(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

જૂની ચીજવસ્તુ ઓનલાઇન વેચતી વખતે સજાગ રહેજો

ભારતમાં જૂની વસ્તુ ઓનલાઇન વેચવાનું વલણ વધ્યું છે અને ઓનલાઇન રકમની આપલે સહેલી અને લોકપ્રિય બની રહી છે, તેમ તેમ ઠગો તેનો લાભ લેવાના નવા રસ્તા અપનાવવા લાગ્યા છે.

એક તરફ ભારતમાં યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઈ) આધારિત પેમેન્ટની સગવડ લોકપ્રિય થતી જાય છે. બીજી તરફ, ઘરમાં જગ્યા રોકતી જૂની ચીજવસ્તુઓ ઓનલાઇન વેચવાનો ટ્રેન્ડ પણ વધતો જાય છે.

આ બંને બાબતોને કારણે, વિવિધ રીતે છેતરપિંડીની સંભાવનાઓ પણ વધતી જાય છે!

અત્યારે આપણે ઘરનું ફર્નિચર કે બીજી કોઈ પણ વસ્તુ વેચવી હોય તો તેનો ફોટોગ્રાફ લઇને ઓએલએક્સ કે ક્વિકર જેવી સાઇટ પર અપલોડ કરી શકીએ છીએ. કોઈ વ્યક્તિને એ વસ્તુ ખરીદવામાં રસ હોય તો એ સીધો આપણો સંપર્ક કરી શકે છે. વેચનાર અને ખરીદનાર બંને વચ્ચેની સીધી વાતચીતમાં આખરી રકમ નક્કી થાય, ખરીદનાર વ્યક્તિ કાં તો રૂબરૂ આવીને રોકડ રકમ આપીને લઈ જાય અથવા ઓનલાઇન પેમેન્ટ કરે અને પછી વેચનાર પાસેથી કોઈક રીતે એ વસ્તુ મેળવે.

આપણી સગવડતા વધારતી આ બંને બાબતનો ઠગાઈ કરનારા લોકો નવી રીતે લાભ લેવા લાગ્યા છે.

શું બન્યું?

હમણાં એક વ્યક્તિએ કંઈક આ જ રીતે ઓએલએક્સ પર પોતાની કોઈ વસ્તુ વેચવાની કોશિષ કરી. એક વ્યક્તિએ એ ખરીદવામાં રસ બતાવ્યો અને વાતવાતમાં પૂછ્યું કે એ વસ્તુની અડધી રકમ ફોનપે એપ કે ગૂગલ પે એપથી ચૂકવી આપે તો ચાલશે?

વસ્તુ વેચવા માગતી વ્યક્તિએ કહ્યું કે એ બંનેમાંથી કોઈ પણ એપથી રકમ સ્વીકારી શકશે.

આટલી વાતચીત ચેટના માધ્યમથી થઈ અને વેચનાર વ્યક્તિએ બંનેમાંથી કોઈ પણ એપથી પેમેન્ટ સ્વીકારવાની હા કહી એ સાથે ખરીદવાનો રસ બતાવનાર વ્યક્તિએ તેને ફોન કોલ જોડ્યો.

તેણે એ વસ્તુ વિશે વધુ પૂછપરછ કરવાનું શરૂ કર્યું. વસ્તુ વેચવા માગતી વ્યક્તિ ક્યાં રહે છે, પોતે ક્યારે અને કેવી રીતે એ વસ્તુ લઈ જઈ શકે વગેરે વાત કરતાં કરતાં તેણે કહ્યું કે તેણે ફોનપેથી એડવાન્સ રકમ મોકલવા માટે એક રિક્વેસ્ટ મોકલી છે, તેને મંજૂરી આપી દો. રકમ રૂ.૧૦,૦૦૦ હતી.


સદભાગ્યે વસ્તુ વેચનાર વ્યક્તિ સજાગ હતી! તેના ધ્યાનમાં આવ્યું કે તેને જે રિક્વેસ્ટ મળી હતી તે રકમ મેળવવા માટે નહીં પરંતુ રકમ મોકલવા માટેની હતી.

તેણે વસ્તુ ખરીદવા માગનાર વ્યક્તિનું એ તરફ ધ્યાન દોર્યું તો તેણે ગલ્લાંતલ્લાં શરૂ કર્યાં અને કહ્યું કે તે પોતાનો બિઝનેસ એકાઉન્ટ યૂઝ કરે છે અને એમાં તેને રકમ મોકલવા માટે આવો જ વિકલ્પ મળે છે.

જોકે વસ્તુ વેચવા માગતી વ્યક્તિએ કહ્યું કે એ રકમ મોકલવા નવેસરથી પ્રયાસ કરે અને પોતે પેલી રિક્વેસ્ટને મંજૂર કરશે નહીં.

દેખીતું છે કે વસ્તુ ખરીદવામાં રસ ધરાવતી વ્યક્તિએ આ વાતચીત પછી ક્યારેય કોલ કર્યો જ નહીં!

શું થયું હોત?

પેલા ઠગે પેમેન્ટ મેળવવા માટેની જ રિક્વેસ્ટ મોકલી હતી અને વસ્તુ વેચનાર વ્યક્તિનું ધ્યાન બીજે પરોવાયેલું રહે એ માટે ફોન પર વાતચીત ચાલુ રાખીને વચ્ચે રિક્વેસ્ટ મોકલી હતી. જો વસ્તુ વેચનાર વ્યક્તિ સજાગ ન હોત અને તેણે બેધ્યાનપણે રિક્વેસ્ટ સ્વીકારવાનું બટન ક્લિક કરી દીધું હોત, તો તેની યુપીઆઈ એપમાં એ રિક્વેસ્ટ ઓપન થઈ હોત, તેનો યુપીઆઈ પિન પૂછવામાં આવ્યો હોત અને રકમ તેના ખાતામાં આવવાને બદલે સામેની વ્યક્તિના ખાતામાં ચાલી ગઈ હોત.

જો તમને ઓનલાઇન સાઇટ્સ પર ખરીદી કરવાનો અને યુપીઆઇથી પેમેન્ટ કરવાનો અનુભવ હશે તો તમે જાણતા હશો કે આવી સાઇટ પર યુપીઆઇથી પેમેન્ટ કરવા માટે આપણે આપણું યુપીઆઇ એડ્રેસ આપવાનું રહે છે. શોપિંગ સાઇટ્સ તેના આધારે આપણને એક પેમેન્ટ રિક્વેસ્ટ મોકલે છે, જેને ક્લિક કરતાં આપણી યુપીઆઈ એપમાં તે રિક્વેસ્ટ ઓપન થાય છે અને આપણે આપણો યુપીઆઇ પિન આપીને પેમેન્ટ કરી શકીએ છીએ.

મોટા ભાગના લોકો ઓનલાઇન શોપિંગ વધુ કરતા હોય છે અને પોતે કંઈક વેચે ને એ માટે પેમેન્ટ સ્વીકારે તેવા સંજોગ ઓછા ઊભા થતા હોય છે. આથી ‘યુપીઆઇમાં પેમેન્ટ રિક્વેસ્ટ આવે એટલે યસ કહેવું પડે’ એવું જો મનમાં ઠસી ગયું હોય, તો ઠગ લોકો તેનો લાભ લઈ લે છે.

ઉપર જેની વાત કરી એ કિસ્સામાં, વેચનારી વ્યક્તિ સજાગ હતી, પણ બીજા સંખ્યાબંધ લોકો આ રીતે છેતરાતા હોવાના સમાચાર અવારનવાર અખબારોમાં આવે છે.

શું ધ્યાન રાખવું?

આપણે સૌએ ખાસ યાદ રાખવા જેવું છે અને કોઈ પણ રીતે યુપીઆઈ જેવી પેમેન્ટ એપ્સનો ઉપયોગ કરતા પરિવારના દરેક સભ્યોને સમજાવવા જેવું છે કે યુપીઆઈ પેમેન્ટની વ્યવસ્થામાં રકમ મોકલવા માટે આપણે યુપીઆઈ પિન આપવો પડે છે, પરંતુ રકમ મેળવવા માટે નહીં.

વિવિધ યુપીઆઈ એપમાં પેમેન્ટની રિક્વેસ્ટ મોકલવાની સુવિધા હોય છે. આપણને આવી કોઈ પણ રિક્વેસ્ટ મળે તો તેનો અર્થ એ જ છે કે રકમ આપણા ખાતામાંથી જવાની છે અને એ માટે આપણે યુપીઆઈ પિન આપવો પડશે.

જો આપણે રકમ મેળવવાની હોય, છતાં આવી કોઈ રિક્વેસ્ટ મળે અને ભૂલથી આપણે તેને મંજૂર પણ કરી દઈએ તો યુપીઆઈ પિન આપતી વખતે તો મનમાં અચૂક ખતરાની ઘંટડી વાગવી જ જોઈએ કે મારે રકમ મેળવવાની છે તો પછી પિન આપવાની જરૂર શા માટે?

પેટીએમ મોબાઇલ વોલેટમાં પેમેન્ટ રિક્વેસ્ટ કરવાની વ્યવસ્થા હતી, તેમાં વધુ મોટું જોખમ એ હતું કે આપણે ઓલરેડી પેટીએમ એપમાં લોગ્ડ ઇન હોઇએ અને તેમાંની ચેટ સિસ્ટમમાં આવી રિકવેસ્ટ આવે, આપણે યસ કહીએ તો કોઈ પિન માંગ્યા વિના તરત જ રકમ ટ્રાન્સફર થઇ જતી હતી.

આ પ્રકારે રકમ મોકલવાને નામે રકમ મેળવવાની રિક્વેસ્ટ મોકલીને છેતરપિંડીના કિસ્સા વધી રહ્યા છે. આપણી સજાગતા જ આપણને બચાવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!