નવથી છની ઓફિસજોબ કે સતત રખડપટ્ટી કરાવતી નોકરી તમને કંટાળાજનક લાગતી હોય અને સામે પક્ષે મનમાં ક્રિએટિવિટી ભારોભાર છલકાતી હોય તો આ ક્ષેત્રમાં હવે જબરજસ્ત તકો છે.
આગળ શું વાંચશો?
- ગેમ ડિઝાઇનરે ખરેખર શું કરવાનું હોય છે?
- ગેમ ડિઝાઇનમાં કરિયર કઈ રીતે શરૂ કરવી?
- ગેમ ડિઝાઇનર બનવા શું જરૂરી છે?
ક્રિએટિવિટીની કીડો ચટક્યો હોય અને ફેશન ડિઝાઇનિંગ, આર્કિટેક્ચર કે બીજા કોઈ ડિઝાઇનિંગ પ્રોફેશનમાં ન જવું હોય તો એક મજાનો ઓપ્શન હાથવગો બને છે ગેમિંગ ડિઝાઇનનો. ત્રણેક દાયકા પહેલાં બાળકો ભેગાં મળતાં તો સતોડિયું, સાતતાળી, થપ્પો, ગિલ્લીદંડો રમતાં અને એ પછીની વાત કરીએ તો ક્રિકેટ, બેડમિન્ટન કે એવી કોઈ ટીમ ગેમ મેદાનોમાં રમતાં. પછી સમય બહુ ઝડપથી બદલાવા લાગ્યો.
હવેનાં બાળકો ને મોટેરાં પણ ગેમ્સ તો રમે છે, પણ વર્ચ્યુઅલ મેદાનમાં, ઘરની ચાર દીવાલો વચ્ચે બેસીને. એમાંય પણ પબજી- પ્લેયર અનનોન્સ બેટલગ્રાઉન્ડ જેવી ગેમ હાથે ચડે તો હથિયારો ભેગાં કરવાનાં, અસ્ત્રશસ્ત્ર એકઠાં કરવાનાં અને જીતીએ તો રીવોર્ડ તરીકે ડિજિટલ ડિનર પીરસાય એની ઉત્તેજના કેટલી જબરદસ્ત હોય, એ રમનારને જ ખ્યાલ આવે.
તો વાત કરીએ ગેમ ડિઝાઇનિંગની ક્રિએટિવ અને થ્રિલિંગ કરિયર વિશે.
ફક્ત બાળકો જ નહીં, યુવાનો અને વયસ્કોને પણ જે રીતે ડિજિટલ ગેમ્સનો ચસકો લાગ્યો છે તેનાથી ગેમ ડેવલપર તરીકેની કરિયરમાં નવયુવાનોને રસ પડવા લાગ્યો છે. ભારતમાં મનોરંજનઉદ્યોગમાં ગેમ ડેવલપરની કરિયરમાં સ્કોપ અને રીવોર્ડની બાબતમાં અઢળક તક મળી શકે એમ છે.
જોકે નવી ગેમ ડેવલપ કરવી એ કોઈ ‘બચ્ચોં કા ખેલ’ નથી. ગેમિંગ ઉદ્યોગ જે રીતે ફાલી રહ્યો છે તે સાથે ડિઝાઇન, ફાઇન આર્ટ, સોફ્ટવેર ડેવલપમેન્ટ, કોડિંગ, ઓડિયો અને પ્રોગ્રામિંગમાં પણ ગજબના ફેરફારો આવી રહ્યા છે.
ગેમ ડિઝાઇનરે ખરેખર શું કરવાનું હોય છે?
ગેમ ડિઝાઇનર એટલે સાદી ભાષામાં કહીએ તો ગેમનો આર્કિટેક્ટ, તે ગેમના એકેએક પાસાના પ્લાનિંગમાં સામેલ હોય છે. ગેમ, તેના નિયમો, તેનું વાતાવરણ, કન્ટેન્ટ, સ્ટોરી, કેરેક્ટર્સ, લેવલ્સ અને બીજું બધું જ ગેમ ડિઝાઇનર દ્વારા નક્કી થાય છે.
કાગળ પર બધું સ્પષ્ટ થાય એટલે પ્રોફેશનલ ગેમ ડેવલપર્સ, પ્રોગ્રામર્સ, એનિમેશન આર્ટિસ્ટ્સ, મ્યુઝિશિયન્સ અને સાઉન્ડ એન્જિનિયર્સ સાથે મળીને ગેમનું આખું સ્વરૂપ રચે છે. ગેમ ડિઝાઇનરે માર્કેટમાં ગેમ ચાલશે કે કેમ તે પણ રિસર્ચ કરાવીને ચકાસવાનું હોય છે. મૂળે, ગેમ ડિઝાઇનર એટલે ફિલ્મનો ડિરેક્ટર, જે પ્લેયરની સાઇકોલોજી સમજીને એવા આઇડિયા સાથે ગેમ ડિઝાઇન કરે કે રમનારને એ ગેમ સિવાય બીજું કશું જ સૂઝે નહીં!
ગેમ ડિઝાઇનમાં કરિયર કઈ રીતે શરૂ કરવી?
જો તમારે લાંબા ગાળાની કરિયર બનાવવી હોય તો આ વિષયમાં ડિગ્રી મેળવવી સૌથી સારું રહેશે. ગેમ ડિઝાઇનમાં બેચલર ડિગ્રી મેળવવાથી તમને ગેમ્સ કઈ રીતે ક્રિએટ કરવી ત્યાંથી માંડીને તેનો સારો એવો પ્રેક્ટિકલ અનુભવ મળશે. ઘણી યુનિવર્સિટી હવે ગેમ ડિઝાઇનિંગમાં ડિગ્રી કોર્સ ઓફર કરે છે. કોર્સનો ગાળો ત્રણથી ચાર વર્ષનો રહે છે.
જાણીતાં કમ્પ્યુટર ઇન્સ્ટિટ્યૂટ્સ ઉપરાંત હવે ભારતમાં ગ્રાફિક્સ, એનિમેશન એન્ડ ગેમિંગમાં બી.એસસી., ડિજિટલ ફિલ્મમેકિંગ એન્ડ એનિમેશનમાં બી.એ., કમ્પ્યુટર સાયન્સ એન્ડ ગેમ ડેવલપમેન્ટમાં બી.ટેક. જેવી ડિગ્રી અને પછી માસ્ટર ડિગ્રી મેળવી શકાય છે. તમારે કોઈ મોટા ગેમ સ્ટુડિયોમાં કામ કરવું હોય તો સારી કોલેજમાંથી ડિગ્રી મેળવવી રહી. આમાં શોર્ટ ટર્મ કોર્સ પણ ઉપલબ્ધ છે. બારમા ધોરણ પછી કોઈ એન્ટ્રન્સ એક્ઝામ આપ્યા વગર જ ડિપ્લોમા કે ડિગ્રી કોર્સ કરી શકાય છે અને તેમાં પોપ્યુલર સ્ટ્રીમ્સ છે એનિમેશન, ગ્રાફિક ડિઝાઇન, થ્રીડી ગ્રાફિક્સ અને મલ્ટીમિડિયા ડિઝાઇન.
ગેમ ડિઝાઇનર બનવા શું જરૂરી છે?
એક સફળ ગેમ ડિઝાઇનર બનવા માટે સૌથી પહેલાં તો સારું શિક્ષણ અને ઘણોબધો પ્રેક્ટિકલ અનુભવ જોઈશે. આર્ટ્સ, સ્કેચિંગ, કલર થેરપી, ગ્રાફિક ડિઝાઇન (કમ્પ્યુટર ગેમ્સ માટેની), ગેમ્સ એન્જિન્સ, ગેમ પ્રોડક્શન, હ્યુમન કમ્પ્યુટર ઇન્ટરેક્શન, ગેમ એન્વાયર્નમેન્ટ્સ, મ્યુઝિક અને સાઉન્ડની એબીસીડી એટલે કે બેઝિક્સ શીખવા પડે. માયા, ફોટોશોપ, અડોબ ઇલસ્ટ્રેટર, ન્યુક, મડબોક્સ, ઝેડ-બ્રશ, પ્રીમિયર પ્રો, આફ્ટરઇફેક્ટસ અને વાયએડ જેવા ગેમ ડિઝાઇન સોફ્ટવેરનું સારું જ્ઞાન હોવું જરૂરી છે. એમાંય જો જુદી જુદી સંસ્કૃતિઓ, ભાષાઓ અને વસ્તી વિશેનું વધારાનું જ્ઞાન હશે તો તમે બીજા બધાથી આગળ રહેશો.
ટૂંકમાં ગેમ ડિઝાઇનિંગમાં કરિયર બનાવવાનું ભારતમાં જરા નવું છે અને પરંપરાગત કરિયર્સથી ઘણું અલગ પડે છે, પણ સ્માર્ટફોનનો વપરાશ જે રીતે વધી રહ્યો છે અને મોબાઇલ વગર આપણું જીવન શક્ય નથી એવું આપણે પળેપળ અનુભવીએ છીએ તે જોતાં ગેમિંગ ઉદ્યોગ માટે ભારતનું બજાર જાણે રમતનું અત્યંત વિશાળ મેદાન છે. એટલે તમારે જો આમાં કરિયર બનાવવી હોય તો પૂરા આત્મવિશ્વાસ સાથે મંડી પડવું રહ્યું. આ કરિયરમાં કમાણીની સાથે ક્રિએટિવિટીને કામે લગાડવાનો ભરપૂર સંતોષ મળે એમ છે.

