બહેતર કેમેરાવાળો સ્માર્ટફોન લેવાનું તમારું ફોકસ હોય તો આ જાણકારી ઉપયોગી થશે
આગળ શું વાંચશો?
- મેગાપિક્સેલ
- ડેપ્થ ઓફ ફિલ્ડ
- ઓઆઇએસ (ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન)
- સેન્સર
- વ્હાઇટ બેલેન્સ
- આઇએસઓ
- એપર્ચર
- શટર સ્પીડ
મેગાપિક્સેલ
સ્માર્ટફોનમાં કેમેરા સંબંધિત વધુ ચર્ચાતો શબ્દ. સ્માર્ટફોનમાં હવે ૪૮, ૬૪ અને ૧૨૮ મેગાપિક્સેલના કેમેરા આવી ગયા છે કે આવવામાં છે પરંતુ વધુ મેગાપિક્સેલનો કેમેરા એટલે વધુ સારી ઇમેજ એવું જરૂરી નથી, કારણે તસવીરની ગુણવત્તાનો આધાર પિક્સેલ ઉપરાંત બીજી બાબતો પર પણ છે.
ફોન ખરીદો ત્યારે કેમેરામાં માત્ર મેગાપિક્સેલ પર ધ્યાન આપશો નહીં. ૨૩-૨૪ મેગાપિક્સેલ વાળા કેમેરા કરતાં આઇફોન કે સેમસંગના માત્ર ૧૨ મેગાપિક્સેલવાળા કેમેરા વધુ સારી પરિણામ આપી શકે છે.
ડેપ્થ ઓફ ફિલ્ડ
ડેપ્થ ઓફ ફિલ્ડ એટલે ઇમેજનો એ ભાગ જે શાર્પ ફોક્સવાળો છે એટલે કે વધુમાં વધુ સ્પષ્ટ છે. સામાન્ય રીતે આપણે ઇમેજનો દરેક ભાગ સ્પષ્ટ દેખાય તેવું ઇચ્છીએ, પરંતુ નિકટની કોઈ વ્યક્તિનો ક્લોઝ અપ લેવામાં માંગતા હોઇએ ત્યારે એ વ્યક્તિ એકદમ ફોકસમાં હોય પરંતુ બાકીનો ભાગ ધૂંધળો રહે તો ઇમેજ વધુ ઉઠાવદાર બને છે.
ઇમેજમાં યોગ્ય ડેપ્થ ઓફ ફિલ્ડ ન હોય આ શક્ય બનતું નથી. પરંતુ સ્માર્ટફોનમાં ડિજિટલ કેમેરાની સરખામણીમાં બહુ નાના સેન્સર્સ હોવાથી ડેપ્થ ઓફ ફિલ્ડ યોગ્ય પ્રમાણમાં મળતું નથી. એટલે જ હવે કેમેરામાં ડ્યુઅલ કેમેરાનો ઉપયોગ થવા લાગ્યો છે.
ઓઆઇએસ (ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન)
સ્માર્ટફોનથી ફોટોગ્રાફી કરતી વખતે હાથ સહેજ હલી જાય તો ફોટો ધૂંધળો આવે છે. કેમેરામાં ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઝેશનની સગવડ હોય તો તે આપોઆપ કેમેરાનો લેન્સ એડજસ્ટ કરે છે અને શાર્પ ઇમેજ આપે છે.
ઓછા પ્રકાશમાં પણ આ સુવિધા ઉપયોગી છે. કેમેરામાંના ઝાયરોસ્કોપની મદદથી ઇમેજ સ્ટેબિલાઇઝેશન કરી શકાય છે. હવે લગભગ બધા ફોનમાં ઓઆઇએસ હોય છે અને ઇલેક્ટ્રોનિક ઇમેજ સ્ટેબિલાઇઝેશન તેને વધુ બહેતર બનાવે છે.
સેન્સર
મેગાપિક્સેલ સાથે હવે કાર્લ ઝેઇસ, એક્સમોર વગેરે સેન્સર્સનાં નામ ચર્ચાવા લાગ્યાં છે. જૂના કેમેરામાં ફિલ્મ રોલ પર ઇમેજ કેપ્ચર થતી હતી, સેન્સર એ જ કામ કરે છે.
કેમેરાનો લેન્સ ઓપન થાય પ્રકાશ અંદર આવે અને સેન્સર પર ઇમેજ આકાર લે. સેન્સરની ગુણવત્તાથી ઇમેજની ગુણવત્તા પર મોટી અસર થાય છે. સેન્સરની સાઇઝ જેમ વધે તેમ ફોટોગ્રાફમાં ટપકાં જેવા ‘નોઇસ’નું પ્રમાણ ઓછું થતું જાય. સ્માર્ટફોન કેમેરામાં સેન્સરની ટેકનોલોજી સૌથી વધુ વિકસી છે.
વ્હાઇટ બેલેન્સ
નામ વ્હાઇટ બેલેન્સ છે, પરંતુ આ શબ્દ આપણો કેમેરા રંગો કેવી રીતે હેન્ડલ કરી શકે છે તે દર્શાવે છે!
જો તમે લીધેલી તસવીરો પીળાશ પડતી કે ગુલાબી ઝાંયવાળી આવતી હોય તો બની શકે કે તમારા વ્હાઇટ બેલેન્સ સેટિંગમાં ગરબડ છે. લગભગ દરેક કેમેરા એપમાં આપણે પોતાની રીતે વ્હાઇટ બેલેન્સ સેટ કરી શકીએ છીએ. જોકે મોટા ભાગના યૂઝર્સ તેને ઓટો પર સેટ કરીને કામ ચલાવી શકે છે.
આઇએસઓ
આપણા કેમેરાનું સેન્સર પ્રકાશ પ્રત્યે કેટલું સંવેદનશીલ છે તે આઇએસઓથી જાણી શકાય છે. મોટા ભાગની કેમેરા એપમાં આઇએસઓ બદલી શકાય છે.
જો તમે આઇએસઓ બદલી શકતા હો તો ઓછા પ્રકાશવાળી સ્થિતિમાં ફોટોગ્રાફી કરતી વખતે વધુ આઇએસઓ સેટ કરી શકાય. જોકે મોટાભાગે સ્માર્ટફોનમાં વધુ આઇએસઓ સેટ કરવા જતાં ઇમેજ ગ્રેઈની બની જાય છે.
શટર સ્પીડ
ફોટોગ્રાફીમાં બધી રમત પ્રકાશને ઝીલવા પર આધારિત છે. કેમેરાની શટર સ્પીડ એક્સ્પોઝર ટાઇમ તરીકે પણ ઓળખાય છે.
જ્યારે કોઈ ઝડપથી મૂવ થતી બાબતનો ફોટોગ્રાફ લેવાનો હોય ત્યારે શટર સ્પીડ વધુ હોય તો વધુ ઉપયોગી થાય. પરંતુ સ્થિર બેઠેલી વ્યક્તિનો ફોટોગ્રાફ લેવાનો હોય ત્યારે શટર સ્પીડ ઓછી હોય તો વધુ સારું પરિણામ મળી શકે. કેટલાક ફોટોગ્રાફર્સ પાણીના ધોધ જેવી બાબતનો ફોટોગ્રાફ લેતી વખતે જાણી જોઇને ઓછી શટર સ્પીડ રાખીને પાણીના પ્રવાહને બ્લર કરે છે.
એપર્ચર
તમે કેમેરાનાં સ્પેસિફિકેશન્સ ધ્યાનથી જોશો તો તેમાં એફ૨.૦ કે એફ૨.૪ એપર્ચર જેવું લખ્યું હશે. એપર્ચર એટલે કેમેરાના લેન્સ વચ્ચેનું છિદ્ર જેમાંથી પ્રકાશ પસાર થાય છે.
એફ-નંબર તેનો વ્યાસ દર્શાવે છે, એફ-નંબર જેમ ઓછો તેમ પ્રકાશ ઝીલવાની ક્ષમતા વધુ. એફ૨.૪ કરતાં એફ૨.૦ એપર્ચરમાંથી વધુ પ્રકાશ પસાર થાય ને ઓછા અજવાળામાં પણ સારી ફોટોગ્રાફી થઈ શકે. એટલે જ વધુ મેગાપિક્સેલવાળા, પણ હાયર એપર્ચરવાળા કેમેરાની સરખામણીમાં ઓછા મેગાપિક્સેલવાળા પણ લોઅર એપર્ચર ધરાવતા કેમેરા વધુ સારી ક્લેરિટીવાળા ફોટોગ્રાફ આપી શકે છે.
સ્માર્ટફોનના કેમેરા સંબંધિત કેટલાક વધુ શબ્દો વિશે જાણો ‘સાયબરસફર’ના મે, ૨૦૧૬ અંકમાં.

