ઇન્ટરનેટનું આખું અર્થતંત્ર, ઇન્ટરનેટ પર આપણી જાસૂસીના આધારે ચાલે છે. ઇન્ટરનેટ પર આપણે જે કંઈ જોઇએ, વાંચીએ, ખરીદીએ, શેર કરીએ, લાઇક કરીએ એ બધાની રજે રજેની માહિતી સાચવવામાં આવે છે અને પછી એ મુજબ માત્ર આપણને ટાર્ગેટ કરીને જાહેરાતો બતાવવામાં આવે છે.
આપણી આવી જાસૂસી કરવાની મોટી જવાબદારી સંભાળે છે સર્ચ એન્જિન. સર્ચ એન્જિન ઇન્ટરનેટના દરવાજા જેવાં છે. મોટા ભાગે આપણે ત્યાંથી જ ઇન્ટરનેટમાં દાખલ થઈએ છીએ અને જુદી જુદી પ્રવૃત્તિ કરીએ છીએ. ગૂગલ સર્ચ એન્જિન સૌથી વધુ લોકપ્રિય છે અને એટલું જ તે આપણી રજે રજની માહિતી સાચવવા માટે પણ વગોવાયેલું છે.
તેની સામે ‘ડકડકગો’ જેવું સર્ચ એન્જિન આપણી કોઈ પણ અંગત માહિતી એકઠી કરતું નથી. તે આપણી સર્ચ હિસ્ટ્રી સાચવતું નથી કે આપણી સર્ચ હિસ્ટ્રી એડવર્ટાઝર્સને વેચતું નથી જેથી તેઓ ઇન્ટરનેટ પર આપણને ટ્રેક કરી શકે. આ કારણે ‘ડકડકગો’ સર્ચ એન્જિનની લોકપ્રિયતા સતત વધી રહી છે.
હવે કાયદાકીય કારણોસર ગૂગલે પણ પોતાના સૌથી વધુ લોકપ્રિય ક્રોમ બ્રાઉઝરમાં ‘ડકડકગો’ને એક સર્ચ એન્જિન વિકલ્પ તરીકે ઉમેર્યું છે.
સામાન્ય રીતે આપણે પીસી કે મોબાઇલમાં ક્રોમના એડ્રેસ બારમાં કંઈ પણ લખીને સર્ચ કરીએ તો ગૂગલ સર્ચ એન્જિનની મદદથી આપણને પરિણામો આપવામાં આવે છે. તેને બદલે તમે ઇચ્છો તો સેટિંગ્સમાં જઇને ‘ડકડકગો’ને ડિફોલ્ટ સર્ચ એન્જિન તરીકે પસંદ કરી શકો છો.
તમે જોશો તેમ તેનાથી તમારી સર્ચનાં પરિણામોમાં ખાસ કોઈ ફેર પડતો નથી.
