સ્વીગી અને ઝોમેટો જેવી ફૂડ એપ્સની લોકપ્રિયતા સતત વધતી રહી છે ત્યારે ઘણા લોકોને તેને સંબંધિત કેટલીક પાયાની મૂંઝવણો રહે છે.
આવી સર્વિસની એપ ડાઉનલોડ કરીને આપણે મનગમતી રેસ્ટોરાંમાંથી મનગમતું ફૂડ ઓર્ડર કરી શકીએ છીએ.
આપણે એપને ઓર્ડર આપ્યા પછી, આપણો ઓર્ડર રેસ્ટોરાંને પહોંચી ગયો છે, ઓર્ડર મુજબ ફૂડ તૈયાર થવા લાગ્યું છે, ડિલિવરી પર્સન ફૂડ લેવા માટે રેસ્ટોરાં પર પહોંચી ગયો છે અને હવે એ આપણા ઘર તરફ આવી રહ્યો છે… આ બધું, ખાલી પેટે એપ પર નકશા પર જોવાની મજા જુદી જ છે!
જોકે ઓર્ડર આપ્યા પછી તેને કેન્સલ કરી શકાય ખરો? અથવા તેને બદલી શકાય? અથવા ડિલિવરીનું સરનામું બદલી શકાય? વગેરે સવાલો તમને રહેતા હોય તો જાણી લો જવાબ.
આપણો ઓર્ડર રેસ્ટોરાંને પહોંચે તે પહેલાં તેને એડિટ કરી શકાય. એ માટે એપમાં આપેલ કસ્ટમર સપોર્ટ ટીમનો ચેટ કે કોલથી તાબડતોબ સંપર્ક કરવો પડે.
રેસ્ટોરાંને ઓર્ડર મળી ગયા પછી ઓર્ડર એડિટ કરી શકાતો નથી.
એ જ રીતે ઓર્ડર રેસ્ટોરાંને મળી જાય તે પછી તેને કેન્સલ પણ કરી શકાતો નથી. ઓર્ડર કન્ફર્મ થઈ ગયા પછી તેને કેન્સલ કરવામાં આવે તો કંપની આપણી પાસેથી ઓર્ડરની કુલ રકમ જેટલી કેન્સલેશન ફી વસૂલી શકે છે.
ઓર્ડર અપાયા પછી સરનામું બદલવું પણ મુશ્કેલ છે. કસ્ટમર સપોર્ટનો સંપર્ક કરીને એ માટે પ્રયાસ કરી શકાય, પરંતુ સફળ થવાની શક્યતા બહુ ધૂંધળી છે!

