હમણાં તમે અખબારોમાં માઇક્રોસોફ્ટની ક્લાઉડ સર્વિસીસની જાહેરાતો જોઈ હશે. એ પહેલાં, ગૂગલની ક્લાઉડ સર્વિસીસની જાહેરાતો પણ આવતી હતી. ક્લાઉડ કમ્પ્યુટિંગની સર્વિસ આપતા ત્રીજા મોટા ગજાના ખેલાડી – એમેઝોન વેબ સર્વિસીસ વિશે તો આપણે ખાસ જાણતા નથી.
પરંતુ હકીકત એ છે કે આ ત્રણેય કંપની વચ્ચે જબરજસ્ત હરીફાઈ ચાલી રહી છે. આ હરીફાઈ આપણા જેવા વ્યક્તિગત યૂઝરને પોતાની તરફ ખેંચવા માટેની નથી. એમનું લક્ષ્ય છે બિઝનેસીસ.
જગતભરના નાના-મોટા બિઝનેસીસનું કમ્પ્યુટર પર થતું તમામ કામકાજ, આ ત્રણેય કંપની પોતપોતાના સર્વર તરફ વાળવા માગે છે.
અત્યાર સુધી પરંપરાગત રીતે એવું થતું આવ્યું છે દરેક નાની મોટી કંપની પોતાની જરૂરિયાતો માટે હાર્ડવેર, સોફ્ટવેર વગેરે વસાવે, કામ વિસ્તરે એટલે કંપનીનાં પોતાનાં સર્વર્સ આવે અને આખા તંત્રને સંભાળવા માટે પાછું તેના નિષ્ણાતોનું અલગ તંત્ર ઊભું કરવું પડે.
એમ કરવા છતાંય, ટેક્નોલોજી જે ઝડપે વિક્સી રહી છે તેની સાથે તાલ મિલાવવો તો મુશ્કેલ જ થાય.
તેના ઉપાય તરીકે, ટેકનોલોજી જગતની આ ત્રણ મુખ્ય કંપની એવાં સોલ્યુશન આપે છે, જેમાં નાના-મોટા બિઝનેસ તેની જરૂર મુજબ, આ ત્રણ મોટી કંપનીની જુદી જુદી સર્વિસ મેળવતી જાય છે અને જેટલી સર્વિસીસનો ઉપયોગ કરે એટલા પૂરતાં જ નાણાં ચૂકવે છે.
આ કંઈક એવી વાત થઈ કે દરેક ફેક્ટરી પોતાની વીજળી જરૂરિયાત પૂરી કરવા પોતાનાં વીજમથક ઊભાં કરતી નથી. એ વીજ કંપની પાસેથી વીજળી ખરીદી લે છે.
બરાબર એ રીતે, ક્લાઉડ સર્વિસીસ પૂરી પાડતી માઇક્રોસોફ્ટ, ગૂગલ કે એમેઝોન જેવી કંપની ટેક્નોલોજી, ઇનોવેશન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગેરેમાં ગંજાવર રોકાણ કરે છે અને આખી દુનિયાના બિઝનેસીસને વિવિધ સર્વિસીસ માટે તૈયાર સેટઅપ ઓફર કરે છે.
