(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ટીવી ચેનલ્સની ગૂંચવણ ઉકેલો!

નવા ચાર્જનું માળખું તમને ગૂંચવી રહ્યું હોય તો ટ્રાઇએ આપેલી વેબસર્વિસ તપાસી જુઓ

આગળ શું વાંચશો?

  • શું ફેર થઈ રહ્યો છે?

  • નવા નિયમો મુજબની સ્થિતિ…

  • નવું માળખું કેવું છે?

  • ટ્રાઇની ઉપયોગી વેબ એપ્લિકેશન

  • પસંદગી ‘ઓપ્ટિમાઇઝ’ કરો

ભારતમાં લાંબા સમયથી ટીવી ક્ષેત્રે અરાજકતા હતી. એક સમયે ટીવી એટલે માત્ર દૂરદર્શન અને એનું પ્રસારણ પણ દિવસમાં અમુક કલાક પૂરતું સીમિત. એમાંથી ૧૯૮૦ના દાયકામાં ભારતનાં ઘરોમાં રંગીન ટીવી દેખાવા લાગ્યાં અને ૧૯૯૦ના દાયકાથી ઉદારીકરણના પગલે, ખાનગી ટીવી ચેનલ્સ પણ શરૂ થઈ. હવે એકવીસમી સદીમાં તો ટીવી ચેનલ્સનો રીતસર રાફડો ફાટ્યો છે!

ટેકનોલોજીની રીતે જોઈએ તો ભારતમાં મુખ્યત્વે ઓવર-ધ-એર કે ફ્રી-ટુ-એર (એન્ટેના દ્વારા),  ડાયરેક્ટ-ટુ-હોમ (ડીટીએચ) ડિશ દ્વારા, કેબલ દ્વારા અને ઇન્ટરનેટ દ્વારા ટીવી જોઈ શકાય છે. અત્યારે મોટા ભાગનાં ઘરોમાં કેબલ ઓપરેટર દ્વારા કે ડીટીએચ ડિશ દ્વારા ટીવી ચેનલ્સ પહોંચે છે. ફ્રી-ટુ-એર ચેનલ કોઈ પણ વ્યક્તિ સાદી એન્ટેના કે ડિશ ખરીદીને મફતમાં જોઈ શકે, પણ એ ઉપરાંતની મનગમતી ચેનલ્સની મજા માણવા માટે આપણે જે કંઈ રૂપિયા ખર્ચવા પડે એમાં અત્યાર સુધી ખાસ્સી અરાજકતા હતી. વિવિધ ચેનલ રજૂ કરતી બ્રોડકાસ્ટર કંપનીઝ, તેનાં સિગ્નલ આપણા સુધી પહોંચાડતા કેબલ નેટવર્ક કે ડીટીએચ ઓપરેટર અને છેવટે આપણે દર્શકો – આ ત્રણેય વચ્ચે સતત રૂપિયાની બાબતે ખેંચતાણ રહેતી હતી.

છેવટે સરકારે ફ્રી-ટુ-એર સિવાયની ચેનલ્સ માટે સેટ-ટોપ બોક્સ અનિવાર્ય કર્યાં. હવે, ટેલિકમ્યુનિકેશન્સ ઇન્ડસ્ટ્રીનું નિયમન કરતી ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)એ આખી વાતને હજી વધુ પારદર્શક બનાવવાનો પ્રયાસ કર્યો છે. આ માટે ટ્રાઇના નવા નિયમો લાગુ કરવાની અંતિમ તારીખ, આ લખાય છે ત્યારે જાન્યુઆરી ૩૧, ૨૦૧૯ છે.

મતલબ કે ફેબ્રુઆરી ૧, ૨૦૧૯થી આપણો ટીવી જોવાનો માસિક ખર્ચ બદલાઈ જવો જોઈએ.

પણ બદલાશે એટલે શું થશે? ખર્ચ વધશે કે ઓછો થશે? અત્યારે તો દરેક ચેનલ પર પોતપોતાની ચેનલ્સના ભાવ જણાવવાની હરીફાઈ મચી છે અને અમિતાભ બચ્ચન એક ટીવી બ્રોડકાસ્ટરની જાહેરાતમાં કહે છે તેમ, દરેક બ્રોડકાસ્ટિંગ કંપની દર્શકો સાથે ‘દિલ કા રિશ્તા પક્કા’ કરવાની ફિરાકમાં છે.

શું ફેર થઈ રહ્યો છે?

તમે જીટીપીએલ કે સિટી કેબલ જેવા કોઈ કેબલ ઓપરેટર દ્વારા ટીવી ચેનલ્સ મેળવી રહ્યા હો કે પછી ટાટા સ્કાય, એરટેલ ટીવી કે ડિશ ટીવી જેવી કોઈ ડીટીએચ કંપની દ્વારા, અત્યાર સુધી આ સૌ પોતપોતાની રીતે, ચેનલ્સનાં જુદાં જુદાં પેક્સ બનાવીને ઓફર કરતા હતા. દેખીતી રીતે એમાં, માર્કેટિંગની ‘સ્માર્ટ’ તરકીબો અજમાવવામાં આવે, એટલે કોઈ પેકમાં પરિવારનાં બાળકોને ગમતી ચેનલ્સ સામેલ હોય તો સાસ-બહુ ચેનલ્સ બાકી રહી જાય અને જે પેકમાં મૂવીઝ સામેલ હોય તેમાં વળી સ્પોર્ટસ ચેનલ ન હોય. પરિવારના સૌનું મન સચવાય એવાં પેક્સ લેવા જઈએ તો બધું ખાસ્સું મોંઘું થઈ જાય, છેવટે થાકીને આપણે બધું મળતું હોય એવો પ્લાન પસંદ કરીએ, જેની કિંમત પેલી કંપનીએ સ્માર્ટલી, છૂટક-છૂટક પેક્સના સરવાળા કરતાં થોડી ઓછી રાખી હોય! હવે સ્થિતિ બદલાશે.

નવા નિયમો મુજબની સ્થિતિ…


નવા નિયમો પ્રમાણે, છેવટે તો આપણે જુદી જુદી કેબલ ઓપરેટર કે ડીટીએચ કંપની પાસેથી જ ચેનલ્સ ખરીદવી પડશે, પણ આ સૌ એક ચોક્કસ માળખા પ્રમાણે જ આપણી પાસેથી કિંમત વસૂલી શકશે.

ટ્રાઇના નવા નિયમો અનુસાર, ટીવી ચેનલ બ્રોડકાસ્ટ કરતી કંપની પોતપોતાની રીતે, પોતાની ચેનલ્સના છૂટક ભાવ નક્કી કરી શકશે. આવી કંપની પોતાની માલિકીની જુદી-જુદી ચેનલ્સના બુકે થોડા ઓછા ભાવે ઓફર કરી શકશે. આપણે એટલે દર્શક પોતાની મરજી પડે એ અનુસાર, જોવી હોય એટલી જ ચેનલ પસંદ કરીને, ફક્ત તેના જ રૂપિયા ચૂકવી શકીશું.

જીટીપીએલ, સિટી કેબલ કે ટાટા સ્કાય, એરટેલ વગેરે ઓપરેટર્સ પોતપોતાની રીતે, તેમની વેબસાઇટ અને સ્ટોર્સ દ્વારા આ માહિતી આપણને પહોંચાડશે, પણ આ આખી વાત આપણને સરળતાથી સમજાય એ માટે ટ્રાઇએ પોતે, એક વેબ બેઝ્ડ એપ્લિકેશન લોન્ચ કરી છે.

https://channel.trai.gov.in પર જઈને તમે આખું ચિત્ર કઈ રીતે બદલાયું છે એ સરળતાથી સમજી શકશો.

એટલું યાદ રાખશો કે આ લખાઈ રહ્યું છે ત્યારે આ વેબસાઇટ મોબાઇલ-ફ્રેન્ડલી નથી. તમે મોબાઇલમાં આ સાઇટ ઓપન તો કરી શકશો અને જુદી જુદી ચેનલ પસંદ પણ કરી શકશો, પણ તેને કારણે આપણું માસિક બિલ કેટલું આવશે એ બતાવતી સૌથી મહત્ત્વની ટોપ-પેનલ મોબાઇલમાં દેખાતી જ નથી! આ ખામી સુધરે ત્યાં સુધી તેનો લાભ પીસી પર જ લઈ શકાશે.

એ ખાસ યાદ રાખશો કે ટ્રાઇની આ એપ્લિકેશન માત્ર, આપણે કેવી રીતે ચેનલ્સ પસંદ કરી શકીશું અને માસિક ખર્ચની ગણતરી કેવી રીતે થશે તે દર્શાવવા માટે જ છે. ચેનલ્સની વાસ્તવિક પસંદગી અને બિલિંગ માટે આપણે આપણા ઓપરેટરનો જ સંપર્ક કરવો પડશે.

નવું માળખું કેવું છે?

ટ્રાઇએ નક્કી કરેલા નવા માળખા મુજબ, કેબલ ટીવી ઓપરેટર હોય કે ડીટીએચ ઓપરેટર, બિલિંગ નીચે મુજબ થશે :

હવેથી આપણા સર્વિસ પ્રોવાઇડના બિલમાં બે ભાગ રહેશે :

  1. નેટવર્ક કેપેસિટી ફી (એનસીએફ), જે કોઈ પણ ચેનલ આપણા સુધી પહોંચાડવાનો ચાર્જ અથવા કહો કે કેબલ કે ડિશનું માસિક ભાડું છે.
  2. આપણે જે ચેનલ પસંદ કરીએ, તે જો પેઇડ હોય તો તેનો ચાર્જ અલગ થશે.
  • નવી સ્થિતિ મુજબ, સૌથી પાયાનું, પહેલું બેઝ પેકેજ ૧૦૦ ચેનલ્સનું રહેશે, જેનો એનસીએફ ચાર્જ  રૂ. ૧૩૦ (જીએસટી અલગ) છે.
  • આ ૧૦૦ ચેનલ્સમાં ૨૫ સરકારી ચેનલ્સ ફરજિયાત સામેલ છે.
  • બાકી રહેતી ૭૫ ચેનલ્સમાં આપણે ઇચ્છીએ તે ફ્રી-ટુ-એર અથવા પેઇડ ચેનલ કે વિવિધ ચેનલ્સના બુકે ઉમેરી શકીએ છીએ.
  • તમે ચાહો તો, આ ૧૦૦ ચેનલ્સના પેકમાં, સો એ સો ફ્રી-ટુ-એર ચેનલ ઉમેરો અને ફક્ત રૂ.૧૩૦ ચૂકવો.
  • અથવા, અમુક ફ્રી-ટુ-એર ચેનલ ઉમેરો અને બાકીની પેઇડ ચેનલ ઉમેરો, પણ દરેક પેઇડ ચેનલના રૂપિયા માસિક બિલમાં ઉમેરાશે.
  • આ રીતે, જો તમે કુલ ૧૦૦ ચેનલની મયર્દિામાં, તમને ગમતી ફ્રી-ટુ-એર અને પેઇડ ચેનલનું કોમ્બિનેશન બનાવી શકો તો તમારું કુલ બિલ રૂા. ૧૩૦ વત્તા, તમે પસંદ કરેલી પેઇડ ચેનલ (કે તેનાં બુકે પેક્સ)ની કિંમત જેટલું આવશે.
  • જો તમે ૧૦૦થી વધુ ચેનલ જોવા માગતા હો, તો દરેક વધારાની ૨૫ ચેનલ માટે રૂા. ૨૦ (જીએસટી અલગ) વધારાના ચૂકવવાના રહેશે.
  • દરેક વધારાની ૨૫ ચેનલ માટે રૂા. ૨૦નો ખર્ચ ઉમેરાતો જશે.

ટ્રાઇની ઉપયોગી વેબ એપ્લિકેશન

ટીવી ચેનલ્સના માસિક ખર્ચનું માળખું આમ તો ઘણું સરળ બન્યું છે, પણ પહેલી નજરે ગૂંચવણ થતી હોય તો આગળ જણાવેલી ટ્રાઇની વેબ એપ્લિકેશન પર આખી વાત એકદમ સહેલી બને છે.

આ સાઇટ પર તમે જશો એટલે શરૂઆતમાં, આપણે ઉપર જેની ચર્ચા કરી એ જ બાબત સમજાવેલી છે. એ સમજ મેળવીને નીચે આપેલા ‘ગેટ સ્ટાર્ડેટ’ બટન પર ક્લિક કરો.

હવે પાંચ સ્ટેપમાં આપણે જુદી જુદી ચેનલ પસંદ કરતાં, માસિક બિલ કેટલું આવશે તે જાણી શકીશું. એટલું સારું છે આપણે આ પાંચેય સ્ટેપમાં કોઈ માહિતી આપ્યા વિના આગળ વધી શકીએ છીએ, એ બધું જ આપણે આગળ પસંદ કરી શકીએ છીએ.

હવે જણાવવામાં આવશે આ વ્યવસ્થા માત્ર આપણી સરળ સમજ માટે છે, વાસ્તવિક વ્યવહાર આપણે આપણા સર્વિસ ઓપરેટર સાથે કરવાનો છે. ‘ઓકે’ કહી આગળ વધતાં, આપણે મૂળ એપ્લિકેશનમાં આવી જઈશું.

હવે તમને સ્ક્રીન પર સૌથી ઉપર જમણી તરફ, તમારી ચેનલ્સની પસંદગી અને તેની કુલ કેટલી કિંમત ચૂકવશો તે જોવા મળશે (આ પેનલ અત્યારે મોબાઇલમાં દેખાતી નથી!)

જો તમે શરૂઆતનાં પાંચ સ્ટેપમાં કોઈ પસંદગીઓ બતાવી નહીં હોય તો અહીં તમે ૨૫ ચેનલ પસંદ કરેલી છે એવું જોવા મળશે, જે સરકારી ફરજિયાત ચેનલ્સ છે અને તેની કિંમત રૂા. ૧૩૦ વત્તા જીએસટી એટલે રૂા. ૧૫૪ બતાવાશે.

હવે સૌથી ઉપરની પેનલમાં ‘ફ્રી-ટુ-એર ચેનલ’નો વિકલ્પ પસંદ કરો. તેમાં ૫૩૪ ચેનલ્સ ઉપલબ્ધ હોવાનું જોઈ શકાશે. તેને ડાબી તરફની પેનલમાં, ચેનલના પ્રકાર કે ભાષા મુજબ ફિલ્ટર કરી શકાશે. કુલ ૧૦૦ની મર્યાદામાં આવી કોઈ ફ્રી ચેનલ પસંદ કરશો, તો ઉપર તમારી પસંદ કરેલી ચેનલની સંખ્યા બદલાશે, પણ માસિક કિંમત બદલાશે નહીં.

હવે ઉપર, ‘પે ચેનલ’ પર ક્લિક કરો. આવી કુલ ૩૩૦ ચેનલ ઉપલબ્ધ હોવાનું જોઈ શકાશે. હવે ડાબી તરફ ફિલ્ટર્સના પ્રકાર વધશે. તેમાં ચેનલના પ્રકાર, કિંમત, બ્રોડકાસ્ટર કંપની, ભાષા અને એચડી કે એસડી વગેરે મુજબ લિસ્ટ ફિલ્ટર કરી શકાશે.

તેમાંથી જોઈતાં ફિલ્ટર પસંદ કરો. જેમ કે તમે તમારા પેકમાં મૂવીઝની ચેનલ્સ ઉમેરવા માગો છો, તો પહેલા ફિલ્ટરમાં મૂવીઝ પસંદ કરતાં, જમણી તરફની મેઇન પેનલમાં, મૂવીઝની જેટલી પણ ચેનલ્સ ઉપલબ્ધ છે તે જોવા મળશે. ભાષાના ફિલ્ટરમાં ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી વગેરે પસંદ કરતાં ઉપલબ્ધ ચેનલ્સની સંખ્યા ઘટી જશે અને પસંદગી સહેલી બનશે. દરેક ચેનલનો છૂટક ભાવ એક રૂપિયાથી શરૂ કરીને રૂા. ૧૯ સુધી જોઈ શકાશે. તમને ગમે તે ચેનલ પસંદ કરો. અમુક ચેનલની માસિક કિંમત ૧૦ પૈસા પણ છે!

આવી પેઇડ ચેનલ પસંદ કરતાં, આપણે પસંદ કરેલી ચેનલની સંખ્યા વધશે તેમ માસિક બિલ પણ વધશે.

પસંદગી ‘ઓપ્ટિમાઇઝ’ કરો

જોકે આવી રીતે એક-એક ચેનલ પસંદ કરવાનું કામ મુશ્કેલ છે અને સરવાળે મોંઘું પડશે. તેને બદલે, ઉપર જમણી તરફ આપેલ ‘વ્યૂ સિલેક્શન’ પર ક્લિક કરો.

આથી તમે પસંદ કરેલી કે ફરજિયાત સામેલ ફ્રી ચેનલ્સ અને પે ચેનલની કુલ સંખ્યા, તેની કેટલી કિંમત ચૂકવવાની થશે, માસિક ભાડું કેટલું છે તે જોવા મળશે. તેની નીચે તમે પસંદ કરેલી ‘આ લા કાર્ટે’ (એટલે કે છૂટક પે ચેનલ્સ), બુકે ચેનલ્સ, ફ્રી ચેનલ્સ અને મેન્ડેટરી – ફરજિયાત ચેનલ્સની યાદી જોવા મળશે. જો તમે ઘણી બધી છૂટક-છૂટક ચેનલ્સ પસંદ કરી હશે તો માસિક ખર્ચ પાંચસો-સાતસો કે એથી પણ ઉપર ગયો હશે. હવે, ડાબી તરફ ‘ઓપ્ટિમાઇઝ’ બટન પર ક્લિક કરો.

આથી સિસ્ટમ, તમે પસંદ કરેલી ચેનલ્સ, છૂટક લેવાને બદલે જો બુકે પેકમાં લેવામાં આવે અને તેમ કરવાથી જો કિંમત ઘટતી હોય તો એવો વિકલ્પ સૂચવશે!

એટલું સ્પષ્ટ છે કે ટ્રાઇના આ નવા માળખાથી, ટીવી ચેનલ્સના બિલિંગમાં પારદર્શકતા આવશે. જેમ કે, હવે આપણને સ્પષ્ટ ખબર પડશે કે દરેક છૂટક ચેનલની કિંમત કેટલી છે અને બ્રોડકાસ્ટર કંપની મુજબ ફિલ્ટર કરીશું, તો દરેક કંપની તરફથી ઓફર થતી વિવિધ ચેનલ્સના બુકેમાં કઈ કઈ ચેનલ્સ સામેલ છે અને તેની સામટી કિંમત કેટલી છે એ પણ જોઈ શકાશે.

મતલબ, હવે આપણને પોતાની પસંદગીની જ ચેનલ પસંદ કરવાનો અને તેના પૂરતી જ કિંમત ચૂકવવાનો અધિકાર મળશે. આપણે જે મહિને, જેમ ઇચ્છીએ તેમ આપણા પ્લાનમાં ફેરફાર કરી શકીશું.

કોઈ સરકારી વિભાગ આટલી સારી રીતે આખી વાત સ્પષ્ટ અને પારદર્શક કરી શકે છે એ જોઈને, પેલી બ્રોડકાસ્ટ ચેનલ કંપનીની જાહેરાતના આમીર ખાનની જેમ આપણનેય પૂછવાનું મન થાય એવું છે કે, સચ્ચી? ઐસા સચમુચ હો સકતા હૈ?!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!