તમે એપલના સફારી કે ફાયરફોક્સ બ્રાઉઝરનો ઉપયોગ કરતા હશો તો જાણતા હશો કે તેમાં લાંબા સમયથી રીડર ફ્રેન્ડલી રીડિંગ મોડની સુવિધા ઉપલબ્ધ છે.
આપણે કોઈ વેબસાઇટ પર કોઈ વેબ આર્ટિકલ વાંચી રહ્યા હોઈએ ત્યારે સામાન્ય રીતે એ વેબ પેજ પર આપણને જે કન્ટેન્ટમાં રસ હોય તેના ઉપરાંત ઘણા બધા પ્રકારના કન્ટેન્ટ અને મીડિયાની ભરમાર હોય છે, જે આપણને મૂળ કન્ટેન્ટ પર ફોકસ કરવામાં અવરોધ ઊભો કરે છે.
બ્રાઉઝરના રીડર મોડની મદદથી આપણે એક ક્લિકમાં મૂળ કન્ટેન્ટ સિવાયના અવરોધો દૂર કરી શકીએ છીએ.
અત્યાર સુધી ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં આવો ડિફોલ્ટ રીડિંગ મોડ ઉપલબ્ધ નહોતો (ક્રોમના પ્રાયોગિક ફીચર્સમાં તે ઉપલબ્ધ થઈ ગયેલ છે, જે આપણે એન્ડ્રોઇડમાં પણ મળે છે). આ સુવિધા ક્રોમના ડિફોલ્ટ ફીચર તરીકે ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી આપણે ક્રોમ વેબસ્ટોર (chrome.google.com/webstore)માં જઇને Reader View નામનું એક્સટેન્શન શોધીને ક્રોમમાં ઉમેરી શકીએ છીએ.
આ પ્રકારના અન્ય એક્સટેન્શન પણ ઉપલબ્ધ છે. પરંતુ રીડર વ્યૂ બહુ ઝડપથી વેબ આર્ટિકલને રીડ મોડમાં ફેરવી શકે છે અને તેમાં ફોન્ટની સાઇઝ નાની મોટી કરવા સહિતના વિવિધ વિકલ્પો મળે છે. તમે ઇચ્છો તો મશીનના અવાજમાં કે લેખ સાંભળી પણ શકો છો!
