એપ કેબ સર્વિસ ઉબરનો લાભ લેતી વખતે તમને જાત ભાતના ડ્રાઇવર્સનો ભેટો થતો હશે. કોઈ માથું પકવી નાખે એટલા વાતોડિયા હોય તો કોઈ તેમની સૌમ્ય રીતભાતથી આપણું દિલ જીતી લે અને આપણને થાય કે ભવિષ્યની કોઈ ટ્રીપમાં એ જ ડ્રાઇવર ફરી મળે તો સારું.
મળી રહેલા સમાચાર અનુસાર ઉબર એવું એક ફીચર વિકસાવી રહેલ છે જેની મદદથી આપણે કોઈ ડ્રાઇવરને ‘‘ફેવરિટ’’ ગણાવી શકીશું. આ કારણે ભવિષ્યમાં આપણે જ્યારે કોઈ ટ્રીપ માટે ઉબર બૂક કરીએ ત્યારે એ જ ડ્રાઇવર આપણી ટ્રીપ માટે આવે એવી શક્યતા વધી જશે.
આપણી જેમ ડ્રાઇવરને પણ જાત ભાતના મુસાફરનો ભેટો થતો હોય છે.
અત્યાર સુધી આપણે ડ્રાઇવરની રીતભાત કેવી છે તેનું રેટિંગ એપ પર આપી શકતા હતા પણ ડ્રાઇવરને આવા કોઈ અધિકાર નહોતા. હવે ઉબર ડ્રાઇવર પેસેન્જરનું રેટિંગ કરી શકે એવું ફીચર વિકસાવે છે. પરિણામે જો કોઈ પેસેન્જર સ્વભાવગત ઉબરના જુદા જુદા ડ્રાઇવર્સ સાથે ઉદ્ધતાઇભર્યું વર્તન કરશે અને ડ્રાઇવર્સ તેમને એ પ્રકારે ઉતરતું રેટિંગ આપશે તો સમય જતા એ મુસાફર સામે ઉબરમાં પ્રવાસ પર પ્રતિબંધ મુકાઈ જાય તેવું પણ બની શકે છે.
