ઘણા લોકો આપણને મોકલેલો ઈ-મેઇલ આપણે ઓપન કર્યો કે નહીં તેનું ટ્રેકિંગ કરતી સર્વિસની મદદ લેતા હોય છે. તમે ઇચ્છો તો તેમને એમ કરતાં રોકી શકો, આ રીતે…
આગળ શું વાંચશો?
- ઈ-મેઇલ ટ્રેકિંગ કેવી રીતે કામ કરે છે?
- ટ્રેક થતા ઈ-મેઇલ કેવી રીતે પારખવા?
- ઈ-મેઇલ ટ્રેકિંગ રોકવાનો સહેલો રસ્તો
- ઈ-મેઇલ ટ્રેકિંગ કરવું કે રોકવું ખરેખર જરૂરી છે?
આપણે જ્યારે વોટ્સએપમાં કોઈને મેસેજ મોકલીએ ત્યારે એ વ્યક્તિને આપણો મેસેજ પહોંચ્યો કે નહીં તે અને પહોંચ્યા પછી તેણે એ મેસેજ ઓપન કર્યો કે નહીં તે આપણે અનુક્રમે ગ્રે કલરના અને બ્લૂ કલરના બે ટિકથી જાણી શકીએ છીએ. મતલબ કે ઇન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસમાં મેસેજ ટ્રેક કરવાની સગવડ આપવામાં આવી છે. આપણે ઇચ્છીએ તો તેને બંધ કરી શકીએ છીએ, પરંતુ એ પછી આપણે બીજા કોઈને મોકલેલા મેસેજને ટ્રેક કરી શકતા નથી.
ઈ-મેઇલમાં પણ આવી સગવડ હોય છે, અલબત્ત ઈ-મેઇલને ટ્રેક કરવાની સગવડ જે તે ઈ-મેઇલ સર્વિસ પોતે આપતી નથી, તેમજ તે ઇન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસ જેટલી પારદર્શક હોતી નથી.
ઘણી બધી સર્વિસ ઈ-મેઇલ મોકલનાર વ્યક્તિને પોતે મોકલેલા ઈ-મેઇલ જુદી જુદી રીતે ટ્રેક કરવાની સગવડ આપે છે. જેમ કે ઈ-મેઇલ ક્યારે ઓપન થયો, તેમાંની કઈ લિંક્સ ક્લિક કરવામાં આવી, તે ક્યા ડિવાઇસમાં ઓપન કરવામાં આવ્યો વગેરે માહિતી ઈ-મેઇલ મોકલનારને મળી શકે છે.
અલબત્ત, આગળ કહ્યું તેમ ઇન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસમાં આ માટે મેસેજ મેળવનારની સહમતિ હોય છે, જ્યારે ઈ-મેઇલના કિસ્સામાં ઈ-મેઇલ મેળવનારી વ્યક્તિની સહમતિ કે જાણ વિના જ આવું થાય છે!
જો તમને, તમને મોકલવામાં આવતા ઈ-મેઇલ ટ્રેક કરવામાં આવે એ તમારી પ્રાઇવસીના ભંગ જેવું લાગતું હોય તો અહીં ઈ-મેઇલનું ટ્રેકિંગ પારખવાના અને પછી રોકવાના રસ્તા જાણી લો!
ઈ-મેઇલ ટ્રેકિંગ કેવી રીતે કામ કરે છે?
ઈ-મેઇલ ટ્રેકિંગ પારખવા અને રોકવા માટે આપણે સૌથી પહેલાં એ જાણવું પડે કે ઈ-મેઇલ ટ્રેકિંગ કેવી રીતે થાય છે. આ વિશે આપણે ‘સાયબરસફર’ના ઓગસ્ટ ૨૦૧૬ના અંકમાં વિગતવાર વાત કરી ગયા છીએ. પરંતુ અહીં થોડું પુનરાવર્તન કરી લઇએ.
કોઈ વ્યક્તિ પોતાના બિઝનેસના પ્રમોશન માટે મેઇલચિમ્પ (mailchimp.com), કોન્સ્ટન્ટ કોન્ટેક્ટ (www.constantcontact.com) જેવી કોઈ ઈ-મેઇલ ન્યૂઝલેટર સર્વિસની મદદ લે ત્યારે આ સર્વિસ તેના દ્વારા મોકલવામાં આવતા દરેક ઈ-મેઇલ ટ્રેક કરતી હોય છે.
એ ઉપરાંત, મેઇલટ્રેક (https://mailtrack.io), બૂમરેંગ (https://www.boomeranggmail.com) જેવી સર્વિસની મદદ લેવામાં આવે ત્યારે તે ઈ-મેઇલ મોકલનારના વ્યક્તિગત ઈ-મેઇલમાં ટ્રેકિંગ કોડ ઉમેરતી હોય છે (વચ્ચે એક આડવાત, બૂમરેંગ જેવી સર્વિસ ફક્ત મેઇલ ટ્રેકિંગ પૂરતી સીમિત નથી, જ્યારે જીમેઇલમાં ઈ-મેઇલ શિડ્યુલ કરવાની કે ઈ-મેઇલમાં રિમાઇન્ડર સેટ કરવાની સુવિધા નહોતી, ત્યારે બૂમરેંગથી, જીમેઇલમાં તે સુવિધા ઉમેરી શકાતી હતી).
આપણે સાઇન-અપ કરેલા ન્યૂઝલેટરમાં તેને વિવિધ રીતે ટ્રેક કરવાની સગવડ હોય છે. આવા ન્યૂઝલેટર મોકલનાર જાણી શકે છે કે આપણે મેઇલ ઓપન કર્યો કે નહીં, તેમાંની લિંક્સ પર ક્લિક કર્યું કે નહીં, વગેરે!
આવી સર્વિસ મોટા ભાગે, ક્રોમ બ્રાઉઝરના એક એક્સ્ટેન્શન સ્વરૂપે ઉપલબ્ધ હોય છે, કોઈ પણ વ્યક્તિ તેને બ્રાઉઝરમાં ઉમેરી, તેને પોતાની મેઇલ સર્વિસ સાથે કનેક્ટ કરીને પોતે મોકલેલા મેઇલ્સ ટ્રેક કરી શકે છે. આ ઉપરાંત, આઉલૂક એક્સપ્રેસ અને મોઝિલા થંડરબર્ડ જેવા પ્રોગ્રામમાં પણ ઈ-મેઇલ સામેની પાર્ટી સુધી પહોંચ્યો હોવાની રીસિપ્ટ મેળવી શકાતી હોય છે.
આ બધી સર્વિસ, ઈ-મેઇલ ટ્રેક કરવાના બે સામાન્ય રસ્તામાંથી એક અજમાવે છેઃ
- ઈ-મેઇલ ટ્રેક કરતી સર્વિસ કે સોફ્ટવેર, તેના દ્વારા મોકલવામાં આવતા દરેક ઈ-મેઇલમાં ‘પિકસેલ-બેકોન’ તરીકે ઓળખાતી એક અદૃશ્ય પણ ટ્રેક કરી શકાતી ઇમેજ ઉમેરે છે.
- આપણને આખો ઈ-મેઇલ મોકલવાને બદલે એક લિંક મોકલવામાં આવે છે, જેને ક્લિક કર્યા પછી જ આપણે ઈ-મેઇલ કન્ટેન્ટ જોઇ શકીએ છીએ.
પહેલી પદ્ધતિ વધુ પ્રચલિત છે.
ટ્રેક થતા ઈ-મેઇલ કેવી રીતે પારખવા?
હવે આપણા મૂળ મુદ્દા પર આવીએ. પહેલાં તો આપણે માટે એ જાણવું જરૂરી છે કે આપણા પર આવેલો ઈ-મેઇલ ટ્રેક કરવામાં આવી રહ્યો છે કે નહીં? એ પારખવાના જુદા જુદા ઘણા રસ્તા છે.
જીમેઇલની વાત કરીએ, તો વર્ષ ૨૦૧૩ સુધી જીમેઇલમાં સામેલ ઇમેજ આપણને આપોઆપ બતાવવામાં આવતી નહોતી. એ માટે આપણી મંજૂરી લેવામાં આવતી હતી. આથી, જે મેઇલમાં પહેલી નજરે કોઈ ઇમેજ ન હોય, પણ પેલી ટ્રેકિંગ કરતી ‘અદૃશ્ય’ ઇમેજ હોય તો પણ જીમેઇલની સર્વિસ આપણને પૂછતી હતી કે આ ઈ-મેઇલમાંની ઇમેજ જોવી છે? આથી આપણને ખબર પડી શકતી હતી કે આ ઈ-મેઇલ ટ્રેક થતો હશે.
ઇ-મેઇલ ટ્રેકિંગ ઓટોમેટિક બંધ કરવા માટે આપણે ‘અગ્લી ઈ-મેઇલ નામની એક સર્વિસનો લાભ લઈ શકીએ છીએ. આ સર્વિસ જુદી જુદી અનેક પ્રકારની ટ્રેકિંગ સર્વિસ બ્લોક કરીને આપણને બતાવે છે કે કયા મેઇલ્સ ટ્રેક થવાના હતા.
હવે ગૂગલ પોતે જ પહેલાં ચકાસી લે છે કે ઈ-મેઇલમાંની ઇમેજમાં કોઈ વાયરસ કે અન્ય જોખમ છે? આ તપાસ કર્યા પછી, બધું બરાબર હોય તો આપણને ઇમેજ બતાવી દે છે.
મેઇલ ટ્રેક કરતી ‘અદૃશ્ય’ ઇમેજમાં કશું જોખમી ન હોવાથી તે પણ ‘બતાવી’ દેવામાં આવે છે, પરિણામે આપણને ખબર પડતી નથી કે ઈ-મેઇલ ટ્રેક થતો હશે.
આથી આ પ્રકારે થતું ઈ-મેઇલ ટ્રેકિંગ પારખવું હવે મુશ્કેલ છે.
ઈ-મેઇલ ટ્રેક કરવાની બીજી પદ્ધતિમાં આપણને ઈ-મેઇલનું કન્ટેન્ટ જોવા માટે એક લિંક પર ક્લિક કરવાનું કહેવામાં આવે છે. આથી આપણે સહેલાઈથી પારખી શકીએ છીએ કે આ મેઇલ ટ્રેક થઈ રહ્યો છે. આ પ્રકારના મેઇલ મોકલનાર વ્યક્તિ ભરોસાપાત્ર હોય અને તમે તેમના ઈ-મેઇલ વાંચવા માગતા હો તો જ તેના પર ક્લિક કરશો.
ઈ-મેઇલ ટ્રેકિંગ પારખવાનો ત્રીજો રસ્તો પણ છે. ઈ-મેઇલ ટ્રેક કરતી લગભગ બધી સર્વિસ, ઈ-મેઇલ સાથે પોતાનું ઈ-મેઇલ કે વેબસાઇટનું યુઆરએલ પણ મોકલતી હોય છે. તમારા પર આવેલો ઈ-મેઇલ ઓપન કરી, તેના માટેના વિકલ્પોમાં ‘શો ઓરિજિનલ મેસેજ’ પર ક્લિક કરો. આથી સમજવું મુશ્કેલ લાગે એવું લખાણ જોવા મળશે. હવે Ctrl+F કી પ્રેસ કરી, એ પેજ પર .com સર્ચ કરી જુઓ. આથી તમારા પોતાના ઈ-મેઇલ એડ્રેસ, ઈ-મેઇલમાંની કોઈ લિંક વગેરે ઉપરાંત, બીજાં પણ યુઆરએલ જોવા મળી શકી છે. તેને કોપી કરીને બ્રાઉઝરમાં અલગથી સર્ચ કરતાં પરખાઈ જશે કે કઈ સર્વિસ આપણો મેઇલ ટ્રેક કરી રહી છે!
ઈ-મેઇલ ટ્રેકિંગ રોકવાનો સહેલો રસ્તો
ઉપર આપેલી બધી પદ્ધતિ એવી છે જેમાં આપણે એક એક ઈ-મેઇલ પર ધ્યાન આપીને તપાસવું પડે છે કે તેમાં, આપણે એ ઈ-મેઇલ ઓપન કર્યો કે નહીં તે તપાસવાની કોઈ ટ્રિક છૂપાયેલી છે કે કેમ?
આવી કડાકૂટમાં ન પડવું હોય તો એક સહેલો ઉપાય ક્રોમ વેબસ્ટોરમાં જઇને ‘અગ્લી ઈ-મેઇલ’ (uglyemail.com) નામનું એક એક્સ્ટેન્શન તમારા બ્રાઉઝરમાં ઉમેરી લેવાનો છે (આ એક્સ્ટેન્શન ફાયર ફોક્સ માટે પણ ઉપલબ્ધ છે).
આ એક્સ્ટેન્શન ઉમેરવાથી આપણને જ્યારે પણ ઈ-મેઇલમાં કોઈ ટ્રેકિંગ કોડવાળો ઈ-મેઇલ મળે ત્યારે આ એક્સ્ટેન્શન તેને આપોઆપ પારખી લે છે, ટ્રેકિંગ કોડને તે આપોઆપ બ્લોક પણ કરે છે અને પછી મેઇલની સબ્જેક્ટ લાઇનની બાજુમાં આંખની એક નિશાની ઉમેરે છે, જેથી આપણને ખબર પડે કે આ ઈ-મેઇલમાં આપણા ઉપયોગને ટ્રેક કરવાની કોશિષ કરવામાં આવી હતી.
આપણે ઈ-મેઇલનું ટ્રેકિંગ કરવું હોય કે ટ્રેકિંગ રોકવું હોય, બંને માટે આપણે પોતાના ઈ-મેઇલ એકાઉન્ટમાં થર્ડ પાર્ટીને એક્સેસ આપવી પડે છે. અલબત્ત, બંને પ્રકારની સર્વિસ આપણા મેઇલ ડેટાની પ્રાઇવસી જાળવવાનો દાવો કરે છે.
આ એક્સ્ટેન્શને ટ્રેકિંગ કોડ ડિસેબલ કરી દીધા હોવાથી આપણે તે ઈ-મેઇલ ઓપન કરીએ તો પણ ઈ-મેઇલ મોકલનાર પાર્ટીને ખબર પડતી નથી કે આપણે ઈ-મેઇલ ઓપન કર્યો.
અહીં એક રસપ્રદ મુદ્દો ખાસ નોંધવા જેવો છે. ઇન્ટરનેટ પર બધી વાતમાં ‘એક હાથ દે, એક હાથ લે’ જેવો જ વ્યવહાર ચાલે છે. આ સર્વિસનો લાભ લેવા માટે આપણે આપણા ઈ-મેઇલ એકાઉન્ટને કોઈ થર્ડ પાર્ટી એપ સાથે કનેક્ટ કરવું પડે, જે હિતાવહ નથી. સામી બાજુ ઈ-મેઇલ ટ્રેક કરનાર માગતી વ્યક્તિ આવું જોખમ ઉઠાવે જ છે! અલબત્ત ટ્રેકિંગ કરનાર અને ટ્રેકિંગ રોકનાર બંને પ્રકારની સર્વિસ ખાતરી આપે છે કે તે આપણા ઈ-મેઇલ ડેટાની પ્રાઇવસી જાળવે છે.
ઈ-મેઇલ ટ્રેકિંગ કરવું કે રોકવું ખરેખર જરૂરી છે?
આમ જુઓ તો દેખીતી રીતે ઈ-મેઇલ ટ્રેકિંગ આપણે માટે હાનિકારક નથી. કોઈ વ્યક્તિ પોતાના બિઝનેસના પ્રમોશન માટે, આપણે સહમતિ આપ્યા પછી આપણને પોતાનો ન્યૂઝલેટર મોકલતી હોય અને પોતાના ન્યૂઝલેટર્સ કેટલી વ્યક્તિ ઓપન કરે છે એવું તે જાણવા માગતી હોય તો એમાં કંઈ ખોટું નથી.
પરંતુ ક્યારેક ઈ-મેઇલ ટ્રેકિંગનો ઉપયોગ હેકર્સ પણ કરતા હોય છે. ઈ-મેઇલ ટ્રેકિંગને આધારે તેઓ પોતાના ફિશિંગ એટેકને વધુ ધારદાર બનાવતા હોય છે.
આવા સંજોગમાં ઈ-મેઇલ ટ્રેકિંગ અટકાવવું આપણે માટે ફાયદાકારક બને છે.

