આગળ શું વાંચશો?
- એપલ-ટ્રાઇ વચ્ચે ખેંચતાણ
- ટેસ્લા કંપની સ્માર્ટફોન વિક્સાવે છે
- જીમેઇલના કોન્ફિડેન્શિયલ મોડમાં ખામી
- ગૂગલની વિવિધ સર્વિસની ડિઝાઇનમાં ફેરફાર આવી રહ્યા છે
- ઓનલાઇન પેમેન્ટમાં ડેટા સ્ટોરેજની મડાગાંઠ
- સિંગાપોરમાં પબ્લિક હૉસ્પિટલ્સમાં નેટબંધી
- યુટ્યૂબમાં નવી સુવિધા
એપલ-ટ્રાઇ વચ્ચે ખેંચતાણ
થોડા સમય પહેલાં, એક આઇફોન અનલોક કરવાના મુદ્દે એપલ કંપની અને અમેરિકન સરકાર આમનેસામને આવી ગયાં હતાં. હવે એવું ભારતમાં થયું છે.
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)એ ફોનયૂઝર્સને સ્પામકોલ્સથી બચાવવા ડીએનડી નામે એક એપ બનાવી છે, પરંતુ આ એપ યૂઝરના કોલ અને મેસેજ રેકોર્ડ કરતી હોવાથી, એપલને તેમાં પ્રાઇવસીનું જોખમ લાગે છે. તેથી તેણે ટ્રાઇની એપને આઇઓએસ એપ સ્ટોરમાં મૂકવાની મંજૂરી આપી નથી (એન્ડ્રોઇડમાં આ એપ ઉપલબ્ધ છે!). ટ્રાઇએ ટેલિકોમ્સને સૂચના આપી છે કે જે ફોનકંપની યૂઝર્સને આ એપ ઇન્સ્ટોલ કરવાની મંજૂરી ન આપે તેને છ મહિનામાં નેટવર્ક પરથી દૂર કરવી.
એપલ અને ટ્રાઇ બંનેનો હેતુ યૂઝર્સને વધુ સલામતી આપવાનો છે એટલે આમાં કંઇક વચલો રસ્તો નીકળે એવી શક્યતા છે. એપલની લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમમાં યૂઝરને સ્પામ કોલિંગ સામે રક્ષણ આપતા ફીચર્સ ઉમેરાયાં છે તેને કારણે વચલો રસ્તો નીકળશે તેવી શક્યતા છે.
ટેસ્લા કંપની સ્માર્ટફોન વિક્સાવે છે
ટેસ્લા કંપનીના સ્થાપક અને મંગળ ગ્રહ પર વસાહતો સ્થાપવા સુધીના અવનવા વિચારોથી જાણીતા એલન મસ્ક હવે ટેસ્લાના સ્માર્ટફોન વિક્સાવી રહ્યા હોવાની વાત બહાર આવી છે.
આ પ્રોજેક્ટને ટેસ્લા ક્વાડ્રા નામ આપવામાં આવ્યું છે. આ ફોન એન્ડ્રોઇડના લેટેસ્ટ વર્ઝન પર, પણ ટેસ્લાના ફેરફારો સાથે ચાલે તેવી સંભાવના છે.
જીમેઇલના કોન્ફિડેન્શિયલ મોડમાં ખામી
જૂન ૨૦૧૮ના અંકમાં આપણે વાત કરી ગયા તે મુજબ જીમેઇલમાં હવે કોન્ફિડેન્શિયલ મોડ લોન્ચ થઈ ગયો છે જેને કારણે આપણે કોઈને મોકલેલા મેઇલ પર આપણો અંકુશ રહે છે પરંતુ હમણાં આ મોડમાં યૂઝરની પ્રાઇવસી અને સિક્યોરિટી સંબંધિત ખામીઓ હોવાનું બહાર આવ્યું છે.
ગૂગલની વિવિધ સર્વિસની ડિઝાઇનમાં ફેરફાર આવી રહ્યા છે
ગૂગલે હમણાં જીમેઇલની ડિઝાઇન અને ફીચર્સમાં મોટા ફેરફારો કર્યા, આમ છતાં, હજી તેમાં નવા, ખાસ કરીને ડિઝાઇનને લગતા ફેરફારો આવી રહ્યા છે. તેની સાથોસાથ ગૂગલ ડ્રાઇવ અને ગૂગલ ફોટોઝમાં પણ ટૂંક સમયમાં મોટા ફેરફારો જોવા મળશે. આ ત્રણેય સર્વિસ ગૂગલની સૌથી વધુ ઉપયોગમાં લેવાતી સર્વિસ છે.
એવું લાગે છે કે ગૂગલ તેની તમામ સર્વિસમાં, મોબાઇલ અને પીસી પર એક સરખો અનુભવ મળે એ રીતે ડિઝાઇનના ફેરફારો લાવી રહી છે.
ઓનલાઇન પેમેન્ટમાં ડેટા સ્ટોરેજની મડાગાંઠ
ભારતમાં ઓનલાઇન પેમેન્ટની સુવિધા આપતી સર્વિસીઝ વચ્ચે જોરદાર ઘમાસાણ મચ્યું છે. આ વર્ષે એપ્રિલ મહિનામાં રિઝર્વે બેન્કે જાહેર કર્યું હતું કે ભારતમાં પેમેન્ટની સુવિધા આપતી દરેક ઓનલાઇન સર્વિસે તેનો ડેટા ભારતમાંના સર્વરમાં જ સ્ટોર કરવો જોઈશે, જેથી ડેટાની સલામતી જળવાઈ રહે.
આ નિર્ણયથી પેટીએમને દેખીતો ફાયદો છે કેમ કે તેનો ડેટા ભારતનાં સર્વરમાં જ છે, પરંતુ વિઝા, માસ્ટરકાર્ડ, અમેરિકન એક્સેસ, ગૂગલ તેઝ, વોટ્સએપ (ફેસબુક) વગેરે માટે આ નિર્ણય તકલીફભર્યો છે. આ કંપનીઝે આ નિર્ણય સામે વાંદો ઉઠાવ્યો છે.
હવે આવી રહેલા અહેવાલો મુજબ, ભારત સરકાર ડેટા સ્ટોરેજના મુદ્દે કેટલીક છૂટછાટો આપે તેવી શક્યતા છે. વોટ્સએપમાં પેમેન્ટની વ્યવસ્થાને મંજૂરી આ કારણે જ અટવાઈ પડી છે.
ભારતમાં ઓનલાઇન પેમેન્ટ માર્કેટ હાલના ૫૨ અબજ ડોલરથી ૧૦ ગણું વધીને વર્ષ ૨૦૨૦ સુધીમાં ૫૦૦ અબજ ડોલરના આંકે પહોંચી જાય તેવી શક્યતા છે.
સિંગાપોરમાં પબ્લિક હૉસ્પિટલ્સમાં નેટબંધી
સિંગાપોરમાં પબ્લિક હેલ્થકેર સેન્ટર્સ પર સાયબર હુમલાઓને કારણે આ સેન્ટર્સનાં કમ્પ્યુટર્સને ઇન્ટરનેટથી ડિસકનેક્ટ કરી દેવાં પડ્યાં છે. સિંગાપોર સરકારે ૨૦૧૬થી જ સરકારી અધિકારીઓની વેબ એક્સેસ પર અંકુશ મૂકવાનું શરૂ કરી દીધં હતું. આ વર્ષે, જૂન ૨૦૧૮માં ખુદ વડા પ્રધાન સહિત ૧૫ લાખ દર્દીઓનો ડેટા ચોરાઈ ગયા પછી, સરકારે હૉસ્પિટલ્સ માટે નેટ કનેક્શન સદંતર બંધ કરી દેવાનો નિર્ણય કર્યો.
યુટ્યૂબમાં નવી સુવિધા
એપલનાં ડિવાઇસમાં યુટ્યૂબનો ઉપયોગ કરતા ફક્ત ૧ ટકા યૂઝર્સ સાથે, યુટ્યૂબે ‘એક્સ્પ્લોર’ ટેબનું ટેસ્ટિંગ શરૂ કર્યું છે. આ ટેબને કારણે યૂઝર્સને ‘તેમને ગમી શકે તેવા’ વીડિયો બતાવવામાં આવશે.
જો તમે ઇન્સ્ટાગ્રામ પર સક્રિય હો તો તમે જાણતા હશો કે તેમાં ‘ફોર યુ’ નામે કંઈક આવી જ સુવિધા છે. યુટ્યૂબમાં કહેવાતા લોકપ્રિય વીડિયોની ભરમાર વચ્ચે ખરેખર આપણને ગમે તેવા વીડિયો શોધવા મુશ્કેલ બન્યા છે ત્યારે આ સુવિધા ઉપયોગી થઈ શકે છે.
એપલ કંપનીએ હમણાં બેંગાલુરુ ખાતેની તેની ફેક્ટરીમાં આઇફોન એસઇનું ઉત્પાદન શરૂ કર્યા પછી હવે આઇફોન ૬એસ બનાવવાનું પણ શરૂ કર્યું છે. હજી હમણાં જ સેમસંગ કંપનીએ પણ દિલ્હી નજીક, વિશાળ પ્રોડક્શન ફેસિલિટી શરૂ કરી છે.
સીડની એરપોર્ટ પર પેસેન્જર્સનો ચહેરો જ તેમનો પાસપોર્ટ અને બોર્ડિંગ પાસ બને એવી રીતે માત્ર ફેસિયલ રેકગ્નેશન ટેકનોલોજીને આધારે પ્લેન સુધી પહોંચવાની બધી પ્રક્રિયા પૂરી કરવાની પ્રાયોગિક ધોરણે શરૂઆત કરવામાં આવી છે.
જો તમે આઇફોનમાં વોટ્સએપનો ઉપયોગ કરતા હો, તો હવે તમે સિરીની મદદથી, વોઇસ કમાન્ડ આપીને તમારા વોટ્સએપ ગ્રૂપ્સમાં મેસેજીસ મોકલી શકો છો! વોટ્સએપ ખોલીને મેસેજ ટાઈપ કરવાની જરૂર રહેશે નહીં.

