કલ્પના કરો કે તમે મિત્રો સાથે પિકનિક કે પાર્ટીમાં ગયા છો. તમારા ગ્રૂપે રાબેતા મુજબ સંખ્યાબંધ ગ્રૂપ સેલ્ફી લીધી અને ગ્રૂપમાંના બેચાર મિત્રોએ એ ફોટોગ્રાફ ફેસબુક પર શેર કર્યા.
અત્યાર સુધી એવું થતું હતું કે ફેસબુક પર ફોટોઝ અપલોડ કરનાર વ્યક્તિ એ ફોટોમાંના અન્ય મિત્રોને ટેગ કરે એટલે કે એ કોણ છે તે ફેસબુકને ઓળખાવે તો ફેસબુક એ અન્ય વ્યક્તિને એટલે કે આપણને જાણ કરે કે તમારા ફલાણા મિત્રે ફેસબુક પર તમારો ફોટો અપલોડ કર્યો છે અને તમને ટેગ કર્યા છે.
હવે ફેસબુક આમાં પરિવર્તન લાવે છે. હવે તમારા મિત્રે જે તે ફોટોગ્રાફમાં તમને ટેગ ન કર્યા હોય તો પણ જે ફોટોગ્રાફમાં તમે હો એ ફોટો ફેસબુકમાં અપલોડ થતાં ફેસબુકની સિસ્ટમ તમને ઓળખી જશે અને તમને જાણ કરશે કે ફેસબુક પર તમારો ફોટો અપલોડ થયો છે. તમે ઇચ્છો તો તેને અવગણી શકશો અથવા પોતાને ટેગ કરી શકશો.
આમ જુઓ તો આ કોઈ નવી વાત નથી કેમ કે ફેસબુક ૨૦૧૦થી ફેસિયલ રેકગ્નેશન ટેકનોલોજી એટલે કે ફોટોગ્રાફમાંના દરેકે દરેક પિક્સેલનું વિશ્લેષણ કરીને એ ફોટોગ્રાફમાંની વ્યક્તિઓના ચહેરા ઓળખવાની ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે. એટલે જ ફેસબુક પર આપણા કોઈ ફોટોગ્રાફ અપલોડ કરીએ ત્યારે ફેસબુકની સિસ્ટમ આપણન ફોટોમાં ક્યા મિત્રોને ટેગ કરવા તે સૂચવી શકે છે.
ફેસબુકના અપાર યૂઝર્સ રોજે રોજ ફેસબુક પર અઢળક ફોટોગ્રાફ્સ અપલોડ કરતા જ રહે છે તેથી ફેસબુક માટે પોતાના ટેકનોલોજીને વધુ ને વધુ સચોટ બનાવવાનું સહેલું બનતું જાય છે કારણ કે તેને પોતાના અલ્ગોરિધમ્સને ટ્રેઇન કરવા માટે વધુ ને વધુ ડેટા મળતો જાય છે.
ફેસબુકના દાવા મુજબ તેણે પોતાના યૂઝર્સનો ફેસબુકમાં વિશ્વાસ વધુ મજબૂત બનાવવા માટે આ પગલું ભર્યું છે. આ સારી સુવિધા હોવા છતાં, હંમેશા બને છે તેમ, પ્રાઇવસીને મુદ્દે તેનો વિરોધ પણ થઈ રહ્યો છે. ફેસબુકનું આ નવું ફિચર યુરોપિયન યુનિયન કે કેનેડાના યૂઝર્સને લાગૂ થશે નહીં.

