સ્માર્ટફોન મળ્યા પછી આપણાં અનેક કામ ઘણાં સહેલાં બની ગયાં છે, જેમાંનું એક કામ છે ડોક્યુમેન્ટ સ્કેન કરવાનું કામ! આમ તો, કેમસ્કેનર એપ આ માટે સૌથી સારું પરિણામ આપતી હતી. તેની મદદથી કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટનો ફોટો લીધા પછી, આપણે ફોટો લેવામાં કેમેરા ત્રાંસો રાખવાની ભૂલ કરી હોય તો એપ પોતે ઇમેજનો પરસ્પેક્ટિવ સુધારી આપતી હતી અને તેનું એવું પરિણામ આપતી હતી કે સારા, નવાનક્કોર ઝેરોક્સ મશીન પર કોપી મેળવ્યા જેવો આનંદ થાય!
પરંતુ થોડા સમય પહેલાં આ એપની સાથે માલવેર આપણા ફોનમાં ઘૂસી જતાં હોવાનું બહાર આવ્યા પછી લોકોનો તેના પરનો વિશ્વાસ ડગી ગયો.
આથી, હવે જો તમે તમારા ડોક્યુમેન્ટ્સને ડિજિટલ સ્વરૂપ આપવા માટે કોઈ સારી એપ શોધી રહ્યા હો તો ગૂગલ ફોટોઝ એપ પર હાથ અજમાવી શકો છો.
આમ તો, આ એપ પારિવારિક ફોટોઝ સાચવવા માટે ગજબની કામની છે, પણ તમે ઇચ્છો તો તેમાં રોજિંદાં બિલ્સ, રિસિપ્ટ્સ વગેરેની ડિજિટલ ઇમેજ પણ સાચવી શકો છો. આવાં ડોક્યુમેન્ટ્સ માત્ર ડિજિટલ સ્વરૂપે સાચવવાની વાત હોય તો તેની ઇમેજ લઈને ફોટોઝ એપમાં સ્ટોર કરી લેવાથી વિશેષ કશું કરવાનું નથી, પણ જો તેની પ્રિન્ટ પણ લેવાની હોય તો તેના બિનજરૂરી ભાગ દૂર કરવા માટે તેને ક્રોપ કરવાની જરૂર ઊભી થઈ શકે છે.
ગૂગલ ફોટોઝ એપના લેટેસ્ટ વર્ઝનથી તેમાં ફોટોગ્રાફ (પછી તે ડોક્યુમેન્ટની ઇમેજ હોય કે બીજી કોઈ પણ) ક્રોપ કરવાની સગવડ ઉમેરાઈ છે. આમ તો કોઈ પણ ફોટો સિલેક્ટ કરી, એડિટ મોડમાં જતાં તેને ક્રોપ કરવાની સગવડ હતી જ, પણ તેમાં માત્ર સીધી રેખામાં ફોટોને ક્રોપ કરી શકાતો હતો, હવે આપણે ઇચ્છીએ તે રીતે તેને ક્રોપ કરવાની સગવડ મળી છે.
આ માટે, કોઈ પણ ફોટો સિલેક્ટ કરી, એડિટ મોડમાં જતાં, શક્ય છે કે તમને નીચે જમણી તરફ એક બ્લુ બટનમાં ક્રોપની સુવિધા ઉમેરાઈ હોવાની જાણ કરવામાં આવશે. એવી સૂચના ન મળે, તો પણ નવ ડોટ્સના આઇકન પર ક્લિક કરો. હવે તમે ‘ક્રોપ ડોક્યુમેન્ટ’નું એક્સ્ટેન્શન જોવા મળી શકે છે (ન મળે તો એપ અપડેટ કરો!).
આ એક્સ્ટેન્શન સિલેક્ટ કરતાં, આખી ઇમેજના ચારેય ખૂણે ચાર ડોટ્સ જોવા મળશે. કોઈ પણ ડોટને ડ્રેગ કરીને ચાહો તે રીતે ઇમેજને ક્રોપ કરો. ક્રોપિંગમાં ચોક્સાઈ ઉમેરવા માટે, એક વર્તુળમાં આપણા ક્રોપિંગ ડોટનો ઝૂમ કરેલો ભાગ જોવા મળશે. અથવા નીચેનું ‘ઓટો’ બટન પ્રેસ કરીને સિસ્ટમને તેની મરજી મુજબનું ક્રોપિંગ કરવા દો.
આ પછી ‘ડન’ બટન ક્લિક કરતાં, ગૂગલ આપણે ક્રોપ કરેલી ઇમેજની કોપી સાચવી લેશે, આપણે માત્ર ઉપર ‘સેવ’ બટન ક્લિક કરવાનું રહેશે.
ફોટોઝ એપમાં ડોક્યુમેન્ટ્સનું એક આલબમ બનાવી લેશો તો જોઈતાં ડોક્યુમેન્ટસ સર્ચ કરવાં સહેલાં બનશે. તમે ઇચ્છો તો ડોક્યુમેન્ટમાંનો કોઈ પણ શબ્દ સર્ચ કરી જુઓ, એપ તમને એ શબ્દ ધરાવતી ઇમેજ શોધી આપશે!

