ઇન્ટરનેટ પર આપણે અનેક સર્વિસમાં એકાઉન્ટ ખોલાવીએ છીએ અને પછી તેને ભૂલી જઈએ છીએ! આવાં બિનઉપયોગી ખાતાં આપણને નડે તે પહેલાં તેને શોધીને ડિલીટ કરવાં જરૂરી છે.
સાવ સાચું કહેજો – તમે કુલ કેટલાં બેન્ક ખાતાં ધરાવો છો? ચિંતા ના કરશો – આ કોઈ ઇન્કમટેક્સ અધિકારી તરફથી પૂછાયેલો સવાલ નથી! મુદ્દો એ છે કે આપણે પોતાનાં સેવિંગ્સ, કરન્ટ, ફિક્સ્ડ ડિપોઝિટ, લોન વગેરે માટે ખોલેલાં બેન્ક ખાતાંની સંખ્યા પણ તરત કહી શકતા નથી, તો પછી આપણે આંખો મીંચીને, ધડાધડ ખોલેલાં ઓનલાઇન ખાતાં વિશે તો કહેવું જ શું?
આજે ઇન્ટરનેટ પર મોટા ભાગની વેબસાઇટ્સ અને વેબ સર્વિસ પર નાનું મોટું કોઈ પણ એકશન લેવા માટે આપણે તેમાં એકાઉન્ટ ખોલાવવું પડે છે. આવું એકાઉન્ટ ફ્રી કે પેઇડ હોઈ શકે પરંતુ એકાઉન્ટ ખોલવું જરૂરી હોય.
જેમ કે કોઈ સાઇટ્સ પર શોપિંગ કરવું હોય, ફ્રી ન્યૂઝલેટર્સ મેળવવા હોય, કંઈ ડાઉનલોડ કરવું હોય કે પછી કોઈ પોસ્ટ પર આપણી કમેન્ટ પોસ્ટ કરવી હોય, ક્વેશ્ચન આન્સર્સના ફોરમમાં આપણો કોઈ પ્રશ્ન મૂકવો હોય વગેરે દરેક જરૂરિયાત માટે આપણે જે તે વેબસાઇટ કે સર્વિસ પર એકાઉન્ટ ખોલાવવું જરૂરી હોય છે.
હવે થાય એવું કે આપણું કામ લાંબા સમયનું ન હોય – આપણે ફક્ત એક ફાઇલ ડાઉનલોડ કરવા માગતા હોઈએ અને એટલા પૂરતું જ આપણે એ સાઇટ પર ખાતું ખોલાવ્યું હોય, પરંતુ પછી એ સાઇટ પર આપણું ખાતું હંમેશ માટે, વપરાયા વિનાનું પડ્યું રહે!
તકલીફ એ છે કે ઇન્ટરનેટની યાદશક્તિ હાથી કરતાં પણ જબરી હોવાને કારણે ઇન્ટરનેટનાં સર્વર્સ કશું જ ભૂલતાં નથી.
આ કારણે એવું બને કે છેલ્લાં થોડાં વર્ષોમાં આપણે ઇન્ટરનેટ પર ઠેકઠેકાણે ખાતાં ખોલાવ્યાં હોય અને પછી તેનો ઉપયોગ કર્યા વિના બિનવારસી હાલતમાં છોડી દીધાં હોય તો એ ક્યારેક ને ક્યારેક આપણને નડી શકે છે.
આપણે કોઈ સાઇટ પર શોપિંગ કર્યું હોય તો તેના પર આપણા પોસ્ટલ સરનામા ઉપરાંત બેન્ક કાર્ડ કે બેન્ક સંબંધિત અન્ય વિગતો આપી હોઈ શકે છે. એવું પણ બની શકે કે એ શોપિંગ સાઇટ ઇન્ટરનેટ પર ડેટાની સલામતી સંબંધિત સંપૂર્ણ ચોકસાઈ જાળવતી ન હોય. વાત થોડાં વર્ષ પહેલાંની હોય તો એવું પણ બને કે આપણે પોતે પણ આપણા ડેટાની સલામતી વિશે ખાસ સજાગ ન હોઈએ અને એ વેબસાઇટ સલામત છે કે નહીં એ આપણે પૂરતું ચકાસ્યું ન હોય.
આવી સાઇટ પર આપણી સંવેદનશીલ વિગતો હેકર્સની રાહ જોતી, જોખમી રીતે પડી રહી હોય એવું બની શકે છે.
વધુ જોખમ ત્યારે ઊભું થાય જ્યારે જે સાઇટ્સ પર આપણે ખાતું ખોલાવ્યું હોય એ સાઇટ પોતે બંધ પડી ગઈ હોય! આવી સાઇટના સંચાલકોએ મોટે ભાગે તેમનું સાહસ આર્થિક રીતે પરવડે તેવું ન રહ્યું હોય તેથી પોતાની વેબસાઇટ કે વેબસર્વિસ બંધ કરી હોય. આથી હતાશામાં ડૂબેલા સંચાલકો પોતાની સાઇટ અને તેના સંપૂર્ણ ડેટાને ઇન્ટરનેટ પરથી વ્યવસ્થિત રીતે ભૂંસવાની દરકાર કરે એવી અપેક્ષા રાખવી વધુ પડતી થાય.
દુનિયાભરના હેકર્સ ઇન્ટરનેટ પર તેમની જાળ ફેલાવતા રહીને વધુ ને વધુ પ્રમાણમાં લોકોની ઇન્ફર્મેશન એકઠી કરવા માટે સતત પ્રયત્નશીલ હોય છે. તેમને માટે બંધ પડેલી સાઇટ્સ કે નવા સમયની સલામતી વિનાની સાઇટ્સમાંનાં આપણાં જૂનાં એકાઉન્ટ્સ મોટા ખજાના સમાન સાબિત થાય છે.
હજી વધુ મોટું જોખમ ત્યારે ઊભું થાય જ્યારે આપણે જુદી જુદી સાઇટ પર એકાઉન્ટ ખોલાવતી વખતે દરેક સાઇટ માટે અલગ અને અત્યંત જટિલ પાસવર્ડ તૈયાર કરવાની મહેનત ન કરી હોય.
ઘણા લોકો લગભગ એક સરખી પેટર્નના અથવા તો તદ્દન એક જ પાસવર્ડનો જુદા જુદા એકાઉન્ટ્સ માટે ઉપયોગ કરે છે. આથી જૂનાં, બંધ પડેલાં એકાઉન્ટમાં ઉપયોગ કરેલા પાસવર્ડ્સનો તેઓ હજી પણ ઉપયોગ કરતા હોય એવું બની શકે છે. હેકર્સ માટે, હાથમાં આવેલા આવા પાસવર્ડનો દુરઉપયોગ કરવો રમતવાત હોય છે.
આ બધું તો સમજ્યા અને સ્પષ્ટ પણ થયું કે જૂનાં, બંધ પડેલાં એકાઉન્ટસ આપણે માટે જોખમી છે. તો હવે એ સવાલ થાય કે એનો ઉપાય શું કરવો?
જૂનાં, ભૂલાઈ ગયેલાં એકાઉન્ટ્સ કેવી રીતે શોધશો?
એટલું સ્પષ્ટ છે કે આપણે જે જે એકાઉન્ટનો હવે ઉપયોગ ન કરતા હોઇએ તેને બંધ કરી દેવા હિતાવહ છે. તકલીફ ત્યારે થાય જ્યારે આપણને યાદ પણ ન હોય કે કઈ સાઇટ પર આપણે એકાઉન્ટ ખોલાવ્યું હતું. આવી સાઇટ શોધવા માટે વિવિધ રસ્તા અજમાવી શકાય.
સામાન્ય રીતે કોઈ પણ સાઇટ પર એકાઉન્ટ ખોલાવતી વખતે તેનું કન્ફર્મેશન આપણને ઈ-મેઇલ દ્વારા મળતું હોય છે. આથી આપણા ઇમેઇલ પ્રોગ્રામ મારફત આપણે જૂનાં એકાઉન્ટસનું પગેરું પકડી શકીએ છીએ. અલબત્ત સમય સાથે આપણે પોતાની ઈ-મેઇલ સર્વિસ પણ બદલી હોય તો આવાં કન્ફર્મેશન જૂની ઈ-મેઇલ સર્વિસમાં પડ્યા હોય એવું બની શકે.
આથી સૌથી પહેલાં જુદી જુદી ઈ-મેઇલ સર્વિસમાં તમારું એકાઉન્ટ છે કે કેમ એ તપાસવાની કસરત કરવી પડે. તમને જરાતરા યાદ હોય કે આ સર્વિસમાં તમારું એકાઉન્ટ ખોલાવ્યું હતું એવી ઈ-મેઇલ સર્વિસિસમાં જઇને યાદશક્તિને જોર આપીને તમારું ઈ-મેઇલ એડ્રેસ આપી લોગઇન થવાની કોશિશ કરી જુઓ.
જો ઈ-મેઇલ એડ્રેસ સાચું હશે તો તમે તેનો પાસવર્ડ રીસેટ કરવાનો કોઠો પણ કદાચ ભેદી શકશો. મોટા ભાગની ઈ-મેઇલ સર્વિસ લાંબા સમયથી ઉપયોગમાં ન લેવાતાં એકાઉન્ટ્સ તેમાંના સંપૂ્ર્ણ ડેટા સાથે ડિલીટ કરતી હોય છે. આ સંજોગમાં આપણને એ ઈ-મેઇલ એકાઉન્ટમાં ઘૂસીને અન્ય જૂનાં એકાઉન્ટસ સુધી પહોંચવાનો રસ્તો બંધ થઈ જશે. પરંતુ એટલું આશ્વાસન રહેશે કે એક સર્વિસની આપણે ઓછી ચિંતા કરવી પડશે!
જો તમે લાંબા સમયથી એક જ ઇમેઇલ સર્વિસનો ઉપયોગ કરતા હો તો અગાઉ ખોલેલાં પણ હવે બંધ પડેલાં વિવિધ એકાઉન્ટ્સ સંબંધિત કોઈ ને કોઈ માહિતી તેમાં જરૂર મળી આવશે. ખાસ કરીને જીમેઇલની શરૂઆતના સમયમાં એટલે કે ૨૦૦૪ પછીના અરસામાં તમે જીમેઇલ તરફ વળી ગયા હો તો એ સમયે જીમેઇલ પર વારંવાર આપણને કહેવામાં આવતું હતું કે જીમેઇલમાં એટલી બધી સ્ટોરેજ મળે છે કે તમારે તેમાંના કોઈ મેઇલ ડિલીટ કરવાની જોઈ જરૂર નથી. આથી જીમેઇલમાં તમારા વર્ષો જૂના ઇમેઇલ પણ અકબંધ પડ્યા રહ્યા હોય એવું બની શકે છે. તેનો લાભ લઇને તમારા જીમેઇલ એકાઉન્ટમાં ‘પાસવર્ડ’, ‘પાસવર્ડ રીસેટ’ વગેરે શબ્દો સર્ચ કરતાં વિવિધ સર્વિસમાં તમે લાંબા સમય પહેલાં ખોલાવેલા એકાઉન્ટસની વિગતો મળી આવી શકે છે.
આ વિગતોની મદદથી એ સર્વિસમાં પહોંચીને તેમાં લોગઇન થાઓ અને તમારું એકાઉન્ટ ડિલીટ કરવાનો વિકલ્પ શોધીને એ બટન પર ક્લિક કરી દો!
જો તમને લાગે કે એ એકાઉન્ટમાં તમારો કોઈ ઉપયોગી ડેટા પડ્યો છે તો તમે તેને ડાઉનલોડ કે એક્સપોર્ટ કરવાના વિકલ્પો તપાસી શકો છો.
કોઈ જૂની ફોટો સ્ટોરેજ સર્વિસ, ટુડુ લિસ્ટની સગવડ આપતી સર્વિસ, બ્લોગ્સ ચલાવવાની સગવડ આપતી સર્વિસ વગેરેમાં આપણો આવો જૂનો ડેટા હોઈ શકે છે. તેને શોધી, નવેસરથી એક્સેસ કરીને તમે હવે જેનો ઉપયોગ કરતા હો તેવી સર્વિસમાં ટ્રાન્સફર કરી શકો છો. અલબત્ત બધી સર્વિસ આવી સગવડ ન પણ આપતી હોય.
એ જ રીતે બધી સર્વિસ એકાઉન્ટ ડિલીટ કરવાની સગવડ નથી આપતી. આવી સ્થિતિમાં આપણે એ સાઇટના એડમિનિસ્ટ્રેટરનો સંપર્ક કરીને તેને આપણું એકાઉન્ટ ડિલીટ કરવાની વિનંતી કર્યા સિવાય બીજો કોઈ રસ્તો રહેતો નથી.
હવે શું ધ્યાન રાખવું?
- તમે જોશો તેમ જૂનાં એકાઉન્ટ શોધીને ડિલીટ કરવા એ બહું કપરું કામ છે. આથી તેમાંથી આપણે કેટલાક બોધપાઠ લઇ શકીએ.
- કોઈ પણ વેબસર્વિસ પર એકાઉન્ટ ખોલાવતી વખતે જરા અટકીને વિચારી લઇએ કે એકાઉન્ટ ખોલાવવું ખરેખર જરૂરી છે?
- આપણે જે માહિતી મેળવવા માટે એકાઉન્ટ ખોલાવી રહ્યા છીએ તે ખરેખર જરૂરી છે?
- એ પણ વિચારીએ કે આપણે એકાઉન્ટ ખોલાવ્યા પછી તેનો લાંબા ગાળા સુધી ઉપયોગ કરવાના છીએ?
- એ પણ તપાસીએ કે એ વેબસાઇટ્ આપણા ડેટાને પૂરતો સલામત રાખે તેમ છે? (‘સાયબરસફર’માં આપણે અગાઉ વાત કરી ગયા છીએ તેમ વેબસાઇટના એડ્રેસ પહેલાં તાળાની નિશાની દેખાય તો વેબસાઇટ વધુ સલામત છે, તેના પર ક્લિક કરીને સાઇટની સલામતી સંબંધિત વધુ વિગત મેળવી શકાય છે).
- એ પણ તપાસીએ કે એ વેબસાઇટ આપણે ઇચ્છીએ ત્યારે આપણો ડેટા ડાઉનલોડ કરી લેવાની સગવડ આપે છે? (વિશ્વની સૌથી વધુ લોકપ્રિય સર્વિસ ફેસબુકે પણ છેક હમણાં આવી સગવડ આપી છે!)
- એ વેબસાઇટ આપણું એકાઉન્ટ ડિલીટ કરવાની સગવડ આપે છે કે નહીં એ પણ તપાસીએ.
- અને છેલ્લે સૌથી મહત્ત્વની વાત – ઉપરની બધી બાબતોના જવાબ હા હોય તો એકાઉન્ટ ભલે ખોલાવીએ, પરંતુ તેનો પાસવર્ડ યુનિક અને મજબૂત રાખીએ અને તેની વિગતો કોઈક રીતે વ્યવસ્થિત રીતે સાચવી રાખીએ જેથી ભવિષ્યમાં એ એકાઉન્ટ ડિલીટ કરવું સહેલું બને!
જૂની, હવે ભૂલાઈ ગયેલી સર્વિસ શોધવાનું સહેલું બનાવતી એક વેબસાઇટ વિશે જાણો આ લેખમાં…


