(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

નવી નજરે જુઓ ફેસબુકમાંનો પોતાનો ડેટા

ફેસબુકમાંથી ડેટાની ચોરી આખી દુનિયામાં ચર્ચાનો વિષય કેમ બને છે એ જાણવા માટે, ફેસબુક આપણી પ્રવૃત્તિઓ વિશે અને આપણા પોતાના વિશે કેટલું જાણે છે એ આપણે પોતે જાણવું જરૂરી છે!

પંદર વર્ષ પહેલાં, જ્યારે દુનિયાએ ફેસબુકનું નામ પણ નહોતું સાંભળ્યું ત્યારે અમેરિકામાં ફેસમેશ.કોમ નામની એક વેબસાઇટ વિવાદાસ્પદ બની હતી. વર્ષ હતું ૨૦૦૩. અને માર્ક ઝકરબર્કનો ફેસબુક પહેલાંનો પ્રોજેક્ટ હતો. એ સાઇટ કોલેજ સ્ટુડન્ટ્સે તેમની ક્લાસમેટ્સ કેટલી ‘હોટ’ લાગે છે તેનું રેટિંગ કરવા કહેતી હતી. એ માટે યુનિવર્સિટી ઓનલાઇન ડિરેક્ટરીમાંથી વિદ્યાર્થિનીઓના ફોટોગ્રાફ્સ ચોરીને સાઇટ પર મૂકવામાં આવ્યા હતા. એ વિશે હોબાળો મચતાં, ૧૯ વર્ષના માર્કે એક ઇન્ટરવ્યૂમાં લોકોની માફી માગતાં કહ્યું હતું કે “પ્રાઇવસીની ચિંતા લોકોની લાગણી દુભાવે છે. હું કોઈનું અપમાન કરવાનું જોખમ લેવા માગતો નથી.

એ સાઇટ તો સમેટાઈ ગઈ, પણ પછીના વર્ષે માર્ક ઝકરબર્ગે ફેસબુક લોન્ચ કરી.


આગળ શું વાંચશો?

  • ફેસબુકમાં તમારા વિશેની માહિતી
  • ફેસબુકમાં તમારી પોતાની માહિતી
  • ક્વિક નોટ્સ

એ પછી ગયા વર્ષે, ફેસબુક પરનો યૂઝર્સનો ડેટા કેમ્બ્રિજ એનાલિટિકા નામની કંપની પાસે પહોંચ્યો અને ત્યાંની અમેરિકન પ્રમુખની ચૂંટણીમાં તેનો ઉપયોગ થયો ત્યારે વધુ એક વાર ફેસબુક પર પ્રાઇવસી વિશે હોબાળો થયો. એ પહેલાંનાં વર્ષોમાં એક વાર માર્ક ઝકરબર્ગે આ જ મુદ્દે માફી માગી છે.

કેમ્બ્રિજ સ્કેન્ડલે મામલે ઝકરબર્ગે અમેરિકન કોંગ્રેસ સમક્ષ હાજર થવું પડ્યું, ત્યારે એક કોંગ્રેસમેને તેને પૂછ્યું હતું કે “ફેસમેશ સાઇટ શું હતી? એ હજી ચાલે છે કે કેમ? ઝકરબર્ગે કહ્યું હતું કે ના, ના, એ ફક્ત એક પ્રેન્ક (મજાકમસ્તી માટેની) વેબસાઇટ હતી. તેને અને ફેસબુકને કોઈ કનેકશન નહોતું.

આ બધું અત્યારે યાદ કરવાનું કારણ એ કે ફેસબુકને પંદર વર્ષ થયા પછી હવે છેક, કેમ્બ્રિજ સ્કેન્ડલ પછી, ફેસબુકને પોતે આપણા વિશે કેટલું જાણે છે તે આપણને બતાવતું એક ટૂલ લોન્ચ કર્યું છે, અથવા કહો કે કરવું પડ્યું છે.

‘સાયબરસફર’ના ગયા અંકમાં આપણે ફેસબુક પરનો આપણો તમામ ડેટા એક ઝીપ ફાઇલ તરીકે આપણા કમ્પ્યુટરમાં ડાઉનલોડ કેવી રીતે કરવો તેની સ્ટેપ-બાય-સ્ટેપ વાત કરી હતી.

ફેસબુક પર હંમેશનો આરોપ છે કે તે યૂઝર્સના ડેટા મેળવવામાં જેટલી સજાગ છે એટલી જ ડેટાની સલામતી માટે બેધ્યાન છે.

હવે આ ડેટા કેવી રીતે તપાસવો અને જુદા જુદા ફોલ્ડરમાં કેવી રીતે રસપ્રદ કે આંચકાજનક વાતો જોવા મળી શકે છે તેની પણ વાત કરીએ.

જો તમે ફેસબુક પરની તમારા વિશેની તમામ માહિતી આ રીતે પીસીમાં ડાઉનલોડ ન કરી હોય તો વાંધો નથી. ફેસબુકના સેટિંગ્સમાં, ડાબી તરફની પેનલમાં ‘યોર ફેસબુક ઇન્ફર્મેશન’ અને તેમાં ‘એક્સેસ યોર ઇન્ફર્મેશન’માં જઇને તમે ફેસબુક પર તમારા વિશે શું શું છે અને ફેસબુક તમારા વિશે કેટલું, કઈ રીતે જાણે છે એ બધું જ એક સાથે જોઈ શકો છો. આ બધું તમે ફેસબુકની મોબાઇલ એપમાં પણ જોઈ શકો છો.


એટલું ખરું કે ફેસબુક આ બધું જ આપણને સ્પષ્ટપણે બતાવે છે – શરત એટલી કે આપણે પોતે તેમાં ઊંડા ઊતરવું પડે! ઉપરાંત જેટલી સહેલાઈથી ફેસબુક આ બધું બતાવે છે એટલી સહેલાઈથી આપણે ઇચ્છીએ તે ડિલીટ કરવાની સગવડ આપવામાં આવતી નથી.

તમે એ જાણીને કદાચ નવાઈ લાગશે કે ફેસબુકની એન્ડ્રોઇડ મેસેન્જર એ આપણા સાદા કોલ અને ટેક્સ્ટ મેસેજીસનો લોગ પણ ફેસબુકના સર્વર પર અપલોડ કરે છે.

ફેસબુક પરની વ્યસ્તતામાંથી થોડો સમય કાઢીને આ ડેટા પર ક્યારેક ફુરસદે નજર નાખવા જેવી છે. એ પછી ખ્યાલ આવશે કે ફેસબુક પર બધું મફત શા માટે છે અને બદલામાં આપણી પાસેથી કેટલી માહિતી, કેવી કેવી રીતે મેળવવામાં આવે છે.

બીજી વાત, આવું માત્ર ફેસબુક કરે છે એવું નથી. ઇન્ટરનેટ પર ફ્રી સર્વિસ/કન્ટેન્ટ આપતી દરેક સર્વિસ માટે આવકનો સ્રોત આ જ છે! એક રીતે જુઓ તો આ અત્યંત સ્માર્ટ, ડેટા-ડ્રીવન એડવર્ટાઇઝિંગ છે, પણ કેમ્બ્રિજ એનાલિટિકા કંપનીના કિસ્સામાં બન્યું તેમ, જ્યારે આપણા ડેટાની રીતસર લ્હાણી થવા માંડે ત્યારે વાત નવા જ વળાંક લે છે!

વાંચો આગળ!

તમારા વિશેની માહિતી

અહીં તમને રીતસર ઝાટકા લાગે એવી ઘણી બધી વિગતો તમે જોઈ શકશો.


એબાઉટ યુ

ફેસબુકની બધી તાકાત દુનિયાભરના લોકોને એકબીજાના ફ્રેન્ડ બનાવવામાં છે. આથી તેમાં એકાઉન્ટ ખોલાવતી વખતે જ તે આપણને આપણા તમામ કોન્ટેક્ટ્સ અપલોડ કરવા કહે છે. જો તમે ફેસબુક એપમાં કોન્ટેક્ટ અપલોડિંગ ઓન રાખ્યું હશે તો સ્માર્ટફોનની આખી એડ્રેસબુક ફેસબુકમાં અપલોડ થઈ ગઈ હશે અને નવા કોન્ટેક્ટ્સ અપલોડ થતા જશે. આ રીતે ફેસબુક દરેક યૂઝરના કોન્ટેક્ટ્સનું જબરું જાળું ગૂંથે છે, જેથી ‘તમને સારી સર્વિસ આપી શકાય’! એટલે કે તમારી માહિતી બીજા પણ આપી શકે છે. આ બધું તમે અહીં જોઈ શકશો. ફેસબુક પર તમે જોયેલા તમામ વીડિયો પણ અહીં જોવા મળશે અને ચાહો તો એ વીડિયો જોયાની નોંધ તમે ડિલીટ કરી શકો છો.


સર્ચ હિસ્ટ્રી

ફેસબુક પર તમે કયારે કયો શબ્દ, શબ્દો, નામ કે વીડિયો સર્ચ કર્યાં તેની ફેસબુક યાદી રાખે છે. અલબત્ત, આ માત્ર ફેસબુક અને તમે જોઈ શકો છો, ફેસબુક પર સક્રિય અન્ય સરેરાશ લોકો નહીં. આનો મતલબ એવો બિલકુલ ન કરશો કે ફેસબુક પર જાહેરાત આપતી કંપનીઝને આ માહિતી નહીં જ પહોંચાડવામાં આવતી હોય!


લોકેશન

તમે જે પણ મોબાઇલ સાધનમાં ફેસબુકનો ઉપયોગ કરતા હો તેની મદદથી ફેસબુક તમારા દરેકેદરેક પગલાંનું પગેરું દબાવી શકે છે. આ પેજ પરથી તમે ફેસબુક પર નોંધાયેલી તમારી આખી લોકેશન હિસ્ટ્રી જોઈ શકો છો. ફોનના સેટિંગ્સમાં એ પરમિશન્સમાં અથવા ફેસબુક એના સેટિંગ્સમાં જઈને ફેસબુક આપણું લોકેશન  જાણે એવું સેટિંગ કરી શકાય છે.


એડ્સ

ફેસબુક આપણી આટલી હદે, રજેરજની કહેવાય એટલી માહિતી આખરે શા માટે એકઠી કરે છે અને સાચવે છે? દેખીતી વાત છે કે કમાણી કરવા માટે. અહીંથી તમે જોઈ શકશો કે ફેસબુકની દૃષ્ટિએ તમને કઈ કઈ બાબતોમાં રસ છે. વધુ એક આંચકાજનક વાત. ફેસબુક પર જાહેરાત આપતી કંપનીઝ, પોતાનાં કોન્ટેક્ટ્સ લિસ્ટ (મોબાઇલ નંબર અને/અથવા ઈ-મેઇલ એડ્રેસીઝ) ફેસબુક પર અપલોડ કરીને, માત્ર એ જ લોકોને પોતાની જાહેરાત બતાવી શકે એવી ‘સગવડ’ ફેસબુક આપે છે. અહીં તમે જોઈ શકશો કે કઈ કઈ કંપનીએ તમારી કોન્ટેક્ટ ઇન્ફર્મેશન ફેસબુકને આપી છે. આમાં તમારી બેન્કનું નામ પણ જોવા મળે તો નવાઈ ન પામશો!

તમને સપનેય ખ્યાલ ન આવે એવી કોઈ કંપનીએ પણ તમારી કોન્ટેક્ટ ડિટેઇલ મેળવી હોય એ તે ફેસબુકને આપી હોય એવું પણ તમે જોઈ શકશો.


સિક્યોરિટી એન્ડ લોગ-ઇન ઇન્ફર્મેશન

તમે ફેસબુક પર ક્યારે ક્યારે લોગ-ઇન થયા, કેટલો સમય લોગ્ડ-ઇન રહ્યા, વગેરે તમે અહીં જોઈ શકો છો.


કોલ્સ એન્ડ મેસેજીસ

ફેસબુક કેટલી હદ સુધી જાય છે અને આપણે તેના તરફ કેટલા બેપરવા હોઈએ છીએ એનો વધુ એક પુરાવો. આ પેજ પર, તમે તમારા મોબાઇલ સાધનથી જેટલા લોકોને સાદા કોલ (ફેસબુકની કોઈ મદદ વિના) કે એસએમએસ કર્યા હોય તેના લોગ્સ એટલે કે કયા નંબર પર, કઈ તારીખે, કેટલા વાગ્યે કોલ/એસએમએસ કર્યો તેની વિગત જોઈ શકાય છે! એસએમએસની ટેક્સ્ટ તેમાં દેખાતી નથી, પણ ફેસબુકની એના પર પણ નજર હોય તો નવાઈ નહીં! વાત આટલી સાદી નથી. ફેસબુકના પોતાના કહેવા મુજબ, ફોનમાંની ફેસબુક લાઇટ એપ અને એન્ડ્રોઇડમાંની મેસેન્જર એપ આ રીતે આપણી જાસૂસી કરે છે. તમે આ બંનેમાંથી કોઈ એક એપનો ઉપયોગ કરતા હો અને તેમાં કન્ટિન્યુઅસ (સતત) કોન્ટેક્ટ અપલોડિંગ ઓન કરો તો એ સાથે જ તમારા કોલ અને ટેક્સ્ટ મેસેજ પણ ફેસબુકને મળવા લાગે છે (જેની સાથે ફેસબુકની એપ્સને કોઈ લેવાદેવા જ નથી).


તમારી પોતાની માહિતી

અહીં તમને ખાસ કશું નવાઈજનક કે આંચકાજનક નહીં મળે, કેમ કે અહીં તો તમે પોતે ફેસબુક પર જે કંઈ કર્યું હોય તેની હિસ્ટ્રી જોવા મળે છે. તેમ છતાં, ઘણી વાતો તમારા માટે નવી હોઈ શકે છે.


પોસ્ટ્સ

ફેસબુક પર તમે શેર કરેલી તમામ પોસ્ટ્સ અને અન્ય લોકોની જે પોસ્ટમાં તમને ટેગ કરવામાં આવ્યા હોય એ તમે અહીં એક સાથે જોઈ શકો છો. તમારી ટાઇમલાઇન પર અન્ય લોકોએ મૂકેલી પોસ્ટ પણ અહીંથી જોઈ શકાશે. તમારી ટાઇમલાઇનમાં તમે કે અન્ય લોકોએ મૂકેલી પરંતુ તમે હાઇડ કરી હોય એ પોસ્ટ પણ અહીંથી જોઈ શકાશે. એ ઉપરાંત પણ ઘણું જોઈ શકાશે.


ફ્રેન્ડઝ

ફેસબુકમાં અન્ય સ્થળેથી પણ તમે તમારા ફ્રેન્ડઝની યાદી જોઈ શકો છો, પણ અહીં બીજા બધા ડેટાની સાથોસાથ તેના પર નજર નાખવી સહેલી બને છે. તમે જેમની સાથે કનેક્ટ હો તેવા તમામ ફ્રેન્ડઝ, તમે જેમને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હોય, તમને જેણે ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હોય તેવા લોકો અને તમે જેમને ફ્રેન્ડઝ તરીકે દૂર કર્યા હોય તેવા લોકોને અહીંથી શોધી શકાશે.


કમેન્ટ્સ

આપણે ક્યારે, કયા મિત્રની પોસ્ટ પર, કઈ કમેન્ટ કરી હતી એ આપણને તો દેખીતી રીતે યાદ રહે, પણ ફેસબુક એ બધું જ યાદ રાખે છે. તમે પોતાની કે અન્ય લોકોની પોસ્ટ પર અથવા તમે જેમાં સામેલ હોય તેવા ગ્રૂપ્સમાં મૂકેલી તમામ પોસ્ટ્સ અહીંથી તપાસી શકશો. તમારો જેમાં ઉલ્લેખ હોય તેવી પોસ્ટ્સ પણ અહીંથી જોઈ શકાશે.


યોર પ્લેસિસ

ફેસબુક પર તમે જે પ્લેસિસની નોંધ કરી હોય તેમના લોકેશન, તે પ્લેસ ક્રિએટ કર્યાની તારીખ, સમય વગેરે બધું અહીં એક સાથે જોઈ શકો છો. મતલબ કે લોકેશનની સંપૂર્ણ હિસ્ટ્રી.


પ્રોફાઇલ ઇન્ફર્મેશન

તમે ફેસબુકમાં પહેલી વાર ક્યારે જોડાયા એ જોવું હોય તો તે અહીં એક ક્લિકમાં જોવા મળશે. એ ઉપરાંત ફેસબુકમાં તમે પોતાના વિશે મૂકેલી તમામ માહિતી અહીં જોઈ શકાશે.


એપ્સ એન્ડ વેબસાઇટ્સ

આ ખાસ તપાસવા જેવી માહિતી છે. તમે જે જે એપ્સ અને વેબસાઇટ્સ પર ફેસબુકની મદદથી લોગ-ઇન થયા હશો તે અહીંથી જોઈ શકાશે. અહીંથી આવી એપ્સની એક્સેસ તમે દૂર કરી શકશો અને જો તે એપ/વેબસાઇટે તમારા વતી ફેસબુક પર કંઈ પણ પોસ્ટ કર્યું હશે તો તે જોઈને ડિલીટ કરી શકાશે.


ફોટોઝ અને વીડિયોઝ

આ સેકશનમાં તમને ખાસ રસ પડી શકે છે. અહીં તમે પોતે અપલોડ કરેલા અને શેર કરેલા તમામ ફોટો-વીડિયો તથા બીજાએ શેર કરેલા અને તમને ટેગ કર્યા હોય તેવા ફોટો-વીડિયો જોઈ શકાય છે. તમે તમારા ડિવાઇસમાંથી ફેસબુક એકાઉન્ટ સાથે સિન્ક કરેલા ફોટોઝ પણ અહીંથી જોઈ શકશો.


મેસેજિસ

ફેસબુકમાં મેસેજિસમાં અથવા સ્માર્ટફોનમાંની મેસેન્જર એપમાં તમે જે પણ મેસેજની આપ-લે કરી હોય તે તમામ જોવા માટે અહીંથી આગળ વધી શકાશે. અલબત્ત એ માટે મેસેન્જરમાં નવેસરથી લોગઇન થવું પડશે.


ગ્રૂપ્સ

આ ડેટા તપાસતાં તમને ખ્યાલ આવશે કે ફેસબુકનાં કેટલાં ગ્રૂપ્સમાં તમે ઉમેરાઈ ચૂક્યા છો! ફેસબુક ગ્રૂપમાં કોઈ પણ વ્યક્તિ, કોઈને પણ ઉમેરી શકે છે. તમે પોતે જેને મેનેજ કરતા હો કે જેમાં તમે સામેલ હોય તેવા ગ્રૂપ્સ તથા એ ગ્રૂપ્સમાંની તમારી પોસ્ટ અને કમેન્ટ્સ અહીંથી જોઈ શકાશે. તમે કોઈ ગ્રૂપ કઈ તારીખે જોઈન કર્યું તે પણ અહીંથી જોઈ શકાશે.


લાઇક્સ અને રિએકશન્સ

તમે જે પણ પોસ્ટ, કમેન્ટસ અને પેજિસને લાઇક કરેલ હોય કે કોઈ પણ રિએકશન આપેલ હોય તેની યાદી અહીંથી જોઈ શકાશે.


ફોલોઇંગ અને ફોલોઅર્સ

તમે જે લોકો, સંસ્થાઓ કે બિઝનેસિસ તરફથી કન્ટેન્ટ કે પોસ્ટ જોવા ઇચ્છતા હો અને એ માટે જેમને ફોલો કરતા હો તેમની યાદી અહીં જોવા મળશે. એ જ રીતે તમને જે લોકો ફોલો કરતા હોય એ પણ અહીં જોઈ શકાશે.


ઇવેન્ટ્સ

તમે ક્રિએટ કરેલી, બીજાની ઇવેન્ટ્સને તમે આપેલા જવાબો તથા તમને મળેલ ઇવેન્ટ્સના આમંત્રણો અહીંથી જોઈ શકાશે.


પેજિસ

તમે ક્રિએટ કરેલ બિઝનેસ પેજ કે તમે જેના એડમિન હો તેવા તમામ બિઝનેસ પેજ અહીંથી જોઈ શકાશે.


માર્કેટ પ્લેસ

ફેસબુક એક વિશાળ માર્કેટ પ્લેસ પણ છે જેના પર તમે જુદી જુદી ચીજવસ્તુની લે-વેચ કરી શકો છો. તેની હિસ્ટ્રી અહીંથી જોઈ શકાશે.


પેમેન્ટ હિસ્ટ્રી

ફેસબુક ધીમે ધીમે એક મોટા પેમેન્ટ ગેટવેનું સ્વરૂપ પણ લે છે. જોકે તેની બધી સર્વિસ તેના બધા દેશોમાં ઉપલબ્ધ નથી. જો તમે ફેસબુક પર કોઈ પ્રકારની લેવડદેવડ કરી હોય તો તેની સંપૂર્ણ હિસ્ટ્રી અહીં જોઈ શકાય છે. ફેસબુક પર તમે એડ કેમ્પેઇન ચલાવ્યું હોય તો તેના પેમેન્ટ્સની માહિતી એડ્સ મેનેજરમાં જોવા મળે છે.


સેવ્ડ આઇટમ્સ એન્ડ કલેકશન્સ

ફેસબુક પર તમે વિવિધ લિન્ક્સ, પ્લેસિસ અને બીજું ઘણું બધું એ રીતે સેવ કરી શકો છો, જે તમે શેર ન કરો ત્યાં સુધી માત્ર તમે જ જોઈ શકો છો. તમને આ સુવિધાની ખબર હોય તો તમે સેવ કરેલી બાબતો અહીં જોઈ શકાશે.


ક્વિક નોટ્સ

  • ફેસબુક પરની આપણી તમામ પ્રવૃત્તિ ફેસબુક પોતે તો જુએ જ છે, દરેક વાતની એ રજેરજની નોંધ પણ રાખે છે.
  • ફેસબુક પર આપણી પોતાની પ્રવૃત્તિ, આપણા ફ્રેન્ડ્સની પ્રવૃત્તિ, આપણા ફોનમાંના કોન્ટેક્ટ્સ, મિત્રોના ફોનમાંના કોન્ટેક્ટ્સ, સૌનાં લોકેશન, લાઇક્સ, રીએક્શન્સ વગેરેનું એવું જાળું ગૂંથાયું છે કે ફેસબુક દરેક બાબતનો એકબીજા સાથે તાળો મેળવીને આપણા વિશે આપણી કલ્પના બહારની વિગતો મેળવી શકે છે.
  • ફેસબુકનું તંત્ર જ એ પ્રકારનું છે કે આપણે પોતે માહિતી ન આપીએ, પણ આપણા કોઈ ‘મિત્ર’ મારફત આપણી વિગતો ફેસબુકને મળી શકે છે. આપણે વાસ્તવિક દુનિયામાં જે સર્વિસને આપણી વિગત આપી હોય, તે પણ ફેસબુક પર જાહેરાત આપતી વખતે આપણી વિગતો ફેસબુકને આપી શકે છે.
  • આપણી પોતાની બેન્ક કે બિલ બનાવતી વખતે આપણો મોબાઇલ નંબર પૂછતી દવાની દુકાન પણ જો ફેસબુક પર જાહેરાત કરે, તો આપણી વિગત આપીને, માત્ર આપણને જ તેની જાહેરાત બતાવવામાં આવે એવું શક્ય છે.
  • ફેસબુક લાઇટ કે મેસેન્જર એપની મદદથી, ફેસબુક આપણા સાદા ફોન કોલ્સ અને ટેક્સ્ટ મેસેજીસના લોગ્સ પણ એકઠા કરે છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!