પ્રખ્યાત ચેનલ ડિસ્કવરી કે નેશનલ જિયોગ્રાફિક ચેનલ પાર ઘણી વાર તમે ઝૂંડમાં, ચૂપચાપ ટાર્ગેટ શોધી, તેને ઘેરીને શિકાર કરતાં શિકારી જાનવરો જોયાં હશે. સાયબરવર્લ્ડમાં પણ ટેક્નિકલ ભેજાબાજ શિકારીઓ આ જ રીતે પોતાના ટાર્ગેટ પર ગ્રૂપમાં એટેક કરે છે. ચાલો આજે આવાં કેટલાંક હેકર્સ ગ્રૂપ્સ વિશે જાણીએ…
એ ખાસ સમજવા જેવું છે હેકર્સ ગ્રૂપ્સના ઇરાદા અને શિકાર અલગ અલગ હોય છે, જેને હેક્ટીવિઝમ – (Hacktivism) કહેવાય છે. દરેક ગ્રૂપ્સના એક કે વધુ અલગ અલગ એજન્ડા હોય છે, જેમાં સોશિયલ કે પોલિટિકલ એજન્ડા મોખરે હોય છે. આ ઉપરાંત મની મોટિવેશનને પણ નકારી શકાય નહીં. મોટા ભાગે જુદા જુદા દેશોની સરકારો, મોટાં બિઝનેસ કોર્પોરેશન્સ કે રાજકીય જૂથો હેકર્સનાં ગ્રૂપના નિશાના પર હોય છે.
1. Anonymous
અમે એનોનિમસ છીએ અને અમે બહુ મોટી સંખ્યામાં છીએ.., અમે ભૂલતા નથી અને અમે માફ કરતા નથી, અમારી હાજરી તમે ગમે ત્યાં ધારી શકો.
આવા તીખા સંદેશ સાથે આ હેકર્સ ગ્રૂપ્સ પોતાના વિષે ઘણું કહી જાય છે. માસ્ક પહેરીને ઓનલાઇન જ પ્રગટ થતા આ ગ્રૂપ્સના વીડિયો યુટ્યૂબમાં એકાંતરે રીલિઝ થતા રહે છે પરંતુ પોતાના લોકેશન અંગે ગુપ્તતા જાળવવામાં તેઓ સફળ છે. હજારો હેક્ટીવિસ્ટ્સ (એકટીવ હેકર્સ) આ ગ્રૂપમાં જોડાઈને ઘણી ધાર્મિક, કોર્પોરેટ તેમજ સરકારી વેબસાઈટને પોતાનો ટાર્ગેટ બનાવી ચુક્યા છે. જેમાં યુએસના ડિફેન્સ હેડક્વાર્ટર પેન્ટાગોનનો પણ સમાવેશ થાય છે.
હેકર્સની દુનિયા હંમેશા જાણી-અજાણી રહી છે. અવારનવાર તેમનાં નામ અને કામ સમાચારોમાં ચમકે છે, પણ તેમની ઓળખ, લોકેશન વગેરે બાબતો અંધારામાં જ રહે છે.
એનોનિમસ ગ્રૂપે ૨૦૧૧માં ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જને પણ હેક કર્યું હતું અને ત્યાર પછીના વર્ષે માસ્ટરકાર્ડ, વિઝા અને પેપાલની સિસ્ટમ્સ પણ હેક કરી હતી.
તેમની ચેનલ પર ભવિષ્યમાં ટેકવર્લ્ડ માં આવનારા નોંધપાત્ર બદલાવ, સાયબર વોર, ચિંતાજનક રીતે વધી રહેલું ટેક્નોલોજી એડિક્શન, સૌથી આધુનિક માનવ રોબોટ સોફિયા અને તેને ધ્યાનમાં રાખીને રોબોટિક યુગના બદલાવ અંગે ચેતવણી જેવા કેટલાક વીડિયો પણ છે.
2. Lizard squad
આ ગ્રૂપના હેકર્સે એક વાર એક્સબોક્સ અને પ્લે સ્ટેશન જેવા જાણીતા ગેમિંગ નેટવર્કને ટાર્ગેટ કરીને તેમની સર્વિસ ડાઉન કરી દીધી હતી. આ ગ્રૂપ્સમાં કેટલાક એવા સિનિયર હેકર્સ પણ હોવાનું મનાય છે, જે બહારની દુનિયામાં કમ્પ્યુટર સિક્યોરિટી કન્સલ્ટન્ટ તરીકે પણ કામ કરે છે! આ ગ્રૂપના હેકર્સ કાં તો માત્ર રૂપિયા માટે અથવા ફક્ત હેકિંગની મજા માણવા માટે સક્રિય હોવાનું મનાય છે.
આ ગ્રૂપ્સ સ્પોન્સર્ડ હેકિંગમાં એક્સપર્ટ ગણાય છે. એવું મનાય છે કે આ ગ્રૂપે અમેરિકા અથવા ઇઝરાયલના કહેવાથી એક માલવેર બનાવીને ઈરાનની ન્યુક્લિયર ફેસેલિટીને ખેદાનમેદાન કરી હતી.
3. Syrian Electronic Army
ઈરાન અને શિયા પોલિટિકલ પાર્ટી હિઝબુલ્લાહ સાથે સંકળાયેલું આ હેકર્સ ગ્રૂપ્સ સિરિયા પ્રત્યે વધુ સહાનુભૂતિ ધરાવે છે. આ ગ્રૂપ ખાસ કરીને ન્યૂઝ સંબંધિત હેકિંગ કરવા માટે જાણીતું છે.
૨૦૧૩માં તેણે ધ એસોસિએટેડ પ્રેસ નામની અમેરિકન ન્યૂઝ એજન્સીનું ટવીટર એકાઉન્ટ હેક કરીને પ્રેસિડેન્ટ ઓબામા વ્હાઇટ હાઉસના વિસ્ફોટમાં ઘાયલ થયા છે તેવી અફવા વહેતી કરી હતી, જેને લઈને યુએસના શેરબજારમાં કડાકો બોલી ગયો હતો અને અમેરિકાને ૯૦ અબજ ડોલર્સનું નુકસાન થયું હતું.
એક વાર આ ગ્રૂપે બીબીસી વેધર ન્યૂઝ સર્વિસનું ટવીટર એકાઉન્ટ હેક કરીને, એક ઊંટ અથડાવાથી સાઉદીનું વેધર સ્ટેશન પડી ભાંગ્યું છે એવી મજાક કરી હતી. આ ગ્રૂપ જે પ્રકારની મજાક કરે છે કે તેના હેકર્સ જે રીતે ઇંગ્લિશ બોલે છે એ જોતાં તેના લોકેશન કે ઓળખ વિશે ઘણા મતભેદો છે પરંતુ ન્યુ યોર્ક ટાઈમ્સના દાવા મુજબ તે ખરેખર ઇરાનનું જ ગ્રૂપ છે.
4. Bureau 121
આ ગ્રૂપ ઉત્તર કોરિયાની મિલિટરીનું હોવાનું મનાય છે. દેશના ટોપ સ્ટુડન્ટ્સને સિલેક્ટ કરીને બનાવવામાં આવેલા આ હેકર્સ ગ્રૂપના ૧૮૦૦ જેટલા લોકો દેશવિદેશમાં ફેલાઈને કામ કરતા હોવાનું મનાય છે.
આ ગ્રૂપ મુખ્યત્વે દક્ષિણ કોરિયાની બેન્ક્સ, ત્યાંના પ્રમુખ, બ્રોડકાસ્ટ કંપનીઝ વગેરેને નિશાન બનાવે છે. જાણકારોનું માનવું છે કે દુનિયામાં ખૂબ ગાજેલા સોની કોર્પોરેશનના હેકિંગ માટે જવાબદાર ગાર્ડિયન ઓફ પીસ નામનું ગ્રૂપ વાસ્તવમાં બ્યુરો ૧૨૧ જ છે. આ હેકિંગથી સોની કોર્પોરેશનને ૧૫ મિલિયન ડોલરનું નુકસાન થયું હતું.
5. Morpho
આ ગ્રૂપ પ્રમાણમાં નાનું છે, પણ તે પોતાની હાઇસ્કિલ્સ અને આર્થિક સદ્ધરતા માટે જાણીતું છે. આ ગ્રૂપે એપલ, માઈક્રોસોફ્ટ, ફેસબુક અને ટ્વીટર જેવી ટેક જાયન્ટ કંપનીઝ પર ઝીરો ડે એટેક કરીને પોતાનું નામ બનાવ્યું છે.
આ પ્રકારના એટેકમાં, હજુ કંપની કે સોફ્ટવેર વેન્ડરને પોતાની એપ્લિકેશનમાં રહેલી ખામીની ખબર પડે તે પહેલાં જ હેકર્સ તે જાણી લઈને હુમલો કરી દે છે.
આ ગ્રૂપમાં ટેકનિકલ પર્ફેક્શન તેમ જ એટેક પછી ઇન્ટેલિજન્સ એજન્સી તેમનું પગેરું પણ ન શોધી શકે એ રીતે કામ કરીને નીકળી જવાની ખાસિયત છે.
6. APT 28
આ ગ્રૂપનું આખું નામ એડવાન્સ પર્સિસ્ટન્સ થ્રેટ છે. રશિયન સરકારને જેમાં રસ હોય એ બધી બાબતમાં આ ગ્રૂપને પણ રસ હોય છે! એપ્ટ ૨૮ પરંપરાગત હેકિંગ ટ્રિક્સનો ઉપયોગ કરે છે અને મોટા ભાગે તે સફળ પણ થાય છે. આ ગ્રૂપે નાટો, પોલેન્ડ સરકારની વેબસાઈટ, જ્યોર્જિયાના સરકારી મંત્રાલયો વગેરેને હેક કર્યાં છે. જોકે તે પશ્ચિમી દેશોના નાકમાં દમ કરનાર આઇએસઆઇએસનું વિરોધી છે. આ ગ્રૂપના હેકર્સ સુરક્ષા એજન્સીઓને હાથતાળી આપીને છટકી જવામાં હોશિયાર છે.
7. Elderwood અને અન્ય ચાઈનીઝ ગ્રૂપ્સ
સરકાર પ્રેરિત અને સમર્થિત હેકિંગ માટે ચીન આખી દુનિયામાં વગોવાઈ ગયેલ દેશ છે. આ દેશના એલ્ડરવૂડ, એક્સિઓમ, યુનિટ ૬૧૩૯૮, કોમેન્ટ ક્રૂ, પુટર પાન્ડા, હિડન લિંક્સ વગેરે જાણીતાં હેકર્સ ગ્રૂપ્સ છે. આ બધા ચાઈનીઝ હેકર્સનું હેકિંગ લિસ્ટ અને ઝીરો ડે એટેકનું લિસ્ટ ઘણું લાંબું છે.
૨૦૧૦માં ચાઇનીઝ હેકર્સે ઓપરેશન ઓરોરા નામે ગૂગલ પર પણ હુમલો કર્યો હતો અને ગૂગલે પણ સ્વીકાર્યું હતું કે તેની સિસ્ટમ્સ હેક થઈ હતી!
ચીનનાં હેકર્સ ગ્રૂપ્સ મોટા ભાગે ડિફેન્સ ઇન્ડસ્ટ્રી, હ્યુમન રાઇટ્સ કેમ્પેઇન તેમ જ સપ્લાય ચેઇન કંપની વગેરેને નિશાન બનાવે છે. આ ગ્રૂપ્સ યુએસ ગવર્મેન્ટના કેટલાક અધિકારીઓના અંગત જીવન પર પણ નજર રાખે છે.
8. Tailored Access Operations, NSA
અમેરિકન કમ્પ્યુટર પ્રોફેશનલ અને ગ્લોબલ વ્હિસલ બ્લોઅર એડવર્ડ સ્નોડેન ન હોત તો કદાચ આપણે આ ગ્રૂપ વિશે સાંભળ્યું પણ ન હોત.
ટીએઓ તરીકે વધુ જાણીતું આ ગ્રૂપ વિશ્વનું શ્રેષ્ઠ ટેક્નિકલ ઇન્ટેલિજન્સ ગ્રૂપ હોવાનું માનવામાં આવે છે, જેની પાસે લગભગ બધા જ અમેરિકન નાગરિકોનો ટેલિફોનિક ડેટા હોવાનું મનાય છે.
આ ગ્રૂપ હેકર્સ ક્વોન્ટમ સ્ક્વિરલ નામની એક સ્કિલથી, ઇન્ટરનેટ પર કોઈ પણ લોકેશન પર, કોઈ પણ વ્યક્તિ તરીકે પોતાને દર્શાવી શકે છે.
આ ઉપરાંત નેટવર્ક તેમજ હાર્ડવેર કંપનીઓ સાથે મળીને તેઓ એક સાથે ઘણી કોમ્પ્યુટર સિસ્ટમ હેક કરવાની ક્ષમતા ધરાવે છે. હદ તો ત્યારે થાય છે જયારે તે નેશનલ સિક્યોરિટીના નામે કેટલીક કંપનીઓને ધરાર પોતાની સિસ્ટમમાં વલ્નરેબિલિટી (ખામી) રાખવા દબાણ કરે છે અને જેથી તેના પર એટેક કરી શકે. ઇરાનની ન્યુક્લિયર ફેસિલિટી પરના હુમલામાં માઇક્રોસોફ્ટની આવી જ કોઈ ખામીનો ઉપયોગ થયો હોવાનું મનાય છે.
આ ગ્રૂપે વોરિયર પ્રાઇડ નામનું એક માલવેર વિક્સાવ્યું છે, જેની મદદથી કોઈ પણ વ્યક્તિના એન્ડ્રોઇડ કે આઈફોનમાં ઘૂસીને તેને તેઓ રીમોટ્લી ઓપરેટ કરી શકે છે, તેનો માઈક્રોફોન ઓન કરીને વાત સાંભળી શકે છે, તેમ જ તેનું લોકેશન પણ ટ્રેસ કરી શકે છે.
9. Dragonfly
પૂર્વ યુરોપ અને રશિયામાંથી સક્રિય આ ગ્રૂપ પણ એક સરકાર સમર્થિત ગ્રૂપ છે. આ ગ્રૂપ યુરોપના વિવિધ ઉદ્યોગો તથા પાવર ગ્રીડની કંટ્રોલ સિસ્ટમ અને પાવર ગ્રીડે હેક કરે છે. આ ગ્રૂપ મુખ્યત્વે સ્પીયર ફિશિંગ (જેમાં ટાર્ગેટ વિશે પહેલાં બધી માહિતી મેળવીને પછી એટેક કરવામાં આવે છે) અને વોટરિંગ હોલ (જેમાં કોઈ વેબસાઇટને વારંવાર વિઝિટ કરી, તેને ઇન્ફેક્ટ કરીને પછી એટેક કરવામાં આવે છે) એવી સ્ટ્રેટેજી અપનાવીને હુમલા કરે છે.
10. TeaMpOisoN
આ ગ્રૂપ, ૨૦૧૦માં ફક્ત ૧૬ વર્ષના એક ટીનએજરે શરૂ કર્યુ હતું. ‘નોલેજ ઇઝ પાવર’ એવી ટેગલાઇન સાથે આ ગ્રૂપે બ્રિટિશ ડિફેન્સ લીગની વેબસાઈટ હેક કરીને તહેલકો મચાવ્યો હતો. ત્યાંથી આગળ વધીને તેણે માર્ક ઝકરબર્ગના ફેસબુક પ્રોફાઈલ પેજને પણ હેક કર્યું હતું. આ ગ્રૂપે નાસા, નાટો વગેરેની સાઇટ્સને પણ હેક કર્યા પછી, તેના સૂત્રધારની ૨૦૧૨માં ધરપકડ થઈ હતી.
ભારતીય હેકર્સ ગ્રૂપ્સ
ભારતમાં પણ કેટલાંક હેકર્સ ગ્રૂપ્સ છે જે ‘ગ્રે હેટ હેકર્સ’ની કેટેગરીમાં આવે છે. એટલે કે તે ભારતના સાયબર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સલામત રાખવામાં પણ મદદ કરે છે ઉપરાંત અન્ય દેશ પર હુમલા પણ કરતા હોવાનું મનાય છે.
Hell Sheild Hackers: આ ગ્રૂપ ભારતનું સૌથી કુશળ હેકર્સ ગ્રૂપ મનાય છે. તેણે પાકિસ્તાની સરકારની સાઇટ્સ, બાંગ્લાદેશ સ્ટોક એક્સચેન્જ, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ, બાંગ્લાદેશ આર્મી વગેરે પર હેકિંગ એટેક કર્યા હોવાનું મનાય છે. એવું કહેવાય છે કે આ ગ્રૂપ એક રૂપિયા લીધા વિના ભારતની, ખાસ કરીને સરકારી સાઇટ્સને પ્રોટેક્શન આપે છે. નેટ ન્યુટ્રાલિટીની ઝુંબેશ વખતે પણ આ ગ્રૂપે પોતાનું યોગદાન આપેલું.
i -HoS: પાકિસ્તાન સરકાર એ સલામતી એજન્સીની વેબસાઈટને ટાર્ગેટ બનાવીને નામના મેળવનાર આ ગ્રૂપ ભારતના સૌથી જૂના હેકર્સ ગ્રૂપ્સમાંનું એક છે. આ ગ્રૂપે પાકિસ્તાન પીપલ્સ પાર્ટીની વેબસાઇટ હેક કરી હતી અને ૨૦૧૬માં જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના વિવાદ વખતે તેની વેબસાઈટ પણ હેક કરી હતી.
Indian Black Hats (IBH): આ હેકર્સ ગ્રૂપ ૧૦૦થી વધુ પાકિસ્તાની વેબસાઈટ હેક કરી ચૂક્યું હોવાનું મનાય છે.
આ ઉપરાંત ‘ટીમ હિન્દ’, ‘આસામ સાયબર વોરિયર્સ’, ‘કેસીડબલ્યુ’, ‘બેંગાલ સાયબર આર્મી’, ‘મલ્લુ સાયબર સોલ્જર્સ’ વગેરે નામે પણ કેટલાંક ભારતીય હેકર્સ ગ્રૂપ્સ સક્રિય છે.

