આજના ડિજિટલ સમયમાં આપણે અનેક પ્રકારના ફાઇલ ફોર્મેટસાથે કામ કરવાનું થતું હોય છે. ઘણી વાર એવું બને કે આપણને કોઈ વર્ડ, એક્સેલ ફાઇલ મળી હોય અને તેની આપણે પીડીએફ બનાવવાની હોય અથવા જેપીજી ઇમેજમાંથી પીડીએફ બનાવવાની હોય કે પીડીએફમાંથી માત્ર ટેકસ્ટ જોઇતી હોય. અથવા એવું પણ બની શકે કે આપણને કોઈ પીડીએફ ફાઇલ મળી હોય અને આપણે તેને તેના મૂળ ફોર્મેટ વર્ડ કે એક્સેલમાં ફેરવવાની હોય.
આ પ્રકારના ફાઇલ કે ફોર્મેટ કન્વર્ઝન માટે ઇન્ટરનેટ પર સંખ્યાબંધ ટૂલ ઉપલબ્ધ છે.
આ બધાં ટૂલ લગભગ એક સરખી રીતે કામ કરે છે. આપણે તેમાં આપણી ફાઇલ અપલોડ કરવાની અને તેને કયા ફોર્મેટમાં જોઇએ છે તે કહેવાનું. એ ઓનલાઇન સર્વિસ ફાઇલ કન્વર્ટ કરી આપે અને પછી ત્યાંથી જ ડાઉનલોડની લિન્ક આપે અથવા આપણું ઇમેઇલ માગીને તેમાં કન્વર્ટેડ ફાઇલ મોકલી આપે.
ફાઇલ કન્વર્ઝન કેટલું સફળ થશે તેનો આધાર જે તે મૂળ ફાઇલ કેવી રીતે તૈયાર કરવામાં આવી છે તેના પર છે. આથી એ દૃષ્ટિએ કઈ ઓનલાઇન સર્વિસ વધુ સારી એ કહેવાનો અર્થ નથી કારણ કે લગભગ બધી સર્વિસમાં પરિણામ એકસરખું મળે છે.
આમ છતાં, તમે easypdf.com જેવી સર્વિસ તપાસી શકો. તેમાં કોઈ પણ પ્રકારની જાહેરાત નથી એટલે ભૂલથી ખોટી લિન્ક પર ક્લિક કરવાનું જોખમ નથી. ઉપરાંત આ સર્વિસ ઓસીઆર ટેકનોલોજીનો ઉપયોગ પણ કરતી હોવાથી તેમાં સ્કેન કરેલ પીડીએફ ડોક્યુમેન્ટને પણ કન્વર્ટ કરી શકાય છે. ‘સાયબરસફર’ના ટેસ્ટમાં અન્ય સર્વિસ કરતાં તેનું પરિણામ બહેતર હતું.

