તમારા ફોનમાં એપ્સની સંખ્યા મુજબ નોટિફિકેશન્સની ભરમાર થઈ શકે છે. તમે પોતે અને તમારા મિત્રો જુદી જુદી સોશિયલ સાઇટ્સ અને એપ્સ પર સક્રિય હો તો એ સાઇટ્સ તરફથી પણ નોટિફિકેશન્સનો તમારા પર મારો થતો રહે છે.
એ તો આપણે જાણીએ જ છીએ કે એન્ડ્રોઇડ ફોનમાં સ્ક્રીન પર ઉપરથી નીચેની તરફ આંગળી સરકાવતા નોટિફિકેશન શટર ઓપન થાય છે અને તેમાં આપણે બધા નોટિફિકેશન્સ જોઈ શકીએ છીએ. પરંતુ, ઘણી વાર એવું બને કે આપણા પર કોઈ નોટિફિકેશન આવે, એ મહત્ત્વનું હોય પણ આપણે તેને બેધ્યાનપણે ડિલીટ કરી દઇએ અથવા નોટિફિકેશન શટરમાં પાર વગરના નોટિફિકેશન્સ જોઇને આપણે તેના છેડે પહોંચીને એક સાથે બધા નોટિફિકેશન્સ ક્લિયર કરવાનું બટન દબાવી દઇએ, એ પછી આપણને ખ્યાલ આવે કે કોઈ નોટિફિકેશન તો કામનું હતું!
એન્ડ્રોઇડમાં નોટિફિકેશનની હિસ્ટ્રી જોવા માટે સહેલી સગવડ નથી, પરંતુ એક કીમિયો કામ લાગે છે. એ માટે…
- ફોનના હોમસ્ક્રીન પર કોઈ પણ ખાલી જગ્યામાં લાંબો સમય પ્રેસ કરો.
- ‘વિજેટ્સ’ નો વિકલ્પ પસંદ કરો.
- ‘સેટિંગ્સ’નું વિજેટ્સ શોધો અને તેને જરા લાંબો સમય પ્રેસ કરીને તેને હોમસ્ક્રીન પર ખેંચી લાવો.
- હવે તરત જ આ વિજેટમાં તમે શું જોવા માંગો છો તેના શોર્ટકટ સેટ કરવાના વિકલ્પો ખુલશે. તેમાં ‘નોટિફિકેશન લોગ’ પર ક્લિક કરો.
હવે તમે જ્યારે પણ તમે ભૂલથી ડિલીટ કરેલા નોટિફિકેશનને ફરી જોવા માગતા હો ત્યારે હોમસ્ક્રીન પરના આ શોર્ટકટ પર ક્લિક કરતાં નોટિફિકેશન લોગ ઓપન થશે અને તેમાં છેલ્લા થોડા સમયમાં તમારા પર આવેલા તમામ નોટિફિકેશન્સ જોઈ શકાશે.
અલબત્ત વાત એન્ડ્રોઇડની હોય ત્યારે તેમાં કેટલીક શરતો અને ગૂંચવણો તો રહેવાની જ!
આ સુવિધાનો લાભ મળવાની પહેલી શરત એ છે કે તમારા ફોનમાં એન્ડ્રોઇડનું સ્ટોક એટલે કે મૂળ વર્ઝન હોવું જરૂરી છે. બીજી શરત એ છે કે તેમાં એન્ડ્રોઇડ ૮ કે ત્યાર પછીનું વર્ઝન હોવું જરૂરી છે. અલબત્ત એન્ડ્રોઇડ હોવાના કેટલાક ફાયદા પણ છે. જેમ કે બની શકે કે તમારા એન્ડ્રોઇડ વર્ઝનમાં નોટિફિકેશન શટરના અંતે તેનો લોગ જોવાનું બટન આપેલું જ હોય, આમ હોય તો તમારે ઉપર મુજબની કસરત કરવાની જરૂર રહેશે નહીં. સીધું એ બટન દબાવીને તમે અગાઉના નોટિફિકેશન્સ જોઈ શકશો.
જો તમારા ફોનમાં એન્ડ્રોઇડનું સ્ટોક વર્ઝન ન હોય અને અગાઉના નોટિફિકેશન્સ જોવાની સુવિધા ન મળતી હોય તો તમે પ્લેસ્ટોરમાંથી અનનોટિફિકેશન (Unnotification, Nasah Apps, Productivity) એપ ઇન્સ્ટોલ કરી શકો છો. આ એપ પણ ઉપર જણાવ્યા મુજબની સુવિધા ઉપરાંત કેટલીક વધારાની સુવિધાઓ પણ આપે છે. જોકે શક્ય હોય ત્યાં સુધી સ્માર્ટફોનમાં અનિવાર્ય હોય તો જ કોઈ એપ્સ ઇન્સ્ટોલ કરવી હિતાવહ છે.

