નવા વર્ષને આવકારીએ, કંઈક અજાણી, અવનવી માહિતી સાથે.
એક વર્ષનો અંત આવે અને નવા વર્ષને આવકારીએ એ સાથે, થોડા સમય માટે કેલેન્ડરમાં આપણો રસ નવેસરથી જાગૃત થાય છે!
વર્ષના અંતે અને નવા વર્ષની શરૂઆતમાં, કેલેન્ડરમાં જાતભાતની બાબતોમાં તમને પણ રસ પડતો હોય તો આ એક સાઇટ તમારે જોવા જેવી છે www.timeanddate.com.
આમ તો, શોધવા બેસીએ તો આ પ્રકારની ઘણી વેબસાઇટસ મળી આવે. કોઈ સાઇટ્સ પર નજર દોડાવવાને બદલે આપણા પોતાના પીસીમાં વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમના કેલેન્ડર અને કેલ્ક્યુલેટરમાં જરા વધુ ઊંડા ઊતરીએ તો તેમાં પણ અવનવી ખૂબીઓ નજરે ચઢે. જેમ કે પીસીના કેલ્ક્યુલેટરમાં વ્યૂ ટેબમાં, તમે જુદા જુદા ઘણા પ્રકારનાં કેલ્ક્યુલેટર પસંદ કરી શકો છો અને એમાંનું એક ડેટ કેલ્ક્યુલેશન સંબંધિત છે (કમ્પ્યુટરના કેલ્ક્યુલેટરની અવનવી કરામતો જાણવા જુઓ ‘સાયબરસફર’નો જાન્યુઆરી ૨૦૧૫ અંક)!
પીસીના કેલ્સીમાં કે આગળ કહી તે વેબસાઇટ પર, તમે તારીખ સંબંધિત ઘણી ગણતરીઓ સહેલાઈથી કરી શકો છો. જેમ કે, નવા વર્ષમાં તમારો જન્મદિવસ કેટલા દિવસ દૂર છે? ૧૮૬૯માં જન્મેલા ગાંધીજીનો, ૨૦૧૯ની બીજી ઓક્ટોબરે કેટલામો જન્મદિવસ હશે? બરાબર આજના દિવસે, તમે પોતે કેટલાં વર્ષ, મહિના અને દિવસના થયા? હજી જરા વધુ ઊંડા ઊતરવું હોય તો, ટાઇમ ડ્યુરેશન કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને તમે તમારી ઉંમર કલાક, મિનિટ્સ અને સેકન્ડ્સમાં પણ જાણી શકો છો!
વહેતા સમયને કેલેન્ડર અને ઘડિયાળની મદદથી કેટલી જુદી જુદી રીતે જોઈ શકાય છે એ આપણે પીસી કે વેબ પરની આવી કોઈ સર્વિસનો લાભ લઈએ ત્યારે જ સમજાય! ટાઇમએન્ડડેટ.કોમ વેબસાઇટ પર કેલેન્ડર ઉપરાંત વર્લ્ડ ક્લોક અને ટાઇમ ઝોન્સ સંબંધિત કેલ્ક્યુલેશન સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. સિડની અને શિકાગો આપણ સમયથી કેટલાં આગળ કે પાછળ એ નક્કી કરવામાં તમે ગોથાં ખાતા હો તો આ સાઇટ તમારી મૂંઝવણો કાયમ માટે દૂર કરી શકે છે. અહીં સૂર્ય અને ચંદ્રને લગતાં કેલ્ક્યુલેટર, ચંદ્રના વિવિધ તબક્કા, વિવિધ ઋતુઓ, ગ્રહણો, રાત્રિ અને દિવસના આકાશના નક્શા વેગેરેને સંબંધિત માહિતી પણ અહીં તમને મળશે.
આપણે ૨૦૧૯ને આવકારી રહ્યા છીએ ત્યારે આવી કોઈ સાઇટ પર જઈને, પ્રમાણમાં અજાણી વિગતોમાં થોડા ઊંડા ઊતરીશું તો નવા વર્ષમાં જરૂર અનેક નવી જિજ્ઞાસાની ભેટ મળશે – વિશ યુ હેપ્પી એન્ડ ક્યુરિયસ ન્યૂ યર!
