આપણી ડિજિટલ દુનિયા કેટલી ગૂંચવણભરી બની ગઈ છે, એનું સાવ સાદું ઉદાહરણ એટલે પાસવર્ડ. આપણી માહિતી ખાનગી રાખવા પાસવર્ડ જરૂરી છે અને એને પણ ખાનગી રાખવા, એ વધુ ઝંઝટનું કામ છે!
ઇન્ટરનેટ પર ઠીક ઠીક સક્રિય કોઈ પણ વ્યક્તિ પોતાના બધા પાસવર્ડ યાદ રાખી શકે એ હવે અશક્ય છે. જો તમારા કિસ્સામાં એ શક્ય હોય, તો એનો અર્થ એટલો જ કે તમારા પાસવર્ડ પૂરતા સલામત નહીં હોય!
એ દૃષ્ટિએ, પાસવર્ડ મેનેજર સર્વિસ બહુ ઉપયોગી થાય છે.
તેનાથી આપણે મુશ્કેલ પાસવર્ડ બનાવવાની અને પછી યાદ રાખવાની ઝંઝટમાંથી બચી જઈ છીએ. પરંતુ, આવી સર્વિસનો ઉપયોગ શરૂ કરીએ, એટલે નવો સવાલ ઊભો થાય – આ સર્વિસને સલામત કેમ રાખવી?!
આ અંકની કવરસ્ટોરીમાં, પાસવર્ડના સંદર્ભમાં ‘સગવડ અને સલામતી’ એ બંનેનું સંતુલન કેમ સાધવું તેની બહુ વિગતવાર વાત કરી છે.
આ આખા લેખમાં ભાષા બને એટલી સરળ રાખી છે, તેમ છતાં, તમને ગૂંચવણો થઈ શકે છે! પૂરતો સમય લઈને, ફુરસદે, પીસી સામે બેસીને કે હાથમાં મોબાઇલ રાખીને આ લેખ વાંચવાની ભલામણ!
આ વિષય આપણા સૌ માટે અતિ મહત્ત્વનો હોવાથી, તેમાં કંઈ ખામી રહી ગઈ હોય તો જરૂર ધ્યાન દોરશો. તમે અન્ય કોઈ સર્વિસનો ઉપયોગ કરતા હો અને તેમાં સલામતીની ચિંતા ઓછી અને સગવડ વધુ હોય તો પણ ચોક્કસ જણાવશો. સૌને ઉપયોગી થશે.
-હિમાંશુ

