(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ફેસબુકનું ડેટા કૌભાંડ : શું બન્યું, કેમ બન્યું? અને હવે આપણે શું કરવું?

ઇન્ટરનેટને નેટ એટલે કે ગજબની અટપટી રીતે ગૂંથાયેલું જાળું કેમ કહે છે એ વધુ એક વાર, ગયા મહિને પ્રકાશમાં આવ્યું – આ વખતે દુનિયાભરના અસંખ્ય લોકોની ફેવરિટ સોશિયલ સાઇટ ફેસબુકને કારણે!

ફેસબુકના યૂઝર્સનો ડેટા ચોરી થયો અને બનાવટી, ફેક ન્યૂઝનો મારો ચલાવીને, અમેરિકાના વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ચૂંટણી જીતાડવા માટે તેનો ઉપયોગ થયો. આવું કંઈ પહેલી વાર બન્યું નથી, પણ આ વખતે વાત સૌને દિવસરાત સ્પર્શતી ફેસબુકની હતી એટલે પ્રમાણમાં વધુ હોબાળો થયો.

હવે આ બધી વાત રાજકારણના અખાડામાં ચાલી ગઈ છે, પરંતુ આપણે એક યૂઝર તરીકે આવું કઈ રીતે બન્યું, ડેટાનો શો ઉપયોગ થયો કે થઈ શકે અને એવું થતું રોકવા માટે આપણે શું કરી શકીએ એ મુદ્દાઓમાં ઊંડા ઊતરવું જોઈએ.

ખરેખર શું બન્યું?

થયું એવું કે ૨૦૧૬ની અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી અગાઉ, ડેટાનું વિશ્લેષણ અને ઉપયોગ કરવામાં હોંશિયાર એવી બ્રિટનની એક કંપનીએ ફેસબુક મારફત પર્સનાલિટી ટેસ્ટ કરી આપતી એક એપ ડાઉનલોડ માટે ઓફર કરી.

એ સમયે લોકોને માત્ર એટલું કહેવામાં આવ્યું હતું કે એમનું વ્યક્તિત્વ કેવું છે તેનું વિશ્લેષણ તેમને જણાવવા માટે આ ડેટાનો ઉપયોગ થશે. ફેસબુક પર આવી જાતભાતની ક્વિઝ ચાલતી હોય છે. જે સાઇટના દોઢ-બે અબજ યૂઝર્સ હોય તે સાઇટ પર આવી ક્વિઝ માટે થોડા લાખ યૂઝર્સ તો મળી જ રહે.

પરિણામે, પોણા ત્રણ લાખ જેટલા લોકોએ એ એપ ડાઉનલોડ કરી અને તેના પર પોતાની વિગતો આપી. આ સાથે એ લોકોએ ફેસબુક પર પોતાના અન્ય મિત્રોની માહિતી પણ પેલી એપને એક્સેસ કરવાની, જાણે-અજાણ્યે, મંજૂરી આપી. એ બીજા લોકોએ તો આ એપ વિશે ક્યારેય કશું સાંભળ્યું પણ નહીં હોય, છતાં તેમનો ડેટા એ એપને મળ્યો.

આમ શરૂઆત બહુ નાના પાયે થઈ, પણ ફેસબુકના યૂઝર્સનું જાળું એવું ગજબ ગૂંથાયેલું છે કે જો કમ્પ્યુટર મશીન્સ કામે લગાડવામાં આવે તો “બાત દૂર તલક જાએગી… વાળી વાત એકદમ સાચી પડે. એટલે છેવટે પેલી એપને ફેસબુકના પાંચેક કરોડ યૂઝર્સનો ડેટા મળ્યો અને એ ડેટા તેણે બીજી, તેની સાથે સંકળાયેલી કંપનીને આપ્યો અને તેણે તેનો ચૂંટણીમાં પ્રચાર માટે ઉપયોગ કર્યો.

ફેસબુકને ચૂંટણી પહેલાં એટલે કે ૨૦૧૫માં આવું થયું હોવાની જાણ હતી છતાં તેણે પોતાના યૂઝર્સને તેની જાણ ન કરી. સામાન્ય રીતે દરેક મોટી અને પ્રતિષ્ટિત કંપની, તેનો ડેટા હેક થાય તો યૂઝર્સ સમક્ષ કબૂલાત કરીને તેમને સાવચેતીનાં પગલાં સૂચવતી હોય છે.

એક જર્નલિસ્ટે આ આખી વાતની વિગતવાર તપાસ કરી, અમેરિકા અને બ્રિટનનાં અખબારોમાં તેના અહેવાલ આવ્યા, મોટા પાયે હોબાળો થયો એ પછી હવે ફેસબુક પોતાની ભૂલ કબૂલીને પોતે યૂઝર્સનો ડેટા સલામત કરવા માટે શું પગલાં લેશે તેની સ્પષ્ટતાઓ કરવા માંડી છે.

આ મુદ્દાને ભારતમાં રાજકારણનો રંગ પણ મળ્યો છે અને ગુજરાતની ચૂંટણીમાં રાજકીય પક્ષોએ ડોનાલ્ડ ટ્રમ્પવાળી પેલી માર્કેટિંગ કંપનીની જ મદદ લીધી હોવાના સામસામા આક્ષેપો થવા લાગ્યા છે.


ફેસબુકના સરેરાશ યૂઝર તરીકે આપણે શું શું સમજવા જેવું છે?

પહેલાં તો આપણે એ સમજવું જરૂરી છે કે આપણો ડેટા એટલે ખરેખર શું?

સામાન્ય રીતે આપણે માનીએ છીએ કે આપણું નામ, યૂઝરનેમ, મોબાઇલ નંબર, ઈ-મેઇલ એડ્રેસ, પાસવર્ડ, જન્મતારીખ વગેરે એટલે આપણો ડેટા.

પરંતુ વાત એટલી ટૂંકી નથી. ફેસબુક પર આપણે જે કંઈ કહીએ અને કરીએ એ લગભગ બધું જ ભેગું થઈને આપણો ડેટા બને છે. ખાસ કરીને આપણે જે કંઈ પોસ્ટ કરીએ, લાઇક કરીએ, ટેગ કરીએ કે બીજાની પોસ્ટ પર કમેન્ટ કરીએ એના આધારે, ફેસબુકને આપણા વિશે ભરપૂર માહિતી મળતી જાય છે. આ ડેટાનું વિશ્લેષણ કરવામાં માહેર કંપની આપણા વિશે કંઈકેટલાંય અને ઘણા અંશે સચોટ તારણો બાંધી શકે છે.

તમને અનુભવ હશે કે ફેસબુક આપણને નવા મિત્રો પણ સૂચવે છે, જેને આપણે મોટા ભાગે કોઈને કોઈ રીતે ખરેખર ઓળખતા હોઈએ છીએ. આપણે પોતે ક્યારેય સીધી રીતે, ફેસબુકને આ ઓળખાણ બતાવી હોતી નથી. છતાં, ફેસબુક પાસે યૂઝર્સનો એટલો ગંજાવર ડેટા છે અને તેને એકમેક સાથે સાંકળીને તેમાંથી જુદા જુદા અર્થ તારવવાની એવી ગજબની તાકાત છે કે આપણે વર્ષો સુધી મળ્યા ન હોઈએ, એવી વ્યક્તિને પણ તે આપણી સમક્ષ, આપણા ઓળખીતા તરીકે લાવી મૂકી શકે છે.

આ ડેટાનો કેવી રીતે ઉપયોગ થાય છે?

હમણાં બહાર આવેલા કૌભાંડના સંદર્ભમાં કહીએ તો, ફેસબુકના યૂઝર્સનો આ પ્રકારનો વિગતવાર ડેટા પેલી બ્રિટિશ કંપની પાસે પહોંચ્યો, જેણે વર્ષ ૨૦૧૬ની અમેરિકાની ચૂંટણીમાં પ્રમુખપદના દાવેદાર ડોનાલ્ડ ટ્રમ્પના ડિજિટલ કેમ્પેઇનની જવાબદારી સંભાળી હતી.

એ કંપનીએ પોતાની પાસેના, ફેસબુકના પાંચ કરોડ જેટલા યૂઝર્સના ડેટાનું વિશ્લેષણ કર્યું અને તેના આધારે, એ યૂઝર્સને ટાર્ગેટ કરીને, તેમની જુદી જુદી માનસિકતા અનુસાર તેમને જુદી જુદી, સાચી-ખોટી માહિતી આપવાનું શરૂ‚ કરવામાં આવ્યું.

આ બધું અંતે ટ્રમ્પના પ્રચાર માટે થતું હોય, પણ ટાર્ગેટ થયેલા યૂઝર્સને એનો અણસાર સુદ્ધાં ન આવે. કોઈ વ્યક્તિ વિશે ઘણું બધું જાણીને, તેમની આસપાસ અમુક ચોક્કસ પ્રકારની માહિતીનું એવું જાળું રચવામાં આવે કે પેલી વ્યક્તિ એ બધું સાચું જ હોવાનું માની લે, જેની અસર તેમના મતદાન પર થાય.

આ આખી વાત હકીકતમાં બીજું કંઈ નહીં, પણ એડવર્ટાઇઝિંગનું બિલકુલ નવું સ્વરૂપ છે.

અત્યાર સુધી પરંપરાગત એડવર્ટાઇઝિંગ કંઈક આ રીતે થતું હતું – સિંગતેલ બનાવતી કોઈ કંપની પોતાની પ્રોડક્ટની જાહેરાત કરતાં હોર્ડિંગ શહેરમાં વિવિધ જગ્યાએ મૂકે અને આશા રાખે કે લોકો એ હોર્ડિંગ જોઈને પોતાનું સિંગતેલ ખરીદશે. અત્યાર સુધીના એડવર્ટાઇઝિંગમાં ગ્રાહકોનું સર્વેક્ષણ અને જુદા જુદા અભ્યાસો થતા, પણ અંતે બધું અનુમાનો પર આધારિત રહેતું.

ફેસબુક પર આપણે જે કંઈ પોસ્ટ કરીએ, લાઇક કરીએ, ટેગ કરીએ કે બીજાની પોસ્ટ પર કમેન્ટ કરીએ એના આધારે, ફેસબુકને આપણા વિશે ભરપૂર માહિતી મળતી જાય છે.

હવે, સ્થિતિ બદલાઈ છે. હવે તો એ હોર્ડિંગ ડિજિટલ છે એમ માની લઇએ તો તે કોણે કોણે જોયું, એ લોકો અત્યારે કઈ કંપનીનું સિંગતેલ વાપરે છે, એમને કયા પ્રકારની રસોઈ ભાવે છે, મહિનામાં કેટલી વાર કયા, રેસ્ટોરામાં જમવા જાય છે, એમના અડોશી-પડોશી કોણ છે, એ લોકો કયું સિંગતેલ વાપરે છે, એમને બીજી પસંદ-નાપસંદ શું છે વગેરે બધું જ, પેલી કંપની જાણી શકે છે. એનો લાભ લઈને, જે ગૃહિણી એ કંપનીનું સિંગતેલ ન વાપરતી હોય, એ પોતાના રસોડામાં કડાઈમાં તેલનો વઘાર મૂકી રહી હોય, બરાબર ત્યારે જ એમના અડોશ-પડોશના લોકો આવીને કહે કે ‘ગૃહિણી જે તેલ વાપરે છે એ તો બકવાસ છે, એના કરતાં તો ફલાણી કંપનીનું તેલ બહુ સારું છે!’

આવું વારંવાર અને દેખીતી જાહેરાત જેવા સ્વરૂપને બદલે, આડકતરી રીતે થાય તો છેવટે પેલી ગૃહિણી એ નવી કંપનીનું સિંગતેલ ખરીદી લાવે – પછી ભલે એ ખરેખર શુદ્ધ ને સારું હોય તે ન હોય!

અત્યાર સુધી, એ સિંગતેલ કંપનીની માર્કેટિંગ એજન્સીની કોઈ એક્ઝિક્યુટિવ આપણી પસંદ-નાપસંદ જાણવા ૧૦ પ્રશ્નોના લિસ્ટનો કાગળ લઈને આવે તો આપણે જવાબો આપવાની ના પાડી દેતા હતા કે ખોટા જવાબો આપી દેતા હતા. પણ સોશિયલ મીડિયા પર અને આખા ઇન્ટરનેટ પર આપણે આ પ્રકારના અનેક વણપૂછાયેલા સવાલોના સામે ચાલીને જવાબ આપતા ફરીએ છીએ!

સોશિયલ સાઇટ્સના યૂઝરના ડેટાનો ચૂંટણીમાં પ્રચાર માટે દુરુપયોગ થયો એટલે આ વાત અમેરિકન કોંગ્રેસ અને બ્રિટિશ સંસદને એકદમ ખૂંચી છે. આ કૌભાંડ બહાર આવ્યા પછી બંને દેશોમાં ફેસબુકના સ્થાપકે સંસદમાં આવીને ખુલાસા કરવા જોઈએ એવી માગણી થવા લાગી છે. ફેસબુકના શેર પણ ગગડ્યા છે.

આપણા માટે સાર એ કે ફેસબુક  કે બીજી કોઈ પણ ઇન્ટરનેટ કંપની પરની આપણી તમામ પ્રવૃત્તિનો ગમે ત્યારે આપણી મરજી વિરુદ્ધ ઉપયોગ થઈ શકે છે! હવે લડાઈ આપણા મગજ પર કબજો જમાવવાની છે.

સરેરાશ યૂઝર્સ તરીકે આપણે શું ધ્યાન રાખવું?

ફેસબુક પર આપણો ડેટા બે રીતે એકઠો થાય છે. એક તો ફેસબુકની પોતાની સાઇટ પર, તેમાં આપણે કંઈ પણ પોસ્ટ કરીએ, લાઇક કરીએ, કમેન્ટ કરીએ, ફોટો-વીડિયો અપલોડ કરીએ, લોકેશન શેર કરીએ… વગેરે બધું જ.

બીજું, હમણાંના કિસ્સામાં બન્યું તેમ, ફેસબુક સાથે સંકળાયેલી થર્ડ પાર્ટી એપ દ્વારા.

ફેસબુકનો આપણે સૌ રાત દિવસ ઉપયોગ કરતા હોવા છતાં તેનાં ઘણાં પાસાં તરફ આપણે પૂરતું ધ્યાન આપતા નથી. આવું એક પાસું એટલે ફેસબુકમાંની થર્ડ પાર્ટી એપ્સ.

ફેસબુકની ૨૦૦૪માં શરૂઆત થઈ ત્યારે તેની ભૂમિકા મોટા ભાગે જુદા જુદા લોકોને મિત્ર તરીકે એકબીજાના જીવંત સંપર્કમાં રહેવાની સગવડ આપતા ઓનલાઇન પ્લેટફોર્મ તરીકેની હતી. એ સમયે ફેસબુક એક ક્લોઝ્ડ પ્લેટફોર્મ હતું એટલે કે માત્ર ફેસબુક તરફથી તેનું સંચાલન થતું અને લોકો તેનો ઉપયોગ કરતા.

પરંતુ ફક્ત એટલાથી ફેસબુકનો વ્યાપ વધે તેમ નહોતો.

ફેસબુકનો આપણે સૌ રાત દિવસ ઉપયોગ કરતા હોવા છતાં તેનાં ઘણાં પાસાં તરફ આપણે પૂરતું ધ્યાન આપતા નથી. આવું એક પાસું એટલે ફેસબુકમાંની થર્ડ પાર્ટી એપ્સ. તેનો ઉપયોગ કેવી રીતે થાય છે તે સમજવું બહુ જરૂરી છે.

આથી વધુને વધુ લોકો ફેસબુકમાં જોડાય અને તેમને એકબીજા સાથે વધુને વધુ સંપર્કમાં રહેવાનાં કારણો આપી શકાય એ માટે ૨૦૦૭માં ફેસબુકે પોતાના પ્લેટફોર્મને ઓપન કરીને અલગ અલગ કંપનીઓને તેના પર વિવિધ એપ્સ મૂકવાની સગવડ આપવાનું શરૂ કર્યું.

એ સમયે ફેસબુકના યૂઝર્સની સંખ્યા માંડ ૨ કરોડ હતી પરંતુ આ પગલું ફેસબુક માટે એટલું લાભદાયી નીવડ્યું કે એ પછી લગભગ દર વર્ષે ફેસબુકના યૂઝર્સની સંખ્યા ૨૦-૨૦ કરોડ વધવા લાગી અને હવે ફેસબુકના યૂઝર્સની સંખ્યા બે અબજને આંબવામાં છે.

દેખીતું છે કે ફેસબુક માટે આવો જબરદસ્ત લાભ કરાવી આપનારી થર્ડ પાર્ટી એપ્સને ફેસબુકમાં સ્પેશિયલ ટ્રીટમેન્ટ મળે. ઉપરાંત એ પણ નોંધવું રહ્યું કે ઘણી પ્રતિષ્ઠિત એપ્સનો ફેસબુક પર ઉપયોગ કરવામાં આપણને એટલે કે યૂઝર્સને પણ ફાયદો છે.

ફેસબુકમાં થર્ડ પાર્ટી એપ્સ કેવી રીતે કામ કરે છે?

એન્ડ્રોઇડ કે એપલના આઇફોનમાં થર્ડ પાર્ટી એપ્સનો ઉપયોગ સ્પષ્ટ છે. આપણે તેને જે તે એપ સ્ટોરમાંથી ડાઉલોડ કરીએ અને તેનો ઉપયોગ કરીએ.

  • ફેસબુકમાં એવું નથી. તેમાં…
  • ખાસ કરીને બિઝનેસ પેજનો ઉપયોગ કરતી વિવિધ કંપની, ફેસબુક સાથે સંકળાયેલા બીજા ડેવલપર્સે બનાવેલી જુદી જુદી એપ્સનો ઉપયોગ કરી શકે છે.
  • આવી એપ્સ એ બિઝનેસ પેજ દ્વારા આપણી અંગત ન્યૂઝફીડ સુધી પહોંચે.
  • ફેસબુકમાંની વિવિધ થર્ડ પાર્ટી એપ્સની મદદથી આપણને અનેક પ્રકારની વધારાની સગવડો મળી શકે છે.
  • તમારા ફેસબુક મિત્રો તરફથી તમને વારંવાર જુદી જુદી ગેમ્સ રમવાના જે આમંત્રણ મળતા હશે તેના મૂળમાં આ થર્ડ પાર્ટી એપ્સ જ છે.
  • એ ઉપરાંત સંખ્યાબંધ સાઇટ્સ અને એપ્સ પર, નવું એકાઉન્ટ ખોલાવવાના બદલે, આપણે ફેસબુક કે ગૂગલના એકાઉન્ટથી લોગ-ઇન કરી શકીએ છીએ. આ બધી પણ ફેસબુકની થર્ડ પાર્ટી એપ્સ કહી શકાય.
  • ફેસબુક પર આખી દુનિયાના લોકો સક્રિય છે. એટલે પોતાની એપ, ધારો કે ગેમિંગ એપને ફેસબુક સાથે સાંકળવામાં આવે તો એ ગેમના યૂઝર્સ, એ ગેમમાં પોતાના ફેસબુક એકાઉન્ટથી લોગ-ઇન થઈને  ફેસબુક પર પોતાના બીજા મિત્રો સાથે એ ગેમના પોતાના સ્કોર શેર કરી શકે ને એમને ગેમ રમવા આમંત્રણ મોકલી શકે.
  • પરિણામે ગેમ એપને વધુ યૂઝર્સ મળે અને ફેસબુકને પોતાના યૂઝર્સ પોતાની સાઇટ બહાર શું શું કરે છે એનો ડેટા મળતો રહે!
  • આ ડેવલપર અને ફેસબુક વચ્ચેની એકબીજાને લાભ કરાવતું જોડાણ છે, જેને આપણે યૂઝર્સ કશું વિચાર્યા વિના વધુ ને વધુ મજબૂત બનાવતા રહીએ છીએ!

થર્ડ પાર્ટી એપ્સ પાસે આપણો ડેટા કેવી રીતે પહોંચે છે?

આગળ જોયું તેમ ફેસબુક માટે થર્ડ પાર્ટી એપ્સથી પારાવાર લાભ છે, એટલે ફેસબુકના તમામ યૂઝર્સ તેની થર્ડ પાર્ટી એપ્સનો ઉપયોગ કરવા રાજી છે અને તેની સાથે પોતાનો ડેટા શેર કરવા રાજી છે એવું માની લેવામાં આવે છે – એક રીતે કહો તો યૂઝરને પૂછ્યા વિના જ.

એટલું જ નહીં, ફેસબુકને ફક્ત એક યૂઝરના ડેટા થર્ડ પાર્ટી યૂઝર સુધી પહોંચે એટલાથી સંતોષ નથી. એટલે જે યૂઝર થર્ડ પાર્ટી એપનો ઉપયોગ કરે, તે યૂઝર બીજા જેટલા યૂઝર (એટલે તેના ફ્રેન્ડ્સ)નો ડેટા ફેસબુક પર જોઈ શકતો હોય, તે તમામનો ડેટા પણ થર્ડ પાર્ટીને આપે એવી પણ પહેલેથી ગોઠવણ થયેલી હોય છે.

અલબત્ત, જો તમે ફેસબુકનાં સેટિંગ્સમાં ઊંડા ઊતરો તો તમારી વિગતો, તમારા મિત્રો થર્ડ પાર્ટી એપ્સ સાથે શેર ન કરી શકે એવી ગોઠવણ કરી શકો છો. એ માટે સેટિંગ્સમાં એપ્સ વિભાગમાં જતાં, ‘એપ્સ અધર્સ યૂઝ’ વિભાગમાં, બાજુમાં આપેલા સ્ક્રીનશોટ જેવી વિગતો જોવા મળશે.

જો તમારા કોઈ ફેસબુક ફ્રેન્ડ કોઈ થર્ડ પાર્ટી એપનો ઉપયોગ કરે તો, અહીં જેટલી કેટેગરીમાં ટિક કરેલું હશે એ બધી જ, તમારી માહિતી એ થર્ડ પાર્ટી એપ સુધી પહોંચી શકે છે.

ફેસબુક કહે છે કે જો તમે તમારું ફ્રેન્ડસ લિસ્ટ, જેન્ડર ઇન્ફો કે તમે પબ્લિક કરેલો ઇન્ફો બીજી એપ્સ કે વેબસાઇટ્સ સુધી ન પહોંચે એવું ઇચ્છતા હો તો તેનો પ્લેટફોર્મ તરીકે ઉપયોગ બંધ કરી શકો છો (આગળના પાને વધુ માહિતી છે), પરંતુ એ સાથે જ ફેસબુક ચેતવે છે કે એવું કરશો તો પછી પણ કોઈ ગેમ્સ કે એપ્સનો ઉપયોગ કરી શકશો નહીં. મોટા ભાગના યૂઝર્સ આ સેટિંગ્સ સુધી પહોંચતા જ નથી.

ઉપરાંત, આપણે યૂઝર્સ ફેસબુક પર જે કહેવામાં આવે તે બધું સાચું માની લઈએ છીએ. જેમ કે ઔ કૌભાંડ પછી, ‘કમેન્ટમાં બીએફએફ લખો અને તે ગ્રીન થઈ જાય તો તમારો ડેટા સલામત છે’ એવી વાત વાયરલ બની એ પણ હકીકતથી તદ્દન વેગળી છે.

ટૂંકમાં, ફેસબુક પોતે એવું ઇચ્છે છે કે તમારો ડેટા ગમે તેમ કરીને થર્ડ પાર્ટી સુધી પહોંચે. આમ એક તરફ વાડ પોતે ચીભડાં ગળે છે અને બીજી તરફ, આપણે યૂઝર્સ પોતે પોતાની સલામતી માટે સાવધાન નથી.

ફેસબુક માટે મેદાન મોકળું છે! એટલે અહીંથી આગળ આપેલી વિગતો ધ્યાનથી તપાસજો અને તેના પર એક્શન લેજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!