ગયા મહિને અખબારો અને ન્યૂઝ સાઇટ્સ પર કાશ્મીરમાં કલમ ૩૭૦ની નાબૂદી, ભૂતપૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમની ધરપકડ, ભૂતપૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીનું નિધન, વડાપ્રધાનનો વિદેશ પ્રવાસ અને સન્માન વગેરે મુદ્દાઓ એટલે બધા છવાયેલા રહ્યા કે લાંબા ગાળાની અસરો ધરાવતો અન્ય એક મુદ્દો, જે ભારત સરકાર દ્વારા જ આગળ ધપાવાઈ રહ્યો છે તે ખાસ પ્રકાશમાં આવ્યો નહીં.
ભારતમાં બેન્કિંગ ક્ષેત્રે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ)ને કારણે સમગ્ર વિશ્વએ જેની નોંધ લેવી પડે એવું પરિવર્તન આવ્યું છે. કંઈક એ જ રીતે હવે ભારતમાં આપણા ડેટાનો આપણા લાભ માટે ઉપયોગ થઈ શકે એવી એક વ્યવસ્થા ‘સહમતી’ આકાર લઈ રહી છે.
અલબત્ત ‘આધાર’ની જેમ જ આ નવી વ્યવસ્થા પણ જુદી જુદી ઘણી રીતે વિવાદાસ્પદ બને તેવી પૂરી શક્યતા છે. આપણે આશા રાખીએ કે જેમ દેશનું ઉજ્જવળ ભાવિ સંભવ બનાવવાની પૂરી શક્યતાઓ હોવા છતાં આધારનો મુદ્દો કાનૂની દાવપેચમાં અટવાઈ પડ્યો છે, એવી જ હાલત સહમતીની પણ ન થાય.
બીજી તરફ, રિલાયન્સ જિઓ ફાયબરના આગમનથી દેશમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટીને હજી વધુ વેગ મળશે. તેની સાથોસાથ જિઓ ફાયબર કે કૌન બનેગા કરોડપતિ જેવી લોકપ્રિય બાબતે લોકોની જબરજસ્ત જિજ્ઞાસાનો લાભ લેવા હેકર્સ અને ઠગટોળકીઓ પણ સક્રિય થઈ ગઈ છે! ‘સાયબરસફર’નું ધ્યેય ઇન્ટરનેટ અને નવી ટેકનોલોજીસના જમા અને ઉધાર બંને પાસાંનો વિગતવાર પરિચય કરાવવાનું છે. આ વખતના અંકમાં એવું જ સંતુલન સાધવાનો પ્રયાસ કર્યો છે.
– હિમાંશુ

