હવે તમે ગૂગલ ડ્રાઇવમાં ડોક્સમાં, ઇંગ્લિશમાં કોઈ લખાણ લખશો ત્યારે સિસ્ટમ આપોઆપ તેમાં વ્યાકરણને લગતી ભૂલો પકડીને તેને સુધારવાના વિકલ્પો સૂચવશે.
ઇંગ્લિશમાં ગૂંચવણો ઘણી છે!
સાવ સાચું કહો – ઇંગ્લિશમાં કંઈ પણ લખતી વખતે તમે ક્યારેય કોઈ ભૂલ કરતા નથી એવું તમે પૂરા વિશ્વાસથી કહી શકો ખરા?
વાત ફક્ત સ્પેલિંગની હોય તો આ સવાલનો જવાબ બહુ મુશ્કેલ નથી. આપણે ડિક્શનરીની મદદ લઈ શકીએ અને આપણા લખાણનો દરેકે દરેક સ્પેલિંગ સાચો છે કે ખોટો તે તપાસી શકીએ. જો માઇક્રોસોફ્ટ વર્ડ જેવા સોફ્ટવેરનો ઉપયોગ કરતા હોઇએ તો તેમાં પણ સ્પેલ ચેકર સુવિધાની મદદ લઇએ તો આપણા દરેક ખોટા સ્પેલિંગ નીચે લાલ લીટી આવી જાય અને આપણે તેને સુધારી શકીએ.

આમાં બ્રિટિશ ઇંગ્લિશ કે અમેરિકન ઇંગ્લિશ મુજબ સ્પેલિંગમાં થોડી ગૂંચવણ રહે પણ ડિક્શનરીનો મોટો આધાર હોવાથી આપણે સ્પેલિંગની બાબતમાં લગભગ નિશ્ચિંત રહી શકીએ.
અલબત્ત સ્પેલિંગ સાચો હોય, પણ વાક્યના સંદર્ભમાં ખોટો હોય એવું બની શકે. ઉપરાંત, સવાલ વ્યાકરણનો હોય તો?
વ્યાકરણ એક બહુ ગૂંચવણભર્યો વિષય છે. આપણી પ્રાચીન સંસ્કૃત ભાષા વ્યાકરણની દૃષ્ટિએ અત્યંત સમૃદ્ધ અને સુવ્યવસ્થિત ભાષા છે, પરંતુ અન્ય લગભગ બધી જ ભાષાઓમાં વ્યાકરણની દૃષ્ટિએ ખાસ્સી અરાજકતા છે. જ્યારે નિષ્ણાતો પોતે એક મત ન હોય ત્યારે આપણે તેમાં ભૂલો કરતા રહીએ તે બહુ સ્વાભાવિક છે.
આમ છતાં વ્યાકરણમાં પણ ઘણા નિશ્ચિત નિયમો છે અને કમસે કમ એમાં તો આપણે ભૂલ ન જ થવી જોઇએ. મુશ્કેલી એ છે કે જેમ સ્પેલિંગમાં આપણે આધાર તરીકે ડિક્શનરીની મદદ લઇ શકીએ એમ વ્યાકરણ માટે કોઈ સહેલો આધાર મળતો નથી.
હવે ટેકનોલોજી આપણી આ મુશ્કેલી પણ હળવી કરી રહી છે.
‘સાયબરસફર’ના જૂના વાચકોને યાદ હશે કે જાન્યુઆરી ૨૦૧૬ અંકમાં આપણે ગ્રામરની ભૂલો સુધારતી એક મજાની ‘ગ્રામરલી’ નામની સર્વિસનો વિગતવાર પરિચય મેળવ્યો હતો. ગ્રામરલી ફ્રી અને પેઇડ વર્ઝનમાં ઉપલબ્ધ છે અને ફ્રી વર્ઝનમાં પણ ૧૫૦ જેટલી ગ્રામર સંબંધિત ભૂલો સુધારી આપે છે.
ગ્રામરલીની ખરી શક્તિ વાક્યના સંદર્ભના આધારે ભૂલો પારખવામાં છે.
એટલે કે જો આપણે I want to by new car એમ લખ્યું હોય તો સામાન્ય સ્પેલ ચેકિંગમાં કશી ભૂલ પકડાશે નહીં કારણ કે બધા જ શબ્દોના સ્પેલિંગ સાચા છે જ પણ વાક્યના સંદર્ભ મુજબ ખરેખર by ને બદલે buy આવવું જોઈએ. ગ્રામરલી આવી સંદર્ભ આધારિત ભૂલો પણ પકડી પાડે છે. એ ઉપરાંત તેના નામ મુજબ વ્યાકરણ સંબંધિત ભૂલો તરફ પણ આપણું ધ્યાન દોરે છે.
ગ્રામરલી સર્વિસ ૧૦ વર્ષ પહેલાં લોન્ચ થઈ હતી અને દિવસે દિવસે તે વધુ ને વધુ સ્માર્ટ બનતી જાય છે. ગ્રામરલીનો આપણે ઓનલાઇન એપ સ્વરૂપે તથા બ્રાઉઝરના એક્સટેન્શન સ્વરૂપે ઉપયોગ કરી શકીએ છીએ તેમજ માઇક્રોસોફ્ટ ઓફિસમાં પણ તેને ઉમેરી શકીએ છીએ. આ કારણે ઓનલાઇન કે ઓફલાઇન જ્યારે પણ આપણે ઇંગ્લિશમાં કંઈ પણ લખીએ ત્યારે ગ્રામરલી આપણી ભૂલો તરફ ધ્યાન દોરી શકે છે.
પરંતુ હવે ગ્રામરલીને જોરદાર હરીફાઈ મળશે, એ પણ કોઈ સાધારણ અન્ય કંપની તરફથી નહીં, ગૂગલ તરફથી – જેની પાસે દુનિયા આખીનો ડેટા છે!
ગૂગલે તેના જી-સ્યૂટ પેકેજમાં (ઇમેઇલ, કેલેન્ડર, ડ્રાઇવ, ડોક્સ વગેરે) ગ્રામરલીની જેમ જ સ્માર્ટ રીતે સ્પેલિંગ અને ગ્રામરની ભૂલો સુધારી આપતી સુવિધા ઉમેરી છે.
પરિણામે હવે જ્યારે પણ તમે કોઈ વાક્યમાં a લખવાનો છે કે an એવી ગૂંચવણ અનુભવો ત્યારે ગૂગલ તમારી મદદ કરી શકશે. there, their, they’re વગેરે શબ્દોમાં હંમેશાં લોકો ગૂંચવાતા હોય છે. એ જ રીતે It’s અને its ક્યારે લખાય એની પણ દરેકને પૂરી સ્પષ્ટતા હોતી નથી. એ સિવાય જુદા જુદા કાળ, ક્રિયાપદ, વિશેષણ વગેરેની ગૂંચવણોનો તો કોઈ પાર નથી.
આ જ કારણે આગળ કહ્યું તેમ ઇંગ્લિશમાં વાક્યના સંદર્ભ મુજબ સ્પેલિંગ અને ગ્રામરની ભૂલો પકડવી એ બહુ મુશ્કેલ કામ છે. ગૂગલે આ કામ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ ટેકનોલોજીને કામે લગાડી છે.
પરંતુ પડકાર એ હતો કે શું સાચું અને શું ખોટું એ મશીનને સમજાવવું કઈ રીતે?
એ માટે ગૂગલે પોતે જ વિકસાવેલી ટ્રાન્સલેશન ટેકનોલોજીને કામે લગાડી. ‘સાયબરસફર‘માં આપણે અગાઉ કમ્પ્યુટર કેવી રીતે ટ્રાન્સલેશન કરે છે તેની વિગતવાર વાત કરી છે, પણ અત્યારે એટલું પુનરાવર્તન કરી લઇએ કે ગૂગલ હોય કે માઇક્રોસોફ્ટ, મશીન ટ્રાન્સલેશનમાં ખાસ્સી પ્રગતિ કરનારી કંપનીઝ તેને ઉપલબ્ધ જુદી જુદી ભાષાના લખાણ અને શબ્દોને એકમેક સાથે સરખાવીને એક ભાષામાંથી બીજી ભાષામાં અનુવાદ કરે છે.
જેમ કે ગૂગલ ટ્રાન્સલેટ સાઇટ પર જઇને આપણે ઇંગ્લિશમાં “Hello’ લખીએ તો એ આંખના પલકારામાં હિન્દીમાં તેનો અનુવાદ ‘नमस्ते’ સ્વરૂપે આપે છે (ગૂગલને હિન્દીની સરખામણીમાં ગુજરાતી ભાષાનું કન્ટેન્ટ પ્રમાણમાં ઘણું ઓછું મળે છે એટલે Helloનું ગુજરાતી તે ‘હેલ્લો’ જ કરે છે).
ટેક્નોલોજી એટલી વિકસી રહી છે કે આવનારા સમયમાં, આપણે અત્યારે જેટલી સહેલાઇથી ગ્રામરની ભૂલો કરીએ છીએ એટલી જ સહેલાઇથી એ ભૂલો સુધારી પણ શકીશું!
આમાં ટ્રાન્સલેશન ટેકનોલોજી ઇંગ્લિશમાં ‘હેલ્લો’ શબ્દને સોર્સ ગણે છે અને હિન્દી ‘નમસ્તે’ને ટાર્ગેટ વર્ડ ગણે છે. જુદી જુદી ભાષાના જુદા જુદા શબ્દો માટે આવી રીતે સોર્સ અને ટાર્ગેટ વર્ડ નક્કી કર્યા પછી ટ્રાન્સલેશન ટેકનોલોજીના મશીન્સને એ બધો ડેટા ‘સુંઘાડવામાં’ આવે એટલે તે પોતાની મેળે જુદા જુદા શબ્દોના બીજી ભાષાના અનુવાદ તો કરી જ શકે છે, સાથોસાથ આખા વાક્યનો ભાવાર્થ પકડીને ભાષાંતર કરી શકે છે. છેલ્લા બે દાયકામાં આ ક્ષેત્રમાં જબરજસ્ત પ્રગતિ થઈ છે.
ગૂગલ ડોક્સમાં ગ્રામર સંબંધિત ભૂલો પકડવા માટે ગૂગલે ટ્રાન્સલેશનની આ જ ટેકનોલોજી કામે લગાડી.
તેણે અનેક ભાષા શાસ્ત્રીઓ સાથે મળીને વ્યાકરણની દૃષ્ટિએ સાચા અને ખોટા શબ્દો નક્કી કરવાની એક લાંબી કવાયત શરૂ કરી. સંખ્યાબંધ મહિનાઓ સુધી આ ભાષા શાસ્ત્રીઓએ ઉપર લખ્યા તેવા ગૂંચવતા શબ્દોનાં ગ્રામર સેમ્પલ્સ તૈયાર કર્યાં અને તેમાં વાક્યના સંદર્ભમાં ક્યો શબ્દ સાચો અને ક્યો ખોટો તેનું લેબલિંગ કર્યું.
હવે વાત ટ્રાન્સલેશનની નહીં પરંતુ ગ્રામર કરેકશનની હતી એટલે ગૂગલે ખોટા ગ્રામરને ‘સોર્સ લેંગ્વેજ’ ગણી અને સાચા ગ્રામરને ‘ટાર્ગેટ લેંગ્વેજ’ ગણી.
આ રીતે હજારો શબ્દોના સાચા-ખોટા નમૂના નક્કી કર્યા પછી ગૂગલે પ્રતિષ્ઠિત અને વિશ્વસનીય વેબસાઇટ્સ પરથી અબજો સાચા શબ્દોનો ડેટાબેઝ તૈયાર કર્યો અને તેને આધારે વાક્યના સંદર્ભમાં ખોટા ગણાય તેવા શબ્દો પણ નક્કી કર્યા.
આ આખી વાત અહીં બને તેટલી સરળ રીતે લખી છે, જે વાસ્તવમાં અત્યંત જટિલ પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે. પણ ટેકનોલોજીની કમાલ એ છે કે આવી જહેમતને કારણે એક એવી વ્યવસ્થા વિકસી જેને કારણે ગૂગલ ડોક્સમાં આપણે કંઈ પણ લખી રહ્યા હોઇએ ત્યારે તે જ ક્ષણે સિસ્ટમ આપણને કહી શકે છે કે ‘તમે લખાણમાં આ ભૂલ કરી છે, તેને સાચી રીતે આવી રીતે લખી શકાય.’
જો તમે ગ્રામરલી સર્વિસનો ઉપયોગ કરશો તો જોશો કે એ પણ ઇંગ્લિશની ભૂલો પારખવામાં ઇંગ્લિશના જાણકાર લોકોને નવાઈ લાગે એટલી હદે સ્માર્ટ છે. તેની સરખામણીમાં ગૂગલ પાસે અનેકગણો વધુ ટેકનોલોજી પાવર અને ડેટા છે. તેનો સાદો અર્થ એટલો કે આવનારા સમયમાં, આપણે અત્યારે જેટલી સહેલાઇથી ગ્રામરની ભૂલો કરીએ છીએ એટલી જ સહેલાઇથી એ ભૂલો સુધારી પણ શકીશું!
વધુ જાણો
ગ્રામરલી સર્વિસ વિશે વિગતવાર જાણો આ લેખમાંઃ ગ્રામરની ભૂલો સુધારતી સર્વિસ
ગ્રામરલી વિશેની મિનિ-ગાઇડ ડાઉનલોડ કરો અહીંથીઃ ગ્રામરની ભૂલો સુધારતી એક મજાની સર્વિસ
અન્ય સંબંધિત લેખોઃ
ગ્રામરના 10 નિયમો સમજાવતું ઇન્ફોગ્રાફિક
ઇંગ્લિશ ગ્રામરની ગૂંચવણો ઉકેલો


