આ વખતની ફાઇનલ ક્લિક આમ તો મેડિકલ સ્ટુડન્ટ્સ અને ડોક્ટર્સ માટે છે, પણ જો તમને આપણા શરીરની આંતરિક વ્યવસ્થા જાણવા-સમજવામાં રસ હોય તો આ સાઇટ તમને પણ ગમશે.
યુકેની એક જાણીતી યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ લેઇસેસ્ટના સહયોગથી ડોક્ટર્સ, મેડિકલ સ્ટુડન્ટ્સે સાથે મળીને, teachmeanatomy.info નામની એક વેબસાઇટ વિક્સાવી છે. આ વેબસાઇટ તેના નામ પ્રમાણે શરીરની આંતરકિ વ્યવસ્થાનાં જુદાં જુદાં પાસાંનો તબીબી દૃષ્ટિએ પરિચય કરાવે છે.
આપણા જીવનમાં ગૂગલ એક અભિન્ન હિસ્સો બની ગયા પછી શરીરમાં કંઈ પણ તકલીફ હોય તો પહેલાં તો આપણે જાતે જ લક્ષણોને આધારે રોગનું નિદાન કરવાનો પ્રયાસ કરીએ અને પછી એની સારવાર પણ શોધવા લાગીએ. નાછૂટકે ડોક્ટર પાસે જવું પડે તો ડોક્ટર જે દવા લખી આપે તેનાં કન્ટેન્ટ વિશે ગૂગલિંગ કરીને તેની કોઈ આડઅસર તપાસવા લાગીએ છીએ.
આવું વલણ દેખીતી રીતે જોખમી છે, પણ આ સાઇટ કોઈ રોગ પારખવામાં કે તેનો ઉપચાર કરવામાં ઉપયોગી નથી. એ માત્ર શરીરનું તંત્ર કેવી રીતે ચાલે તે સમજાવે છે.
જેમ કે માતાના ગર્ભમાં ભૃણમાંથી બાળક આકાર લેવા લાગે ત્યારે કયા કયા તબક્કે તેના કયા કયા અવયવો અને અંગો વિકસે છે તેનું તબીબી જ્ઞાન આ સાઇટ પર મળી શકે. એ જ રીતે, સીટી સ્કેન વિશે આપણે સાંભળ્યું ઘણું હોય, પણ એ ચોક્કસ કઈ રીતે ઉપયોગી છે તેનો આપણને અંદાજ ન હોય. આ સાઇટ પર તેના વિશે બહુ વિગતવાર લેખ મળી શકે.
એ રીતે જોઈએ તો આ સાઇટ મેડિકલ સાયન્સ, ખાસ તો એનેટોમીના એન્સાયક્લોપીડિયા જેવી છે, જે વિવિધ મુદ્દા સહેલાઈથી સમજી શકાય એવી ભાષામાં અને બને તેટલાં વધુ વિઝ્યુઅલ્સની મદદથી સમજાવે છે.
અલબત્ત, આ સાઇટ ભારપૂર્વક સ્પષ્ટતા કરે છે તેમ તેમાંની મેડિકલ માહિતી માત્ર માહિતી છે, તેનો રોગનિદાન કે સારવારના હેતુ માટે ઉપયોગ કરશો નહીં.
