તમને એનિમેશનમાં રસ બે રીતે હોઈ શકે, એક, મજાની એનિમેશન મૂવીઝ જોવામાં તમને રસ હોય અથવા તમને પોતાને એનિમેશન ક્રિએટ કરવામાં રસ હોય! હજી એક ત્રીજા પ્રકારનો રસ પણ હોઈ શકે – એનિમેશનની મદદથી, જાતભાતની બાબતો વિશે વધુ જાણવાનો રસ! આ ત્રણેય બાબતમાંથી કોઈ એકમાં પણ તમને રસ હોય તમને ગમે એવી એક ચેનલ છે ‘જેર્ડ અવન એનિમેશન્સ’.
જેર્ડ અવને તૈયાર કરેલો આ વીડિયો જુઓઃ
(‘સાયબરસફર’ દ્વારા આ વીડિયોનાં ગુજરાતીમાં સબટાઇટલ્સ આપવામાં આવ્યાં છે.
તે જોવા માટે, વીડિયોના સેટિંગ્સમાં સબટાઇટલ્સ ઓન કરો અને તેમાં ગુજરાતી પસંદ કરો)
જેર્ડ અવન એક અમેરિકન સોફ્ટવેર એન્જિનીયર છે. એન્જિનીયરિંગ એનો રસનો વિષય અને લાઇબ્રેરીમાં જઈને જાતભાતનાં પુસ્તકો ફેંદવાં પણ ગમે. એનિમેશન ક્રિએટ કરવામાં પણ એની માસ્ટરી.
પોતાને સતત નવું નવું શીખવામાં રસ તો હતો જ, સાથે એનિમેશનની સ્કિલ પણ હતી, બંનેને સાંકળીને તેણે જુદા જુદા વિષયની બારીક સમજણ આપતા એનિમેશન વીડિયો તૈયાર કરવાનું શરૂ કર્યું.
જેર્ડ કહે છે, “ઘણી બાબતો એવી હોય છે જેને શબ્દોમાં સમજાવવી મુશ્કેલ હોય, તેને ટુડી એનિમેશનમાં પણ સારી રીતે સમજાવી ન શકાય. ૩ડી એનિમેશનનો ઉપયોગ કરીને સરસ રીતે સમજાવી શકાય.
જેમ કે આપણે સૌ જેને હાથમાં મચડી-મચડીને મોટા થયા હોઈશું, એ રુબિક ક્યૂબની અંદર એવી તે કેવી કરામત હોતી હશે કે તેના બધા ક્યૂબને આપણે ધારીએ તેમ ફેરવી શકીએ છતાં, અંદરથી એ બધા જોડાયેલા જ રહે? આવી જિજ્ઞાસાથી એકાદો આવો ક્યૂબ તોડીએ તો જ અંદરની કરામત સમજાય!
જેર્ડ કમ્પ્યુટર સાયન્સમાં બેચલરની ડિગ્રી ધરાવે છે, જે તેને એનિમેશન તૈયાર કરવામાં મદદરૂપ થાય છે. ૩ડી એનિમેશન તૈયાર કરવા માટે એ બ્લેન્ડર (https://www.blender.org) નામના ફ્રી અને ઓપન સોર્સ ૩ડી ક્રિએશન સ્યૂટનો ઉપયોગ કરે છે.

એનિમેશનના વિદ્યાર્થીઓ કે નિષ્ણાતો જાણતા હશે કે એનિમેશન તૈયાર કરવાની પ્રક્રિયામાં મોડેલિંગ, રિગિંગ, એનિમેશન, સિમ્યુલેશન, રેન્ડરિંગ, મોશન ટ્રેકિંગ જેવાં ઘણાં પાસાં સામેલ હોય છે. એમાં વીડિયો એડિટિંગ અને ગેમ ક્રિએશનનો અનુભવ પણ કામે લાગે.
બ્લેન્ડરમાં આ બધું જ થઈ શકે છે. જેર્ડ પ્રોગ્રામિંગનો જાણકાર હોવાથી તે પાયથનની મદદથી બ્લેન્ડર સોફ્ટવેર પાસેથી હજી વધુ કામ લે છે.
જેર્ડ એક કંપનીમાં સોફ્ટવેર એન્જિનીયર તરીકે નોકરી કરતો હતો. દિવસે એ નોકરી કરે અને વહેલી સવારે કે રાતના સમયે પોતાના શોખને આગળ ધપાવે. લગ્ન પછી, પહેલું બાળક આવ્યું એના થોડા જ સમયમાં તેણે યુટ્યૂબ પર પોતાનો પહેલો પ્રોજેક્ટ અપલોડ કર્યો.
જેર્ડને સ્પેસ સાયન્સમાં ઊંડો રસ છે. અમેરિકન એપોલો સ્પેસક્રાફ્ટ કેવી રીતે કામ કરે છે એ દર્શાવતા ત્રણ ભાગના એનિમેશન વીડિયો તેણે તૈયાર કર્યા છે, જે પૂરા કરતાં તેને છ મહિના જેટલો સમય લાગ્યો.
એ ઉપરાંત ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન તબક્કાવાર કેવી રીતે તૈયાર થયું તેનો એનિમેટેડ વીડિયો પણ તૈયાર કર્યો. પૃથ્વીનું વાતાવરણ, ચંદ્રના વિવિધ તબક્કા, સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ વગેરે સમજાવતા વીડિયો પણ તેણે તૈયાર કર્યા છે.
તેણે વ્હાઇટ હાઉસ, મર્સીડીઝ બેન્ઝ સ્ટેડિયમ કે દુબઈની બુર્જ ખલિફા જેવી ઇમારતો, રુબિક ક્યૂબ કે પૂલ બેક ટોય કાર કે રમકડાંની ગન્સ, ચાવીવાળું તાળું ધરાવતાં ડોર હેન્ડલ્સ વગેરેની અંદરની રચના સમજાવતા એનિમેશન વીડિયો તૈયાર કર્યા છે.
જેર્ડને જે બાબતમાં રસ જાગે તેના વિશે તે શક્ય એટલી વધુ માહિતી એકઠી કરે છે, હાથમાં લઈ શકાય એવી વસ્તુ હોય તો એનો એકેએક ભાગ છૂટો કરીને તેની રચના પહેલાં પોતે સમજે અને પછી એના એનિમેશનની સ્ક્રિપ્ટ તૈયાર કરે છે, એનિમેશન વીડિયો બનાવે છે અને વોઇસ પણ પોતે જ આપે છે!
ટોય કારનું મિકેનિઝમ
રુબિક ક્યૂબની રચના


