(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

એપલની ઓપરેટિંગ સિસ્ટમમાં પહેલી વાર ભારતીય યૂઝર્સ પર ફોકસ

ભારતમાં એપલની પહોંચ હજી બહુ મર્યાદિત હોવાથી એપલે તેની ઓએસના નવા વર્ઝનમાં, ભારતીય યૂઝર્સને રીઝવવાનો પ્રયાસ કર્યો છે!

આગળ શું વાંચશો?

  • ભારતીય યૂઝર્સ માટેના ફેરફારો
  • ઓએસમાં અન્ય નવી સુવિધાઓ

આપણે ગયા મહિનાના ‘સાયબરસફર’ અંકમાં એન્ડ્રોઇડના ૧૦મા વર્ઝનમાં આવી રહેલા મોટા ફેરફારોની વાત કરી, એ જ રીતે થોડા સમયમાં આવી રહેલ એપલની આઇઓએસના ૧૩મા વર્ઝનમાં પણ મોટા ફેરફારો થઈ રહ્યા છે. આ વખતે પહેલી વાર એવું બન્યું છે કે એપલે ખાસ ભારતના યૂઝર્સને ધ્યાનમાં રાખીને આઇફોન અને આઇપેડમાં આઇઓએસ-૧૩માં જે નવાં ફીચર્સ આપવામાં આવી રહ્યા છે તેની અલગથી યાદી આપી છે.

એપલ ભારતીય યૂઝર્સને રીઝવવાનો પ્રયાસ કરે એમાં બહુ નવાઈ નથી કેમ કે ભારતમાં જેટલા સ્માર્ટફોન છે તેમાંથી એપલનાં સાધનોનું પ્રમાણ માત્ર ૦.૭ ટકા છે. સમગ્ર વિશ્વમાં જેટલા આઇઓએસ યૂઝર્સ છે તેમાં ભારતીય યૂઝર્સનું પ્રમાણ માત્ર ૦.૫ ટકા છે. બીજી તરફ ભારત ઇલેકટ્રોનિક્સ ચીજવસ્તુઓની દૃષ્ટિએ વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું માર્કેટ છે!

એપલની ઓપરેટિંગ સિસ્ટમના આ નવા વર્ઝનમાં ખાસ ભારતીય યૂઝર્સ માટેના અને અન્ય ફેરફારો પર એક નજર ફેરવીએ.

ભારતીય યૂઝર્સ માટેના ફેરફારો

સિરીમાં ઇન્ડિયન ઇંગ્લિશ

એપલના વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ સિરીની ભાષા મશીનને બદલે વધુ ને વધુ સાહજિક લાગે એ માટે એપલ તરફથી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ બાબતે ગૂગલ આસિસ્ટન્ટ અને એમેઝોન એલેક્સા સિરી કરતાં આગળ છે અને આ બંનેમાં ઇન્ડિયન ઇંગ્લિશ તથા ભારતીય સંદર્ભોને વધુ સારી રીતે સમજવાની ક્ષમતા પણ છે. એપલની આઇઓએસના નવા વર્ઝનથી સિરી પણ ઇન્ડિયન યૂઝર્સને વધુ સારી રીતે સમજી શકે એવી શક્યતા છે.

કી-બોર્ડ અને ફોન્ટ્સ

આઇઓએસના નવા વર્ઝનમાં બાયલિંગ્યુઅલ હિન્દી અને ઇંગ્લિશ કી-બોર્ડનો સપોર્ટ મળશે. હવે તમે તમારા એપલ ફોનમાં હિન્દીમાં કંઈ ટાઇપ કરશો તો સિસ્ટમ તમને આગળના શબ્દો સૂચવવા લાગશે. એપલે ઇન્ટેલિજન્ટ કોન્ટેક્ટ્સચ્યુઅલ લર્નિંગનો ઉપયોગ કર્યો હોવાથી આપણે જેમ વધુ હિન્દી શબ્દો ટાઇપ કરીશું તેમ તેમ એપલની ઓપરેટિંગ સિસ્ટમ વધુ ને વધુ હિન્દી શબ્દો સૂચવતી જશે.


આ ઉપરાંત નવી આઇઓએસમાં ગુજરાતી, ગુરૂમુખી, કન્નડ અને ઉડિયા ભાષાના સિસ્ટમ ફોન્ટ્સ ઉમેરવામાં આવ્યા છે.

સિસ્ટમ ફોન્ટનો અર્થ એ છે કે આપણે ફોન કે ટેબલેટના સમગ્ર ઇન્ટરફેસને આ ભાષાઓમાં ફેરવી શકીએ છીએ.

જેમ કે હવે તમે આઇફોન કે આઇપેડમાં સેટિંગ, સફારી, મેસેજિસ, મેઇલ્સ કે કોન્ટેક્ટ્સમાંના બધા જ શબ્દો ગુજરાતીમાં જોઈ શકશો.

હજી આગળ વધીને આઇઓએસમાં ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, બંગાળી, અસમિયા, તમિલ વગેરે ભાષાના ૩૦ નવા ડોક્યુમેન્ટ્સ ફોન્ટસ ઉમેરવામાં આવ્યા છે જેથી આ ભાષાઓના વિવિધ ફોન્ટમાં તૈયાર થયેલ ડોક્યુમેન્ટ કે વેબપેજિસ એપલમાં વધુ સારી રીતે જોઈ-વાંચી શકાશે.

ભાષાઓ

આઇઓએસ-૧૩થી એપલ ડિવાઇસિસમાં ભારતની ૨૨ ભાષાઓને નેટિવ સપોર્ટ મળી જશે. આથી આ ભાષાઓમાંનું કન્ટેન્ટ એપલ ડિવાઇસમાં સહેલાઇથી જોઈ-વાંચી શકાશે.

વીડિયો

ભારતમાં વીડિયો કન્ટેન્ટની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને એપલે હોટસ્ટાર કે નેટફ્લિક્સ જેવી વીડિયો સ્ટ્રીમિંગ એપ્સનું કન્ટેન્ટ જ્યારે નેટવર્ક પર ટ્રાફિક ઓછો હોય અને સેલ્યુલર ડેટાની કિંમત પણ ઓછી હોય એવા સમયે ડાઉનલોડ થાય એવી સગવડ ઉમેરી છે.

ગૂગલ મેપ્સની સરખામણીમાં ભારતમાં એપલ મેપ્સનું પર્ફોર્મન્સ અત્યાર સુધી ઉતરતું રહ્યું છે પરંતુ એપલ હવે ખાસ ભારતને ધ્યાનમાં રાખીને તેની મેપ્સ એપમાં સુધારા કરે છે. એપલે હમણાં ટર્ન બાય ટર્ન નેવિગેશન, વધુ સારું લોકેશન પોઇન્ટિંગ તથા એપલ મેપ્સમાંથી જ કેબ બુકિંગ થઇ શકે તેવી સુવિધાઓ ઉમેરી છે.

એપલમાં ભારતીય યૂઝર્સને ભારતીય ભાષાઓ સંબંધિત વધુ સુવિધાઓ મળશે.

ઓએસમાં અન્ય નવી સુવિધાઓ

ડાર્ક મોડ

નવા વર્ઝનથી આખી સિસ્ટમમાં ડાર્ક મોડની સગવડ મળશે. એપલના લેટેસ્ટ આઇફોન્સમાં ઓએલઇડી ડિસ્પ્લે પેનલ્સ હોય છે અને આવા ડિસ્પ્લેમાં ટ્રુ બ્લેક કલર ડિસ્પ્લે કરવા બેટરીની જરૂર ન હોવાથી ડાર્ક મોડને કારણે આઇફોનમાં બેટરી વધુ સમય ચાલશે.

પ્રાઇવસી

યૂઝર્સની પ્રાઇવસી એ એપલ માટે હંમેશા સહુથી મહત્ત્વનો મુદ્દો રહ્યો છે. આઇઓએસ-૧૩થી યૂઝરને અલગ અલગ એપ્સને આપવી જોઇતી પરમિશન કામચલાઉ ધોરણે આપી શકાશે. મતલબ કે આપણે કોઈ એપને ફોનનો માઇક્રોફોન કે કેમેરા કે લોકેશન યૂઝ કરવાની પરમિશન આપવી હોય તો તેને માટે માત્ર ‘એપ્રૂવ્ડ જસ્ટ વન્સ’ એવો વિકલ્પ પસંદ કરી શકીશું. જેથી એપને એ બાબતની કાયમી મંજૂરી મળી જાય તેવું થશે નહીં.

નવા વર્ઝનમાં યૂઝર્સનો વધુમાં વધુ ડેટા ક્લાઉડ કે ઇન્ટરનેટમાં જવાને બદલે તેના પોતાના ડિવાઇસમાં જ રહે એ માટેના પ્રયાસો પણ કરવામાં આવ્યા છે.

નવા વર્ઝનમાં યૂઝર્સનો વધુમાં વધુ ડેટા ક્લાઉડ કે ઇન્ટરનેટમાં જવાને બદલે તેના પોતાના ડિવાઇસમાં જ રહે એ માટેના પ્રયાસો પણ કરવામાં આવ્યા છે. આ માટે ફેસબુક કે ગૂગલ જેવી એપથી સાઇન-ઇન થવાને બદલે એપલ આઇડીથી એપ્સમાં સાઇન-ઇન થવાનો વિકલ્પ આપવામાં આવશે. આપણે ફેસબુક કે ગૂગલથી કોઈ એપમાં સાઇન-ઇન થઇએ તો એ સતત આપણું ટ્રેકિંગ કરે છે. જ્યારે એપલમાં આપણી ઓનલાઇન આઇડેન્ટિટટી ટ્રેક થશે નહીં તેમજ આપણું રીયલ ઇમેઇલ એડ્રેસ પણ ખાનગી રહેશે.

પર્ફોર્મન્સ

જ્યારે એપલે આઇઓએસ-૧૨ રજૂ કરી હતી ત્યારે તેને કારણે એપલના જૂના ફોન્સ ધીમા થઈ જતા હોવાની વ્યાપક ફરિયાદો ઊઠી હતી. તેને ધ્યાનમાં રાખીને એપલે આઇઓએસ-૧૩માં ફરી મોટા ફેરફારો કર્યા છે. નવી ઓપરેટિંગ સિસ્ટમવાળા આઇફોનમાં એપ લોડ થવાનો સમય પહેલાં કરતાં લગભગ અડધો થઇ જશે. ફેસ આઇડી પદ્ધતિ પણ લગભગ ૩૦ ટકા ઝડપી બની જાય તેવી શક્યતા છે.

સ્વાઇપ ટાઇપિંગ

અત્યાર સુધી એપલ ડિવાઇસમાં સ્વાઇપ ટાઇપિંગનો લાભ લેવા યૂઝર્સે જીબોર્ડ કે તેના જેવી બીજી કોઈ થર્ડ પાર્ટી કી બોર્ડ એપ ડાઉનલોડ કરવી પડતી હતી પરંતુ હવે એપલના કીબોર્ડમાં જ આખરે સ્વાઇપ ટાઇપિંગની સુવિધા મળી જશે.

મેમોજી

એપલની મેસેજિસ એપમાં એનિમેટેડ સ્ટીકર્સ ઉમેરવાની સુવિધા છે. આપણે ઇચ્છીઓ તો આપણા ચહેરા આધારિત મેમોજી પણ બનાવી શકીએ છીએ. મેસેજિસમાં હવે વોટ્સએપ અને મેસેન્જરની જેમ પ્રોફાઇલ ફોટો ઉમેરવાની સગવડ છે અને તેમાં પોતાના ફોટોગ્રાફને બદલે પોતાનું મેમોજી મૂકી શકાશે.

નવા વર્ઝનમાં વણજોઈતા મેસેજિસ અને કોલ બ્લોક કરવાની સુવિધા વધુ મજબૂત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!