(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

કઈ ડિજિટલ સ્કિલ્સ તમને આગળ રાખી શકશે?

આજના સમયમાં ફક્ત માર્કેટિંગ જોબ્સ માટે જ નહીં, નોકરીની અન્ય જગ્યાઓ પર પણ, કેટલીક ચોક્કસ ડિજિટલ બાબતોની સમજ તમને બીજા કરતાં ઘણા આગળ રાખી શકે છે.

આગળ શું વાંચશો?

  • સોશિયલ મીડિયા

  • સર્ચ એન્જિન માર્કેટિંગ

  • આંકડા અને માહિતીનું વિશ્લેષણ – એનેલિટિક્સ

  • કન્ટેન્ટ માર્કેટિંગ

  • ઈ-મેઇલ માર્કેટિંગ

  • મોબાઇલ માર્કેટિંગ

  • સોશિયલ સેલિંગ ટૂલ્સ

  • પે-પર-ક્લિક માર્કેટિંગ

  • વીડિયો માર્કેટિંગ

  • સ્ટ્રેટેજી અને પ્લાનિંગ

પાંચેક વર્ષ પહેલાં જેના વગર આપણાં બધાં કામ થઈ શકતાં, તે મોબાઇલ વગરની દુનિયાની કલ્પના હવે કરી શકીએ? ઘડીએ ઘડીએ આપણને એની જરૂર પડવા લાગી છે. આપણાં કેટલાં બધાં કામ મોબાઇલ વગર હવે શક્ય નથી. નવી પેઢી માટે તો એના વગર જીવવું જ કદાચ અશક્ય છે.

આપણી દુનિયા હવે ડિજિટલ બની છે, સૌ માટે અને ખાસ તો નોકરી ઇચ્છતા કે નોકરી કરતા યુવાનોએ ડિજિટલી સ્માર્ટ હોવું જરૂરી બન્યું છે. હવે મોટા ભાગની કંપનીઓએ તેમનું કામ કમ્પ્યુટરાઇઝ્ડ કરી નાખ્યું છે અને બિઝનેસ વધારવા, કામગીરીને સહેલી બનાવવા અને વધુ લોકો સુધી પહોંચવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર આધાર રાખવા માંડ્યો છે. એટલે હવેના જોબ માર્કેટમાં ડિજિટલી સ્માર્ટ લોકોની બોલબાલા રહેવાની. તમે કોઈ પણ ફિલ્ડમાં હો, જો તમારી પાસે ડિજિટલ સ્કિલ્સ હશે તો તમે નોકરીમાં બધાથી આગળ રહી શકશો અને આ સ્કિલ્સ તમે વિકસાવી હશે તો તમે બીજા કરતાં સહેલાઈથી નોકરી મેળવી પણ શકશો. તો કઈ છે એ ડિજિટલ સ્કિલ્સ, જે તમને બધા કરતાં આગળ રાખી શકે?

અહીં દસ ડિજિટલ સ્કિલ્સ બતાવી છે, એમાં તમારી આવડત કેળવો અને તમારા રેઝ્યુમેમાં એને હાઇલાઇટ કરો, પછી જુઓ!

સોશિયલ મીડિયા

હાલમાં થયેલા એક સંશોધન પ્રમાણે અત્યારે દુનિયાભરમાં 270 કરોડ લોકો સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. આમાંથી 250 કરોડ લોકો મોબાઇલ પર એક્ટિવ છે. એકાદ વર્ષમાં જ, મોબાઇલ વાપરનારા લોકોની સંખ્યામાં 30 ટકાનો વધારો થયો છે અને હજી વધુ ને વધુ લોકો મોબાઇલ દ્વારા સોશિયલ મીડિયામાં એક્ટિવ થશે. 

સોશિયલ મીડિયા વાતચીત કરવા માટે અને માહિતી મેળવવા માટે સૌથી પહેલું હાથવગું સાધન છે. એટલે ગ્રાહકો અને કંપનીની પ્રોડક્ટની માહિતી – બંને વચ્ચે સોશિયલ મીડિયા એક સેતુનું કામ કરે છે. પરિણામે, જેને સોશિયલ મીડિયાનો એકદમ અસરકારક ઉપયોગ કરવાની કળા આવડતી હશે એનો ઘોડો આગળ રહેશે!

સોશિયલ મીડિયા પર માર્કેટિંગ કરવાનું એટલે ફક્ત ટ્વિટ કરી દેવું કે ફેસબુક પર અપડેટ કરી દેવું એટલું પૂરતું નથી. કંપનીની બ્રાન્ડ, તેના ઇન્ફ્લુએન્સર (એટલે કે જેમનાથી વેચાણ વધે) અને ગ્રાહકો વચ્ચે એક મજબૂત સંબંધ કઈ રીતે બને તેની સમજણ હોવી જરૂરી છે. સાદી ભાષામાં કહીએ તો, કંપનીએ પોતાની પ્રોડક્ટ નેટ પર વેચવા મૂકી હોય કે જાહેરાત કરી હોય તેને વધુ ને વધુ લોકો જુએ અને વેચાણ વધે એવું કરવું જરૂરી છે. 

સર્ચ એન્જિન માર્કેટિંગ


કંપનીઓ હવે સોશિયલ મીડિયા ઉપરાંત સર્ચ એન્જિન માર્કેટિંગ (એસઇએમ) પર પણ ખૂબ ધ્યાન આપે છે કેમ કે આ માર્કેટિંગનો પણ લોકો પર જબરો પ્રભાવ છે. કઈ રીતે? તો જાણી લો કે સર્ચ એન્જિન પર રોજનાં 650 કરોડ જેટલાં રિઝલ્ટ સર્ચ થાય છે! એમાંથી 77 ટકા જેટલું સર્ચ તો લોકો ફક્ત ગૂગલ પર કરે છે.

જેમની પાસે આ એસઇએમનો અનુભવ હશે એવા કર્મચારી પોતાની કંપનીને ફાયદો કરાવી શકશે કેમ કે તેઓ કંપનીની જાહેરખબર આવા સર્ચ એન્જિન (જેમ કે ગૂગલ) પર પેઇડ એડવર્ટાઇઝિંગથી એવી રીતે આપશે કે વધુ ને વધુ લોકોનું ધ્યાન ખેંચાય. આમ કરવાથી જે તે સર્ચ એન્જિન પર સર્ફિંગ કરતા લોકો કંપનીની વેબસાઇટ તરફ પણ આકર્ષાશે.

એટલે જે વિદ્યાર્થી કે કર્મચારીને એસઇએમનો ઉપયોગ કરવાની કળા આવડતી હશે એ 650 કરોડ સર્ચ રિઝલ્ટના ટ્રાફિકમાંથી અમુક હિસ્સાને પોતાની કંપનીની વેબસાઇટ જોવા તરફ વાળી શકશે. એટલે જ હવે કંપનીઓ, કન્ટેન્ટ મેનેજર્સ અને વેબમાસ્ટર્સ તેમની વેબસાઇટ્સ અને જાહેરાતોને નવા નવા રૂપરંગ સાથે રજૂ કરવા માટે ખાસ્સી મહેનત કરે છે. 

મોટા ભાગની કંપનીઓ પોતાની પ્રોડક્ટ વેચે છે અથવા તો કોઈ સર્વિસ આપે છે. તેમના માટે તેમના ઓનલાઇન હરીફોની બ્રાન્ડ કરતાં તેમની પોતાની બ્રાન્ડ લોકોને તરત નજરે ચડે એ બહુ અગત્યનું છે. જો તમારી પાસે સર્ચ એન્જિન માર્કેટિંગમાં છવાઈ જવાની આવડત હશે તો જોબ માર્કેટમાં તમારી ડિમાન્ડ વધી શકે છે.

આંકડા અને માહિતીનું વિશ્લેષણ – એનેલિટિક્સ

ફોર્બ્સ મેગેઝિનના જણાવ્યા પ્રમાણે, ફક્ત 22 ટકા કંપનીઓ એવો દાવો કરી શકી છે કે તેમની પાસેની આંકડાકીય માહિતીના આધારે તેમની પ્રોડક્ટનું વેચાણ કરવામાં સારી એવી સફળતા મળી છે.

મેનેજમેન્ટ એજ્યુકેશનના વિષયમાં ખૂબ જાણીતું નામ અને મોડર્ન મેનેજમેન્ટના સ્થાપક ગણાતા પીટર ડ્રકરે કહ્યું છેઃ “તમે જો એને માપી નહીં શકો તો મેનેજ નહીં કરી શકો.”

ડેટા એનેલિટિક્સ એટલે ઉપલબ્ધ આંકડા અને માહિતીનું બરાબર વિશ્લેષણ કરીને તેના પરથી નિર્ણય લેવો. તમારું જાહેરખબર અભિયાન સફળ રહ્યું કે કેમ અને કેટલા ટકા સફળ રહ્યું, તે આંકડાઓના આધારે કહી શકાય. એટલે આવા વિશ્લેષણમાં સૌથી મહત્ત્વનું છે આંકડાકીય માહિતી બરાબર જાણવી અને એના પરથી, પછીના જાહેરખબર અભિયાનને વધુ સફળ કઈ રીતે બનાવવું તે તપાસવું. કોઈ કંપની ફક્ત ટ્રેન્ડ જોઈને કે તમારી અંતઃસ્ફૂરણા પર આધાર રાખીને જાહેરાતો પાછળ લાખો રૂપિયા નહીં જ ખર્ચે. જાહેરાત વધુ ને વધુ લોકો સુધી પહોંચવામાં સફળ રહે અને એની પાછળ ખર્ચેલાં નાણાંનું સારું એવું વળતર મળે એનો જ બધો ખેલ છે.

એનેલિટિક્સ અને સર્ચ એન્જિન માર્કેટિંગ બંને એક સિક્કાની બે બાજુ છે. આ બંને બાબતોનું સારું એવું જ્ઞાન હશે તો કંપનીને ગ્રાહકોને શું જોઈએ છે, કેવી રીતે તેમને પોતાની પ્રોડક્ટ તરફ ખેંચવા અને કાયમી ગ્રાહક બનાવી દેવા એ મુદ્દે સારી એવી સફળતા મળશે.

કન્ટેન્ટ માર્કેટિંગ

પ્રોડક્ટની કન્ટેન્ટ કે સામગ્રી ઘણી બધી રીતે રજૂ કરી શકાય છે, જેમ કે બ્લોગ લખીને કે વીડિયો બનાવીને કે પછી પોડકાસ્ટ, ઇન્ફોગ્રાફિક્સ કે સોશિયલ મીડિયા પર સ્ટેટસ અપડેટ કરીને લોકોની નજરે ચડી શકાય. મોટા ભાગની કંપનીઓ માટે પ્રોડક્ટ વેચવા બ્લોગ કન્ટેન્ટ લખાવવું એ તેમની ટોપ પ્રાયોરિટી હોય છે.

કંપનીઓ ભલે જાહેરખબરો અને અમુક કીવર્ડ્સથી લોકોનું ધ્યાન ખેંચવા મહેનત કરે પણ એમાં હજી પણ રાજા તો કન્ટેન્ટ જ છે. વેબસાઇટ કે સોશિયલ મીડિયા પેજ એના પરનાં લખાણથી જ લોકોને પ્રોડક્ટ તરફ ખેંચવામાં સફળ થશે. એ લખાણ-સામગ્રી વગર ગ્રાહકોને પ્રોડક્ટ કે સર્વિસના ફાયદા શું છે એ સમજાવાનું નથી.

જે તે બ્રાન્ડ માટે લોકોમાં ઉત્સુકતા વધે, લોકોમાં વિશ્વાસ પેદા થાય એ માટે કન્ટેન્ટ સૌથી અગત્યની બાબત છે. એટલે તમારે ફક્ત કન્ટેન્ટ તૈયાર કરી દેવાનું એટલું જ નહીં, પણ સર્ચ એન્જિન પર જે કીવર્ડ હોય તે તરત ધ્યાન ખેંચનારો હોય અને વધુ લોકો વેબસાઇટ જોવા માટે આકર્ષાય એ સમજવું ખૂબ અગત્યનું છે.

ઈ-મેઇલ માર્કેટિંગ

નવા લોકો સુધી પહોંચવાની અને જૂના ગ્રાહકોને પકડી રાખવાની જૂની ને જાણીતી રીત છે ઈ-મેઇલ.

ઈ-મેઇલ સીધેસીધું માર્કેટિંગ કરવાની સૌથી જૂની અને હજી પણ એટલી જ અસરકારક રીત છે. નવા સ્ટાર્ટ અપ્સથી માંડીને મોટી મોટી જાણીતી મલ્ટિનેશનલ કંપનીઓએ પણ ઈ-મેઇલથી કેટલાંય સફળ કેમ્પેઇન્સ કર્યાં છે.

પણ ઈ-મેઇલ માર્કેટિંગ એટલું સહેલું નથી. એમાં પણ આવડત જોઈએ. ડિજિટલ માર્કેટિંગના અનુભવી લોકો જાણે છે કે ઈ-મેઇલથી જાહેરખબર કરવાનો દરેકેદરેક તબક્કો બહુ ધ્યાન રાખીને પ્લાન કરવો પડે છે. સાઇનઅપ પેજ,  વેબસાઇટ પર એ કઈ જગ્યાએ હોવું જોઈએ વગેરેથી માંડીને પહેલવહેલો વેલકમ ઈ-મેઇલ – આ બધું એવી રીતે લખાવું જોઈએ જેથી વધુ લોકો વેબસાઇટ પર જવા માટે તૈયાર થાય અને તમારી પ્રોડક્ટના કાયમી ખરીદદાર બની રહે.

લોકો વારંવાર પોતાનું ઈ-મેઇલ એડ્રેસ બદલતા નથી. આને લીધે જ એવા પ્રોફેશનલ્સની બહુ માગ છે જેમને ઈ-મેઇલથી ગ્રાહકો સાથે સીધો સંપર્ક બનાવતાં અને જાળવી રાખતાં આવડે.

ઈ-મેઇલ તો હવે બાવાઆદમના જમાનાની વાત છે એમ કહીને તેને નજરઅંદાજ બિલકુલ નહીં કરી શકાય, ઊલટાનું અત્યારે અને ભવિષ્યમાં કઈ રીતે વધુ લોકો સુધી પહોંચી શકાય એ રીતે તેનો ઉપયોગ કરતાં શીખવાની જરૂર છે.

મોબાઇલ માર્કેટિંગ

એક અંદાજ પ્રમાણે, દુનિયાની કુલ વસતિમાંથી આશરે પોણા ભાગના લોકો મોબાઇલ વાપરે છે અને એમાંના અડધોઅડધ ટકા લોકો પાસે સ્માર્ટફોન છે. 

હવે કમ્પ્યુટર કરતાં મોબાઇલનો વપરાશ ઘણો વધ્યો છે તે જોતાં એમ કહી શકાય કે હવે મોબાઇલ જ રાજ કરવાના છે. 

કમ્પ્યુટર પોતાની જગ્યાએ સ્થિર હોય છે, પણ મોબાઇલથી આખી વાતમાં નવાં પરિમાણો ઉમેરાયાં છે. મોબાઇલથી લોકોનું ગજબની ચોક્સાઈથી પગેરું પકડી શકાય છે. વોટ્સએપ જેવી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપથી દુનિયાભરના લોકો સતત એકમેકના સંપર્કમાં રહે છે. ચીનની વીચેટ એપે તો કમ્યુનિકેશન અને ઓનલાઇન કોમર્સની જબરી ભેળસેળ કરીને ગજબની સફળતા મેળવી છે. આ બધું ધ્યાને રાખતાં, સારી કારકિર્દી માટે વોટ્સએપ, ટેલિગ્રામ, મેસેન્જર, લિંક્ડઇન વગેરે જેવી એપ પર માર્કેટિંગની નવી નવી રીતે શીખવી અને સમજવી બહુ મહત્ત્વની છે. 

મોબાઇલથી ઓનલાઇન પેમન્ટ પણ બહુ સરળ બન્યું હોવાથી, બિઝનેસના વિકાસમાં તે એક બહુ મોટું પરિબળ બની ગયું છે.

સોશિયલ સેલિંગ ટૂલ્સ

 ગ્રાહકો સાથે કનેક્ટેડ રહેવા અને તેમને પોતાની પ્રોડક્ટ ખરીદવા આકર્ષવા હોય તો સેલ્સમાં કામ કરતા લોકોએ હંમેશાં ઓનલાઇન રહેવું પડે. આનાથી તેમનો બિઝનેસ સારો એવો વધે છે એ જોઈને મોટા ભાગના સેલ્સ પ્રોફેશનલ્સ પ્રોડક્ટ વેચવા માટે જુદી જુદી વેબસાઇટ્સ કે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. સોશિયલ મીડિયા સેલ્સ ટેક્નોલોજી જાણવાનું કોઈ પણ નવા નોકરિયાત કે વિદ્યાર્થી માટે ખૂબ કામનું રહેશે.

ઈ-મેઇલ ટ્રેકિંગ ટૂલ્સ, પ્રોડક્ટિવિટી એપ્સ અને સેલ્સ ઇન્ટેલિજન્સ સોફ્ટવેરની મદદથી ગ્રાહકો સાથે કનેક્શન જાળવી રાખવાનું મહત્ત્વ હવે લગભગ બધી કંપનીઓ સમજવા લાગી છે. લિંક્ડઇનના જણાવ્યા પ્રમાણે, 70 ટકાથી વધારે સેલ્સ પ્રોફેશનલ્સ લિંક્ડઇન, ટ્વિટર અને ફેસબુક જેવા સોશિયલ સેલિંગ ટૂલ્સનો ઉપયોગ કરે છે અને કંપનીની આવકમાં એનાથી ઘણો વધારો થાય છે.

પે-પર-ક્લિક માર્કેટિંગ

પરંપરાગત રીતે થતી જાહેરખબર પાછળ ખર્ચેલા અઢળક રૂપિયાની સામે જે વેચાણ થાય તે ઘણી વાર લાખના બાર હજાર જેવું હોય છે, એટલે મોટા ભાગની કંપનીઓ એ બાબતે ખુશ નથી હોતી.

આની સામે ઓછાં નાણાં ખર્ચીને, વધુ ગ્રાહકો મેળવવા માટે પે-પર-ક્લિક એટલે કે કંપનીની જાહેરાત પર જેટલી ક્લિક મળે એટલા જ પૈસા એડ નેટવર્કને ચૂકવવાના એ રીત ઘણી લોકપ્રિય બની છે. 

મોટું બજેટ ધરાવતી કંપનીઓ માટે વધુ પૈસા ચૂકવીને ગૂગલ સર્ચ એન્જિનના પહેલા જ પાને દેખાવાનો રસ્તો ઘણો સહેલો છે. આનાથી તેમને વધુ લોકો વેબસાઇટ પર આવવાની ગેરંટી પણ ખરી. ગૂગલનો પોતાનો એડવર્ડ્સ પ્રોગ્રામ પીપીસી દ્વારા જાહેરાત કરવાનું બહુ પોપ્યુલર મોડેલ છે. જો તમે ડિજિટલી સ્માર્ટ હો અને તમારી પાસે એક ક્લિક પાછળ કેટલો ખર્ચ થાય, કેટલા લોકો સુધી પહોંચી શકાય, લોકોમાં તમારી પ્રોડક્ટની છાપ કેવી છે વગેરેની સમજ હોય તો જોબ માર્કેટમાં બીજા લોકો કરતાં તમે ખરેખર જુદા તરી આવશો.

વીડિયો માર્કેટિંગ

પહેલાં ટીવી હતું મનોરંજન મેળવવા અને હવે વીડિયો એટલે મનોરંજન – એ કોન્સેપ્ટ બદલાયો છે. સોશિયલ મીડિયા પર વીડિયો હવે પોતાની વાત કહેવા માટેના મજબૂત પ્લેટફોર્મ તરીકે ઊભર્યો છે. સ્નેપચેટ અને ઇન્સ્ટાગ્રામ પર પણ વીડિયો સ્ટોરીઝ અપલોડ કરી શકાય છે.

હમણાંનાં વર્ષોમાં વીડિયો આટલો પોપ્યુલર બનવાનું કારણ શું? કારણ એ કે સ્માર્ટફોનનો ઉપયોગ ટીનએજ અને યુવાનોમાં ખૂબ થવા લાગ્યો છે. એટલે સ્નેપચેટ, વીબો, વીચેટ અને લાઇન જેવી સોશિયલ મીડિયા એપ્સનો વપરાશ ખૂબ વધ્યો છે. 

વીડિયોનો એક મોટો ફાયદો એ છે કે એમાં જે વાત કહેવાઈ હોય તે સમજવી સહેલી પડે છે, એની સામે બ્લોગ પોસ્ટ વાંચીને સમજવાનું કદાચ અઘરું પડે. વીડિયો જોવાની મજા પણ પડે અને આજકાલના યુવાનો કશું વાંચવા કરતાં વીડિયો જોવાનું વધુ પસંદ કરે છે. કંપનીઓ પોતાની પ્રોડક્ટ સાથે કોઈ સામાજિક સંદેશ વણી લે, લોકોની લાગણીને હચમચાવી દે એવું કશુંક ઉમેરીને ગ્રાહકો ખેંચી લાવવાનું માર્કેટ પૂરજોશમાં છે.

સ્ટ્રેટેજી અને પ્લાનિંગ

જે કંપનીઓ તેમના માર્કેટિંગ એજન્ડામાં વ્યૂહાત્મક પ્લાનિંગ કરે છે એમની લાંબા ગાળે સફળ થવાની શક્યતા વધી જાય છે. ટૂંકા ગાળાનું આયોજન કરવાને બદલે કંપનીઓએ ડિજિટલ માર્કેટિંગ કરવા માટે આંકડાકીય માહિતી અને એસઇઓ એટલે કે સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન (સર્ચ એન્જિન પરનાં રિઝલ્ટ્સમાં સૌથી આગળનાં વેબપેજમાં પોતાનું વેબપેજ રાખવું જેથી સૌથી વધુ લોકો જોઈ શકે) ને ધ્યાનમાં રાખીને પોતાની પ્રોડક્ટની જાહેરાત કરવી જરૂરી બની છે.

કંપની પોતાની જાહેરખબરનું પર્ફોર્મન્સ નક્કી કરવા કોઈ ચોક્ક્સ માપદંડ રાખે અને એને તપાસવાની રીત હોય જેથી કંપની પોતાના કામ અને દેખાવ બાબતે વધુ જવાબદાર બને. કંપની પોતાના પહેલાંનાં જાહેરખબર અભિયાનોનું પણ વિશ્લેષણ કરે એ પણ એટલું જ મહત્ત્વનું છે.

સાદી રીતે સમજીએ તો, સ્ટ્રેટેજી અને પ્લાનિંગની બાબતમાં ઘણી કંપનીઓ પાછળ રહી જાય છે. ડિજિટલ મીડિયામાં પ્લાનિંગ કરવાનું અને એને અમલમાં મૂકવાનું આવડી જાય તો તમે તમારી સાથેના લોકોથી ક્યાંય આગળ નીકળી શકશો.

જોબ માર્કેટમાં ડિજિટલ સ્કિલ્સની ડિમાન્ડ વધી છે અને જોવાની વાત એ છે કે આ સ્કિલ્સ ફક્ત સેલ્સ કે માર્કેટિંગના ફીલ્ડમાં જ નહીં, કોઈ પણ જોબ પ્રોફાઇલમાં બહુ કામની સાબિત થઈ શકે છે. તમારી પાસે જે પણ આવડત હોય એને આ ડિજિટલ સ્કિલ્સની ધાર પર અણીદાર બનાવી જુઓ એટલે કે તમારા ભણતર સાથે આ સ્કિલ્સ પણ કેળવો અને બધાથી અલગ-આગળ રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!