પૃથ્વીને પ્લાસ્ટિકથી કેવું નુક્સાન થઈ રહ્યું છે તે વિશ્વ સમક્ષ લાવવા ‘નેશનલ જ્યોગ્રાફિક’એ ‘પ્લાસ્ટિક કે પ્લેનેટ?’ નામે એક ઝુંબેશ ઉપાડી છે. તેના ભાગરૂપે, તેની વેબસાઇટ પર એક ઇન્ટરએક્ટિવ પેજ તૈયાર કરીને આપણા સૌના ઘર-ઘરથી મહાસાગર સુધી પહોંચતા પ્લાસ્ટિકની આંચકાજનક સફર દર્શાવવામાં આવી છે. એ પેજ પર આપેલી માહિતી અને તસવીરો…
આપણી આસપાસ નજર દોડાવીએ તો એ વાત માની પણ ન શકાય કે માંડ એકાદ સદી પહેલાં, પ્લાસ્ટિક શું છે એ કોઈ જાણતું પણ નહોતું. આજે પ્લાસ્ટિક ચોતરફ છે. આપણી આધુનિક જિંદગી જાણે એનાથી જ શક્ય છે. જિંદગી બચાવતાં મેડિકલ ડિવાઇસીઝથી માંડીને કાર્સ, કમ્પ્યુટર્સ, ફોન્સ, સ્પેસશીપ્સના પાર્ટ્સથી માંડીને શોપિંગ બેગ્સ બધે જ પ્લાસ્ટિક છે.
પ્લાસ્ટિકથી સુવિધા પાર વગરની છે, પણ પર્યાવરણ માટે એ પ્લેગ સમાન છે, ખાસ કરીને આપણા મહાસાગરો માટે, જે પૃથ્વીની છેલ્લી ગટર છે. છેલ્લી એક સદીમાં માણસે ૯.૨ અબજ ટન પ્લાસ્ટિક પેદા કર્યું છે (જેમાંથી ઘણું ખરું ૧૯૬૦ના દાયકા પછી જ) અને એમાં ૬.૯ અબજ ટન પ્લાસ્ટિક આજે કચરો છે. એ કચરામાંથી – ધ્યાનથી વાંચજો – ૬.૩ અબજ ટન પ્લાસ્ટિક ક્યારેય રિસાયકલ થયું નથી. ૨૦૧૭માં વિજ્ઞાનિકો આ તારણો પર પહોંચ્યા ત્યારે તેઓ પણ હેબતાઈ ગયા હતા.
રિસાયકલ થયા વિનાનું કેટલું પ્લાસ્ટિક મહાસાગરોમાં ઠલવાય છે એ સ્પષ્ટ નથી, પણ જમીન પરનો બહુ મોટા પ્રમાણનો પ્લાસ્ટિક કચરો, ખાસ કરીને એશિયામાં, જમીન પર કચરાના ઢગમાં ઠલવાય છે અથવા નદીઓમાં જાય છે અને ત્યાંથી દરિયામાં પહોંચે છે.
નિષ્ણાતો માને છે કે આખા વિશ્વના દરિયાકાંઠે, દરેક ફૂટ પર પ્લાસ્ટિકનો કચરો ભરેલી પાંચ કરિયાણા કોથળી પડી હોય એના જેવી આ સ્થિતિ છે. આ પ્લાસ્ટિકને બાયોડીગ્રેડ થતાં એટલે પર્યાવણમાં ભળી જતાં ઓછામાં ઓછા ૪૫૦ વર્ષ લાગે છે અથવા તે પછી પણ પ્લાસ્ટિક બાયોડીગ્રેડ થતું જ નથી.

આખરે શું થાય છે પ્લાસ્ટિકનું?
આપણે જે ફેંકી દઈએ છીએ એ પ્લાસ્ટિકનું આખરે શું થાય છે એ બતાવતું એક ઇન્ફોપેજ નેશનલ જ્યોગ્રાફિકે તૈયાર કર્યું છે.
પીસી કે મોબાઇલમાં તમે આ પેજ ઓપન કરશો એટલે સૌથી પહેલાં, એક દરિયાકાંઠે વિખરાયેલા પડેલા પ્લાસ્ટિકના કચરાનો વીડિયો જોવા મળશે.
એની અસર પચાવીને આપણે પેજને સ્ક્રોલ ડાઉન કરીએ એટલે જાણવા મળે કે આ દરિયાકાંઠો હેન્ડરસન આઇલેન્ડ નામના એક નાના ટાપુનો છે, જે પૃથ્વી પરના સૌથી વિશાળ અને સૌથી ઊંડા પ્રશાંત મહાસાગરમાં આવેલો છે.
આ ટાપુ પર કોઈ માનવવસતિ નથી. માનવ વસતિવાળાં મોટાં શહેરો તેનાથી પૂરા ૩૦૦૦ માઇલ દૂર છે, છતાં સંશોધકો માને છે કે આખી દુનિયામાં આ ટાપુ પર સૌથી વધુ ગીચ પ્રમાણમાં કચરો જમા થાય છે.
અહીં દરેક ચોરસ મીટર જગ્યામાં સરેરાશ ૬૭૨ કચરાની ચીજવસ્તુ જોવા મળે છે. શરૂઆતના વીડિયોમાં દરિયાકાંઠે આપણે જે કચરો જોયો તેમાં દેખાતી દરેક ચીજવસ્તુ સામે બીજી બે વસ્તુ તો રેતીમાં દટાયેલી છે.
માનવ વસતિથી આટલે દૂર, આ નાના અમથા ટાપુ પર આટલો કચરો ક્યાંથી આવ્યો?
પેજને આગળ સ્ક્રોલ ડાઉન કરતાં, પૃથ્વી પર કચરો કેવી રીત હેન્ડલ થાય છે તેની વિગતો જાણવા મળે છે. દરિયાકાંઠો ધરાવતા દેશોમાંથી કેટલો કચરો દરિયામાં ઠલવાય છે તેની ગણતરી, સંશોધકોએ ૨૦૧૫માં માંડી. આ પ્રકારનો કચરો મિસમેનેજ્ડ કચરો ગણાય છે, એટલે એવો કચરો જેનો યોગ્ય નિકાલ થયો નથી.
પેજમાં આગળ વધતાં દુનિયાનો નક્શો જોવા મળે છે, જે બતાવે છે કે પૂર્વ એશિયાના વિકાસશીલ દેશો સૌથી વધુ મિસમેનેજ્ડ વેસ્ટ પેદા કરે છે – વર્ષે ૧૦,૦૦૦ ટનથી પણ વધુ. ભારતમાં સ્થિતિ કંઈક સારી છે, આ નક્શા પ્રમાણે આપણા દેશના જુદા જુદા ભાગ દર વર્ષે સરેરાશ ૧૦૦થી ૯૯૯ ટન એવો કચરો પેદા કરે છે જે અંતે મહાસાગરમાં ઠલવાય છે.
નક્શાને આમતેમ ડ્રેગ કરીને, વિશ્વના અલગ અલગ ભાગમાં આ બાબતે કેવી સ્થિતિ છે તે જોઈ શકાય છે.
આગળ વધતાં, આ જ વાત જરા જુદી રીતે નક્શા પર જોઈ શકાય છે (જુઓ ઉપરની તસવીર). નેશનલ જ્યોગ્રાફિક કહે છે કે નદીમાં સીધો જ કચરો ઠાલવવા ઉપરાંત, જમીન પર રહી ગયેલો કચરો પણ વરસાદી પાણી સાથે વહીને મોટા વોકળા કે ઉપનદીના રસ્તે મોટી નદીમાં પહોંચે છે અને ત્યાંથી દરિયામાં ઠલવાય છે.
વધુ આગળ જતાં, મહાસાગરોમાં સૌથી વધુ કચરો ઠાલવતી ટોચની ૨૦ નદી વિશે જાણવા મળે છે. દરિયામાં દર વર્ષે જેટલો કચરો ઠલવાય છે તેનો લગભગ ૬૬ ટકા ભાગ આ નદીઓ જમીન પરથી ખેંચી લાવતી હોય છે. આ ટોચની ૨૦માંથી ૧૫ નદી એશિયાની છે, જે કુલ ૮૬ ટકા કચરો દરિયામાં જવા માટે જવાબદાર છે.
કમનસીબે, આ યાદીમાં ગંગા નદી પણ છે.
અહીંથી આગળ પેજ સ્ક્રોલ કરતાં, આપણે માની ન શકીએ એવો વીડિયો જોવા મળશે (જુઓ ઉપરની તસવીર).
ફિલિપાઇન્સની રાજધાની મનિલાની પેસિગ નદી, પૃથ્વી પરની સૌથી પ્રદૂષિત નદીઓમાંની એક છે. વીડિયોમાં, આ નદી સાથે મળતો એક વોકળો જોવા મળે છે, જે વાસ્તવમાં ઝૂંપડપટ્ટી વચ્ચેના રસ્તા જેવો લાગે છે અને પ્લાસ્ટિક કચરાથી ખીચોખીચ ભરેલો છે.
૨૦૦૪માં આ આખા વિસ્તારમાં સલામત રીતે કચરો ડમ્પ કરવા કોઈ જગ્યા જ બચી નહીં અને તેને પરિણામે પેસિગ નદી કચરાથી ઉભરાવા લાગી. ગંગાની જેમ પેસિગનું સફાઈ અભિયાન ચાલે છે, પણ પરિણામ આપણી નજર સામે છે. જોકે આગળ જતાં જાણવા મળે છે કે પૃથ્વી પરની સૌથી પ્રદૂષિત નદી ચીનની યાંગ્ઝે છે, જે હજારો માઇલમાં પથરાયેલા વિસ્તારમાંથી કચરો મેળવીને અંતે પૂર્વ ચીનના દરિયામાં ઠાલવે છે.
હજી આગળ વધતાં, મહાસાગરમાં કચરો કઈ રીતે પાણીના પ્રવાહ તથા ચક્રવાતોમાં ઘૂમરીએ ચઢીને જુદા જુદા ટાપુઓના દરિયાકાંઠે કેવી રીતે પહોંચે છે તેનું સિમ્યુલેશન જોઈ શકાય છે. શરૂઆતમાં જેની વાત કરી તે હેન્ડરસન ટાપુ પર આ રીતે કચરો પહોંચે છે.
વાતનો અહીં અંત આવતો નથી. હજી આગળ વધતાં વધુ એક વીડિયો જોવા મળે છે. ઇન્ડોનેશિયાના બાલી પાસેના સમુદ્રમાં એક ડાઇવરે લીધેલા આ વીડિયોમાં, એક પ્રકારની માછલીના મોંમાં જતો કચરો જોઈ શકાય છે (જુઓ ઉપરની તસવીર).
ચોતરફ તરતા કચરા વચ્ચે તરી રહેલી માછલીનો આ વીડિયો જોયા પછી સમજાય કે દર વર્ષે દરિયામાં ઠલવાતા પ્લાસ્ટિકથી લાખો દરિયાઇ જળચરોનું કેવું નિકંદન નીકળી રહ્યું હશે.
આપણા ઘર પાસે પ્લાસ્ટિકની કોથળીઓ ગળી જતી ગાયથી શરૂ કરીને બાલીના દરિયામાં કચરો ગળતી આ માછલી સુધી નિરંકુશ ચાલતી પ્લાસ્ટિકની સફર બતાવે છે કે ઉપયોગી પ્લાસ્ટિકનું યોગ્ય રીતે મેનેજમેન્ટ ન કરીને આપણે પર્યાવરણને કટલું ગંભીર નુક્સાન પહોંચાડી રહ્યા છીએ.
નેશનલ જ્યોગ્રાફિકના આ ઇન્ટરએક્ટિવ પેજ અને સમગ્ર ઝુંબેશ માટે જુઓઃ https://www.nationalgeographic.com/environment/planetorplastic/

