ભારતમાં અત્યારે દરેક શહેરોમાં લગભગ દરેક ચાર રસ્તે લાગી ગયેલા કેમેરા અને મોટર વ્હિકલ એક્ટમાં આવેલા નવા ફેરફારોથી વાહનચાલકોમાં મેમો મળવાનો ફફડાટ ફેલાઈ ગયો છે, પરંતુ લાગે છે કે આ તો હજી ટ્રેલર છે!
ભારત સરકાર ચીનને પગલે વિશ્વની સૌથી મોટી ફેસિયલ રેકગ્નિશન સિસ્ટમ્સમાંની એક ભારતમાં સ્થાપવાની તૈયારીમાં છે. આ મહિને, સમગ્ર દેશમાં લગાવેલા સર્વેલન્સ કેમેરાની મદદથી એકત્ર થયેલ લોકોના ચહેરાના ડેટાને સેન્ટ્રલાઇઝ કરતી એક સિસ્ટમ્સ વિકસાવવા માટેના ટેન્ડર ખોલવામાં આવશે.
મળતી માહિતી મુજબ શહેરોમાં ઠેકઠેકાણે લાગેલા કેમેરામાં આપણા સૌના ચહેરા ઝીલાઈ રહ્યા છે અને આ વિશાળ ડેટાને સમગ્ર દેશના દરેક નાગરિકના પાસપોર્ટથી માંડીને આધારના બાયોમેટ્રિક્સ ડેટા તથા પોલીસ પાસે ઉપલબ્ધ ફિંગર પ્રિન્ટના ડેટા સાથે સાંકળવામાં આવશે.
આ પ્રકારની વિશાળ સિસ્ટમને કારણે પોલીસને ગુનેગારો ઓળખવામાં, ગૂમ થયેલા લોકોને શોધવામાં તથા બિનવારસી મૃતદેહો ઓળખવામાં પણ મદદ મળશે.
સરકારના દાવા મુજબ અત્યારે ભારતમાં પોલીસ કર્મચારીઓની તીવ્ર અછત છે. દેશમાં દરેક ૭૨૪ નાગરિક વચ્ચે માત્ર ૧ પોલીસ અધિકારી છે, જે વિશ્વના દર કરતાં ઘણી નબળી સ્થિતિ છે. ચહેરાના ડેટાને અન્ય ડેટા સાથે સાંકળવાથી પોલીસની કામગીરી ખાસ્સી હળવી બનવાની આશા છે.
જોકે ચીનમાં પણ લોકોના ચહેરા ઓળખતી સિસ્ટમ ઘણી વિવાદાસ્પદ બની છે. ભારતમાં પણ આ પ્રકારની કાર્યવાહી પ્રાયવસી સંબંધિત મોટા વિવાદ ઊભા કરશે એ નક્કી છે.
