ઇન્ટરનેટનું આખું અર્થતંત્ર યૂઝર્સ એટલે કે આપણા ડેટાના આધારે જ ચાલે છે. આપણું ટ્રેકિંગ હદ બહારનું વધી રહ્યું છે ત્યારે ‘ડકડકગો’ની મદદથી આપણી ઘણી પ્રાઇવસી જાળવી શકીએ છીએ.
આગળ શું વાંચશો?
- ડકડકગોની શરૂઆત
- ડકડકગોનો ઉપયોગ કઈ રીતે થઈ શકે
જો તમે ફ્લેટમાં રહેતા હો તો બાલકની તો ઠીક ઘરના ડ્રોઈંગ રૂમમાં બેઠાં બેઠાં ઘરની બહાર નજર ફેરવો તો એવું બની શકે કે તમારી નજર બીજા કોઈના ઘરના ડ્રોઈંગ રૂમમાં જ આવીને અટકે. શહેરોમાં હવે મકાનો એટલાં નજીક નજીક બનવા લાગ્યાં છે કે ગૃહિણીઓ ધારે તો પોતાના રસોડાની બારીમાંથી પડોશીના રસોડાની બારીમાં વાટકી વ્યવહાર પણ કરી શકે!
એ રીતે જોઈએ તો આપણાં ઘર અને જીવન ધીમે ધીમે ખુલ્લી કિતાબ જેવા બની રહ્યાં છે. જેને મરજી પડે તે આપણા ઘરમાં અને જીવનમાં ડોકિયું કરી શકે.
આપણા હાથમાં સ્માર્ટફોન આવ્યા પછી આપણા જીવનમાં ડોકિયું કરવાની સગવડ પડોશી પૂરતી સીમિત રહી નથી. આખી દુનિયામાં ગમે તે ખૂણે રહેલી કોઈ વ્યક્તિ કે કંપની આપણી દરેકે દરેકે હિલચાલ પર નજર નાખી શકે છે.
ઘરની જ વાત હોય તો તો આપણે પડોશીના ઘર તરફ પડતી બારી કે બારીનો પડદો બંધ કરીએ એટલે આપણી પ્રાઇવસી જળવાઈ રહે, પણ સ્માર્ટફોન અને ઇન્ટરનેટ પર આ વાત આટલી સહેલી નથી.
મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (એમઆઇટી)માં ગ્રેજ્યુએટ થયેલા અને જુદી જુદી આઇટી કંપની સ્થાપીને વેચી ચૂકેલા ગેબ્રિયલ વેઇનબર્ગ નામના એક આઇટી ઉદ્યોગ સાહસિકને આ વાત ખટકી.
ખટકી તો એટલી બધી ખટકી કે તેણે સર્ચ એન્જિનની દુનિયામાં એકચક્રી શાસન કરતા ગૂગલ સામે જ જંગ શરૂ કર્યો.
દુનિયા આખી જાણે છે કે ગૂગલ જે તે વ્યક્તિ વિશે કદાચ તેના જીવનસાથી કરતાં પણ વધુ જાણે છે. ગૂગલની લગભગ બધી સર્વિસ મોટા પાયે યૂઝર્સ માટે ફ્રી હોય છે તેનું કારણ પણ આ જ છે. ગૂગલ તેની સર્વિસીઝનો ઉપયોગ કરતા જુદા જુદા લોકોની દરેક પ્રવૃત્તિ ટ્રેક કરીને અને તેમની પસંદ નાપસંદ જાણીને તેમને સૌથી વધુ ઉપયોગી હોઈ શકે તેવી જાહેરાતો બતાવે છે.
એક રીતે જુઓ તો આમાં કંઈ ખોટું નથી. યૂઝર્સ ઘણે અંશે જાણી સમજીને પોતાની માહિતી ગૂગલને આપે છે અને તેના બદલામાં તેને ઉપયોગી થઈ શકે તેવી માહિતી કે સર્વિસ મેળવે છે.
પરંતુ છેલ્લા કેટલાક સમયથી ઇન્ટરનેટ પર ગૂગલ અને અન્ય અનેક કંપનીઝ દ્વારા આપણું ટ્રેકિંગ હદ બહારનું વધી ગયું છે.
ગ્રેબિયલને લાગ્યું કે ઇન્ટરનેટ પર આપણી પ્રાઇવસી જાળવવી એ બારીના પડદા બંધ કરવા જેટલું સહેલું હોવું જોઈએ.
ડકડકગો સર્ચ એન્જિન કે બ્રાઉઝર આપણી અંગત માહિતી અન્ય વિગતો એકઠી કરતું નથી કે સ્ટોર કરવું નથી.
તે આપણી સર્ચ હિસ્ટ્રી પણ સ્ટોર કરતું નથી એટલે, તેની મદદથી એડવર્ટાઇઝર્સ પોતાની જાહેરાતોથી આપણો પીછો કરે એવું થતું નથી.
અન્ય બ્રાઉઝરમાં, આપણે ઇનકોગ્નિટો કે પ્રાઇવેટ મોડમાં હોઈએ ત્યારે પણ આપણને ટ્રેક કરવામાં આવે છે. ડકડકગોમાં એવું થતું નથી.
ઇનકોગ્નિટો મોડ છે, પણ એટલું પૂરતું નથી
અત્યારે ઇન્ટરનેટ પર જુદાં જુદાં બ્રાઉઝર્સ આપણને ‘ઇનકોગ્નિટો મોડ’ની સુવિધા આપે છે, જેમાં આપણે કંઈ પણ સર્ચ કરીએ તો તેનું ટ્રેકિંગ થવું ન જોઈએ. સામાન્ય રીતે એવું માનવામાં આવતું કે આપણે કંઈક ‘ભળતું સળતું કે આપણે જે જોઈએ છીએ તે બીજા ન જાણે તો સારું’ એવું કંઈક સર્ચ કરી રહ્યા હોઈએ ત્યારે જ ઇનકોગ્નિટો મોડ ઉપયોગી થાય.
પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. હવે તો આપણે ઇન્ટરનેટ બ્રાઉઝરમાં નોર્મલ મોડમાં કંઈ પણ સર્ચ કરીએ તો કેટકેટલી કંપની પોતાની જાહેરાતો લઈને આપણી પાછળ પડી જાય છે. આવા જાસૂસોનો પીછો છોડાવવો હોય તો ઇનકોગ્નિટો મોડનો ઉપયોગ અનિવાર્ય બનવા લાગ્યો છે.
તકલીફ એ છે કે ઇનકોગ્નિટો મોડ આખરે તો એ જ બધી ઇન્ટરનેટ કંપનીઓની પેદાશ છે જે જાહેરખબરના જોરે જ ચાલે છે! પરિણામે ઇનકોગ્નિટો મોડ આપણે માનીએ છીએ એટલી જડબેસલાક રીતે આપણી પ્રાઇવસી જાળવતા નથી.
ડકડકગોની શરૂઆત
આના ઉપાય તરીકે ગેબ્રિયલ વેઇનબર્ગે ૨૦૦૮માં આપણી પૂરેપૂરી પ્રાઇવસી જાળવવાના વચન સાથે ડકડકગો નામનું સર્ચ એન્જિન (duckduckgo.com) શરૂ કર્યું.
એટલું જ નહીં આ ભાઈએ આગળ વધીને ગૂગલનું જ્યાં મુખ્ય મથક છે એ કેલિફોર્નિયાનાં શહેરોમાં મોટાં મોટાં બિલબોર્ડઝ મૂક્યાં અને કહ્યું કે ‘‘ગૂગલ ટ્રેક્સ યુ, વી ડોન્ટ’’.
લગભગ બધા ઇન્ટરનેટ સાહસોની જેમ ડકડકગોની શરૂઆત પણ એક જ સ્થાપક સાથે, ધૂળિયા બેઝમેન્ટમાં થઈ, પરંતુ હવે તે વિસ્તરીને મલ્ટિબિલિયન ડોલર કંપની બની ગઈ છે અને તેના યૂઝર્સ ઝડપભેર વધી રહ્યા છે.
ડકડકગો પણ આખરે તો જાહેરાતોમાંથી જ કમાણી કરે છે પરંતુ તે તેના યૂઝર્સની કોઈ રીતે જાસૂસી કરતી નથી. તેનો દાવો ઘણે અંશે આપણા વડાપ્રધાનના દાવા જેવો છે – ‘‘હું કોઈની જાસૂસી કરતો નથી અને કોઈને કરવા દેતો નથી’’.
જો તમે પીસી/ફોનમાં ડકડકગો સર્ચ એન્જિન કે બ્રાઉઝરનો ઉપયોગ કરો તો તમારા વિશેની કે તમારા સર્ફિંગ વિશેની કોઈ માહિતી આ કંપની પોતે સ્ટોર કરતી નથી.
જો તમે પીસી કે લેપટોપમાં અથવા એન્ડ્રોઇડ-આઇફોનમાં ડકડકગો સર્ચ એન્જિન કે બ્રાઉઝરનો ઉપયોગ કરો તો તમારા વિશેની કે તમારા સર્ફિંગ વિશેની કોઈ પણ માહિતી આ કંપની પોતે સ્ટોર કરતી નથી અને આપણે જ્યારે વિવિધ સાઇટ્સની મુલાકાત લઈએ ત્યારે તે સાઇટ પરથી આપણા બ્રાઉઝરમાં કૂકીઝ મૂકીને આપણું પગેરું દબાવતી કંપનીઓની કોશિશ તે નાકામ બનાવે છે.
ડકડકગો જે તે સાઇટ પરની બધી જાહેરાતો પણ બ્લોક કરી દે છે.
ડકડકગોનો ઉપયોગ કઈ રીતે થઈ શકે
જો તમને પણ હવે પ્રાઇવસી વધુ મહત્ત્વની લાગતી હોય તો મુખ્યત્વે બે રીતે તમે ડકડકગો સર્વિસનો ઉપયોગ કરી શકો છો.
૧. સ્માર્ટફોનમાં ડકડકગો બ્રાઉઝર ઉમેરીને
તમે તમારા એન્ડ્રોઇડ કે આઇફોનમાં ડકડકગો પ્રાઇવસી બ્રાઉઝર એપ ઇન્સ્ટોલ કરી શકો છો. આ બ્રાઉઝર લગભગ બધી રીતે ગૂગલ ક્રોમ જેવું જ લાગે છે, પરંતુ તેના સેટિંગ્સ પેજમાં જતાં બંન્ને વચ્ચેનો ફરક તરત જ સમજાઈ જાય.
ક્રોમમાં ઢગલાબંધ સેટિંગ્સ છે જ્યારે ડકડકગોમાં એક બે આંગળીને વેઢે ગણાય તેટલાં અને એ પણ બધાં પ્રાઇવસીને જ સંબંધિત!
આ બ્રાઉઝરમાં તમે કંઈ પણ સર્ચ કરો એટલે એડ્રેસ બારની બાજુમાં જ્વાળા જેવું એક ચિહ્ન જોવા મળે છે. તમારું સર્ફિંગ પૂરું થાય એટલે આ ચિહ્ન ક્લિક કરતાં તમે એ સેશન દરમિયાન જુદી જુદી ટેબ્સમાં જે કંઈ સર્ચ અને સર્ફ કર્યું હોય તો એ બધાની હિસ્ટ્રી એક ઝાટકે ‘બળીને ખાખ’ થાય.
એ ઉપરાંત જુદી જુદી સાઇટ્સની જ્યારે તમે વારંવાર આ બ્રાઉઝરમાં મુલાકાત લો ત્યારે એડ્રેસબારની પહેલાં પ્રાઇવસીની દૃષ્ટિએ એ સાઇટ્સનું રેન્કિંગ તમને જોવા મળે. ‘એ’ સૌથી સારું અને ‘ઝેડ’ સૌથી ખરાબ (અલબત્ત, જે સાઇટ્સમાં આપણે યૂઝરનેમ-પાસવર્ડ આપીને લોગ-ઇન થઈ શકતા હોઈએ તે સાઇટમાં યૂઝરનું થોડું ટ્રેકિંગ અનિવાર્ય હોય છે. ‘સાયબરસફર’ની વેબસાઇટનું રેટિંગ બી+ છે.). આ રેન્કિંગ પર ક્લિક કરતાં જે તે સાઇટ આપણો ડેટા એનક્રિપ્ટ કરે છે કે નહીં, કેટલી રીતે આપણને ટ્રેક કરે છે વગેરે પણ આપણે જોઈ શકીએ.
૨. પીસીના બ્રાઉઝરમાં ઉમેરીને
પીસીમાં તમે ગૂગલ ક્રોમ કે ફાયરફોક્સ બ્રાઉઝરનો ઉપયોગ કરતા હો તો તેમાં ડકડકગોની પ્રાઇવસી સુવિધાઓ ઉમેરીને ડિફોલ્ટ સર્ચ એન્જિન તરીકે પણ તેને સેટ કરી શકો છો.
જો તમે પીસીમાં ક્રોમ બ્રાઉઝરનો ઉપયોગ કરતા હો, તો https://duckduckgo.com સાઇટ પર જતાં, બાજુમાં બતાવ્યા મુજબનું સૂચન જોવા મળશે. ‘એડ ડકડકગો ટુ ક્રોમ’ બટન ક્લિક કરતાં, ક્રોમના વેબ સ્ટોરમાં તેના એક્સ્ટેન્શનનું પેજ ખૂલશે, જ્યાંથી તમે તેને ક્રોમમાં ઉમેરી શકશો.
હવે ક્રોમના મથાળાના બારમાં જમણી તરફ ડકડકગોનો લોગો ઉમેરાઈ જશે. તમે કોઈ પણ વેબસાઇટની મુલાકાત લઈને આ લોગો ક્લિક કરશો તો એ સાઇટ આપણી પ્રાઇવસીની કેટલી કાળજી લે છે તે જોવા મળશે.
આ ઉપરાંત, ક્રોમમાં હવે ડિફોલ્ટ સર્ચ એન્જિન તરીકે ડકડકગો ઉમેરાઈ જશે. તમે સર્ચ બારમાં કંઈ પણ સર્ચ કરશો તો લગભગ ગૂગલ જેવાં જ પરિણામો મળશે, પણ આપણી પ્રાઇવસી જળવાશે.
તમે ઇચ્છો ત્યારે ક્રોમના સેટિંગ્સમાં, એક્સ્ટેન્શન્સમાં જઈને ડકડકગોનું એક્સ્ટેન્શન કામચલાઉ બંધ કરી શકો છો કે કાયમ માટે દૂર કરી શકો છો.


