આપણી દુનિયા હવે સ્માર્ટફોનના નાના સ્ક્રીનમાં સમેટાઈ રહી છે, પણ હજી પણ બહુ મોટો વર્ગ એવો છે જેણે પોતાનું ઘણું ખરું કામ પીસી કે લેપટોપ પર કરવાનું થાય છે. પીસી ખરીદવાનો સમય હવે લગભગ પાછળ રહી ગયો છે. કોલેજમાં એજ્યુકેશન કે ઓફિસ વર્ક માટે લેપટોપ હવે અનિવાર્ય બનવા લાગ્યાં છે ત્યારે, આ અંકમાં લેપટોપની ખરીદી સંબંધિત પાયાની માહિતી સમાવી છે. ખાસ કરીને લેપટોપના પ્રોસેસર્સ આપણને ગૂંચવે તેવાં હોવાથી તેના વિશે વિસ્તૃત માહિતી આપી છે.
‘સાયબરસફર’ની પરંપરા મુજબ આપણે હંમેશાં તરત ને તરત અમલમાં મૂકી શકાય તેવી માહિતી ઉપરાંત ટેકનોલોજીની ભાવિ દિશાઓ વિશેની સમજ વ્યાપક બનાવે તેવા લેખોનું સંતુલન સાધીએ છીએ. એ પરંપરાને આગળ વધારતાં આ અંકમાં ડેટા અને મશીન લર્નિંગનો ઉપયોગ કેવો વિસ્તરી રહ્યો છે એ વિશે પણ એક પ્રમાણમાં લાંબો લેખ આપ્યો છે.
ગયા અંકથી તમે કદાચ નોંધ્યું હશે કે આપણે ‘સાયબરસફર’ના લેઆઉટ અને સેકશન્સમાં કેટલાક ફેરફાર કર્યો છે. આ ફેરફારો ઉડીને આંખે વળગે એવા નથી પરંતુ ઓછી સ્પેસમાં વધુ ઉપયોગી માહિતી આવરી લેવા માટે આ ફેરફારો કરવામાં આવ્યા છે. આ જ કારણે અંકમાં સમાવી શકાતા વિષયો અને લેખોના પ્રમાણમાં હવે ઠીક ઠીક વધારો થઈ શક્યો છે. ખાસ કરીને સ્માર્ટગાઇડ વિભાગમાં સ્ક્રીનશોટની મદદ વિના વિવિધ પાસાં હવે સમાવી લેવામાં આવે છે, જેથી વધુ મુદ્દા આવરી શકાય.
આ ફેરફારો તમને અનુકૂળ અને યોગ્ય લાગે છે કે નહીં તે જરૂર જણાવશો કારણ કે ‘સાયબરસફર’ હંમેશાં વાચકોના દિશાસૂચનથી જ વધુ સમૃદ્ધ બને છે!
-હિમાંશુ
