(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

એસએમએસમાં મોટો ધમાકો!

લાંબા સમય સુધી રાહ જોવડાવ્યા પછી, છેવટે ગૂગલે એપલની ‘આઇમેસેજ’ જેવી જ સ્માર્ટ એસએમએસ સર્વિસ એન્ડ્રોઇડ માટે શરૂ કરી છે. હવે એસએમએસ વોટ્સએપની હરીફાઈ કરશે.

આમ તો આપણી નજર રોજેરોજ સ્માર્ટફોન પર મંડાયેલી રહેતી હોવાને કારણે, તેમાં કંઈ પણ નાનો-મોટો ફેરફાર થાય તો આપણી નજર બહાર જાય નહીં, પણ પાછલા થોડા દિવસોમાં તમારા ફોનમાં એક બહુ મોટો ફેરફાર થયો અને એ તમારી નજર બહાર ગયો હોય એવી પૂરી શક્યતા છે!ફેરફાર થયો છે તમારી એસએમએસ સર્વિસમાં! આજે વોટ્સએપના જમાનામાં તમે એસએમએસ તરફ નજર પર પણ નહીં નાખતા હો, ફક્ત બેન્કના ઓટીપી કે તેના જેવા અન્ય મહત્ત્વના મેસેજ એસએમએસમાં આવતા હોવાથી તમે તેેને ખોલતા હશો. એ સિવાય એસએમએસ હવે લગભગ મરી પરવાર્યા છે.

વિશ્વનો પહેલો એસએમએસ ૩ ડિસેમ્બર, ૧૯૯૨ના રોજ યુકેમાં વોડાફોનના જીએસએમ નેટવર્ક પર મોકલાયો હતો, જે હતો ‘‘મેરી ક્રિસમસ’’. એ હિસાબે આ ટેક્નોલોજી પૂરાં ૨૭ વર્ષ જૂની છે.

ફોન હજી સ્માર્ટ નહોતા થયા ત્યાં સુધી એસએમએસનો ભારે દબદબો રહ્યો, પણ પછી વોટ્સએપ અને તેના જેવી બીજી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્સમાં કેટકેટલીય ખૂબીઓ મળવા લાગતાં આપણે એસએમએસ ભૂલી ગયા કારણ કે સમય સાથે તેમાં કોઈ નવી સુવિધા ઉમેરાઈ નહીં.

ગૂગલ કંપની કેટલાય સમયથી આ સ્થિતિ બદલવા મથતી હતી. પહેલાં તેણે પણ ‘એલો’ જેવી મેસેજિંગ એપ બનાવી, પણ પછી ગયા વર્ષે તેને બંધ કરીને બધું ધ્યાન એસએમએસને જ સ્માર્ટ બનાવવા પર આપ્યું. એસએમએસ, છેવટે મોબાઇલ ક્નેક્ટિવિટી આપતી કંપની પર આધારિત હોવાથી ગૂગલે પહેલાં વિશ્વની જુદી જુદી ટેલિકોમ્સનો સાથ લેવાની કોશિશ કરી.

અલબત્ત, એમાં બહુ ધીમી ગતિએ પ્રગતિ થતી હોવાથી છેવટે ગૂગલે પોતે, પોતાની રીતે રિચ કમ્યુનિકેશન સર્વિસીઝ (આરસીએસ) તરીકે ઓળખાતી ટેક્નોલોજીથી એસએમએસમાં પ્રાણ પૂરવાનું શરૂ કર્યું. આ વિશે આપણે જુલાઈ ૨૦૧૮ના અંકમાં વિગતવાર વાત કરી હતી.

એ હવે છેક સાકાર થઈ છે. હવે જૂના પુરાણા એસએમએસમાં વોટ્સએપ જેવાં જ ફીચર્સ ઉમેરાઈ ગયાં છે!

ઉપલું વાક્ય ફરી વાંચો! હવે તમે ફોનમાં એસએમએસ એપ ઓપન કરી, ઓડિયો-વીડિયો કોલ કરી શકશો, મિત્રો સાથે ઓડિયો-વીડિયો-ઈમેજ અને અન્ય ફાઇલ્સની આપલે કરી શકશો, લોકેશન શેર કરી શકશો, ગૂગલ આસિસ્ટન્ટમાં કંઈ સર્ચ કરીને તે શેર કરી શકશો, ગ્રૂપ મેસેજિંગ કરી શકશો અને કોન્ટેક્ટ શેર કરી શકશો!

આપણે કોઈ પણ વ્યક્તિને વોટ્સએપ કરતાં પહેલાં પૂછવું પડે છે કે ‘‘તમે કયા નંબર પર વોટ્સએપનો ઉપયોગ કરો છો?’’ નવા એસએમએસથી એ સમસ્યા જ નહીં રહે – તમે સામેની વ્યક્તિનો ફોન નંબર જાણતા હો, તો તેના ફોનમાં એસએમએસ સર્વિસ હોવાની જ અને તમે તેને રિચ કન્ટેન્ટવાળો મેસેજ મોકલી શકશો!

બીજી મોટી વાત એ છે કે આ નવા પ્રકારના એસએમએસ ઇન્ટરનેટ પર ચાલશે એટલે કે તે મોબાઇલ બિલની ગણતરીમાં લેવાશે નહીં (મોબાઇલ કંપનીઝને ગૂગલને સાથ આપવામાં કેમ બહુ રસ નથી એ સમજાયુંને?!)


ઉપરાંત, નજીકના ભવિષ્યમાં આપણે જુદી જુદી કંપની સાથે નવા પ્રકારના ઇન્ટએક્ટિવ મેસેજની આપલે કરી શકીશું. જેમ કે દાંતના ડૉક્ટર પાસે એપોઇન્ટમેન્ટ નક્કી કરવી કે નક્કી કર્યા પછી તેમાં ફેરફાર કરવાનું કામ માત્ર એસએમએસ પર થઈ શકશે અને તેની વિગતો બંને પક્ષના ડિજિટલ કેલેન્ડરમાં ઉમેરાઈ જશે કે ટિકિટ બુકિંગ પણ ઇન્ટરએક્ટિવ બની જશે (જુઓ ઉપરનો  સ્ક્રીનશોટ્સ)!

જેમ આપણે મોબાઇલ કંપની સાથે અમુક ચોક્કસ નંબર મેસેજ કરીને જવાબમાં આપણું પ્રીપેઇડ બેલેન્સ અને અન્ય વિગતો જાણી શકીએ છીએ, એ જ રીતે, સ્માર્ટફોનના સ્માર્ટ એસએમએસમાં બેન્ક, બુકિંગ સાઇટસ, શોપિંગ સાઇટ્સ વગેરે સાથે મેસેજની આપલેથી આપણે એકાઉન્ટ સ્ટેટમેન્ટ મેળવવું, સર્વિસ રીક્વેસ્ટ મોકલવી, ટિકિટ બુક કરવી, લોકેશન શોધવાં કે શેર કરવાં, કેલેન્ડરમાં નોંધ કરવી વગેરે ઘણાં કામ કરી શકીશું.

ભારતમાં અત્યારે એરટેલ, જિઓ, વોડાફોન આઇડિયા આ પ્રકારના એસએમએસને સપોર્ટ કરે છે. તમારે આ નવા એસએમએસનો લાભ લેવો હોય તો પ્લે સ્ટોરમાંથી મેસેજિસ (Messages, Google LLC) એપ ડાઉનલોડ કરવી પડશે (આ એક એસએમએસ એપ જ છે. જેમ ઘણા એન્ડ્રોઇડ ફોનમાં હવે સાદી ફોટો ગેલેરીને બદલે પહેલેથી માત્ર ગૂગલ ફોટોઝ એપ હોય છે, એ જ રીતે ઘણા ફોનમાં હવે સાદી એમએસએસ એપને બદલે ગૂગલની મેસેજિસ એપ ઇન્સ્ટોલ્ડ હોય છે) એ પછી એપ ઓપન કરતાં તમને જરૂરી વિધિ સૂચવવામાં આવશે.

અત્યારે હજી આ એક નવી એપ ઇન્સ્ટોલ કરવાનો અવરોધ છે, પણ નજીકના ભવિષ્યમાં, બધી કંપની પણ સપોર્ટ કરશે તો કોઈ પણ એસએમએસ એપમાં આ સુવિધા મળવા લાગશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!