તમારે પોતાને માટે અને પરિવારનાં બાળકો માટે ફોનમાં ઇન્સ્ટોલ કરો ક્યુરિયોસિટી!
માણસની જિજ્ઞાસા તેને જીવતો રાખે છે. કબૂલ, મંજૂર? તો વાંચો બીજું સનાતન સત્ય – એક તસવીર હજાર શબ્દોની ગરજ સારે છે. ફરી, કબૂલ ને મંજૂર?
તો હવે એ કહો કે નરસિંહ મહેતા કહી ગયા એમ, ‘વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું’ એવું કેવી રીતે શક્ય બને છે? અથવા, આપણો આ દેહ સૂક્ષ્મ બીજમાંથી કેવી રીતે આખો આકાર લે છે, શરીરના વિવિધ અવયવો કેવી રીતે સર્જાય છે એવું કુતૂહલ તમને ક્યારેય થાય છે?
અમેરિકાની હાર્વર્ડ હજીસ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટનાં કેટ મેકડોલ નામનાં એક બાયોલોજિસ્ટ માનવશરીરના સર્જનને કોઈ ઇમારતના ચણતર સાથે સરખાવે છે. તેઓ કહે છે કે તમે બધી જાતના બિલ્ડિંગ મટિરીયલનો કોઈ જગ્યાએ ગંજ ખડકી દો, તો કંઈ જાદુઈ રીતે આખું મકાન ચણાઈ ન જાય. એ માટે કોન્ટ્રેક્ટર્સ પ્લાન્સનો ઉપયોગ કરે અને પ્લાન મુજબ એક પછી એક પગલાં લેતા જાય ત્યારે મકાન ચણાય છે.
ઇન્ટરનેટ પર ઇન્ફર્મેશનનો તો કોઈ પાર નથી, પણ એમાંથી ખરેખર સારા, ઉપયોગી કન્ટેન્ટ સુધી પહોંચવું દિવસે દિવસે મુશ્કેલ બની રહ્યું છે. આ સ્થિતિમાં, ક્યુરિયોસિટી એપ તમને મદદરૂપ થશે.
માનવશરીર આવા, અત્યાર સુધી આપણે માટે ઘણા અજાણ્યા રહેલા પ્લાન્સને આધારે જ સર્જાય છે, સ્ટેપ-બાય-સ્ટેપ. આવા પ્લાન જાણવા અને સમજવા માટે, કેટ મેકડોલે ‘લાઇટ-શીટ માઇક્રોસ્કોપી’ નામની એક ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો.
લાઇટ-શીટ માઇક્રોસ્કોપીમાં પ્રકાશના અલગ અલગ લેયરથી જે તે સબ્જેક્ટને પ્રકાશિત કરવામાં આવે છે અને સાથોસાથ ખાસ પ્રકારના કેમેરાની મદદથી આ પ્રકાશિત ભાગોની માઇક્રોસ્કોપિક ઇમેજિસ લેવામાં આવે છે.
કેટ મેકડોલે, હંમેશ બને છે તેમ માણસના શરીરનો વિકાસ સમજવા માટે ઉંદરના ભ્રૂણના વિકાસની માઈક્રોસ્કોપિક ઇમેજિસ લેવાનું સંશોધન હાથ ધર્યું હતું.
રિસર્ચ ટીમે ઉંદરના ભ્રૂણના દરેક કોષનું પહેલા ૪૮ કલાક સુધી બરાબર પગેરું દબાવ્યું અને લગભગ દસેક લાખ ઇમેજિસ લીધી. એ પછી સાડા આઠ દિવસના થયેલા ભ્રૂણમાંનો દરેક કોષ ક્યાંથી જન્મ્યો હતો અને વિસ્તરીને કેવો થયો તે આખી સફર ટ્રેક કરી.
આ આખી એક બહુ જટિલ ટેકનોલોજીકલ પ્રોસેસ હતી પરંતુ તેનું પરિણામ એ આવ્યું કે ઉંદરમાં અલગ અલગ કોષમાંથી કરોડરજ્જુથી માંડીને મગજનો વિકાસ કેવી રીતે થાય છે તે દર્શાવતી વીડિયો ક્લિપ્સ મળી, જે ઇન્ટરનેટને પ્રતાપે આપણે પણ જોઈ શકીએ છીએ! ફક્ત એક કોષથી શરૂ થયેલી સર્જનયાત્રામાં ઉંદરના હૃદયનો પહેલો ધબકાર પણ જોઈ શકાય છે!
અહીં સુધી જે કાંઈ વાત લખી એ માત્ર એક ઉદાહરણ છે. ‘ક્યુરિયોસિટી’ નામની એપમાં તમને આ પ્રકારના અનેક વિષયના અનેક લેખ મળી શકે છે.
ઇન્ટરનેટ પર ઇન્ફર્મેશનનો તો કોઈ પાર નથી, પણ એમાંથી ખરેખર સારા, ઉપયોગી કન્ટેન્ટ સુધી પહોંચવું દિવસે દિવસે મુશ્કેલ બની રહ્યું છે ત્યારે જો તમારે તમારી જિજ્ઞાસા જીવંત રાખવી હોય તો તમારા એપલ કે એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં ‘ક્યુરિયોસિટી’ એપ ડાઉનલોડ કરી લેવા જેવી છે.
આ એપનો તમે વેબ પર (curiosity.com) પણ લાભ લઈ શકો છો.
ક્યુરિયોસિટીની શરૂઆત ૨૦૧૪માં થઈ. તેના મૂળમાં, જ્ઞાન-વિજ્ઞાનના પ્રસાર માટે આખી દુનિયાના ઘર ઘરમાં પહોંચી ગયેલી ડિસ્કવરી ચેનલ છે.
ક્યુરિયોસિટી સર્વિસ શરૂ થઈ ત્યારથી ૭૬ જેટલા ઓનલાઇન એજ્યુકેશન કન્ટેન્ટ પ્રોવાઇડર્સ (જેમાં આપણે માટે જાણીતી ખાન એકેડમી અને કોર્સએરા પણ સામેલ છે) પાસેથી કન્ટેન્ટ મેળવે છે.
ક્યુરિયોસિટી એપમાં માઇન્ડ એન્ડ બોડી, પર્સનલ ગ્રોથ, સાયન્સ એન્ડ ટેક્નોલોજી, અમેઝિંગ પ્લેસીઝ, બ્રિલિયન્ટ પ્રોડક્ટ્સ, ફૂડ એન્ડ કલ્ચર વગેરે મુખ્ય કેટેગરીમાં પાર વગરનું કન્ટેન્ટ ધરબાયેલું પડ્યું છે. આ બધી કેટેગરી હીમશીલાની ટોચ જેવી છે, કેમ કે એ દરેકની અંદર પાછી સંખ્યાબંધ સબકેટેગરીઝ છે.
ક્યુરિયોસિટી એપમાં તમે ઓલ સબ્જેક્ટસના લિસ્ટ સુધી પહોંચશો તો જોશો કે તેમાં એ થી ઝેડ સુધી પહોંચતાં કેટલી વાર લાગે છે!
તમે ઉંમરના ગમે તે પડાવે પહોંચ્યા હો, આ એપ તમને ઉપયોગી થઈ શકે છે. ખાસ તો પરિવારમાં નાનાં બાળકો હોય તો એમને પબ્જી જેવી એડિક્ટિવ અને વાયોલન્ટ ગેમ્સને બદલે હળવેકથી, ક્યુરિયોસિટી તરફ વાળી જુઓ. એ માટે, સ્માર્ટફોનમાં આ એપ ખોલીને બાળકના હાથમાં પકડાવી દેવાને બદલે, પહેલાં તમે પોતે થોડો સમય આ જિજ્ઞાસાભરી મજાની દુનિયામાં ખાંખાખોળાં કરી જુઓ. પછી રાતપડે, પોતે ફેસબુક કે વોટ્સએપમાં પરોવાઈ જવાને બદલે, ક્યુરિયોસિટી એપ ઓપન કરી કોઈ મજાનો લેખ, વીડિયો, ક્વિઝ કે પઝલ મળી આવે તો એના વિશે મોટેથી બોલવાનું શરૂ કરો. બાળક આપોઆપ તમારી પાસે ખેંચાઈ આવશે!
આજે દરેક મમ્મી-પપ્પા, દાદા-દાદીને એક જ ચિંતા છે – બાળકોના હાથમાંથી સ્માર્ટફોન છૂટતો નથી. એમને ક્યુરિયોસિટી જેવી એપ તરફ વાળી શકશો તો પછી તમને એમના વર્તમાનની સાથે, ભાવિની પણ ચિંતા નહીં રહે. ક્યુરિસિટીમાં એવું ઘણું બધું છે, જે તેમને આવનારા સમયની નવી દુનિયા માટે અત્યારથી તૈયાર કરશે!
બાય ધ વે, લેખની શરૂઆત જેનાથી કરી એ વિશેની વધુ જિજ્ઞાસા સંતોષવા, ક્યુરિયોસિટીમાં સર્ચ કરો :

