વકીલાત અને ટેકનોલોજી બંનેનો સમન્વય કરી શકો તો આ ક્ષેત્રે આગળ વધવાની ઉજળી તકો છે
સવારે છાપું હાથમાં લો ત્યારે અચૂક એવા કોઈક સમાચાર વાંચવા મળે જે ઇન્ટરનેટ કે સાયબર વર્લ્ડમાં ગુનાખોરીને લગતા હોય. સોશિયલ મીડિયા પર કોઈની બદનક્ષી કરવામાં આવી હોય, વેબસાઇટનું હેકિંગ થયું હોય કે ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવી હોય. આવા કેસ અદાલતના આંગણે પહોંચે ત્યારે ટેક્નોલોજીની દૃષ્ટિએ કેસની બારીકીઓ સમજી શકે એવા વકીલોની અછત છે.
સામાન્ય છાપ એવી છે કે કમ્પ્યુટર કે આઇટીના ક્ષેત્રમાં તમારે કારકિર્દી બનાવવી હોય તો સોફ્ટવેર એન્જિનિયર, કમ્પ્યુટર એન્જિનિયર કે પ્રોગ્રામર-ડેવલપર બનો કે કોડિંગ શીખો કે પછી ગ્રાફિક્સ/એનિમેશન/વીએફએક્સ આર્ટિસ્ટ બનો, પણ આ બધાં ક્ષેત્રોમાં હવે તીવ્ર હરીફાઈ થવા લાગી છે. બીજી તરફ, વકીલાતના ક્ષેત્રે પણ હરીફાઈ તો સખત છે જ, પરંતુ ટેક્નોલોજી અને વકીલાત બંને જાણતા લોકોની તંગી છે.
અત્યારે ઇન્ટરનેટની દુનિયામાં ગુનાખોરીએ હદ વટાવી દીધી છે ત્યારે ન્યાયતંત્ર, કાનૂની ક્ષેત્ર અને તપાસ એજન્સીઓએ આ પડકારનો સામનો કરવા માટે પોતાને વધારે સજ્જ કરવાની જરૂર ઊભી થઈ છે.
હાલની સ્થિતિમાં, મોટા ભાગના વકીલો ટેકનોલોજીનાં બારીક પાસાં સમજવામાં મુશ્કેલી અનુભવતા હોય છે. આ સ્થિતિમાં સાયબર ક્રાઇમનો ભોગ બનેલ વ્યક્તિ કે કંપનીએ પોતાની સ્થિતિ વકીલને સમજાવવામાં અને વકીલને આ બધું ન્યાયાધીશોને સમજાવવામાં તકલીફ પડે છે.
સાયબર ક્રાઇમને સંબંધિત ગુનાઓમાં પુરાવા એકત્ર કરવા કે પુરાવા સમજવા એ પણ રોજિંદા પ્રકારના ગુનાઓ લડતા વકીલો માટે મુશ્કેલ છે. સોફ્ટેવર એન્જિનીયર આ કામ બહુ સારી રીતે કરી શકે.
જો તમે ઊંડું ટેકનિકલ બેકગ્રાઉન્ડ ધરાવતા હો તો તમને કેસ માટે તૈયાર કરવામાં કે ક્લાયન્ટ્સ સાથેની મીટિંગ્સમાં પણ બહુ ઓછો સમય જોઈશે.
વિદેશોમાં ટેક્નોલોજી લોયર્સની ફોજ ઊભી થઈ છે, જે મોટા ભાગે કમ્પ્યુટર સાયન્સમાં બી.ટેક., બી.સી.એ. કે બી.એસસી.ની ડિગ્રી મેળવીને પછી વકીલાતની ડિગ્રી મેળવી આ ક્ષેત્રમાં ઝંપલાવે છે.
ભારતમાં સ્થિતિ લગભગ ઊંધી છે. મોટા ભાગે વકીલાતમાં સફળ થયેલા લોકો હજી વધુ સ્પેશિયલાઇઝેશન મેળવવા આઇટીનો કોઈ કોર્સ કરે છે અથવા સાયબર લોમાં પીજી ડિપ્લોમા કરે છે.
આ બધું ધ્યાને લેતાં, જો તમે કમ્પ્યુટર સાયન્સ કે એન્જિનીયરિંગનો અભ્યાસ કરી રહ્યા હો અને આઇટીની જેમ કાયદાની આંટીઘૂંટીઓ પણ તમે સમજી શકશો એવો વિશ્વાસ હોય તો ડિગ્રી મેળવ્યા પછી એલએલબી પાસ કરતાં તમે ઊંડા ટેક્નોલોજિકલ નોલેજ સાથે સાયબર લોયર તરીકે કારકિર્દી ઘડી શકશો – ખાસ તો, તમે આઇટી ક્ષેત્રની તીવ્ર હરીફાઇમાં કંઈક જુદું કરીને આગળ વધી શકશો. ભારતમાં ઇન્ફર્મેશન ટેક્નોલોજીનું શિક્ષણ મેળવ્યા પછી વકીલાત કરનારા લોકો ઓછા છે અને એટલે જ તેઓ બહુ ડિમાન્ડમાં છે.
જો તમે હજી બારમું ધોરણ પસાર કરવામાં હો, તો પહેલેથી, પાંચ વર્ષના બી.ટેક.-એલએલબી કે બી.એસસી.-એલએલબી. ઇન્ટિગ્રેટેડ કોર્સના વિકલ્પ તરફધ્યાન આપી શકાય. બી.એ. કે બી.બી.એ. પછી એલએલબી કર્યા પછી પણ તમે ધારો તો ટેક્નિકલ આવડતો વિકસાવીને સાયબર લોયર બની શકો છે.
એલએલબી કર્યા પછી સાયબર લોમાં એલએલએમ કે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા જેવા સ્પેશિયલાઇઝ્ડ કોર્સ કરી શકાય છે. તે સિવાય કમ્પ્યુટર ફોરેન્સિક, એડવાન્સ્ડ નેટવર્ક અને મોબાઇલ ટેક્નોલોજીમાં પોતાની સ્કિલ્સ વિકસાવી શકાય છે. આ બધું એક સાથે કરવું શક્ય ન બને પણ એવું કરી શકાય કે એક સમયે કોઈ એક જ ચીજ કરો જેમ કે કમ્પ્યુટર ફોરેન્સિક અથવા તો નેટવર્ક ફોરેન્સિક – કોઈ એક ક્ષેત્રમાં એક્સપર્ટિઝ મેળવો.
બીજી તરફ, તમે જો એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરી રહ્યા હો અને ટેક્નોલોજીનું કશું જ્ઞાન ન હોય તો તમે નેટવર્કિંગ કે કમ્પ્યુટર ફોરેન્સિક્સનો કોર્સ કરીને તમારી આવડત કેળવી શકો છો.
એક વાત યાદ રાખવા જેવી છે કે આ ક્ષેત્રે હરીફાઇ ઓછી છે એનું એક કારણ એ પણ છે કે આ બહુ મુશ્કેલ ક્ષેત્ર છે. વકીલાતમાં સફળ થવા કાયદાની સૂક્ષ્મ સમજ અને બહોળો અનુભવ જરૂરી છે, તો ટેક્નોલોજીના ક્ષેત્રે સતત નવાં નવાં સંશોધનોથી અપડેટેડ રહેવું જરૂરી છે. ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને કાનૂની ક્ષેત્ર-બંનેમાં સતત અભ્યાસ, પ્રેક્ટિસ અને એક્સ્પોઝરથી, સતત નવું શીખવાની તૈયારી હશે તો તમને એક્સપર્ટ સાયબર લોયર બનતાં કોઈ રોકી નહીં શકે.
ક્વિક નોટ્સ
- ભારતમાં ઓક્ટોબર, ૨૦૦૦થી ઇન્ફર્મેશન ટેક્નોલોજી એક્ટ, ૨૦૦૦ (આઇટી એક્ટ) અમલમાં છે, જેમાં સાયબર ક્રાઇમ સંબંધિત કાયદા આવરી લેવાયા છે.
- ભારતના સત્તાવાર સાયબર એક્ટ વિશે જાણો : http://meity.gov.in/content/cyber-laws
- વકીલાત માટે એલ.એલ.બી.ડિગ્રી અનિવાર્ય છે. દેશની ટોચની લો કોલેજ/યુનિવર્સિટીમાં એડમિશન કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવાય છે (clatconsortiumofnlu.ac.in/)
- તમે કમ્પ્યુટર એન્જિનીયરિંગની ડિગ્રી પછી પણ એલ.એલ.બી કરી શકો.
- ધો-૧૨ પછી, પાંચ વર્ષના એલએલબી ઇન્ટીગ્રેટેડ કોર્સ પછી શોર્ટ ટર્મ સર્ટિફિકેશન કોર્સીઝ કરીને આ ક્ષેત્રમાં આગળ વધી શકાય.
- એલ.એલ.બી.પછી, ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત રક્ષા યુનિવર્સિટી (www.rsu.ac.in)માં ‘માસ્ટર ઇન લો ઇન ક્રાઇમ એન્ડ સિક્યોરિટી લોઝ’ તથા અન્ય કોર્સ પણ ઉપયોગી થઈ શકે
- એટલું જરૂર યાદ રાખશો કે સાયબર લોયર તરીકે ખરેખર સફળ થવા માટે વકીલાત અને ટેક્નોલોજીની જાણકારી બંનેનું સંતુલન અત્યંત મહત્ત્વપૂર્ણ છે.

