ઇન્ટરનેટ પરનાં વેબપેજીસમાંથી જોઈતી વધુ સહેલાઈ શોધવા માટે જાણો કેટલાક સ્માર્ટ રસ્તા.
નાતાલની રજાઓમાં મનાલી જવું છે પણ ઠંડી કેવીક હશે, કે પછી ‘તાનાજી’ ફિલ્મ અમદાવાદ કે વડોદરામાં કયા મલ્ટીપ્લેક્સમાં રીલિઝ થવાની છે અથવા તો ભારત-બંગલાદેશની મેચ પહેલવહેલી વખત પિંક બોલથી રમાની છે તો આ પિંક બોલથી શું ફરક પડવાનો… આ બધું આપણે કંઈ કોઈ દોસ્ત કે સગાંવહાલાંને કદાચ નહીં પૂછીએ, આપણે જઈશું સીધા ગૂગલ સર્ચ પર.
આપણા જીવનમાં સર્ચ શબ્દ ક્યારે દાખલ થઈ ગયો એનો આપણને ખ્યાલ પણ નથી રહ્યો. પણ આપની જાણ માટે કે આ ઓનલાઇન સર્ચને ૨૦ વર્ષ થઈ ગયાં છે અને હવે તો રોજના અબજો પ્રશ્નો ગૂગલ અને તેના જેવા અન્ય સર્ચ એન્જિન્સ પર પૂછાય છે અને લોકો તેના ઘણે અંતે સંતોષજનક જવાબ આપે છે.
આ જવાબો ગૂગલ કે તેના જેવું સર્ચ એન્જિન આપતું નથી. તે માત્ર, ઇન્ટરનેટ પરની અસંખ્ય વેબસાઇટ્સ પરથી આપણને જોઈતી માહિતી શોધી આપે છે.
તકલીફ ફક્ત એટલી કે આપણે સર્ચ એન્જિનને કંઈ પૂછીએ ત્યારે તે આપણે જાણવું જરૂરી હોય તેના કરતાં ઘણું વધુ શોધી બતાવે છે, જેને કારણે આપણે વધુ ગૂંચવણમાં મૂકાઈએ છીએ. પછી આપણે દોષ સર્ચ એન્જિન પર ઢોળીએ છીએ.
જો આપણે કેટલીક કાળજી લઈને સર્ચ કરીએ તો વધુ સચોટ માહિતી મેળવી શકીએ.
તો સ્માર્ટ સર્ચ કઈ રીતે કરવી જેથી નકામી માહિતી જોવામાં આપણો સમય ન વેડફાય? અહીં એવાં ૬ સ્ટેપ્સ આપ્યાં છે એને ધ્યાનમાં લઈને સર્ચ કરીએ તો આપણું કામ ઘણું સહેલું થઈ જાય એમ છે!
એક જ વખત નહીં, વધારે વખત સર્ચ કરો
મોટા ભાગે આપણે સર્ચમાં પહેલી વખત જે રિઝલ્ટ્સ આવે તેને જ યોગ્ય છે એમ માની લઈએ છીએ. પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કે એવા કોઈ કોમ્પ્લેક્સ વિષય પર સર્ચ કરતા હોઈએ તો વધુ એક કે વધુ વાર સર્ચ કરવી જરૂરી છે, જેથી આપણને વિષયને લગતા ઘણા બધા દૃષ્ટિકોણ જાણવા મળે અને વિશ્વસનીય એવા સોર્સથી માહિતી મળી રહે.
સોર્સની વિશ્વસનીયતા તપાસો
વેબ પર સર્ચ કરો ત્યારે એને અનુરૂપ જે તે સાઇટ ખૂલશે. તમારે જે માહિતી જોઈએ છે તેના માટે એ સાઇટ જ બેસ્ટ છે કે કેમ તે ચકાસો. એ વેબસાઇટનો હેતુ શો છે એની ચોક્સાઇ કરો. ‘આ સાઇટ મને કઈ રીતે મદદ કરી રહી છે? મને માહિતી પૂરી પાડવામાં એમનો હેતુ શો છે? બીજા વિશ્વસનીય સોર્સની માહિતી અને આ સાઇટની માહિતી સરખાવી શકાય છે?’ મનોમન આવા સવાલો કરો. વેબસાઇટની વિશ્વનીયતા તપાસવાનો બીજો રસ્તો છે, ઓનલાઇન ફોરમ્સ કે ડિસ્કશન બોર્ડ કે કમેન્ટ્સ ચેક કરો જેથી બીજા લોકો આ વેબસાઇટ માટે શું કહે છે તે ખબર પડે.
તમારા સવાલમાં જવાબ ન આવે તેનું ધ્યાન રાખો
તમને કદાચ જવાબ થોડોઘણો ખબર હોય અને તમે સર્ચમાં એનો પણ ઉલ્લેખ કરો તો બની શકે કે સર્ચના રિઝલ્ટ્સ એ પ્રમાણેનાં જ મળે.
દાખલા તરીકે, ‘સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ ૧૮૨ મીટર છે?’ એવું લખવાને બદલે તમે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ’ એટલું જ લખો. જેથી તમને ‘ ૧૮૨ મીટર’ શબ્દોવાળાં બીજાં કોઈ રીઝલ્ટ આડાં ન આવે અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને લગતી માહિતી જ આવે. આનાથી તમને ઘણી બધી જાતનાં રિઝલ્ટ્સ જોવા મળશે અને પછી એમાંથી તમે ઉપર જણાવ્યા પ્રમાણે વિશ્વનીય સાઇટની ચકાસણી કરી શકો અને સાચો જવાબ મેળવી શકો.
સર્ચ શરૂ કરો બહોળા શબ્દો સાથે, ધીરે ધીરે એને ચોકસાઈભરી બનાવો
જે તે વિષય પર ખૂબ સામાન્ય અને બહોળા શબ્દો સાથે સર્ચ શરૂ કરો. એના વિશે સૌથી યોગ્ય બાબતો શોધી શકો તે પછી એમાં ચોકસાઈ ઉમેરો એટલે કે એને વધુ વિષય કેન્દ્રિત બનાવો. ઉદાહરણ તરીકે, ‘રાજકોટમાં કેટલા શિક્ષકો છે?’ એવી સર્ચ માટે તમને સંખ્યાબંધ પરિણામો મળશે. પણ એથી તમને જોઈતું નહીં મળે. એટલે તમે સર્ચને વધારે ચોક્કસ બનાવો જેમ કે, ‘રાજકોટમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલમાં પ્રાથમિક વિભાગમાં શિક્ષકોની સંખ્યા…’ આમ કરવાથી તમને ખરેખર જે માહિતી જોઈએ છે તે મળશે, નકામી માહિતી જોવામાં સમય નહીં બગડે.
જુદા જુદા કીવર્ડ્ઝ મિક્સ એન્ડ મેચ કરો
કેટલીક વખત એવું થાય કે તમારે જોઈતી માહિતી માટે ચાર-પાંચ કીવર્ડ્ઝ કે સવાલોને મિક્સ એન્ડ મેચ કરીને સર્ચ કરવું પડે. તમારે જે શોધવું હોય તેમાં કીવર્ડઝની કમાલ જ કામ કરે છે કેમ કે એ જ સર્ચ એન્જિનને તમે શું શોધો છો એ બતાવે છે. એટલે એવા કીવર્ડ્ઝ વિચારો કે એ ટાઇપ કરવાથી તમને પર્ફેક્ટ જવાબ મળે. જે તે કીવર્ડથી કયા પ્રકારનાં વેબપેજ જોવા મળશે અથવા બીજું કોઈ એ વર્ડ્ઝ કેવી રીતે લખે એ વિચારીને સર્ચ કરો કે પછી પેરેલલ બ્રાઉઝિંગ પણ કરી શકાય. પેરેલલ બ્રાઉઝિંગ એટલે જુદા જુદા બ્રાઉઝર ટેબ પર જુદા જુદા કીવર્ડ્ઝ લખીને સર્ચ કરો અને બધાં રીઝલ્ટ સરખાવતાં જાઓ!
ઇમેજ, વીડિયો, બુક્સ એમ બધી જાતની સર્ચ ટ્રાય કરો
ફક્ત વેબ સર્ચ કરવાને બદલે બીજી રીતે પણ સર્ચ કરો. જેમ કે તમારે કોઈ વિઝ્યુઅલ્સ જોઈતાં હોય તો ઇમેજ, વીડિયો ટ્રાય કરો. નવી નોકરી શોધવા માટે રેઝ્યુમે તૈયાર કરવી છે તો તમે ગૂગલ ઇમેજીસ પર જુદી જુદી રેઝ્યુમે સર્ચ કરી શકો છો અને વેબ પેજીસ પર જોબને લગતી માહિતી સર્ચ કરી શકો છો. તમારે ઓથેન્ટિક બ્રુસ્કેતા (ઇટાલિયન વાનગી) બનાવવા હોય તો એના માટે વીડિયો જોવાનું સહેલું રહેશે જેથી તમે સ્ટેપ-બાય-સ્ટેપ એ બનાવવાની વિધિ જોઈ શકો.
આવું તો ઘણું ઘણું આપણે સર્ચ કરી શકીએ પણ એક શબ્દ ટાઇપ કરીને કરોડો વેબપેજીસમાં ખોવાઈ ન જઈએ અને ભૂલી જઈએ કે આપણે શું સર્ચ કરવાનું હતું એના કરતાં ઉપર બતાવેલાં સ્ટેપ્સને અનુસરીએ અને સમયસર માહિતી મેળવી લઈએ!
(રજૂઆત: દામિની દેસાઈ)

