એન્ડ્રોઇડ ફોનમાં એન્ક્રિપ્શનની એવી વ્યવસ્થા હોય છે કે ફોનમાંનો ડેટા એક વાર એન્ક્રિપ થયા પછી જો કોઈ બીનઅધિકૃત વ્યક્તિ તેને એક્સેસ કરવાનો પ્રયાસ કરે તો તે ડેટા વાંચી શકે નહીં. ફોનનો માલિક જ્યારે જ્યારે પોતાનો પાસવર્ડ આપીને ફોન ઓન કરે ત્યારે તેમાંનો ડેટા ડીક્રિપ્ટ થાય છે અને ફોન માલિક ડેટા વાંચી શકે છે.આ વ્યવસ્થાનો લાભ લેવા માટે એન્ડ્રોઇડ ફોનમાં વધુ પ્રોસેસિંગ પાવર જરૂરી હોવાથી પ્રમાણમાં સસ્તા એન્ડ્રોઇડ ફોનમાં અત્યાર સુધી મોટા ભાગે તે ઉપલબ્ધ નહોતી. એન્ડ્રોઇડ બહુ ઓછીથી બહુ વધુ એવી વિશાળ કિંમત રેન્જમાં ઉપલબ્ધ હોવાથી હવે કંપનીએ ઘણા સસ્તા એન્ડ્રોઇડ ફોનમાં પણ જડબેસલાક એન્ક્રિપ્શન આપી શકાય તેવી વ્યવસ્થા વિકસાવી છે.
‘એડીએન્ટમ’ નામની આ વ્યવસ્થા મોબાઇલ મેન્યુફેકચરિંગ કંપની ઇચ્છે તો પોતાના ફોનમાં ઉમેરી શકશે.
એટલે કે આવનારા સમયમાં જો તમે ઘણો સસ્તો એન્ડ્રોઇડ ફોન ખરીદો તો પણ તેમાંનો ડેટા વધુ સલામત રહે તેવી શકયતા છે.
