૧૧ જુલાઈ ૨૦૧૮ના ન્યૂઝમાં જાણવા મળ્યું, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના નામે ફ્રોડ કોલ કરીને ગ્રાહકોને છેતરતી એક ગેંગ ઝડપાઈ. આપણને અવારનવાર બેન્ક દ્વારા આવા કોઈ પણ ફોન કોલ્સના જવાબમાં આપણા એટીએમ પિન કે અન્ય કોઈ માહિતી ન આપવાની સૂચના અપાય છે, એ વિશે સમજ કેળવવા ટીવીમાં જાહેરાતો પણ શરૂ થઈ છે, છતાં, આવી ઘટનાઓ દેશમાં એકાદ ખૂણે કદાચ રોજ બનતી રહે છે.
બેન્ક તેમજ ક્રેડિટ કાર્ડ ફ્રોડ ઉપરાંત કેટલાય એવા જુદા જુદા પ્રકારના સાયબર ફ્રોડ ચાલે છે જેનાથી બચવું ખૂબ જરૂરી છે. માત્ર રૂપિયા ખાતર નહીં તમારી અંગત માહિતીની સલામતી માટે પણ.
આગળ શું વાંચશો?
- બેન્ક ફ્રોડ કોલિંગ (વિશિંગ )
- જોબ પોર્ટલના ફ્રોડ
- ટ્રાવેલ ઓફર ફ્રોડ
બેન્ક ફ્રોડ કોલિંગ (વિશિંગ )
જુલાઈ ૨૦૧૮ની આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે એસબીઆઇની બેન્કની એક બ્રાન્ચના આસિસ્ટન્ટ મેનેજરને જૂન મહિનામાં એક પછી એક ગ્રાહકોની ફરિયાદ મળવા લાગી. દરેકની સમસ્યા એક જ હતી અને તેમની છેતરાવાની રીત પણ એક જ હોવાથી બેન્કને શંકા ગઈ અને સાયબર પોલીસની મદદ માગી.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે દરેક ફ્રોડ કોલમાં ‘તમારું ક્રેડિટ કાર્ડ બ્લોક થઈ જશે’ એવી ચેતવણી આપી તેને અપડેટ કરવા માહિતી માગવામાં આવતી હતી. પછી એક બનાવટી વેબસાઇટના બનાવટી પોર્ટલ દ્વારા ગ્રાહક પાસેથી ઓટીપી ઉમેરવામાં આવતો અને ત્યાર બાદ તરત જ કસ્ટમરના એકાઉન્ટમાંથી અમુક રકમ કપાઈ જતી.
તપાસમાં જાણવા મળ્યું કે આ ટ્રાન્ઝેક્શન કોઈ એવી કંપનીમાં થતાં હતાં, જેની ફરિયાદોને જાણ ન હતી. આ ફેક કંપનીના ત્રણ એકાઉન્ટ હતા જે પેલા ફેક પોર્ટલ સાથે સંકળાયેલ હતા, જેથી કાર્ડના નંબર, ઓટીપી વગેરેનો ઉપયોગ કરી કસ્ટમરના કાર્ડનું પેમેન્ટ આ ત્રણ બેન્ક એકાઉન્ટમાં જમા કરાવી શકાય.
છેવટે સિકન્દરાબાદની આ કંપનીનો માલિક પકડાઈ ગયો. પોલીસે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે તેને દિલ્હીના એક કુખ્યાત ફ્રોડ માસ્ટર માઈન્ડે આ માટે તૈયાર કરેલો, જેની ૨૦૧૭માં આવા જ બેન્કના ફ્રોડ માટે દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી. તેણે આવી ફેક વેબસાઇટ, પોર્ટલ તેમજ બેન્કના નામે ભળતાં ડોમેઈન લઈ રાખેલા.
કૌભાંડીઓએ કસ્ટમરની સેન્સિટિવ ડિટેઇલ્સ જેમ કે એકાઉન્ટ નંબર, કાર્ડ નંબર, જન્મ તારીખ, ઓટીપી વગેરે મેળવવા માટે દિલ્હીની એક ડાઇરેક્ટ સેલ્સ એજન્સી સાથે ટાઈઅપ કર્યું. જેના માલિકોએ ગ્રાહકોને ભોળવીને તેમનાં ક્રેડિટ કાર્ડની વિગતો અને ઓટીપી મેળવવા માટે ૨૨ ટેલિકોલર્સને ફોજ કામે લગાડી હતી.
આ દરેક ટેલિકોલરને કસ્ટમરને ગિફ્ટની લાલચે ફસાવી, ક્રેડિટ કાર્ડ ડિટેઇલ તેમજ ઓટીપી મેળવવા બદલ રૂા. ૮૦૦નું ઈન્સેન્ટિવ પણ મળતું હતું!
અમારા મિત્ર વર્તુળમાં આ પ્રકારે થતી છેતરપીંડીનો એક રમૂજી બનાવ બન્યો હતો. આવો એક કોલ અમારા એક મિત્રને મળતાં, તેણે એકદમ સિફતથી, વાતવાતમાં ઇન્ફોર્મેશન આપવાના બહાને કોલ એકાદ કલાક લંબાવ્યો અને છેલ્લે ઓટીપી આપવાની ના પાડી દીધી, જેને કારણે સામેવાળી ‘મેડમ’નો પિત્તો ગયો અને તેણે સમય વેડફવા બદલ ગાળો બોલવાનું શરૂ કર્યું! ખરેખર બેન્કના તાલીમબદ્ધ કસ્ટમર એક્ઝિક્યુટિવનો ફોન હોય તો તે આવું વર્તન ક્યારેય ન કરે!
જોબ પોર્ટલના ફ્રોડ
જો તમે કોઈ જોબ પોર્ટલ પર એકાઉન્ટ બનાવ્યું હશે તો અવારનવાર જોબ માટે પ્રીમિયમ સર્વિસ ખરીદવા માટે તમને લલચાવતા કોલ્સ તમારા આવતા હશે. સામાન્ય રીતે, જો તમે આવી પેઇડ પ્રીમિયમ સર્વિસ ખરીદો, તો જે તે જોબ પોર્ટલ ઓછા સમયમાં વધુ સારી જોબ મેળવવામાં પેઈડ કસ્ટમરને અગ્રતાક્રમ આપી શકે.
આમાં કશું ખોટું નથી, પણ છેતરપીંડી કરનારા લોકો આનો લાભ લે છે. તેઓ આ પ્રકારના પોર્ટલ પરથી પેઈડ કસ્ટમરનો ડેટા યેન કેન પ્રકારે મેળવે છે. ત્યાર બાદ તે કસ્ટમરને (જેમણે પેઈડ સર્વિસ લીધી છે તેમને) કોલ આવે છે.
કોલમાં જણાવવામાં આવે છે કે જો આપ અમારી સર્વિસથી અસંતુષ્ટ છો તો અમે તમને ૧૦૦ ટકા રીફંડ આપીશું! હવે કેટલાક લોકો જેઓ આ પોર્ટલની સર્વિસથી ખરેખર અસંતુષ્ટ છે અથવા તો તેમને મનગમતી જોબ નથી મળી રહી તેઓ રીફંડ માટે તરત તૈયાર થઈ જાય છે.
ત્યાર બાદ ટેલિકોલર કસ્ટમરને વાતો વાતોમાં વિશ્વાસ અપાવે છે કે “અમે ગ્રાહક પ્રત્યે નિષ્ઠાવાન છીએ અને સર્વિસ ન આપી શકીએ તો પૈસા રિટર્ન કરીએ છીએ. ઉપરાંત અમે કોઈ ખાનગી માહિતી નથી માગવાના, જેમ કે તમારી બેન્ક ડિટેઇલ… વગેરે.
હવે શું થાય છે એ બરાબર સમજજો. ત્યાર બાદ ગ્રાહકને જણાવવામાં આવે છે કે “અમે તમને પૂરા રૂપિયા પરત આપીશું, પરંતુ અન્ય પેમેન્ટ સોર્સથી જેમ કે પેટીએમ, મોબિક્વિક, એરટેલ મની વગેરે. ત્યાર બાદ ટેલિકોલર ગ્રાહકને પોતાના તરફથી આવા જ એક પેમેન્ટ રિસોર્સનું એકાઉન્ટ નામ, ઈ-મેઇલ તેમજ નંબર સાથે મોકલે છે. તેમાં કસ્ટમર પાસે પોતાનું નામ ઉમેરાવે છે અને જણાવવામાં આવે છે કે “અમે આ નંબર સાથે સંકળાયેલ એકાઉન્ટ નંબર પર રૂપિયા મોકલીશું.”
મોબાઇલ વોલેટ્સનો ઉપયોગ હવે સૌ કરવા લાગ્યા છે, પણ તેની પૂરતી સમજ બધાને કેળવાઈ ન હોવાથી, ઘણા લોકો છેતરપીંડી કરનારે ઘડેલા ચક્રવ્યૂહમાં ફસાઈ જાય છે!
ત્યાર બાદ યેન કેન પ્રકારે સામેની વ્યક્તિને સમજાવી, તેને ‘એડ મની’ ઓપ્શનમાં જઈને ‘તમારે જેટલા રૂપિયાનું રીફંડ જોઈતું હોય તે રકમ લખો’ એમ કહી, પોતાના જ એકાઉન્ટમાં રૂપિયા ઉમેરાવે છે અને પછી કોલ ડિસકનેક્ટ થઈ જાય છે જે ફરી ક્યારેય કનેક્ટ નથી થતો!
મોબાઇલ વોલેટ્સનો ઉપયોગ હવે સૌ કરવા લાગ્યા છે, પણ તેની પૂરતી સમજ બધાને કેળવાઈ ન હોવાથી, ઘણા લોકો છેતરપીંડી કરનાર લોકોએ ઘડેલા ચક્રવ્યૂહમાં ફસાઈ જાય છે!
મોટા ભાગે આવું ચોરાયેલા સિમ કાર્ડને આધારે થતું હોય છે. આપણે ત્યાં આધાર કાર્ડ આવ્યા પહેલાં (કદાચ હજુ પણ) કોઈ પણના નામે કોઈ પણ માટે સીમકાર્ડ લઈ શકાય છે. આધાર કાર્ડ લિંક કરવાથીથી હવે આના પાર કદાચ અંકુશ આવી શકે.
આ ઉપરાંત વિદેશમાં નોકરી શોધતા લોકોને ખોટાં પ્રલોભનો આપીને કે વિઝાની પ્રોસેસ ફી કે એડવાન્સ મનીના નામે રૂપિયા પડાવવામાં ઓવ છે.
જોબ પોર્ટલ કે વિઝા કન્સલ્ટન્સી કંપની ભરોસાપાત્ર હોય, પણ તેનો કોઈ કર્મચારી રૂપિયા ખાતર આપણો ડેટા વેચતો હોય એવું બની શકે, એટલે કોઈ પણ પોર્ટલમાં આપણી માહિતી આપતી વખતે વિચારવા જેવું ખરું.
ટ્રાવેલ ઓફર ફ્રોડ
હરવું-ફરવું તો બધાને ગમે. એમાંય આપણે ગુજરાતી એટલે વિશ્વપ્રવાસી. વિશ્વના દરેક દેશમાં એક ગુજરાતી મળે ને મળે જ. હવે આવા આપણે ફરવાના શોખીન હોઈએ અને અચાનક આપણને એકાદ સારું ટુર પેકેજ મળી જાય તો? અને એ પણ ફ્રીમાં!
કેટલીક લેભાગુ કંપનીઓ આ ક્ષેત્રમાં પણ ગ્રાહકોને છેતરવા આવી ગઈ છે. આવી એક મોડસ ઓપરેન્ડી મુજબ આ પ્રકારની કંપનીઓના કેટલાક માણસો મોલ કે એવી જાહેર જગ્યાઓ પર કૂપન લઈને સ્ટોલ નાખે છે. આવતા-જતા ગ્રાહકોને ‘લકી વિનર બનો’, ‘ફ્રી દુબઈ ટુર’ વગેરેના નામે ફોર્મ ભરાવવામાં આવે છે.
ત્યાર બાદ ૨-૩ દિવસે ફરીથી તે ગ્રાહકને કોલ કરવામાં આવે છે અને દરેકને લગભગ ‘પહેલા નંબરનું ઇનામ લાગ્યું છે’ તેમ જણાવી ઓફિસ વિઝિટ કરી પ્રાઈઝ લેવા રૂબરૂ આવવાનું કહેવામાં આવે છે.
ત્યાર બાદ જ્યારે ગ્રાહક (હજુ બન્યો નથી તે) ઓફિસે આવે છે ત્યારે તેમને પ્રાઈઝ લેતાં પહેલાં અલગ અલગ પેકેજ ટુર વિષે જાણકારી આપવામાં આવે છે તેમજ આકર્ષક ગિફ્ટ કૂપન વગેરેની લાલચ આપવામાં આવે છે.
આ દરમિયાન એવી શરત રાખવામાં આવે છે કે જો તમે અત્યારે જ આ ઓફર સ્વીકારો છો તો જ તમને ફલાણું ફલાણું પેકેજ આ ભાવમાં મળશે.
સ્વાભાવિક છે કે હવે કોઈ મોટી રકમ રોકડમાં સાથે ન રાખતું હોવાથી ક્રેડિટ/ડેબિટ કાર્ડ સ્કેનર પણ તૈયાર જ રાખે છે. જેથી આવેલા ગ્રાહક પાસે રોકડ ન હોવાનું બહાનું ન બચે. એકદમ સ્માર્ટ સ્પીચ અને ‘જેન્યુઈન શો ઓફ’થી ગ્રાહકોને ભોળવી મોટું ટ્રાન્ઝેક્શન કરાવી લેવામાં આવે છે. આ રીતે થોડા સમય પછી ઓફિસ (જે પહેલેથી તેમની હોતી જ નથી) બંધ કરીને આખી ટોળકી અન્ડર ગ્રાઉન્ડથી જાય છે.
આવી કેટલીયે રીતે ગ્રાહકોના ફોન, ઈ-મેઇલ વેગેરે દ્વારા ક્રેડિટ/ડેબિટ કાર્ડ કે અન્ય પેમેન્ટ રિસોર્સથી પૈસા પડાવનારી આવી ટોળકીઓ હજુ સક્રિય છે. ગ્રાહક છેતરાય પછી અથવા તો ગ્રાહક સતર્ક થતો જાય છે તેમ તેમ આવા ફ્રોડ બહાર આવે છે. મોટા ભાગે આવા સાયબર ક્રિમિનલ્સ નાના-મોટા શહેરમાં પોતાનું સેટઅપ જમાવે છે અને નોકરી શોધતા યુવાનો કે સ્કૂલ કોલેજના વિદ્યાર્થીને કામચલાઉ ટ્રેનિંગ આપીને આ પ્રકારના સાયબર ક્રાઇમમાં ભાગીદાર બનાવે છે.
મિત્રો, એ જમાનો ગયો જ્યારે ‘દિલ્હીના ઠગ’થી સાવધાન રહેવાની સલાહ અપાતી! આજના સાયબરવર્લ્ડમાં દુનિયાના કોઈ પણ ખૂણેથી ઠગ તમને છેતરવાના અવનવા કીમિયા અજમાવી શકે છે, પણ જો આપણે સતર્ક રહીશું અને અન્યને પણ આ વિશે જાગૃત રહેવા સમજાવીશું તો તેમના ઈરાદા નિષ્ફ્ળ બનાવી શકશું.
શું કરી શકાય?
- બેન્કની વિગતો માગતા કોઈ પણ પ્રકારના કોલ દરમિયાન ક્રેડિટ કાર્ડ ડિટેઇલ, પિન કે ઓટીપી જેવી માહિતી આપવી નહીં. કાર્ડ બ્લોક કરવાનું કહે તો પણ નહીં (સાચા કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટિવ ક્યારેય કાર્ડ બંધ કરવાની ધમકી ન આપી શકે)
- કોઈ પણ પ્રકારના ફ્રાયનાન્શિયલ ટ્રાન્ઝેક્શનવાળા કોલ દરમિયાન રેકોર્ડિંગ શરૂ કરી શકાય, જેથી ભવિષ્યમાં કોઈ ફ્રોડ થાય તો આપણી પાસે સાબિતી રહે.
- ઈ-મેઇલ કે વેબસાઇટ લિંક પર ક્લિક કરતી વખતે ભળતા ડોમેઈન નેમ તથા ઈ-મેઇલ એડ્રેસથી સાવધાન રહેવું.
- બની શકે તો એકાદ વાર રૂબરૂ બેન્કમાં જઈને બેન્કનો સર્વિસ સેન્ટર નંબર, જેન્યુઈન ઈ-મેઇલ એડ્રેસ તથા કમ્પ્લેન નંબર પણ નોંધી લેવો.
- ફોન ખોવાય તો સિમ કાર્ડ તરત જ બ્લોક કરવું હિતાવહ છે.
- કદાચ જો ભૂલથી પિન અપાઈ ગયો હોય તો તરત જ બદલી નાખો.
- બેન્કની સિક્યોરિટી ગાઈડલાઇન્સને ધ્યાનથી સમજો અને અમલ કરો.
- કોઈ પણ ઇનામની લાલચમાં આવીને પરિવારના સભ્યોની માહિતી આપવી નહીં.
- કોઈ ફ્રોડ ટ્રાન્ઝેક્શન થાય તો આપની બેન્કમાં શું પ્રોસેસ છે, કઈ રીતે રિપોર્ટ કરવું તેની માહિતી પહેલેથી જ જાણી લો.
- શંકાસ્પદ કોલ કે ઈ-મેઇલ વારંવાર આવતા હોય તો નજીકના સાયબર ક્રાઇમ સેન્ટરનો સંપર્ક કરી શકો.


