(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ક્રિકેટમાં કારકિર્દી ઘડવામાં મદદરૂપ થતી એપ – ક્રિકહીરોઝ

અમદાવાદના બે યુવાનોએ ક્રિકેટ માટેના પ્રેમને સ્ટાર્ટઅપમાં ફેરવીને, લોકલ મેચના સ્કોરને પણ ડિજિટલ બનાવતી અને ખેલાડીને પોતાની ગેમ તપાસવા/સુધારવામાં મદદ કરતી એપ વિક્સાવી છે.

ભરબપોરે બિલ્ડિંગનો છાંયો શોધીને તૂટલું ફૂટલું બેટ લઈને ‘મેદાન’માં ઊતરતો ટાબરિયો હોય કે પછી રોજ વહેલી સવારે નજીકના મેદાનમાં, એક જ મેદાનમાં આઠ-દસ ‘પીચ’ પર રમાતી મેચમાં બોલિંગ કરતો બોલર હોય, દરેકની આંખમાં એક દિવસ ઇંગ્લેન્ડના લોર્ડ્ઝમાં કે ભારતના ઇડનગાર્ડનમાં વર્લ્ડકપની ફાઇનલમાં બેટિંગ કે બોલિંગ કરવાનું સપનું હોય છે!

કેમ? કેમ કે હમણાં તો મહેન્દ્રસિંહ ધોની આપણને વારંવાર યાદ અપાવે છે, ‘‘યે ગેમ હૈ મહાન!’’

ભારત અને બીજા સંખ્યાબંધ દેશોમાં ક્રિકેટ ખરેખર ધર્મ સમાન છે. અસંખ્ય લોકોને ટીવી પર રમાતી મેચ જોવામાં રસ હોય તો બીજા લગભગ એટલા જ લોકો પોતે ફિલ્ડમાં ઊતરીને ક્રિકેટમાં કારકિર્દી બનાવવાનું સપનું જોતા હોય. આમાંથી ઘણા પોતાની કોલેજની ટીમમાં સામેલ થાય, આગળ વધીને રણજી ટ્રોફીમાં રમતા થાય, ત્યાંથી આગળ વધીને આઇપીએલ સુધી પણ પહોંચી શકે અને ખરેખર ટેલેન્ટ હોય તેમજ નસીબ જોર કરતું હોય તો એક દિવસ ભારતની સત્તાવાર ટીમની જર્સી પણ પહેરવા મળે.

પણ ‘એમ.એસ. ધોની – ધ અનટોલ્ડ સ્ટોરી’  ફિલ્મમાં આપણે જોયું હતું તેમ સ્કૂલની પીચથી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમની પીચ સુધીની સફર બિલકુલ સહેલી હોતી નથી. અનેક સ્તરની ક્રિકેટ મેચીઝમાં પોતાનું ટેલેન્ટ બતાવવું અનિવાર્ય છે અને એથી પણ વધુ જરૂરી છે, ટીમ સિલેક્ટર્સની નજરમાં આવવું. આમાં પાછું જાત ભાતનું પોલિટિક્સ પણ નડે!

સવાલ એ હોય કે સાવ સામાન્ય સ્તરની કહી શકાય તેવી ક્રિકેટ મેચીસમાં કોઈ ખેલાડી ઝળકી ઊઠે તો પણ એનું ટેલેન્ટ સિલેક્ટર્સની નજરમાં કેવી રીતે આવે?

સવાલ ડેટાનો છે. કોઈ મેચમાં તમે ૧૫૦થી ૨૦૦ રન ઝૂડી નાખો કે પાંચ-છ વિકેટ લઈ લો પણ એનો સ્કોર સ્કોરરની નોટબૂકમાં જ રહી જાય તો એના જોર પર તમે કારકિર્દી કેવી રીતે ઘડી શકો?

હવે સવાલ ડેટા યોગ્ય રીતે રેકોર્ડ થવાનો છે. અમદાવાદનાં મેદાનો પર લાંબો સમય ક્રિકેટ રમનારા બે મિત્રોને આ આખી વાતમાં એક સારા સ્ટાર્ટઅપ માટેનો સ્કોપ દેખાયો. અભિષેક દેસાઈ એમેચ્યોર ક્રિકેટ રમવાનો પચીસેક વર્ષનો અનુભવ ધરાવે છે. અભ્યાસે તેઓ કમ્પ્યુટર એન્જિનીયર છે અને તેમણે ટેકનોલોજી પ્રોડક્ટસ ડેવલપ કરતી ‘ડીજીકોર્પ’ નામની એક કંપની પણ સ્થાપી છે. તેમને પોતાને કોલેજની ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે ક્રિકેટ રમવાનો અનુભવ હતો. તેમના મિત્ર મીત શાહને અન્ડર-૧૫, અન્ડર-૨૩ અને ગુજરાત યુનિવર્સિટી માટે પ્રોફેશનલ ક્રિકેટ પ્લેયર તરીકે  રમવાનો અનુભવ હતો. આ બંને મિત્રોએ પોતપોતાના અનુભવો અને ખાસ તો ક્રિકેટ પ્રત્યેના પેશનને ‘ક્રિકહીરોઝ’ નામના એક સફળ સ્ટાર્ટઅપમાં પરિવર્તિત કર્યા!

સવાલ ડેટાનો છે. કોઈ મેચમાં તમે ૧૫૦થી ૨૦૦ રન ઝૂડી નાખો કે પાંચ-છ વિકેટ લઈ લો પણ એનો સ્કોર સ્કોરરની નોટબૂકમાં જ રહી જાય તો? એના જોરે કારકિર્દી કેમ ઘડાય?

ક્રિકહીરોઝ એક એવી એપ છે જેણે દેશ દુનિયાનાં નાનાં મોટાં ગામ શહેરનાં મેદાનોમાં રમાતી લોકલ ક્રિકેટ મેચના સ્કોરને પણ ડિજિટલ બનાવી દીધા છે.

કોઈ સારી ઇન્ટરનેશનલ મેચ રમાતી હોય ત્યારે જો ટીવી હાથવગું ન હોય તો મોટા ભાગના ક્રિકેટ રસિયાઓ ‘ક્રિકઇન્ફો’ કે ‘ક્રિકબઝ’ જેવી સાઇટ પર જઇને એ મેચના દરેકે દરેક બોલના લાઇવ સ્કોર પર નજર રાખતા હોય છે. ક્રિકહીરોઝ એપની મદદથી આપણે ઘરની નજીકના મેદાનમાં રમાતી, આપણા મિત્રોની મેચના પણ બોલે બોલના સ્કોર પર આ જ રીતે નજર રાખી શકીએ છીએ.


આગળની વાતમાં આપણને બે રીતે રસ પડી શકે તેમ છે:

  1. ક્રિકેટમાં ઊંડો રસ હોય તો આ એપ આપણી કારકિર્દી ઘડવામાં કેવી રીતે મદદરૂપ થઈ શકે તે જાણવામાં.
  2. એક સ્ટાર્ટઅપ તરીકે લોકોનો ઊંડો રસ પારખીને ઉમદા હેતુ અને બિઝનેસનો સરસ તાલમેલ કેવી રીતે બેસાડી શકાય એ જાણવામાં.

આપણે આ બંને પાસા પર સાથે સાથે નજર ફેરવીએ.

ક્રિકહીરોઝ એપનાં મુખ્ય ફીચર્સ

બોલ ટુ બોલ સ્કોરિંગ : ગમે તે સ્તરે ક્રિકેટ મેચ રમાઈ રહી હોય, સ્કોરર કાગળ પેનથી સ્કોર લખવાને બદલે પોતાના સ્માર્ટફોનમાં આ એપ ઇન્સ્ટોલ કરીને તેમાં મેચના દરેક બોલનો સ્કોર નોંધી શકે છે.

લાઇવ સ્કોર : સ્કોરર પોતાની મેચનો સ્કોર અન્ય લોકો સાથે લાઇવ શેર કરી શકે છે. કોઈ પણ વ્યક્તિ પોતાના સ્માર્ટફોનમાં આ એપ ડાઉનલોડ કરીને તેને જે ટીમમાં રસ હોય તેની મેચનો લાઇવ સ્કોર જોઈ શકે છે.

ટુર્નામેન્ટ : આઇપીએલની જેમ જો તમે જીપીએલ (‘ગલી પ્રીમિયર લીગ’!)નું આયોજન કર્યું હોય તો તેને માટે આ એપ પર એક ટુર્નામેન્ટ પેજ બનાવી શકો, જેમાં દરેક મેચનું શિડ્યુલ, લીડરબોર્ડ, પોઇન્ટ ટેબલ, સ્પોન્સર્સ, લાઇવ સ્કોર વગેરે બધું જ દર્શાવી શકો અને અન્ય લોકો સાથે શેર કરી શકો.

વેગન વ્હિલ : કોઈ પણ ઇન્ટરનેશનલ મેચ દરમિયાન બેટ્સમેને તેની ઇનિંગ દરમિયાન મેદાનમાં કઈ કઈ દિશામાં શોટ્સ ફટકાર્યા એ દર્શાવતું વેગન વ્હિલ ગ્રાફિક અવારનવાર દર્શાવવામાં આવતું હોય છે. ક્રિકહીરોઝ એપ પર લોકલ મેચના બેટ્સમેન માટે પણ આવું વેગન વ્હિલ દર્શાવવામાં આવે છે, જેની મદદથી એ બેટ્સમેન/બોલર પોતાનાં જમા-ઉધાર પાસાં સમજી શકે.

ક્રિકેટ ફીડ : તમને ક્રિકેટ રમવામાં રસ હોય કે જોવામાં, લાઇવ મેચીઝ, વીડિયો, ક્વિઝ, પોલ્સ, ટીપ્સ, ક્રિકેટની જાણી અજાણી વાતો, ન્યૂઝ, નિયમો વગેરે ઘણું બધું આ એપમાં જાણી શકાશે.

ઇકો સિસ્ટમ : ક્રિકેટમાં પ્લેયર ઉપરાંત જુદી જુદી અનેક બાબતો અને લોકો સંકળાયેલા હોય છે. તમારે કોઈ મેચનું આયોજન કરવું હોય તો એ માટે ક્રિકેટ એકેડેમી, ગ્રાઉન્ડ, સ્પોર્ટ્સ શોપ્સ, અમ્પાયર્સ, સ્કોરર્સ, કમેન્ટેટર્સ, વગેરે અનેક લોકોની જરૂર પડે.

આ એપમાં આ તમામ પ્રકારના લોકોની એક પ્રકારની ડિરેકટરી તૈયાર કરવામાં આવી છે, જેની મદદથી લોકો એકમેકનો સંપર્ક કરી શકે છે.

ક્રિકેટ એસોસિએશન્સ : લોકલ મેચથી આગળ વધીને ડિસ્ટ્રિક્ટ અને સ્ટેટ લેવલના ક્રિકેટ એસોસિએશન્સ સાથે જોડાણ કરીને તેની દરેક સત્તાવાર મેચનું સ્કોરિંગ પણ ક્રિકહીરોઝ એપ પર થાય એ પ્રકારની વ્યવસ્થા વિસ્તારવામાં આવી રહી છે.

ઓક્ટોબર ૨૦૧૬ની ૧૭ તારીખે આ એપ પર પહેલી મેચનો સ્કોર રેકોર્ડ કરવામાં આવ્યો ત્યારથી આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં ૨,૮૮,૬૪૧થી વધુ મેચ, ૧૮,૫૯૨થી વધુ ટુર્નામેન્ટ્સ અને ૨૯,૦૮,૪૫૨થી વધુ પ્લેયર્સ આ એપ પર નોંધાઈ ચૂક્યા છે!

પ્રીમિયમ ફીચર્સ : ક્રિકહીરોઝ પર તમામ સ્તરની મેચનું સ્કોરિંગ બિલકુલ ફ્રીમાં કરી શકાય છે, પણ તેનું એક આગવું પાસું ઊભવા ખેલાડીને ખાસ ઉપયોગી થાય તેવું છે અને તેને ક્રિકેટ કોચિંગની સરખામણીમાં નજીવી કહી શકાય એવી વાર્ષિક ફીથી પેઇડ રાખવામાં આવ્યું છે.

‘ક્રિકઇન્સાઇટ્સ’ નામના આ પેઇડ ફીચરનો લાભ લેનાર  દરેક પ્લેયર જુદી જુદી મેચમાં પોતે કેવી રીતે રમ્યો એનું એનાલિસિસ મેળવી શકે છે. સ્થાનિક સ્તરના ખેલાડી માટે આવું એનાલિસિસ લગભગ અશક્ય હોય છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રિકેટ રમતા ખેલાડીઓ પોતાની દરેક મેચના વીડિયો અને સ્કોરકાર્ડ્સની મદદથી પોતે કઈ ટીમ અને ખેલાડી સામે કઈ ભૂલ કરે છે કે કયા ખેલાડી સામે પોતાનાં જમા-ઉધાર પાસાં કયાં છે તેનો ઊંડો અભ્યાસ કરીને પોતાની ગેમ સુધારી શકે છે.

ક્રિકઇન્સાઇટ્સ લોકલ લેવલના ખેલાડીને આ જ લાભ આપે છે. તેમાં  રજિસ્ટર્ડ ખેલાડી બીજા કોઈ ખેલાડીને પસંદ કરીને તેની સામે પોતાના પરફોર્મન્સને તપાસી શકે છે તેમ જ અન્ય ક્રિકેટર્સ-ટીમ્સની ખૂબી-ખામીઓ સમજી શકે છે કેમ કે હવે તમામ ખેલાડીઓના પર્ફોર્મન્સનો ડેટા ક્રિકહીરોઝમાં જમા થઈ રહ્યો છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!