નવા નવા ફોનની જાહેરાતો જોઈને આપણને નવો ફોન ખરીદવાનું મન થઈ આવે એ જુદી વાત છે, પણ ખરેખર ફોન જૂનો થયો કે નહીં એ જાણવા ફોનના હાર્ડવેર, સોફ્ટવેર બંને તપાસવાં પડે.
આપણે વાત વાતમાં કહેતા હોઇએ છીએ કે ટેકનોલોજી બહુ ઝડપથી વિકસી રહી છે, પણ એની ખરેખર આપણા જીવન પર શી અસર થાય છે એનાં બહુ નક્કર ઉદાહરણો આપણને તરત સૂઝતાં નથી. જેમ કે જુદી જુદી ઇન્ડસ્ટ્રીમાં પહેલાં ઘણું ખરું કામ મેન્યુઅલી થતું, એને બદલે હવે ઓટોમેશન વધવા લાગ્યું છે. પરંતુ તેની તરત અસર આપણા જીવન પર દેખાતી નથી. એ જ રીતે મેડિકલ ફિલ્ડમાં કે સ્પેસ ટેકનોલોજીમાં નવાં નવાં ઇનોવેશન્સ આવે તોય એની અસર આપણને તરત થતી કે દેખાતી નથી.
આપણને તો માત્ર આપણા હાથમાં રહેલો સ્માર્ટફોન થોડા થોડા વખતે યાદ અપાવી શકે કે ટેકનોલોજી બદલાઈ રહી છે અને આપણો ફોન જૂનો થઇ રહ્યો છે!
સવાલ એ થાય કે એવી કઈ સ્પષ્ટ નિશાનીઓ છે જેને કારણે આપણો ફોન આઉટડેટેડ થતો હોવાના આપણને સંકેત મળે?
સૌથી પહેલાં તો ટીવી પર જાત જાતની ‘નવી’ સુવિધાઓ (પોપઅપ થતો કેમેરા!) ધરાવતા સ્માર્ટફોનની જાહેરાતો જોઈને આપણને ખ્યાલ આવે કે આપણા ફોનમાં એ સુવિધા નથી, ફોન હવે જૂનો થયો! પરંતુ આવા ‘દેખીતા’ (અને ઘણાના મતે બહુ અનિવાર્ય નહીં!) ફેરફારો ઉપરાંત જુદી જુદી ઘણી બાબતો હોય, જેને કારણે ફોન ખરેખર બદલવાની જરૂર ઊભી થાય.
એપલના કિસ્સામાં ફોનની ઓપરેટિંગ સિસ્ટમ અને ફોન કંપની પોતે જ બનાવતી હોવાથી, ફોનનાં નવાં મોડેલમાંનાં હાર્ડવેરનાં નવાં ફીચર્સનો લાભ ભલે જૂના ફોનમાં ન મળે, પણ ઓપરેટિંગ સિસ્ટમ સહેલાઈથી અપગ્રેડ કરી શકાતી હોવાથી એટલી નિરાંત રહે.
એન્ડ્રોઇડમાં ફોન મેન્યુફેક્ચરિંગ કંપની અને ફોનની ઓપરેટિંગ સિસ્ટમ બંને પોતપોતાની રીતે નવી સુવિધાઓ આપે છે. સામાન્ય રીતે એન્ડ્રોઇડ દર વર્ષે સપ્ટેમ્બરની આસપાસ ઓપરેટિંગ સિસ્ટમનું નવું વર્ઝન લોન્ચ કરે છે. આપણે સ્ટોક એન્ડ્રોઇડવાળો ફોન ખરીદ્યો હોય કે પ્રમાણમાં મોંઘો એન્ડ્રોઇડ ફોન ખરીદ્યો હોય તો તેમાં ઝડપથી નવું વર્ઝન મળવાની શક્યતા ખરી, બાકી ક્યારેય ન પણ મળે.
ફોનમાં પ્રમાણમાં જૂની ઓપરેટિંગ સિસ્ટમ હોય તો ફોન તો ચાલે, આપણું કામ પણ ચાલી જાય, પણ જો ફોન કંપની વિવિધ સિક્યોરિટી અપડેટ્સ પણ આપવાનું બંધ કરી દે તો એ સાચો સમય છે જ્યારે આપણે ફોન બદલવાનો વિચાર કરવો જોઈએ.
ફોનમાં પ્રમાણમાં જૂની ઓપરેટિંગ સિસ્ટમ હોય તો ફોન તો ચાલે, પણ જો ફોન કંપની વિવિધ સિક્યોરિટી અપડેટ્સ પણ આપવાનું બંધ કરી દે તો એ સાચો સમય છે જ્યારે આપણે ફોન બદલવાનો વિચાર કરવો જોઈએ.
આજના સમયમાં સ્માર્ટફોન ઘણી બધી રીતે આપણી નબળી કડી હોવાથી તેમાં નવા નવા સિક્યુરિટી અપડેટ્સ મળવાનું બંધ થાય તો એ ફોન ઝડપથી બદલવો જોઇએ.
સિક્યુરિટીની આ મહત્ત્વની બાબત ઉપરાંત જો તમે સ્માર્ટફોનના પ્રખર યૂઝર હો તો તેના ઉપયોગમાં આવતી અડચણો પણ બતાવી શકે કે હવે સ્માર્ટફોન બદલવો પડશે. જેમ કે ફોનની બેટરી ખાસ્સી ઝડપથી ઉતરવા લાગે, ફોન થોડા થોડા સમયે ફેકટરી રીસેટ કર્યા પછી પણ વધુ ને વધુ ધીમો થતો જતો હોય તેવું લાગે.
ફોન જૂનો હોય અને તેમાંની ઓપરેટિંગ સિસ્ટમ પણ જૂની હોય તો નવા જમાનાની ઘણી એપ્સનો આપણને લાભ ન મળે એવું બની શકે. જેમ કે, વર્ચ્ચુઅલ રીયાલિટી કે ઓગમેન્ટેડ રીયાલિટી ભલે હજી દૂરની વાત હોય, પણ આવી રહેલા સમયની ઝાંખી કરાવતી ઘણી એપ્સ, આપણા જૂના ફોનમાં ચાલે જ નહીં એવું બની શકે.
ફોનમાં જે એપ ઇન્સ્ટોલ થઈ શકી હોય, ચાલતી પણ હોય, એ વારંવાર ક્રેશ થવા લાગે તો એ પણ ફોન જૂનો થઈ રહ્યો હોવાનો સંકેત છે. કોઈ એપ પોતે નબળી રીતે ડિઝાઇન થઈ હોય અને એ વારંવાર ક્રેશ થાય તો એ અપવાદ થયો, પણ સારી, જાણીતી એપ્સ પર ક્રેશ થાય તો પછી લોચો ફોનમાં છે!
ફોનથી ફોટોગ્રાફી તમારા માટે શોખનો વિષય હોય એ મુદ્દો પણ ધ્યાને લેવા જેવો છે. નવા સ્માર્ટફોનમાં કેમેરાની ખૂબીઓ માત્ર એડવર્ટાઇઝમેન્ટમાં ગાઇ-વગાડીને કહેવા પૂરતી સીમિત નથી, એમાં ખરેખર ટેક્નોલોજી ઝડપથી બદલાઈ રહી છે. એટલે માત્ર કેમેરા ખાતર પણ તમારે ફોન અપગ્રેડ કરવાનું વિચારવું પડે.
બીજી એક વાત પણ ધ્યાનમાં લેવા જેવી છે.
એન્ડ્રોઇડનાં નવાં વર્ઝન ઝડપથી મળે એ ધ્યાનમાં રાખીને તમે સ્ટોક એન્ડ્રોઇડ ફોન ખરીદ્યો હોય કે એવી અમુક કંપનીનો ફોન ખરીદ્યો હોય જે બજેટ ફોનમાં પણ એન્ડ્રોઇડના નવા વર્ઝનનો લાભ આપતી હોય, તો એના ગેરલાભ પણ છે!
જેમ કે આપણા જૂના ફોનના સ્પેસિફિકેશન્સ નવા વર્ઝનની બધી ખૂબીઓનો ભાર ખમી શકે તેમ ન હોય. સામાન્ય રીતે એન્ડ્રોઇડ પોતે પ્રમાણમાં નબળાં સ્પેશિફિકેશનને પણ ધ્યાનમાં રાખીને એન્ડ્રોઇડનું નવું વર્ઝન તૈયાર કરે છે, પરંતુ નવી એપ્સ અને ગેમ્સ યૂઝરને વધુને વધુ લાભ આપવાની લ્હાયમાં ફોનમાં વધુ ને વધુ રિસોર્સિસ માગે છે. પરિણામે ફોનમાં એન્ડ્રોઇડનું નવું વર્ઝન મળે તેમ છતાં આપણને તેનો પૂરો લાભ ન મળે એવું પણ બને!
એટલે, હાલના ફોનને હાર્ડવેર અને સોફ્ટવેર બંને રીતે તપાસો અને પછી નક્કી કરો કે ફોન ખરેખર જૂનો થયો છે?!

