આગળ શું વાંચશો?
- યુપીઆઈ પર નવા ચાર્જ
- ભારતમાં યુપીઆઈનો પ્રસાર
યુપીઆઈ આધારિત પેમેન્ટમાં જબરજસ્ત ઉછાળો આવ્યા પછી બેન્ક્સ અત્યાર સુધી મફત રહેલી આ સુવિધા પર ચાર્જ લેવાનું શરૂ કરશે.
બે અઢી વર્ષ પહેલાં ભારતમાં અચાનક જાહેર થયેલી નોટબંધીને પગલે ઓનલાઇન પેમેન્ટને અણધાર્યો વેગ મળ્યો. શરૂઆતમાં મોબાઇલ વોલેટ્સ, ખાસ કરીને પેટીએમ જેવી કંપનીએ લોકોના ખિસ્સામાં અચાનક સર્જાયેલી રોકડની તંગીનો ભરપૂર લાભ લીધો. પરંતુ એ પછીના તબક્કામાં યુનિફાઇડ પેમેન્ટસ ઇન્ટરફેસ (યુપીઆઈ) આધારિત ઓનલાઇન પેમેન્ટનો સતત એકધારી ગતિએ ઉપયોગ વધવા લાગ્યો છે.
મોબાઇલ વોલેટમાં પહેલાં આપણે રૂપિયા જમા કરવા પડે છે અને પછી તેમાંથી અલગ અલગ જગ્યાએ પેમેન્ટ કરી શકાય છે કે અન્ય લોકોને રૂપિયા ટ્રાન્સફર કરી શકાય છે. તેમાં ‘નો યોર કસ્ટમર’ (કેવાયસી) પ્રક્રિયા ફરજિયાત બનતાં તેના ઉપયોગમાં મોટો અવરોધ આવ્યો.
સામે પક્ષે યુપીઆઈમાં ‘બેન્ક એકાઉન્ટ ટુ બેન્ક એકાઉન્ટ’ રકમ ટ્રાન્સફર થાય છે. જુદી જુદી બેન્ક્સ તેમજ અન્ય ઘણી સર્વિસ હવે યુપીઆઈ આધારિત ટ્રાન્સઝેકશનની સગવડ આપે છે. મોબાઇલ વોલેટના સંજોગમાં સામેની પાર્ટી પાસે એ જ મોબાઇલ વોલેટમાં ખાતું હોવું જરૂરી છે. જ્યારે યુપીઆઇમાં આપણે કોઈ પણ યુપીઆઇ એપનો ઉપયોગ કરીને કોઈ પણ પાર્ટીના બેન્ક ખાતામાં રકમ મોકલી શકીએ છીએ.
આ બધા ઉપરાંત અત્યાર સુધી યુપીઆઈનું એક સૌથી મોટું જમા પાસું એ હતું કે તેમાં લેવડદેવડ તદ્દન મફત હતી. આપણે પોતાની બેન્કના નેટબેન્કિંગ કે મોબાઇલ એપનો ઉપયોગ કરીને આરટીજીએસ/એનઇએફટી કે આઇએમપીએસ જેવી સર્વિસનો ઉપયોગ કરીને રકમ બીજાને મોકલીએ તો તેમાં આપણને બેન્કનો નિશ્ચિત ચાર્જ લાગે છે. ચેક મોકલવાના ખર્ચની સરખામણીમાં આ ખર્ચ ઘણો ઓછો છે, પરંતુ છે ખરો.
તેની સામે યુપીઆઈ આધારિત ટ્રાન્ઝેકશનને વેગ આપવા માટે અત્યાર સુધી તેને બિલકુલ ફ્રી રાખવામાં આવેલ. પરંતુ હવે સ્થિતિ બદલાઈ રહી છે.
યુપીઆઈમાં અત્યારે પર્સન ટુ પર્સન (પી ટુ પી) અને પર્સન ટુ મર્ચન્ટ (પી ટુ એમ) એમ બે પ્રકારે ટ્રાન્ઝેકશન થઇ શકે છે. હાલમાં આ બંને પ્રકારના ટ્રાન્ઝેકશન પર કોઈ ચાર્જ નથી.
યુપીઆઈ પર નવા ચાર્જ
પરંતુ હવે કેટલીક બેન્ક્સે પોતાના કસ્ટમર્સને જાણ કરવાનું શરૂ કર્યું છે કે મે ૧, ૨૦૧૯થી પર્સન ટુ પર્સન યુપીઆઈ ટ્રાન્ઝેકશન પર ચાર્જ લાગશે. અહેવાલો અનુસાર કોટક મહિન્દ્રા બેન્કે પોતાના કસ્ટમર્સને જાણ કરી છે કે તેના યુપીઆઈ ચાર્જિસમાં ફેરફાર થઈ રહ્યો છે. કોટક મહિન્દ્રા બેન્કને પગલે અન્ય ઘણી ખરી બેન્ક યુપીઆઈ પર ચાર્જ લેવાનું શરૂ કરે એવી શક્યતા છે.
નવા ચાર્જિસ નીચે મુજબના રહે તેવી શક્યતા છે :
- દર મહિને પહેલા ૩૦ પીટુપી ટ્રાન્ઝેકશન મફત રહેશે.
- યુપીઆઈ એપની મદદથી, એકાઉન્ટ નંબર અને આઇએફએસસી કોડની મદદથી કોઈ પણ બેન્કમાં ફંડ ટ્રાન્સફર કરવામાં આવશે તો તેને પણ પહેલાં ૩૦ યુપીઆઇ ટ્રાન્ઝેકશન્સની ગણતરીમાં લેવાશે.
- એક મહિનામાં ૩૦ મફત યુપીઆઇ ટ્રાન્ઝેકશન થઈ ગયા પછી રૂા. ૧૦૦૦ કે તેથી ઓછી રકમના દરેક યુપીઆઇ ટ્રાન્ઝેકશન પર રૂા. ૨.૫૦નો ચાર્જ લાગશે.
- રૂા.૧૦૦૦થી વધુ રકમના ટ્રાન્ઝેકશન પછી દરેક ટ્રાન્ઝેક્શન પર રૂા.૫ ચાર્જ લાગશે.
- આ ઉપરાંત ચાર્જ પર ૧૮ ટકા જીએસટી પણ લાગશે.
- બીજી તરફ મર્ચન્ટ પેમેન્ટ્સ, ઓનલાઇન શોપિંગ, બિલ પેમેન્ટ્સ વગેરે માટે યુપીઆઈનો ઉપયોગ થશે તો તે ફ્રી રહેશે.
કોટક મહિન્દ્રા ગ્રૂપના જણાવ્યા અનુસાર બેન્કના ૯૫ ટકાથી વધુ કસ્ટમર્સ દર મહિને સરેરાશ પાંચથી દસ યુપીઆઈ ટ્રાન્ઝેકશન કરતા હોવાથી મહિને ૩૦ પીટુપી યુપીઆઇ ટ્રાન્ઝેકશનની મર્યાદા તેમને બોજરૂપ બનશે નહીં.
એ પણ નોંધવા જેવું છે કે યુપીઆઈ દ્વારા નાણા મેળવવાનું મફત જ રહેશે.
ભારતમાં યુપીઆઈનો પ્રસાર
- ભારતમાં અત્યારે ૧૩૯ જેટલી બેન્ક્સ યુપીઆઈ પેમેન્ટની સગવડ આપે છે.
- આ ઉપરાંત ભીમ એપ, ગૂગલ પે, ફોન પે, પેટીએમ વગેરે સર્વિસીઝ ઉપરાંત જુદી જુદી મેસેજિંગ સર્વિસ પણ યુપીઆઈ આધારિત પેમેન્ટની સગવડ આપવા લાગી છે.
- વર્લ્ડલાઇન ઇન્ડિયા નામની ઇલેકટ્રોનિક ટ્રાન્ઝેકશનની સુવિધા આપતી એક વૈશ્વિક કંપનીના આંકડા અનુસાર ભારતમાં વર્ષ ૨૦૧૮માં યુપીઆઈ આધારિત ૩.૭ અબજ ટ્રાન્ઝેકશન્સ થયાં હતાં, જે આગલા વર્ષ કરતાં ૭૬૯ ટકા વધુ છે!
- મૂલ્યની રીતે વાત કરીએ તો લોકોએ વર્ષ ૨૦૧૮ દરમિયાન રૂા. ૫૭૯૦ અબજની લેવડદેવડ યુપીઆઈથી કરી, જે આગલા વર્ષ કરતાં ૯૨૨ ટકા વધુ છે!
- બીજી તરફ વર્ષ ૨૦૧૮માં મોબાઇલ વોલેટ્સની મદદથી ૩.૯૮ અબજ ટ્રાન્ઝેકશન્સ થયાં હતાં, જે આગલા વર્ષ કરતાં માત્ર ૩૩.૪ ટકા વધુ હતાં.
- મૂલ્યની રીતે વાત કરીએ તો લોકોએ વર્ષ ૨૦૧૮ દરમિયાન રૂા. ૧૭૩૦ અબજની લેવડદેવડ મોબાઇલ વોલેટથી કરી, જે આગલા વર્ષ કરતાં ૮૧.૪૬ ટકા વધુ હતી.
- યુપીઆઈ આધારિત ટ્રાન્ઝેકશન્સના આંકડામાં પર્સન ટુ પર્સન અને પર્સન ટુ મર્ચન્ટનું પ્રમાણ કેટલું છે તેની સ્પષ્ટતા નથી પરંતુ જાણકારોના મતે યુપીઆઈના ઉપયોગમાં જે જબરજસ્ત ઉછાળો જોવા મળ્યો છે તે મોટાભાગે પર્સન ટુ પર્સન ટ્રાન્ઝેકશન્સને આભારી છે.


