ઇમેજની સરખામણીમાં બનાવટી વીડિયો સર્જવા બહુ મુશ્કેલ છે, પણ હવે એ અશક્ય નથી.
ગયા મહિને અમેરિકાના ટેકસાસ સ્ટેટમાં મોટા પાયે ઉજવાયેલા અને મોટા પાયે ગાજેલા ‘હાઉડી મોદી’ સમારંભ દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતપોતાના ઉદબોધનમાં એકમેકનાં ભરપૂર વખાણ કર્યાં.
આ તો જગત આખા જોયું, પરંતુ એ સમારોહ પછી થોડા સમયમાં આ બંને વિશ્વ નેતાઓના એવા વીડિયો વાયરલ થાય, જેમાં બંને એકબીજાને ભરપેટ ભાંડી રહ્યા હોય તો?
નવી ટેકનોલોજીથી આ પ્રકારના તદ્દન બનાવટી વીડિયો બનાવવા પણ હવે શક્ય છે!
અત્યાર સુધી આપણે ફોટોશોપ જેવા પ્રોગ્રામમાં, બદઇદારાથી મોડિફાય કરેલી ઇમેજિસથી સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ ફેલાવવાના પ્રયાસો જોતા આવ્યા છીએ. આવી ઇમેજ ફેક હોવાનું હવે ઘણા લોકો સહેલાઇથી સમજી જાય છે, તેમ છતાં બહુ મોટો વર્ગ એવો પણ છે જે તેને સાચી સમજી બેસે છે.
એક ઇમેજમાં બીજી ઇમેજના અમુક ભાગ ખૂબીપૂર્વક ઉમેરવાનું કામ સહેલાઇથી થઈ શકે છે, પરંતુ વીડિયોમાં મોટા ભાગે કોઈ એક જગ્યા કે એક સમયની ઘટના બીજા સ્થળ કે સમયની હોય તેવું બતાવવાની બનાવટ થતી હતી. આ માટે વીડિયોમાંના ઓડિયો કે સબ ટાઇટલ્સને બદલી નાંખવામાં આવતા હતા.
હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કામે લગાડી ‘ડીપફેક’ નામે ઓળખાતી નવી ટેકનોલોજી વિકસી છે જેમાં વીડિયો સાથે ગજબની ચાલાકીથી ચેડાં થાય છે.
ડીપફેક ટેકનોલોજી કેટલી ખતરનાક છે એ સમજવા માટે આપણે આ વીડિયો જોવો રહ્યો https://youtu.be/cQ54GDm1eL0
હોલીવૂડના જાણીતા એકટર, ડિરેકટર અને રાઇટર જોર્ડન પીલે આ વીડિયો રજૂ કર્યો છે, જેમાં અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ બરાક ઓબામા પોતે આ ટેકનોલોજીનો કેવો દૂરુપયોગ થઈ શકે છે એવું કહેતા દર્શાવવામાં આવ્યા છે.
ઓબામા આ વીડિયોમાં કહે છે કે, ‘‘આપણે એક એવા યુગમાં પ્રવેશી રહ્યા છીએ જ્યાં આપણા દુશ્મનો કોઈ પણ વ્યક્તિ ગમે તે સમયે કંઈ પણ બોલી હોય એવું બતાવી શકે છે. એ લોકો એવું ક્યારેય ન બોલ્યા હોય તો પણ. જેમ કે ઉદાહરણ તરીકે મને કોઈ વીડિયોમાં એવું કહેતો બતાવી શકાય છે કે ‘‘પ્રેસિડેન્ટ ટ્રમ્પ પૂરેપૂરા (ગાળ) છે’’. તમે સમજી શકો છો કે હું આવું ક્યારેય આવું બોલું નહીં. પણ કોઈ વ્યક્તિ મને આવું કહેતો બતાવી શકે છે…’’
વીડિયોમાં આ તબક્કે સ્ક્રીન બે ભાગમાં વહેંચાઈ જાય છે. એક ભાગમાં બરાક ઓબામા બોલતા રહે છે અને બીજા ભાગમાં આ વીડિયો સર્જનાર જોર્ડન પીલ પણ, બરાક ઓબામાના મોંએ જે બોલાઈ રહ્યું છે એ જ શબ્દો બોલતાં જોવા મળે છે! વીડિયોમાં અહીંથી આગળ, બંને વ્યક્તિ એક જ શબ્દો બોલી રહી હોય એવું દેખાય છે. બંને કહે છે, ‘‘આ બહુ જોખમી સમય છે. આગળ વધતાં ઇન્ટરનેટ પર કઈ વાત પર વિશ્વાસ મૂકવો એ નક્કી કરવા આપણે બહુ સચેત રહેવું પડશે.’’
જોર્ડન પીલે બનાવેલા વીડિયોનો હેતુ વીડિયોમાં કેવી બનાવટ શક્ય છે એ બતાવવાનો જ હતો. દેખીતું છે કે આ વીડિયોમાં બરાક ઓબામાના અન્ય કોઈ ઓરિજિનલ વીડિયો પર બીજા શબ્દો ગોઠવવામાં આવ્યા છે. પરંતુ તેમના હોઠનું હલનચલન અને ચહેરાના હાવભાવ સાથે નવા શબ્દો ગજબની ચોકસાઈથી મેળ ખાય છે!
ડીપફેક વીડિયો બનાવવા માટે કોઈ વ્યક્તિની અસંખ્ય ઇમેજિસના ડેટાબેઝને કામે લગાડવામાં આવે છે. બરાક ઓબામા, ડોનાલ્ડ ટ્રમ્પ કે નરેન્દ્ર મોદીના કિસ્સામાં તેમના વીડિયો અને ઇમેજીસ મેળવવાં એ બહુ સહેલું કામ છે. એ પછી મશીન લર્નિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને કામે લગાડવામાં આવે છે.
જોર્ડન પીલેની કંપનીએ ઓબામાનો જે વીડિયો બનાવ્યો તે ફક્ત સવા મિનિટનો છે. પરંતુ તે બનાવવા માટે એડોબ કંપનીના આફ્ટર ઇફેક્ટસ પ્રોગ્રામમાં પૂરા ૫૬ કલાક સુધી વિવિધ ઇમેજિસનું ઓટોમેટિક પ્રોસેસિંગ કરવામાં આવ્યું હતું.
વીડિયો ઇફેક્ટ્સના એક અનુભવી પ્રોફેશનલે આ કામમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સાથોસાથ પોતાનો અનુભવ પણ કામે લગાડ્યો. પરિણામે બરાક ઓબામાના પહેલેથી ઉપલબ્ધ વિવિધ મીડિયા પર નવા શબ્દો ગજબની ચોકસાઈથી ગોઠવી શકાયા.
આ વીડિયોમાં એક કરામત એવી પણ કરવામાં આવી કે બરાક ઓબામાના ઓરિજિનલ વીડિયોમાં તેમની મોંફાડની જગ્યાએ જોર્ડન પીલેની મોંફાડનો હિસ્સો ગોઠવવામાં આવ્યો. આ વાંચ્યા પછી તમે વીડિયો ફરી જોશો તો ઓબામાની મોંફાડવાળો હિસ્સો થોડો ધૂંધળો લાગશે અને તેમનો અવાજ પણ જરા જુદો હોવાનો ખ્યાલ આવશે, તેમ છતાં, તમે આ વીડિયોની ચોકસાઈની પ્રશંસા કર્યા વિના રહી શકશો નહીં.
થોડા સમય પહેલાં કંઈક આ જ પ્રકારની ટેકનોલોજીથી હોલીવૂડની સેલિબ્રિટિઝને તેમણે જે એડલ્ટ ફિલ્મ્સમાં કામ કર્યું જ ન હોય તેમાં તેના ભાગરૂપે દર્શાવવામાં આવી હતી!
બરાક ઓબામા, સોરી, જોર્ડન પીલે કહે છે તેમ આપણે ખરેખર બહુ જોખમી સમય તરફ આગળ વધી રહ્યા છીએ!

