આગળ શું વાંચશો?
- રેડિયો સિગ્નલમાં અંતરાય
- રાઉટરથી ડિવાઇસનું અંતર
- રાઉટર પર વધુ પડતું ભારણ
- ખોટા વાઇ-ફાઇ નેટવર્ક સાથે જોડાણ
- રાઉટર કે અન્ય સાધનને અપગ્રેડ કરવાની જરૂર
જો તમે ઘરમાં રાઉટર વસાવ્યું હોય અને તેની મદદથી તમારા ઘરમાં પીસી, લેપટોપ અને મોબાઇલ ફોનમાં વાઇ-ફાઇ સિગ્નલથી કનેકશન મેળવતા હો તો તમારો અનુભવ હશે કે ઘણી વાર ઇન્ટરનેટ કનેક્ટિવિટી કોઈ કારણ વગર બંધ થાય અને થોડી વારમાં આપણે કશું કર્યા વિના પાછી ચાલુ પણ થઈ જાય!
આવું થવું બહુ સામાન્ય છે અને સદનસીબે તેના ઉપાય પણ પ્રમાણમાં સહેલા છે.
આપણે જાણીએ છીએ તેમ રાઉટર સુધી ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર કંપનીના કેબલ દ્વારા ઇન્ટરનેટ કનેકશનના સિગ્નલ મળે છે અને પછી રાઉટરથી આપણા ડિવાઇસ સુધી રેડિયો સિગ્નલ દ્વારા આપણને નેટ કનેક્ટિવિટી મળે છે. કોઈ કારણસર આ રેડિયો સિગ્નલમાં અંતરાય ઊભા થાય તો ઇન્ટરનેટ કનેકશન ખોટકાય છે.

જો તમે વારંવાર નેટ કનેક્ટિવિટી ડ્રોપ થવાનો અનુભવ કરતા હો તો નીચેનાં કારણો અને તેના ઉપાય તપાસી જુઓ.
રેડિયો સિગ્નલમાં અંતરાય
રેડિયો સિગ્નલ આપણને નરી આંખે દેખાતાં નથી પરંતુ જો દેખાતાં હોત તો આપણને ખ્યાલ આવત કે આપણે હવે રેડિયો સિગ્નલના ગાઢ વાદળો વચ્ચે જ જીવીએ છીએ!
રાઉટર અને ડિવાઇસ વચ્ચેનું અંતર શક્ય એટલું ઓછું રહે એ હિતાવહ છે. રાઉટરને ઘરની મધ્યમાં અને બન્ને એટલી ઊંચી જગ્યાએ રાખવાથી ઘરમાં ઘણી ખરી જગ્યાએ સારાં સિગ્નલ મેળવી શકાશે.
આપણા ઘરમાં ઇન્ટરનેટ રાઉટર ઉપરાંત કોર્ડલેસ ફોન, બ્લ્યુટૂથ સાધનો, માઇક્રોવેવ ઓવન વગેરે બધું રેડિયો સિગ્નલથી કામ કરતું હોય છે. જ્યારે આપણે આવું કોઈ સાધન ઓપરેટ કરીએ ત્યારે તેના સિગ્નલથી રાઉટરના સિગ્નલમાં અવરોધ થતાં નેટ કનેકશન ડ્રોપ થઈ શકે છે. આના ઉપાય તરીકે કોર્ડલેસ ફોન જેવા સાધનને ઇન્ટરનેટ રાઉટરથી શક્ય એટલું દૂર રાખી શકાય.
રાઉટરથી ડિવાઇસનું અંતર
વાઇ-ફાઇનાં સિગ્નલ જેમ અંતર વધે તેમ નબળાં પડતાં જાય છે. એ જ રીતે વચ્ચે દીવાલ જેવા અવરોધ આવતાં તેની ક્ષમતા ઘટે છે. આ કારણે રાઉટર અને ડિવાઇસ વચ્ચેનું અંતર શક્ય એટલું ઓછું રહે એ હિતાવહ છે.
રાઉટરને ઘરની મધ્યમાં અને બન્ને એટલી ઊંચી જગ્યાએ રાખવાથી ઘરમાં ઘણી ખરી જગ્યાએ સારાં સિગ્નલ મેળવી શકાશે.
રાઉટર પર વધુ પડતું ભારણ
ઘરમાં રાઉટરનું સ્થાન અને રેડિયો સિગ્નલવાળાં અન્ય સાધનોથી પૂરતું અંતર વગેરે બાબતોની ખાતરી કરવા છતાં તમને મોબાઇલમાં કે અન્ય સાધનમાં અપૂરતાં વાઇ-ફાઇ સિગ્નલ મળે તેવું બની શકે છે. તેનું દેખીતું કારણ છે રાઉટર પરનું ભારણ. જો ઘરમાં એક સાથે સંખ્યાબંધ સાધનો રાઉટરથી મળતાં વાઇ-ફાઇ સિગ્નલથી ઇન્ટરનેટ સાથે કનેક્ટ થતાં હોય તો આ સમસ્યા સર્જાઈ શકે છે.
કેબલમાંથી આવતા ઇન્ટરનેટ ડેટાનું પ્રમાણ નિશ્ચિત હોય છે. આપણે જેટલાં વધુ સાધનોથી તેનો ઉપયોગ કરીએ એટલો ઓછો ડેટા દરેક સાધનને મળે તે દેખીતું છે. એક સમયે નેટ સાથે કનેક્ટેડ સાધનોની સંખ્યા ઘટાડશો તો સારી સ્પીડ મળશે.
આ વાતને પાઇપમાં વહેતા પાણી સાથે સરખાવી શકાય. કેબલમાંથી આવતા ઇન્ટરનેટ ડેટાનું પ્રમાણ નિશ્ચિત હોય છે. આપણે જેટલાં વધુ સાધનોથી તેનો ઉપયોગ કરીએ એટલા ઓછા પ્રમાણમાં દરેક સાધનને ડેટા મળે તે દેખીતું છે.
આથી કોઈ એક સાધનમાં સારી ઇન્ટરનેટ કનેક્ટિવિટીની જરૂર હોય ત્યારે બીજાં સાધનોમાં થોડા સમય માટે વાઇ-ફાઇ કનેક્ટિવિટી બંધ કરી શકાય.
ઘરમાં કોઈ પોતાના લેપટોપ પર યુટ્યૂબમાં ફિલ્મ જોઈ રહ્યું હોય, કોઈ મોબાઇલમાં વીડિયો ગેમ રમી રહ્યું હોય, અન્ય કોઈ મોબાઇલમાં સીરિયલ જોઈ રહ્યું હોય કે ફેસબુક બ્રાઉઝ કરી રહ્યું હોય તો એ બધાને થોડો સમય અટકાવશો તો તમે તમારા લેપટેપ પર નેટબેંકિંગનું કામ વધુ ઝડપથી કરી શકશો!
ખોટા વાઇ-ફાઇ નેટવર્ક સાથે જોડાણ
તમે તમારા મોબાઇલમાં વાઇ-ફાઇ ઓન કરશો તો તમે જોશો કે તમારા પોતાના સિક્યોર્ડ નેટવર્ક ઉપરાંત બીજાં સંખ્યાબંધ નેટવર્ક પણ ઉપલબ્ધ હોવાનું જોવા મળશે.
ક્યારેક પડોશી સાથે વાટકી-વહેવારની જેમ, કોઈ વાર તમે પડોશીનો રાઉટર પાસવર્ડ થોડા સમય માટે માગ્યો હોય અને પડોશી પછી પોતાનો પાસવર્ડ ન બદલે, તો તમે એવું બની શકે કે તમે વાઇ-ફાઇ ઓન કરો તો એ સાથે તમે પડોશીના નેટવર્ક સાથે કનેક્ટ થઈ જાઓ.
આવે સમયે મફતમાં નેટ કનેક્ટિવિટીની લાલચ જતી કરીને એ કનેકશન બંધ કરીને તમારા પોતાના નેટવર્કમાં કનેક્ટ થવું વધુ સારું છે. પડોશીનું રાઉટર આપણા ડિવાઇસથી દૂર હોય અને વચ્ચે દીવાલો હોય તેથી દેખીતી રીતે તેનાં સિગ્નલ નબળાં હોય અને અનસિકયોર્ડ નેટવર્કનો ઉપયોગ ક્યારેય હિતાવહ નથી.
રાઉટર કે અન્ય સાધનને અપગ્રેડ કરવાની જરૂર
રાઉટર સાથે કનેક્ટ થતા દરેક કમ્પ્યુટર ડિવાઇસ ‘ડ્રાઇવર’ નામે ઓળખાતા એક નાનકડા સોફ્ટવેરનો ઉપયોગ કરતા હોય છે. આ સોફ્ટવેર અને રાઉટરમાંના ફર્મવેરનો તાલમેલ બગડે તો પણ નેટ કનેક્ટિવીટી અવિશ્વસનીય બને છે. આવા સ્થિતિમાં કોઈ જાણકાર કમ્પ્યુટર એન્જિનિયરની મદદ લઇને કમ્પ્યુટરના નેટવર્ક ડ્રાઇવર્સ અપડેટ કરી શકો અને અનિવાર્ય હોય તો રાઉટર બદલાવી પણ શકો.


