એક સમાચાર મુજબ ભારતમાં ટેક્સ એસેસમેન્ટની સિસ્ટમમાં હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગનો ઉપયોગ થશે. આ રીતે ટેક્સ એસેસમેન્ટમાં વ્યાપક સ્તરે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરનાર ભારત કદાચ વિશ્વનો પ્રથમ દેશ બનશે.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનના જણાવ્યા અનુસાર, ઓક્ટોબર ૨૦૧૯થી જ આ વ્યવસ્થાનો અમલ શરૂ થઈ જશે. આ વ્યવસ્થાને કારણે ટેક્સ એસેસમેન્ટ પારદર્શક અને ચોકસાઈપૂર્ણ બનવાની આશા છે. અત્યાર સુધી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના વિવિધ અધિકારીઓ ટેક્સની આકારણીમાં સંકળાયેલા હોવાથી તેમાં વ્યાપક રીતે ભ્રષ્ટાચાર થતો હોવાની અને કરદાતાઓને ખોટી હેરાનગતિ થતી હોવાની ફરિયાદો ઊઠતી હતી.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને કારણે સમગ્ર પ્રક્રિયામાંથી માનવ હસ્તક્ષેપ દૂર થશે. ઉપરાંત જુદા જુદા લોકોએ ભરેલા આવકવેરા રીટર્ન્સમાં વિસંગતિઓ હશે, જેમ કે ટીડીએસ કપાયો હોય તેમ છતાં તેના પ્રમાણમાં દર્શાવવી જોઇતી આવક બતાવવામાં આવી ન હોય, તેવા કિસ્સાઓમાં સિસ્ટમ પોતે આગળ તપાસ શરૂ કરી દેશે.
અત્યારે મળતી માહિતી મુજબ શરૂઆતમાં, ભરવામાં આવેલા ટેક્સ રીટર્ન્સની આ રીતે પ્રાથમિક સ્તરે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી ચકાસણી થશે અને કશું શંકાસ્પદ જણાશે તો વેરો ભરનારને સિસ્ટમ આપોઆપ નોટિસ મોકલશે. તેના સંતોષજનક જવાબો નહીં મળે તો પછી આગળની કાર્યવાહી માટે જે તે સ્તરના અધિકારીને કેસ સોંપવામાં આવશે.

