલે, આપણે જે એપને આપણો ડેટા આપી રહ્યા છીએ એ એપ ભરોસાપાત્ર છે કે નહીં એ ખાસ વિચારીએ. સાથોસાથ આ એપને આપણે કઈ કઈ મંજૂરીઓ આપી છે તે પણ તપાસીએ.

હજુ મોડું થયું નથી, ફોનના સેટિંગ્સમાં જઈ, વિવિધ એપ્સને તમે આપેલી મંજૂરી તપાસી શકો છો અને ઇચ્છો તે મંજૂરી પાછી પણ ખેંચી શકો છો (સ્ટેપ-બાય-સ્ટેપ માર્ગદર્શન માટે જુઓ ઓક્ટોબર ૨૦૧૮ અંક).

ઉપરાંત, તમે પોતાના પારિવારિક ફોટોગ્રાફ્સને ફોનમાં સાચવવાને બદલે કાં તો પીસી કે લેપટોપમાં અથવા ગૂગલ ફોટોઝ, ગૂગલ ડ્રાઇવ, વન ડ્રાઇવ કે ડ્રોપબોક્સ જેવી જાણીતી ક્લાઉડ સર્વિસમાં ટ્રાન્સફર કરી લેવાની ટેવ રાખશો તો પણ ફોટો એક્સેસ બાબતે ચિંતા કરવાની જરૂર રહેશે નહીં.


ફેસએપની શરતોનો અંશઃ

‘‘તમે ફેસએપને તમારા યૂઝર કન્ટેન્ટ (એટલે કે ફોટોગ્રાફ)ના કાયમી, પાછી ખેંચી ન શકાય એ રીતે, નોન-એક્સ્ક્લુઝિવ, રોયલ્ટી-ફ્રી, ફુલ્લી-પેઇડ, ટ્રાન્સફર કરી શકાય એ રીતે, બીજાને ઉપયોગ, ફરી ઉપયોગ, ફેરફાર, પરિવર્તન, પ્રકાશિત, અનુવાદિત કરવા, આગળ લાઇસન્સ આપી શકાય એવું લાઇસન્સ આપો છો અને અત્યારે હયાત કે ભવિષ્યમાં વિક્સે તેવા તમામ મીડિયા ફોર્મેટમાં તમારા નામ, યૂઝરનેમ સાથે, તમને કોઈ વળતર વિના તેનો ઉપયોગ કરવાની છૂટ આપે છો.’’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!